આપણી ઇકૉનૉમી હવે ૪ ટ્રિલ્યન ડૉલરની, આ દરે વિકાસ ચાલુ રહેશે તો અઢીથી ત્રણ વર્ષમાં આપણે પહેલા ત્રણમાં સ્થાન પામીશું
પ્રતીકાત્મક તસવીર
નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) બી.વી.આર. સુબ્રમણ્યમે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે ‘ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ૪ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી ગઈ છે. ભારત જપાનને પાછળ છોડીને પાંચમા નંબરની ઇકૉનૉમીમાંથી હવે ચોથા નંબરની ઇકૉનૉમી બની છે, ભારત હવે માત્ર અમેરિકા, ચીન અને જર્મનીથી પાછળ છે.’
‘વિકસિત રાજ્ય ફૉર વિકસિત ભારત 2047’ વિષય પર પૉલિસી થિન્ક-ટૅન્કની ૧૦મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ આ મુદ્દે બોલતાં સુબ્રમણ્યમે શનિવારે જણાવ્યું હતું કે ‘ભારત વૈશ્વિક આર્થિક રૅન્કિંગમાં એક સ્થાન ઉપર ચડી ગયું છે, જપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. દેશની GDP ૪ ટ્રિલ્યન ડૉલરના આંકને સ્પર્શી ગયો છે. આ વૃદ્ધિ સ્થાનિક સુધારાઓ અને વૈશ્વિક વાતાવરણને આભારી છે જે ભારતની તરફેણમાં વધુ ને વધુ ઝુકાવ કરી રહી છે. ફક્ત અમેરિકા, ચીન અને જર્મની આપણાથી આગળ છે. જો આપણે આપણા માર્ગ પર ટકી રહીશું તો આપણે ફક્ત અઢીથી ત્રણ વર્ષમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ બની શકીએ છીએ.’


