તાતા મોટર્સ પરિણામ પૂર્વે ઘટાડામાં, નબળાં રિઝલ્ટમાં સોનાટા સૉફ્ટવેર સવાદસ ટકા લથડ્યો
પ્રતીકાત્મક તસવીર
ઝોમાટોનો નફો બે કરોડથી વધીને ૨૫૩ કરોડ આવતાં શૅર તેજીમાં રહેવાની ધારણા : તાતા મોટર્સ પરિણામ પૂર્વે ઘટાડામાં, નબળાં રિઝલ્ટમાં સોનાટા સૉફ્ટવેર સવાદસ ટકા લથડ્યો : ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝનું દમદાર લિસ્ટિંગ, થાણેની ક્લીનટેક લૅબમાં ધારણાથી નબળું વળતર : ન્યુનતમ પબ્લિક હોલ્ડિંગના નિયમમાં સરકારી કંપનીઓને બે વર્ષની રાહત મળી, પીએસયુ શૅરોમાં કોઈ અસર ન જોવાઈ : સારાં પરિણામમાં કોલ ઇન્ડિયા નવા શિખર સાથે મજબૂત, સનફાર્મા નવી ટૉપ બનાવી માઇનસમાં : બીએસઈનો શૅર વધુ આગળ વધ્યો, અદાણી એનર્જી ૧૨ ટકા કે ૧૩૭ની તેજીમાં દોઢ વર્ષના બેસ્ટ લેવલે બંધ : બજારમાં તાતા મોટર્સનો સારો દેખાવ, ૫૧૪૯ કરોડની અપેક્ષા સામે ૫૫૬૬ કરોડનો નેટ પ્રૉફિટ, શૅર આજે વધવા સંભવ
જીવન અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પર ૧૮ ટકાનો જીએસટી ટૅક્સ રદ કરાવવા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મેદાનમાં ઊતર્યા છે. આ ટૅક્સ નાબૂદ થાય તો સૌથી વધુ રાહત મિડલ ક્લાસને થશે. હવે મિડલ ક્લાસમાં ખરેખર હિંમત હોય તો ગડકરીના સમર્થનમાં શેરીઓમાં ઊતરવું જોઈએ, પરંતુ અમને ખબર છે કે તેઓ આવું નહીં કરે. આપણો મિડલ ક્લાસ સાવ નપાણિયો અને નપાવટ છે. બાવા-બાબાઓ, મહંત-મઠાધીશોની ભક્તિ અને લાલાઓની ચમચાગીરી કરવા સિવાય એનામાં બીજી કોઈ ત્રેવડ નથી. ઑફિસમાં સેક્સ અને બેડરૂમમાં ટૅક્સની વાતો માંડવા સિવાય બીજી કશી આવડત નથી. અન્યથા વર્ષોથી બજેટમાં કેવળ મિડલ ફિંગર મળતી રહી છે એવું થયું નહોત. જીએસટી સામે વરિષ્ઠ ભાજપી નેતા ગડકરીના ખુલ્લા પત્રના પરિણામે બજેટના વખાણે ચડેલી જમાતનાં લૂગડાં ઊતરી ગયાં છે. બજેટને ૧૦માંથી ૧૦ આપી આરતી ઉતારનાર ઉદય કોટક જેવાઓના કૉલર પકડવાનો સમય આવી ગયો છે. એક અન્ય કિસ્સામાં અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસને ૩૨,૦૦૦ કરોડ રૂપિયાની કરચોરી બદલ જીએસટીની નોટિસ મળી છે અને મોદી સરકારના પ્રબળ સમર્થક મોહનદાસ પાઇ લાલઘૂમ થઈ ગયા છે. મોહનદાસ ઇન્ફીના સંસ્થાપકમાંના એક છે. એ કંપનીમાં સીએફઓ હતા. કંપની વર્ષદહાડે ૨૬,૦૦૦ કરોડનો નફો કરે છે અને કરચોરીની નોટિસ ૩૨,૦૦૦ કરોડની મળે છે. સરકારી ટૅક્સ ડિપાર્ટમેન્ટ કયો માલ ફૂંકે છે એ જ સમજાતું નથી. બાય ધ વે, ચાઇનાએ ઈસ્ટર્ન લદાખ ખાતેના પાંગોંગ લૅક પર છેવટે બ્રિજ બાંધી દીધો છે. એના કારણે ચાઇનીઝ આર્મી અને ટેન્કોની અવરજવર ૧૨ કલાકના બદલે હવે માત્ર ૪ કલાકમાં શક્ય બનશે. સરહદી સુરક્ષાના મુદ્દે આ મામલો ઘણો ગંભીર છે, પણ સરકાર કેટલી ગંભીર છે એની તો તેને જ ખબર.
ADVERTISEMENT
અમેરિકન ફેડ તરફથી ફુગાવો કાબૂમાં રહેવાની પૂર્વશરત સાથે મિડ સપ્ટેમ્બરમાં મળનારી બેઠકમાં વ્યાજદર ઘટાડવાની હૈયાધારણ અપાઈ છે, જેમાં નવું કંઈ નથી. આગામી સપ્તાહે ઘરઆંગણે રિઝર્વ બૅન્ક પણ ઊંચા ફૂડ ઇન્ફ્લેશનને જોતાં રેટ-કટનો મુદ્દો પાછો ઠેલી દેશે એમ મનાય છે.
બ્રોકરેજ હાઉસના બુલિશ વ્યુ વચ્ચે મહિન્દ્ર ટૉપ લૂઝર બન્યો
પાવરગ્રીડ વૉલ્યુમ સાથે ૩૬૨ના શિખરે જઈ ૩.૬ ટકા વધી ૩૬૧ના બંધમાં બન્ને બજારમાં મોખરે હતો. NTPC ૧.૮ ટકા વધી ૪૨૩ના બેસ્ટ લેવલે બંધ હતો. કોલ ઇન્ડિયાએ ૫૪૩૬ કરોડની ધારણા સામે ૧૦,૯૪૩ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૫૪૨ની ઑલટાઇમ હાઈ બતાવી ૩.૫ ટકા વધી ૫૪૦ નિફ્ટી ખાતે બંધ હતો. અદાણી પોર્ટ્સ ૧.૩ ટકા, અદાણી એન્ટર. દોઢ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, ONGC ૨.૩ ટકા, તાતા કન્ઝ્યુમર દોઢ ટકા પ્લસ હતા. HDFC બૅન્ક ૧.૪ ટકા વધી બજારને ૧૫૪ પૉઇન્ટ ફળી છે. પરિણામ પાછળ મહિન્દ્ર ૨.૭ ટકા બગડી ઘટાડામાં મોખરે હતો. તાતા સ્ટીલે ૫૧ ટકાના વધારામાં ૯૬૦ કરોડ નજીક નેટ પ્રૉફિટ કર્યો છે. અપેક્ષા ૧૦૨૫ કરોડની હતી. શૅર ૧.૪ ટકા ઘટ્યો છે. ૩૨,૦૦૦ કરોડની કરચોરીની નોટિસમાં ઇન્ફોસિસ નીચામાં ૧૮૪૫ થઈ પોણો ટકો ઘટીને ૧૮૫૨ હતો. રિલાયન્સ પોણો ટકો વધી ૩૦૩૨ નજીક હતો. એની ૫૧ ટકા માલિકીની સબસિડિયરી સળંગ ૧૧મા દિવસે તેજીની સર્કિટમાં ૫ ટકા ઊછળી ૧૧૯૮ની ટોચે જઈ ત્યાં બંધ રહી છે. મારુતિ દમદાર પરિણામ પછી ૧૩,૬૭૫ની વિક્રમી સપાટી નોંધાવી પ્રૉફિટ બુકિંગમાં ૧૩,૧૨૦ થઈ એક ટકો વધીને ૧૩,૩૦૧ હતો. સનફાર્માએ ૨૫૭૯ કરોડની ધારણા સામે ૨૮૩૬ કરોડના નેટ નફા સાથે સારી કામગીરી બજાવી છે. ભાવ ૧૭૪૬ના બેસ્ટ લેવલે જઈ નજીવો ઘટીને ૧૭૧૬ હતો. અદાણી પોર્ટ્સ દ્વારા ૬૦૦ કરોડના વનટાઇમ ગેઇન સહિત ૪૭ ટકાના વધારામાં ૩૧૧૩ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ થતાં ભાવ ઉપરમાં ૧૬૦૪ વટાવી સવા ટકો વધીને ૧૫૮૯ થયો છે. હીરો મોટોકૉર્પ નીચામાં ૫૩૨૫ થઈ ૨.૩ ટકા કે ૧૨૪ રૂપિયા બગડીને ૫૩૭૦ બંધ આવ્યો છે. પરિણામ ૧૩ ઑગસ્ટે આવવાના છે.
ફીનિક્સ મિલ્સમાં બોનસ, MTNL સતત મંદીની સર્કિટમાં
સોનાટા સૉફ્ટવેરની ત્રિમાસિક આવક ૧૫ ટકા વધવા છતાં નેટ પ્રૉફિટ ૧૨ ટકા ઘટી ૧૦૫ કરોડ આવતાં શૅર નીચામાં ૬૫૭ થઈ ૧૦.૩ ટકા ખરડાઈ ૬૬૪ બંધ થયો છે તો ઝગલ પ્રીપેઇડ રિઝલ્ટના જોરમાં આઠ ટકા ઊછળી ૩૬૩ હતો. ડેટામૅટિક્સને પરિણામ નડતાં ભાવ નીચામાં ૫૯૨ થઈ ૭.૯ ટકા લથડી ૬૦૦ રહ્યો છે. જ્યુબિલન્ટ ફાર્મા ૮૭૬ની ટૉપ બનાવી ૧૨ ટકાના ઉછાળે ૮૬૭ થયો છે. ડેરિવેટિવ્ઝ સામે સેબીની કડકાઈથી ગેલમાં આવેલા BSEનો શૅર ગઈ કાલે ૨૬૬૦ થઈ ૩.૪ ટકાની આગેકૂચમાં ૨૬૪૩ થયો છે. CDSL અઢી ટકા ઘટ્યો છે. ઑઇલ ઇન્ડિયાનાં પરિણામ ૮મીએ છે. શૅર ૩.૮ ટકા ઊંચકાઈ ૫૯૯ બંધ થયો છે. સરકારી વીમા કંપની ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૪.૭ ટકા તો જનરલ ઇન્શ્યૉરન્સ ૪ ટકા ડાઉન હતા. પીએસયુ માટે ન્યુનતમ પબ્લિક હોલ્ડિંગના અમલની ડેડલાઇન સરકારે લંબાવી ઑગસ્ટ ૨૦૨૬ સુધીની કરી છે. જોકે ગઈ કાલે ઊંચું સરકારી હોલ્ડિંગ ધરાવતી કંપનીઓના શૅરમાં આની ખાસ અસર દેખાઈ નથી. એલઆઇસી સામાન્ય સુધરી છે. MMTC બે ટકા, આઇટીડીસી ચાર ટકા, એસટીસી ૩.૭ ટકા ઘટ્યા છે. MTNL સતત ૪થી નીચલી સર્કિટે પાંચ ટકા તૂટી ૭૯ થઈ છે.
ફીનિક્સ મિલ્સે શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે, પણ માર્જિનમાં ઘટાડા સાથે નેટ પ્રૉફિટ સાડાત્રણ ટકા ઘટી ૨૩૨ કરોડ થતાં શૅર નીચામાં ૩૫૦૧ થઈ છેવટે નજીવો ઘટી ૩૫૮૨ બંધ હતો. રાઇસ કંપની KRBLનો નેટ નફો ૫૫ ટકા ગગડી ૮૬ કરોડ આવતાં ભાવ ૭.૪ ટકા લથડી ૨૯૪ થયો છે. ઝોમાટોએ અગાઉના બે કરોડની સામે આ વખતે જૂન ક્વૉર્ટરમાં ૨૫૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. પરિણામ બજાર બંધ થવાના ટાંકણે આવ્યાં હતાં. શૅર ૨૩૮ની સર્વોચ્ચ સપાટી બનાવી બે ટકા ઊંચકાઈ ૨૩૪ બંધ હતો. શુક્રવારે તેજી આગળ વધશે. તાતા મોટર્સ રિઝલ્ટ પૂર્વે ૧૧૭૬ની ઇન્ટ્રા-ડે હાઈથી ઘટી એક ટકાની નબળાઈમાં ૧૧૪૪ બંધ આવ્યો છે.
ગુરુવારે ત્રણ SME ઇશ્યુ લિસ્ટિંગમાં ગયા છે. ગાંધીનગરની ટ્રોમ ઇન્ડ. ૧૧૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૫૪ના પ્રીમિયમ સામે ૨૧૮ ખૂલી ઉપલી સર્કિટમાં ૨૨૯ ઉપર બંધ થતાં ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. અમદાવાદી અપ્રમેય એન્જિનિયરિંગ ૫૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૩ના પ્રીમિયમની તુલનામાં ૭૨ ખૂલી ૭૫ બંધ થતાં ૩૦.૩ ટકાનું તો થાણેની ક્લીનટેક લૅબ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૬૫ના પ્રીમિયમ સામે ૧૧૫ ખૂલી ૧૨૧ નજીક બંધ થતાં ૨૫.૮ ટકાનું રિટર્ન મળ્યું છે.
કામકાજના ૨૨૦ દિવસમાં નિફ્ટી ૨૦થી ૨૫ હજાર થયો
ઑલટાઇમ હાઈના ચાળે ચડેલાં બજારે ગુરુવારે એક નવો માઇલસ્ટોન સર કર્યો છે. સેન્સેક્સે ૮૨,૦૦૦ અને નિફ્ટીએ ૨૫,૦૦૦નું લેવલ બતાવી દીધું છે. આગલા બંધથી ૨૦૮ પૉઇન્ટ પ્લસમાં, ૮૧,૯૫૦ નજીક ખૂલ્યા પછી સેન્સેક્સ તરત ૮૨,૧૨૯ થયો હતો. નિફ્ટી ૨૫,૦૭૮ વટાવી ગયો હતો અને એની સાથે જ હળવી લપસણીની ચાલ શરૂ થઈ ગઈ હતી, જેમાં સેન્સેક્સ નીચામાં ૮૧,૭૦૦ અને નિફ્ટી ૨૪,૯૫૬ દેખાયો હતો. બજાર છેવટે સાધારણ સુધારે બંધ રહ્યું છે. સેન્સેક્સ ૧૨૬ પૉઇન્ટ વધી ૮૧,૮૬૮ તો નિફ્ટી ૬૦ પૉઇન્ટ વધી ૨૫,૦૧૧ બંધ આવ્યો છે. બંધની રીતે ઑલટાઇમ હાઈનો ૪ દિવસનો સિલસિલો જારી રહ્યો છે. માર્કેટકૅપ ૭૫,૦૦૦ કરોડ ઘટી હવે ૪૬૧.૬૩ લાખ કરોડ થયું છે. મિડકૅપ તથા બ્રૉડર માર્કેટ નવી ટૉપ બનાવી ઘટાડામાં બંધ હતા. સ્મૉલકૅપ બેન્ચમાર્ક ૩૮૬ પૉઇન્ટ ડાઉન હતો. પાવરગ્રીડ ૩.૬ ટકા વધી ૩૬૧ અને અદાણી એનર્જી ૧૨ ટકાની તેજીમાં ૧૨૭૪ના શિખરે બંધ થતાં યુટિલિટી ઇન્ડેક્સ ૨૮માંથી ૨૫ શૅર ઘટવા છતાં બે ટકાની આગેકૂચમાં બેસ્ટ લેવલે જોવાયો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૭ ટકા, કૅપિટલ ગુડ્સ સવા ટકો, નિફ્ટી મીડિયા ૧.૯ ટકા, ઑટો ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી મેટલ નજીવો નરમ હતો.
નિફ્ટી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩માં પ્રથમ વાર ૨૦,૦૦૦ થયો હતો. ત્યાંથી ૨૫,૦૦૦ થવામાં એને કામકાજના ૨૨૦ દિવસ લાગ્યા છે. ૫૦૦૦ પૉઇન્ટ કે ૨૫ ટકાના આ વધારામાં ભારતી ઍરટેલ, રિલાયન્સ, ટીસીએસ, તાતા મોટર્સ, ONGC, સ્ટેટ બૅન્ક, મહિન્દ્રા, ICICI બૅન્ક, એનટીપીસી તથા ઇન્ફી જેવા ૧૦ શૅરનો સિંહફાળો છે. HDFC સિક્યૉરિટીઝના રિસર્ચ હેડ દેવર્ષ વકીલ માને છે કે હવે પછી જે ૫૦૦૦ પૉઇન્ટનો વધારો નિફ્ટીમાં થશે એની આગેવાની બૅન્કિંગ, ઑટો તથા આઇટીની હશે. ગઈ કાલે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. NSEમાં વધેલા ૭૮૪ શૅર સામે ૧૫૮૮ જાતો ઘટી છે. કૉગ્નીઝન્ટે ધારણા કરતાં થોડોક સારો દેખાવ કરતાં એના ગાઇડન્સિસમાં સુધારો કર્યો છે જેની અસરમાં નૅસ્ડૅક અઢી ટકા વધીને બંધ થયો હતો. એશિયા ખાતે તાઇવાનીઝ માર્કેટ પણ એની પાછળ બે ટકા ઊંચકાયું છે, સામે જપાન અઢી ટકા બગડ્યું હતું. સિંગાપોર એક ટકો નરમ તો ઇન્ડોનેશિયા એક ટકો પ્લસ હતું. અન્યત્ર વધ-ઘટ સાંકડી હતી. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં પોણાથી એક ટકો ઢીલું દેખાયું છે. હમાસ કમાન્ડરની હત્યાથી અખાતી વિશ્વમાં તનાવનો માહોલ છે. બ્રેન્ટ ક્રૂડ અઢી ટકા વધી ૮૧ ડૉલરની નજીક સરક્યું છે.

