Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં આખા દિવસનો સુધારો છેલ્લા દોઢ કલાકમાં ભૂંસાઈ ગયો

બજારમાં આખા દિવસનો સુધારો છેલ્લા દોઢ કલાકમાં ભૂંસાઈ ગયો

Published : 04 July, 2025 09:00 AM | Modified : 07 July, 2025 06:59 AM | IST | Mumbai
Anil Patel

ગુરુવારે પાંચેપાંચ ભરણાંનું લિસ્ટિંગ નીરસથી નબળું ગયું : છેલ્લા ત્રણ દિવસમાં લિસ્ટેડ થયેલાં ૧૭ ભરણાંમાંથી માત્ર એલનબેરી અને HDB ફાઇનૅન્સમાં ઝમક

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ગુરુવારે પાંચેપાંચ ભરણાંનું લિસ્ટિંગ નીરસથી નબળું ગયું : છેલ્લા ત્રણ દિવસમાં લિસ્ટેડ થયેલાં ૧૭ ભરણાંમાંથી માત્ર એલનબેરી અને HDB ફાઇનૅન્સમાં ઝમક : ડીસીએમ શ્રીરામ જંગી વૉલ્યુમે ૧૮૬ની તેજીમાં નવા શિખરે, ઓલા ઇલેક્ટ્રિકમાં સતત નવા નીચા ભાવ : ગેબ્રિયલ ઇન્ડિયા અને રાઇપ્સ પ્રૉફિટ બુકિંગમાં નરમ, રેમન્ડ લિમિટેડ પાંચ ટકા ડાઉન : સર્દા મોટર, કૂલ કૅપ્સ, કન્ટેનર કૉર્પ, રેમસ ફાર્મા તથા આયરિશ ક્લોધિંગ્સ આજે એક્સ-બોનસ થશે : અંધેરીની મેટા ઇન્ફોટેક ૧૬૧ના ભાવે આજે SME IPO કરશે


એશિયન બજાર ગુરુવારે એકંદર પ્લસમાં બંધ થયાં છે. સાઉથ કોરિયા સવા ટકો, થાઇલૅન્ડ એક ટકો, તાઇવાન અડધો ટકો મજબૂત હતું. સામે હૉન્ગકૉન્ગ અડધા ટકા જેવું ઘટ્યું છે. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે નીરસ જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૩૦,૩૪૪ના આગલા બંધ સામે ૧,૩૧,૩૨૫ની નવી વિક્રમી સપાટી બનાવી રનિંગમાં ૩૩૧ પૉઇન્ટના સુધારે ૧,૩૦,૬૭૫ ચાલતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૬૯ ડૉલરે ટકેલું છે. બિટકૉઇન ઉપરમાં ૧,૧૦,૧૫૦ ડૉલર બતાવી રનિંગમાં ૧,૦૯,૬૯૧ ડૉલર દેખાતો હતો. હવે અહીં નવી ટોચની હારમાળા શરૂ થવાની તૈયારી છે.



સેન્સેક્સ આગલા બંધથી ૧૪૦ પૉઇન્ટના સુધારામાં ૮૩,૫૪૧ નજીક ખૂલી છેવટે ૧૭૦ પૉઇન્ટના ઘટાડે ૮૩,૨૩૯ અને નિફ્ટી ૪૮ પૉઇન્ટની કમજોરીમાં ૨૫,૪૦૫ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ દિવસનો મોટો ભાગ માર્કેટ પ્લસમાં હતું જેમાં શૅરઆંક ઉપરમાં ૮૩,૮૫૦ દેખાયો હતો. છેલ્લો દોઢેક કલાક સુધારો સાફ થવાનો હતો, શૅરઆંક નીચામાં ૮૧,૧૮૭ની અંદર આવી ગયો હતો. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૫૦ શૅર સામે ૧૪૭૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૫૫,૦૦૦ કરોડ રૂપિયા ઘટી ૪૬૦.૨૭ લાખ કરોડ રૂપિયાની નીચે ગયું છે.


બજારના સેક્ટોરલ સીમિત વધઘટે મિશ્ર વલણમાં હતા. મેટલ બેન્ચમાર્ક અને પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, રિયલ્ટી તથા ટેલિકૉમ અડધો ટકો ડાઉન હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો સુધર્યો હતો. સર્દા મોટર, કૂલ કૅપ્સ, રેમસ ફાર્મા તથા આયરિશ ક્લોધિંગ્સ એક શૅરદીઠ એક બોનસમાં અને કન્ટેનર કૉર્પો. ૪ શૅરદીઠ એક બોનસમાં આજે શુક્રવારે એક્સ-બોનસ થશે.

આ ઉપરાંત કૂલ કૅપ્સ અને પારસ ડિફેન્સ એક્સ-સ્પ્લિટ પણ આજે જ થવાની છે. વિશેષમાં એસ્ટેક લાઇફ સાયન્સ અને ટીટી લિમિટેડ શુક્રવારે એક્સ-રાઇટ થશે.


પ્રાઇમરી માર્કેટમાં ક્રીઝેક લિમિટેડનો બેના શૅરદીઠ ૨૪૫ની ઇશ્યુ પ્રાઇસવાળો ૮૬૦ કરોડનો ઑફર ફૉર સેલ ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨.૯ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૭ ચાલે છે. SME સેગમેન્ટમાં ક્રાયોજેનિક OGSનો શૅરદીઠ ૪૭ના ભાવનો ઇશ્યુ પ્રથમ દિવસે ૨૪.૭ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ બાવીસ થયું છે, જ્યારે હૅપી સ્ક્વેર આઉટ સૉર્સિંગ કે વાઇટ ફોર્સનો શૅરદીઠ ૭૬ના ભાવનો ઇશ્યુ કુલ ૩૭ ટકા જ પ્રથમ દિવસે ભરાયો છે. પ્રીમિયમ પાંચ બોલાય છે. શુક્રવારે અંધેરી-ઈસ્ટ ખાતેની મેટા ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૧૬૧ની અપર બૅન્ડ સાથે કુલ ૮૦૧૮ લાખનો BSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૪થી શરૂ થયા બાદ હાલમાં ૨૯ રૂપિયા બોલાઈ રહ્યું છે.

ઍડકાઉન્ટી અને નીતુ યોશીના SME IPOનું લિસ્ટિંગ આજે થશે

ગુરુવારે જે પાંચ આઇપીઓ લિસ્ટેડ થયા છે એમાં મેઇન બોર્ડની ઇન્ડોગલ્ફ ક્રૉપ સાયન્સિસ શૅરદીઠ ૧૧૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૧૮ના પ્રીમિયમ સામે ૧૧૧ ખૂલી નીચલી સર્કિટે ૧૦૫ થઈ ૧૧૧ નીચે બંધ થતાં ૩૦ પૈસાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. SME સેક્ટરમાં એઇસ અલ્ફાટેક શૅરદીઠ ૬૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૦ના પ્રીમિયમ સામે ૮૧ ખૂલી ઉપલી સર્કિટમાં ૮૫ વટાવી ત્યાં બંધ રહેતાં ૨૩ ટકા, પ્રોફેક્સ ટેક શૅરદીઠ ૮૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૯૫ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૦૦ નજીક જઈ ત્યાં બંધ થતાં ૧૪.૭ ટકા તથા મૂવિંગ મીડિયા એન્ટરટેઇનમેન્ટ શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૬ના પ્રીમિયમ સામે ૭૧ ખૂલી ઉપલી સર્કિટમાં ૭૪ વટાવી ત્યાં જ બંધ રહેતાં સાડાછ ટકા લિસ્ટિંગ ગેઇન મળેલ છે. વેલેન્સીઆ ઇન્ડિયા શૅરદીઠ ૧૧૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૮૮ ખૂલી નીચલી સર્કિટમાં ૮૩ ઉપર થઈ ત્યાં બંધ થઈ છે. એમાં ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે.

બુધવારે જે પાંચ ભરણાં લિસ્ટેડ થયાં હતાં એમાં HDB ફાઇનૅન્સ સર્વિસિસ ગઈ કાલે ૮૯૨ નજીક નવી ટૉપ બનાવી ૨.૯ ટકા વધીને ૮૬૫ તથા સંભવ સ્ટીલ ટ્યુબ્સ ચાર ટકા ઊચકાઈ ૧૦૧ બંધ થઈ છે. SME કંપની સુપર ટેક ઈવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૬ના વર્સ્ટ લેવલે જઈ ત્યાં જ, રામા ટેલિકૉમ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૫નો સૌથી નીચો ભાવ દેખાડી ત્યાં જ તથા સનટેક ઇન્ફ્રા સૉલ્યુશન્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૯૯ નીચે જઈ ત્યાં જ બંધ આવી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી કલ્પતરુ અડધો ટકો સુધરી ૪૧૬, એલનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગૅસિસ ૫૭૮ના નવા શિખરે જઈ ૯.૭ ટકાની આગેકૂચમાં ૫૭૭ તો ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૮૫ના વર્સ્ટ લેવલે જઈ ત્યાં જ બંધ રહી છે. શુક્રવારે, આજે SME કંપની નીતુ યોશી તથા ઍડકાઉન્ટી મીડિયાનું લિસ્ટિંગ થવાનું છે. હાલ ગ્રે માર્કેટમાં ઍડકાઉન્ટીમાં ૪૪ રૂપિયા તથા નીતુ યોશીમાં ૧૮ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

ફિલ્મીસ્તાનને આર્કેડ ડેવલપર્સે ખરીદી લીધું, શૅર વધ્યો

નાયકા ફેમ FSN ઈ-કૉમર્સમાં બાંગા ફૅમિલી તરફથી બ્લૉકડીલ મારફત બે ટકાથી વધુ હોલ્ડિંગ વેચી ૧૨૧૩ કરોડની રોકડી કરવામાં આવતાં શૅર ગઈ કાલે નીચામાં ૨૦૧ થઈ સાડાચાર ટકા બગડી ૨૦૨ બંધ થયો છે. મલ્ટિપલ ડીલમાં આગલા દિવસે ઝળકેલી રાઇટ્સ લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૨૯૮ થયા બાદ પ્રૉફિટ-બુકિંગમાં ત્રણ ટકા ખરડાઈ ૨૮૬ હતી. રીસ્ટ્રક્ચરિંગના જોશમાં બે દિવસમાં ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૧૦૧૧ના શિખરે જઈ ૯૭૨ બંધ રહેલી ગેબ્રિયલ ઇન્ડિયા ગઈ કાલે બમણા વૉલ્યુમે નીચામાં ૯૦૮ બતાવીને સવાબે ટકા ઘટી ૯૪૯ રહી છે.

આર્કેડ ડેવલપર્સ તરફથી ફિલ્મીસ્તાન પ્રાઇવેટ લિમિટેડને ૧૮૩ કરોડમાં હસ્તગત કરવાના કરાર થતાં શૅર ૩ ગણા કામકાજે ૨૦૦ નજીક જઈ ચાર ટકા વધી ૧૯૬ થયો છે. BSE લિમિટેડ ગઈ કાલે અઢી ટકા વધી ૨૮૨૦ હતી. MCX પોણો ટકો સુધરી છે. ડીસીએમ શ્રીરામ લિમિટેડ ૫૪ ગણા જંગી વૉલ્યુમ સાથે ૧૫ ટકા કે ૧૮૬ રૂપિયાની તેજીમાં ૧૪૨૩ બંધ આપીને ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બની છે. બેના શૅરની બુકવૅલ્યુ ૪૨૭ની છે. છેલ્લે બોનસ ઑગસ્ટ ૨૦૦૫માં આવ્યું હતું. એસ્ટર ડીએમ ૨૮ ગણા કામકાજે ૬૭૪ના શિખરે જઈ સાડાનવ ટકા ઊછળી ૬૪૮ થઈ છે. મોતીલાલ ઓસવાલની AUM વધીને આવતાં ભાવ છ ગણા વૉલ્યુમે સાડાઆઠ ટકાના જમ્પમાં ૯૨૮ દેખાયો છે. હનીવેલ ઑટોમેશન ૭ ગણા કામકાજમાં ૪૧,૪૨૪ બતાવી સવાછ ટકા કે ૨૪૩૮ રૂપિયાની તેજીમાં ૪૧,૨૪૫ રહી છે. રેમન્ડ લિમિટેડ તાજેતરની સુધારાની ચાલ બાદ ગઈ કાલે પાંચ ટકા બગડી ૭૨૦ હતી. રેમન્ડ રિયલ્ટી ૮૭૫નો સૌથી નીચો ભાવ દેખાડી સાડાત્રણ ટકા બગડી ૮૮૫ બંધ થઈ છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ પોણો ટકો નરમ હતી. આઇટી કંપની સાક સૉફ્ટ ૪૮ ગણા જંગી કામકાજે સવાપંદર ટકા ઊછળી ૨૩૦ બંધ આવી છે. ત્રણેક મહિના પૂર્વે, ૭ એપ્રિલે ભાવ ૧૧૯ના તળિયે ગયો હતો.

બૅન્કિંગના ૪૧માંથી માત્ર શૅર સામાન્ય સુધારામાં

સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૧૧ શૅરમાં ગઈ કાલે મારુતિ સુઝુકી એકાદ ટકો વધી ૧૨,૭૪૮ બંધ આપી મોખરે હતી. જૂન મહિનામાં વેચાણ છ ટકા ઘટવા છતાં શૅર સતત બીજા દિવસે સુધર્યો છે. સામે વેચાણમાં ૧૨ ટકા ઘટાડા પાછળ સવાપાંચ ટકા બગડેલી હ્યુન્દાઇ મોટર ગઈ કાલે પણ દોઢ ટકો ઘટી છે. બાય ધ વે, ઓલા ઇલેક્ટ્રિક ૪૦ના નવા વર્સ્ટ લેવલે જઈ એક ટકાની નબળાઈમાં ૪૦.૫૮ બંધ રહી છે. TCSનાં રિઝલ્ટ ૧૦મીએ છે, શૅર ૦.૭ ટકા ઘટી ૩૪૦૧ બંધ હતો. ઇન્ફોસિસ અડધા ટકાના સુધારામાં ૧૬૧૮ વટાવી ગઈ છે. એશિયન પેઇન્ટ્સ અડધા ટકા નજીક પ્લસ હતી. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ બૅક-ટુ-બૅક ઑલટાઇમ હાઈમાં ૭૬૦૦ થઈ ૧.૭ ટકા વધીને ૭૫૬૫ બંધ આવી છે. ડૉ. રેડ્ડીઝ લૅબ તથા હીરો મોટોકૉર્પ દોઢ-દોઢ ટકાથી વધુ પ્લસ હતા. ONGC સવા ટકો વધી ૨૪૪ થઈ છે. સિપ્લા પોણો ટકો અને ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો અપ હતી.

સેન્સેક્સમાં કોટક મહિન્દ્ર બૅન્ક બે ટકા નજીક તો નિફ્ટીમાં SBI લાઇફ અઢી ટકા બગડીને ટૉપ લૂઝર બની છે. બજાજ ટ્વીન્સ ૧.૩ ટકા, અદાણી પોર્ટ્સ ટાઇટન, ટ્રેન્ટ, સ્ટેટ બૅન્ક પોણો ટકો, ભારતી ઍરટેલ અડધા ટકાથી વધુ, JSW સ્ટીલ સવા ટકાથી વધુ, ગ્રાસિમ એક ટકાથી વધુ, હિન્દાલ્કો અને અદાણી એન્ટરપ્રાઇઝ પોણો ટકો કટ થઈ છે. રિલાયન્સ સમખાવા પૂરતી ૭૦ પૈસા વધી છે. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ અડધો ટકો નરમ હતી.

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅર ઘટવા છતાં ૨૦૭ પૉઇન્ટના સાધારણ ઘટાડે ૫૬,૭૯૨ બંધ થયો છે. PSU બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૧૦ શૅરની નરમાઈમાં ૦.૯ ટકા ડાઉન હતો. બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૭ શૅર પ્લસ હતા. RBL બૅન્ક દોઢ ટકા, CSB બૅન્ક ૦.૯ ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક તથા ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો સુધરી હતી. HDFC બૅન્ક ૧૯૮૫ના લેવલે યથાવત્ હતી. પીએનબી સવાત્રણ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક પોણાત્રણ ટકા, સિટી યુનિયન બૅન્ક સવાબે ટકા ડૂલ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK