Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર પ્રારંભિક સુધારા બાદ ઉપરથી ૯૪૮ પૉઇન્ટ ઘટીને નજીવી નરમાઈમાં

બજાર પ્રારંભિક સુધારા બાદ ઉપરથી ૯૪૮ પૉઇન્ટ ઘટીને નજીવી નરમાઈમાં

Published : 22 May, 2026 09:37 AM | IST | Mumbai
Anil Patel

ધનકુબેરની કંપની સ્પેસએક્સનો વિશ્વનો સૌથી મોટો ઇશ્યુ આવવાની તૈયારીમાં : સ્પેસએક્સનું લિસ્ટિંગ થતાં ૧૨ જૂન આસપાસ ઈલૉન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલ્યનેર બનશે : Q-લાઇન બાયોટેકનો શૅરદીઠ ૩૪૩ના ભાવનો ૨૧૪ કરોડનો લાર્જેસ્ટ SME ઇશ્યુ પ્રથમ દિવસે જ ચાર ગણો છલકાયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ગ્રાસિમ પરિણામ પાછળ ઑલટાઇમ હાઈ, અપોલો હૉસ્પિટલ નવા બેસ્ટ લેવલે
  2. રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપને પગલે ડૉલર સામે રૂપિયામાં ૮ દિવસની નરમાઈ અટકી
  3. મિડ-જૂન આસપાસ ઈલૉન મસ્ક વિશ્વનો પ્રથમ ટ્રિલ્યનેર બનશે

વિશ્વના નંબર વન ધનકુબેર ઈલૉન મસ્કની સ્પેસએક્સ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો પબ્લિક ઇશ્યુ લાવવા સાબદી બની છે. આ અગાઉ સાઉદી અરેબિયાની આર્મકો તરફથી ૨૦૧૯માં સૌથી મોટો ૨૯૪૦ કરોડ ડૉલરનો IPO કરવામાં આવ્યો હતો. મસ્કની સ્પેસએક્સના ઇશ્યુની સાઇઝ ૭૫ અબજ ડૉલર આસપાસની મુકાય છે જે પોણાબેથી બે લાખ ડૉલરનું વૅલ્યુએશન સૂચવે છે. લિસ્ટિંગ અમેરિકામાં નૅસ્ડૅક ખાતે ૧૨ જૂન આજુબાજુ થશે. ઈલૉન મસ્કની નેટવર્થ હાલમાં ૬૭૬ અબજ ડૉલરની છે. સ્પેસએક્સનું લિસ્ટિંગ મસ્કને વિશ્વનો પ્રથમ ટ્રિલ્યનેર બનાવશે. મજાની વાત એ છે કે જેનું વૅલ્યુએશન બે લાખ ડૉલર આસપાસનું મુકાય છે એ સ્પેસએક્સની ૨૦૨૫ના વર્ષની આવક ૧૮૬૭ કરોડ ડૉલર રહી છે. કંપનીએ ઑપરેટિંગ લેવલે ૪૯૦ કરોડ ડૉલરની ખોટ કરી છે. ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક ૪૬૯ કરોડ ડૉલર થઈ છે, નેટ લૉસ ૪૨૮ કરોડ ડૉલરની છે.

ઈરાન સાથે શાંતિ-સમજૂતી નજીકમાં હોવાના ગબારામાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૧૦૪ ડૉલરે આવ્યું છે. એશિયા ખાતે સાઉથ કોરિયા ૮.૪ ટકા, તાઇવાન સવાત્રણ ટકા, જપાન ૩ ટકા વધ્યું છે. યુરોપ એકથી પોણાબે ટકાના આગળના દિવસના સુધારા બાદ ગઈ કાલે રનિંગમાં સાધારણ ઘટાડામાં હતું. સેન્સેક્સ ૪૧૪ પૉઇન્ટ વધીને ૭૫,૭૩૨ ખૂલી છેવટે ૧૩૫ પૉઇન્ટ ઘટીને ૭૭,૫૧૮૩ તથા નિફ્ટી ચાર પૉઇન્ટ ઘટીને ૨૩,૬૫૫ ગઈ કાલે બંધ થયો છે. ડૉલર સામે સતત ૮ દિવસની ખરાબીમાં આગલા દિવસે ૯૬.૮૩ના વર્સ્ટ લેવલે બંધ થયેલો રૂપિયો ગઈ કાલે રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરીમાં ૯૬.૩૦ ખૂલી મજબૂતીમાં ૯૫.૯૯ થઈ રનિંગમાં ૬૫ પૈસા વધીને ૯૬.૨૦ જોવા મળ્યો છે. બજાર પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા પછી ઉપરમાં ૭૫,૯૪૬ થઈને નીચામાં ૭૪,૯૯૭ દેખાયું હતું. હેલ્થકૅર ઑલટાઇમ હાઈની હૅટ ટ્રિકમાં ૪૮,૦૮૬ વટાવી ૧૮૭ પૉઇન્ટ વધીને ૪૭,૮૫૭ હતો. કૅપિટલ ગુડ્સ સવા ટકો, રિયલ્ટી એક ટકો, ટેલિકૉમ બેન્ચમાર્ક પોણો ટકો અપ થયો છે. ITમાં અડધા ટકાની નરમાઈ હતી.



ગ્રાસિમનો નફો ૨૮ ટકા વધીને ૩૮૦૨ કરોડ થતાં શૅર ૩૧૮૦ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સવાછ ટકા કે ૧૮૩ રૂપિયા વધીને ૩૧૫૪ના બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. ક્રૂડની નરમાઈમાં ઇન્ડિગો દોઢા કામકાજે ૩.૨ ટકા કે ૧૩૪ વધી ૪૩૯૮ના બંધમાં સેન્સેક્સમાં મોખરે હતી. રિલાયન્સ આગલા દિવસના ઉછાળા બાદ પોણો ટકો ઘટીને ૧૩૫૦ની અંદર હતી. બજાજ ઑટો બે ટકા, ટ્રેન્ટ ૧.૯ ટકા તથા ભારત ઇલેક્ટ્રિક પોણાબે ટકા વધી હતી. બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા ઘટી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, તાતા કન્ઝ્‍યુમર ૧.૧ ટકા, ઇન્ફોસિસ સવા ટકો, ભારતી ઍરટેલ એક ટકો ઘટી છે. પ્રોટીન ઈગોવનો નફો ૫૩ ટકા કે ૧૧ કરોડ વધીને ૩૧ કરોડ આવતાં શૅર ૧૨ ગણા વૉલ્યુમે ૧૦૯ રૂપિયા કે ૨૦ ટકા ઊછળી ૬૫૪ બંધ થયો છે. ઇપેક ડ્યુરેબલ સાડાનવ ટકા તૂટીને ૨૩૩ બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. 


હનીવેલ ઑટોમેશન વૉલ્યુમ સાથે ૪૭૨૪ રૂપિયા ઊછળી

અપોલો હૉસ્પિટલ્સે માર્ચ ક્વૉર્ટરમાં ૧૮ ટકા વધારામાં ૬૬૦૫ કરોડની આવક અને ૩૬ ટકા જેવા વધારામાં ૫૨૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ગઈ કાલે ૮૩૮૮ની ટૉપ બતાવી ૨.૮ ટકા વધી ૮૩૦૮ થયો છે. અગાઉ ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સ તરીકે ઓળખાતી સમ્માન કૅપિટલે ૩૫.૬ ટકા ઘટાડામાં ૧૩૫૮ કરોડ નજીકની આવક પર અગાઉની ૩૨૪ કરોડની નેટ લૉસ સામે આ વખતે ૮૧૦૧ કરોડ ચોખ્ખી ખોટ કરી છે. કંપનીએ વિવિધ ફાઇનૅન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ૨૯૫૮ કરોડનું ઇમ્પેરમેન્ટ કર્યું છે. વન-ટાઇમ લૉસ ૬૪૯૯ કરોડની બતાવી છે. શૅર ઉપરમાં ૧૫૮ વટાવી પોણાનવ ટકા ઊછળી ૧૫૪ બંધ થયો છે.


હનીવેલ  ઑટોમેશને ૬ ટકા જેવા વધારામાં ૧૧૮૧ કરોડ નજીકની આવક પર સવાચૌદ ટકાના વધારામાં ૧૬૦ કરોડ નજીક નેટ નફો મેળવીને શૅરદીઠ ૧૧૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૫,૭૬૯ થઈ ૧૫.૭ ટકા ઊછળી ૩૪,૮૯૬ બંધ હતો. વ્હર્લપૂલ ઇન્ડિયાની આવક પોણાનવ ટકા વધીને ૨૧૮૧ કરોડ થઈ છે, પણ નેટ નફો ૩૨.૭ ટકા ગગડીને ૮૦ કરોડ નોંધાયો છે. ભાવ નીચામાં ૮૩૨ થઈ ૩.૮ ટકા વધીને ૮૮૯ રહ્યો છે.

ટીમલીઝ દ્વારા સવાબે ટકાના વધારામાં ૨૯૨૫ કરોડની આવક પર ૨૫.૬ ટકા વધારામાં ૪૪ કરોડ નજીકનો ત્રિમાસિક ચોખ્ખો નફો દર્શાવાયો છે. કંપનીએ શૅરદીઠ ૧૬૦૦ના ભાવે બાયબૅક નક્કી કર્યું છે. શૅર ઉપર ૧૪૩૩ થઈ ત્રણેક ટકા ઘટી ૧૩૭૨ હતો. મેટ્રો બ્રૅન્ડ્સની આવક ૨૦.૩ ટકા વધીને ૭૭૩ કરોડ તથા નફો ૨૩.૫ ટકા વધી ૧૧૮ કરોડ નજીક આવ્યો છે. શૅર ઉપરમાં ૧૧૨૮ થઈને સવાછ ટકા વધી ૧૧૧૧ રહ્યો છે. 

ITCના નફા માર્જિન પર સિગારેટ-ટૅક્સનું ભારણ

ડોમિનો પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સની માર્ચ ક્વૉર્ટરની આવક ૧૯ ટકા વધી ૨૪૯૯ કરોડ તથા નેટ નફો ૬૭ ટકા વધીને ૮૨૪૨ લાખ થયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૩૪ બતાવી ૭.૮ ટકા તૂટી ૪૩૬ હતો. ઓલા ઇલેક્ટ્રિક તથા લેન્સકાર્ટનાં પરિણામ બુધવારે બજાર બંધ થવાના ટાંકણે આવ્યાં હતાં. લેન્સકાર્ટની આવક ૪૫.૬ ટકા વધવા છતાં નફો સાડાઆઠ ટકા ઘટીને ૨૦૦ કરોડ થયો છે. શૅર આગલા દિવસે સવા ટકા ઘટાડામાં ૪૮૭ નજીક બંધ થયા પછી ગઈ કાલે ઉપરમાં ૫૧૬ થઈ અઢી ટકા વધીને ૪૯૯ રહ્યો છે, તો ઓલા ઇલેક્ટ્રિકની ત્રિમાસિક આવક ૫૭ ટકા જેવી ઘટીને ૨૬૫ કરોડ થઈ છે. સામે નેટ લૉસ અગાઉના ૮૭૦ કરોડથી ૫૦૦ કરોડ નોંધાઈ છે. આગલા દિવસે એકાદ ટકો સુધરી ૩૭ નજીક બંધ રહેલો શૅર ગઈ કાલે ૩૫ની અંદર જઈ પોણાચાર ટકા તૂટીને ૩૫.૫૩ હતો.

ગુરુવારે ટેક્નિકલ ફાઇબર્સની આવક દોઢેક ટકાના ઘટાડામાં ૪૨૬ કરોડ થઈ છે, નેટ નફો ૧૯.૫ ટકા ઘટીને ૫૭૩૦ લાખ આવ્યો છે. શૅર નીચામાં ૬૦૪ થઈ બે ટકા ઘટીને ૬૨૩ હતો. જેકે લક્ષ્મી સિમેન્ટ્સ દ્વારા ૧૯૦૧ કરોડની ફ્લૅટ રેવન્યુ પર ૨૯.૪ ટકાના ઘટાડામાં ૧૨૪ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર નીચામાં ૬૦૨ બનાવી ત્રણ ટકા તૂટી ૬૧૬ થયો છે.

ITC લિમિટેડ રિઝલ્ટ પૂર્વે ઉપરમાં ૩૧૧ વટાવી દોઢા કામકાજે નામ પૂરતા સુધારામાં ૩૦૮ બંધ રહ્યો છે. બજાર બંધ થયા બાદ કંપનીએ સવાત્તર ટકાના વધારામાં ૨૧,૬૯૪ કરોડની આવક પર પાંચ ટકા વધારામાં ૫૧૧૩ કરોડ નેટ નફો કરી શૅરદીઠ ૮નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. અગાઉના માર્ચ ક્વૉર્ટરમાં ૧૫,૧૭૯ કરોડના વનટાઇમ ગેઇનને ગણતરીમાં લઈએ તો આ વેળા નફો ૭૪ ટકાનો ઘટાડો બતાવે છે. 

વલસાડની ગૌતમ એક્ઝિમ આજે એક્સ-સ્પ્લિટ થશે

વલસાડની ગૌતમ એક્ઝિમ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં આજે બાવીસમી મેએ એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે નીચામાં ૩૧૧ થઈ બે ટકા ઘટી ૩૧૭ બંધ થયો છે. અહીં મજાની વાત એ છે કે કંપનીએ ૨૮ માર્ચે એક શૅરદીઠ ત્રણ શૅરના મેઇડન બોનસની જાહેરાત કરી હતી. હજી સુધી એની રેકૉર્ડ ડેટ નક્કી કરી નથી. મૂળ ઇન્ડસ્ટ્રિયલનું ટ્રેડિંગ તેમ જ આયાત કરતી આ કંપની જૂન ૨૦૧૭ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૪૦ના ભાવથી ત્રણ કરોડનો BSE SME IPO લાવી હતી. ૨૦૧૭ની ૧૧ જુલાઈએ લિસ્ટિંગમાં ભાવ ૪૪ નજીક બંધ થયો હતો. પ્રમોટર્સ તરીકે રાજકુમાર અગ્રવાલ પાસે ૬૧.૫ ટકા અને પરમેશ્વર ઓઝા પાસે ૧૧.૪ ટકા માલ છે. બાકીના ૩૭૭ શૅરહોલ્ડર્સમાંથી ૩૫૫ જેટલા નાના રોકાણકારો પાસે ૧૪ ટકા હોલ્ડિંગ છે. ૨૦૨૧ની ૧ સપ્ટેમ્બરે ભાવ ૧૭.૫૫ના ઑલટાઇમ તળિયે ગયો હતો તો ૨૦૨૬ની ૧ એપ્રિલે શૅર ૩૬૯ ઉપરના બેસ્ટ લેવલે ગયો હતો. હાલમાં ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૪૩.૩૦ રૂપિયા જેવી છે. અત્યારે ઇક્વિટી ૩૦૮ લાખની છે જે બોનસ બાદ વધશે. રિઝર્વ માર્ચ ૨૦૨૫ના અંતે ૧૦૨૩ લાખ હતી એમાં બોનસ પછી ૯૨૪ લાખનો ઘટાડો થશે. નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ૩૭૮ કરોડની આવક મેળવ્યા બાદ કંપનીની રેવન્યુ સતત ગગડીને ૨૦૨૪-’૨૫માં ૩૫.૩૧ કરોડ પર આવી ગઈ  છે. નેટ નફો ૨૦૨૧-’૨૨માં ૧૦૦ લાખ હતો એ ગગડીને ૧૩ લાખ રહ્યો છે. શૅર હાલમાં ૮૭૫ના અવાસ્તવિક રીતે ઊંચા PE પર ચાલે છે. વર્ષ પૂર્વે ૨૧ મેએે શૅરનો ભાવ ૧૨૨ હતો. કંપનીની શૅરદીઠ કમાણી કે EPS માત્ર ૩૬ પૈસા છે. કંપનીએ છેલ્લે ૨૦૧૮-’૧૯ના વર્ષ માટે ૧૦ ટકાનું ડિવિડન્ડ આપ્યું હતું. ત્યાર પછી ડિવિડન્ડ નથી.

ચેન્નઈની MR મણિવેલી ફૂડ્સ આજે મૂડીબજારમાં

આજે શુક્રવારે ચેન્નઈની MR મણિવેલી ફૂડ્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ બાવનની અપર બૅન્ડમાં ૨૭૦૪ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. માર્કેટમેકર માટે એક કરોડનો શૅર છે. QIB પોર્શન ૪૯.૬ ટકા તથા રીટેલ પોર્શન ૩૫.૦૬ ટકા છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની કઠોળ તેમ જ અન્ય ઍગ્રી કૉમોડિટીઝનું મિલિંગ, પ્રોસેસિંગ પૅકેજિંગ તથા વેચાણનું કામ કરે છે. કંપનીએ ૨૦૨૪-’૨૫ના વર્ષમાં ૩૧.૩ ટકા વધારામાં ૨૦૩ કરોડ પ્લસની આવક પર ૮૯.૪ ટકા વૃદ્ધિદરથી ૪૧૩ લાખ નેટ નફાની આવક તથા ૩૩૪ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું ૨૨૪૦ લાખનું છે. મર્ચન્ટ બૅન્કરનો ટ્રૅક-રેકૉર્ડ કંગાળ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બેથી પોણાચાર રૂપિયા છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૯૫૭ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.

ગઈ કાલે પ્રથમ દિવસે લખનઉની Q-લાઇન બાયોટેકનો ૧૦ના શૅરદીઠ ૩૪૩ની અપરબૅન્ડ સાથે ૨૧૪ કરોડ પ્લસનો લાર્જેસ્ટ SME ઇશ્યુ રીટેલમાં ૩.૪ ગણા સહિત કુલ ચારેક ગણો, બાયોમેડિકલ લૅબોરેટરીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો ૫૨૪૩ લાખનો ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૭૨ ટકા તથા ઑટરો ફર્નિશ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૪૧ના ભાવનો ૧૪૬૦ લાખનો ઇશ્યુ રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ ૩૬ ટકા ભરાયો છે. Q-લાઇન બાયોમાં પ્રીમિયમ ૧૧૩ બોલાય છે. ચાલુ SME ઇશ્યુમાં હરિકાન્તા ઓવરસીઝ અત્યાર સુધીમાં કુલ ૭ ટકા તથા વિગોરામાં પંજાબી કુલ સવાચાર ગણો ભરાયો છે. ટિમટેક ફૉર્મવર્ક્સનો પાંચના શૅરદીઠ ૬૩ના ભાવનો ૫૦૧૫ લાખનો NSE SME IPO રીટેલમાં ૫.૯ ગણો તથા કુલ ૭ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 09:37 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK