Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મજબૂત વલણ સાથે બજાર છ મહિનાની ટોચે, સેન્સેક્સ ૬૩,૧૦૦ ઉપર બંધ, આજે રિઝર્વ બૅન્કની નીતિ પર નજર

મજબૂત વલણ સાથે બજાર છ મહિનાની ટોચે, સેન્સેક્સ ૬૩,૧૦૦ ઉપર બંધ, આજે રિઝર્વ બૅન્કની નીતિ પર નજર

08 June, 2023 11:34 AM IST | Mumbai
Anil Patel

સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઉપરાંત બજારના અડધો ડઝન સેક્ટોરલ ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે, બ્રૉડર માર્કેટ ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નિકાસમાં ધબડકા પછી ચાઇના ખાતે લાર્જર સ્ટિમ્યુલસ ડોઝ આવવાની હવા, જૅપનીઝ નિક્કી જુલાઈ ૧૯૯૦ પછીની ટૉપ બનાવી ૫૯૩ પૉઇન્ટ ડાઉન : સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઉપરાંત બજારના અડધો ડઝન સેક્ટોરલ ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે, બ્રૉડર માર્કેટ ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં : સેન્સેક્સ-નિફ્ટી ખાતે પોણો ડઝન શૅરમાં નવાં શિખર દેખાયાં, બીએસઈ ખાતે ૨૫૭ જાતો નવી ઐતિહાસિક ટોચે ગઈ : માર્કેટ કૅપ અઢી લાખ કરોડના ઉમેરા સાથે ૨૮૯ લાખ કરોડની પાર થયું, ઍક્સિસ બૅન્ક ૩ લાખ કરોડની થઈ : બૅન્કિંગના ૩૭માંથી ૨૯ શૅર પ્લસ થયા, પણ બૅન્ક નિફ્ટી મામૂલી સુધર્યો : ટૉરન્ટ પાવર ઝળક્યો

મે મહિનામાં ચાઇનાની નિકાસ સાડાસાત ટકા ઘટી છે. બ્લુમબર્ગના વિશ્લેષકોની ધારણા ૧.૮ ટકાના ઘટાડાની હતી. આ મોટા ઘટાડાના પગલે હવે ત્યાં સરકાર તરફથી તગડો સ્ટિમ્યુલસ ડોઝ ટૂંકમાં જાહેર થવાની ધારણા મુકાય છે. તાજેતરમાં સતાવાર રીતે ત્યાં બૅન્કોની થાપણો પરના વ્યાજદરને ઘટાડવાનો અનુરોધ કરાયો છે, એના લીધે ધિરાણદરમાં ઘટાડો બહુ નજીકમાં લાગે છે. ઘરઆંગણે રિઝર્વ બૅન્ક એની નાણાનીતિની સમીક્ષાની જાહેરાત શુક્રવારે કરશે. વ્યાજદરમાં વિરામને આગળ વધારાય છે કે પછી એમાં ઘટાડો કરાય છે એના પર ખાસ નજર છે. કૅબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા છે. બીએસઈએનએલને બેઠી કરવા ૮૯,૦૪૭ કરોડનું પુનરુત્થાન પૅકેજ જાહેર થયું છે. ૧૪ જેટલા ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાંનો આ સૌથી મોટો વધારો હોવાનો સરકારનો દાવો છે.



એશિયા ખાતે મોટા ભાગનાં શૅરબજાર બુધવારે વધ્યાં છે. જૅપનીઝ નિક્કી ૩૨,૭૦૮ની જુલાઈ ૧૯૯૦ પછીની ટૉપ બનાવી પ્રૉફિટ બુકિંગમાં ૧.૯ ટકા કે ૫૯૩ પૉઇન્ટ ઘટીને ૩૧,૯૧૪ બંધ હતું. સિંગાપોર સાધારણ ઘટ્યું છે, જ્યારે તાઇવાન એક ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો, થાઇલૅન્ડ સામાન્ય તો ચાઇના-સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા નામપૂરતાં પ્લસ હતાં. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ નરમાઈ દર્શાવતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૬ ડૉલર ઉપર અને નાયમેક્સ ક્રૂડ ૭૨ ડૉલરની અંદર રહ્યું છે. આગલા દિવસની ખરાબી બાદ ક્રિપ્ટોકરન્સીમાં પ્રત્યાઘાતી સુધારાનું વલણ જોવાયું છે. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટ કૅપ ૧.૬ ટકા વધીને રનિંગમાં ૧.૧૧ લાખ કરોડ ડૉલરે પહોંચ્યું છે. બીટકૉઇન પોણાત્રણેક ટકા વધીને ૨૬,૫૩૦ ડૉલર આસપાસ હતો.


આપણે ત્યાં સેન્સેક્સ ૩૫૦ પૉઇન્ટ વધી ૬૩,૧૪૩ તથા નિફ્ટી ૧૨૭ પૉઇન્ટની આગેકૂચમાં ૧૮,૭૨૬ની છ મહિનાની ઊંચી સપાટીએ બંધ થયાં છે. આશરે સવાસો પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગ બાદ બજાર આરંભથી અંત સુધી મજબૂત, પોઝિટિવ ઝોનમાં રહ્યું હતું. શૅરઆંક નીચામાં ૬૨,૮૪૨ તથા ઉપરમાં ૬૩,૧૯૬ થયો હતો. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં વધુ સ્ટ્રૉન્ગ હતું. એથી માર્કેટ બ્રેડ્થ પણ ઘણી મજબૂત રહી છે. એનએસઈ ખાતે ૧૩૭૧ શૅર પ્લસ તો સામે ૭૦૪ જાતો માઇનસ હતી. ટેલિકૉમ ઇન્ડેક્સ ત્રણેક ટકા, યુટિલિટીઝ બેન્ચમાર્ક બે ટકા નજીક, મેટલ અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૭ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો, પાવર ઇન્ડેક્સ સવા ટકો, એનર્જી, ટેક્નૉલૉજીઝ, સ્મૉલ કૅપ તથા એફએમસીજી ઇન્ડેક્સ એકાદ ટકો પ્લસ થયા છે. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી સાધારણ જ સુધર્યા છે.

સ્મૉલ કૅપ ઇન્ડેક્સ નવા શિખરે, બ્રૉડર માર્કેટ નવી ટોચની નજીક


ગઈ કાલે એફએમસીજી આંક ૧૮,૪૮૭ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકો વધી ૧૮,૪૬૨, ઑટો બેન્ચમાર્ક ૩૪,૨૩૦ના બેસ્ટ લેવલે જઈ અડધો ટકો વધી ૩૪,૧૬૨, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૮,૮૩૭ના શિખરે જઈ ૧.૭ ટકા કે ૬૩૫ પૉઇન્ટ વધીને ૩૮,૭૯૮, રિયલ્ટી બેન્ચમાર્ક ૪૦૬૦ની મલ્ટિયર યૉપ બતાવી દોઢ ટકાની આગેકૂચમાં ૪૦૫૧, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૯૨૩૯ની વિક્રમી સપાટી નોંધાવી સાધારણ સુધારામાં ૯૨૯૩ તથા કન્ઝ્યુમર ડિસ્કિશનરી ઇન્ડેક્સ ૬૩૪૨ની લાઇફટાઇમ હાઈ બાદ પોણો ટકો વધીને ૬૩૩૭ બંધ આવ્યો છે.

બીએસઈનો મિડ કૅપ ઇન્ડેક્સ ૨૭,૭૭૦ની નવી સર્વોચ્ચ સપાટી મેળવી એક ટકાથી વધુ કે ૨૯૯ પૉઇન્ટ ઊંચકાઈને ૨૭,૭૫૨ થયો છે. અત્રે ૧૨૫માંથી ફક્ત ૩૦ શૅર નરમ હતા. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પણ બુલરનમાં છેવટે ૩૧,૫૬૨ની ઑલટાઇમ હાઈ હાંસલ કરીને ૧.૨ ટકા કે ૩૫૯ પૉઇન્ટની મજબૂતીમાં ૩૧,૫૩૪ નજીક બંધ રહ્યો છે. અત્રે ૯૭૦માંથી ૬૫૯ શૅર વધ્યા છે. ઓરિઅનપ્રો, બીડીએલ, સેન્ટમ ઇલે., સિગ્નીટી ટેક્નૉ, ડેટાપેટર્ન્સ, ડ્રીમ ફોક્સ, ફ્યુઝન માઇક્રો, કેડીડીએલ, મહિન્દ્ર સીઆઇઈ, સફારી ઇન્ડ, આયોન એક્સચેન્જ સિન્જેન સહિત સંખ્યાબંધ કાઉન્ટર અત્રે નવા બેસ્ટ લેવલે ગયાં છે. બ્રૉડર માર્કેટનો બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૨૫,૫૫૪ની સર્વોચ્ચ સપાટી નજીક, ૨૫,૪૪૮ થઈને પોણો ટકો કે ૧૯૭ પૉઇન્ટ વધીને ૨૫,૪૩૧ બંધ હતો. એની ૫૦૧માંથી ૧૩૦ જાતો જ માઇનસ થઈ છે.

નેસ્લે અને બ્રિટાનિયાની બોલબાલા, પોણો ડઝન કાઉન્ટર નવાં બેસ્ટ લેવલે

સેન્સેક્સના ૩૦માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૪૩ શૅર પ્લસ થયા છે. નેસ્લે ૨૨,૪૨૯ની વિક્રમી સપાટી બનાવી ત્રણ ટકા કે ૬૪૪ રૂપિયાની તેજીમાં ૨૨,૩૪૬ બંધ આપી સેન્સેક્સ ખાતે મોખરે હતો. બ્રિટાનિયા ૪૯૦૮ની સર્વોચ્ચ સપાટી દેખાડી ચાર ટકા કે ૧૮૮ રૂપિયા ઉછાળે ૪૮૯૩ના બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. અન્યમાં તાતા સ્ટીલ ૨.૩ ટકા, તાતા મોટર્સ ૨.૨ ટકા, ભારતી ઍરટેલ ૧.૭ ટકા, લાર્સન ૧.૭ ટકા, પાવર ગ્રીડ ૧.૬ ટકા, તાતા કન્ઝ્યુમર ૩.૯ ટકા, ભારત પેટ્રોલિયમ ૩.૪ ટકા, એચડીએફસી લાઇફ અઢી ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૪ ટકા, એસબીઆઇ લાઇફ ૧.૯ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૮ ટકા, અપોલો હૉસ્પિટલ્સ અને હિન્દાલ્કો પોણાબે ટકા મજબૂત થયા છે. વધુમાં અત્રે અપોલો હૉસ્પિટલ્સ, ઍક્સિસ બૅન્ક, બજાજ ઑટો, બ્રિટાનિયા, મહિન્દ્ર, મારુતિ સુઝુકી, નેસ્લે, તાતા મોટર્સ તથા તેનો ડીવીઆર, ટાઇટન જેવી સેન્સેક્સ-નિફ્ટીની પોણો ડઝન જાતો ગઈ કાલે નવા શિખરે પહોંચી છે. રિલાયન્સ પોણા ટકાની નજીક સુધરીને ૨૪૯૭ બંધ થયો છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ૨.૪૮ લાખ કરોડ રૂપિયા વધીને ૨૮૯.૦૫ લાખ કરોડને વટાવી ગયું છે.

એક ટકાથી વધુના ઘટાડામાં ૧૯૩૮ બંધ આપી કોટક મહિન્દ્ર બૅન્ક સેન્સેક્સમાં તથા ૧.૨ ટકાના ઘટાડે સિપ્લા નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા. આ ઉપરાંત બજાજ ફાઇનૅન્સ અડધો ટકો, મહિન્દ્ર અને મારુતિ સુઝુકી સાધારણ નરમ હતા. સેન્સેક્સ ખાતે એચસીએલ ટેક્નૉ ૧૧૨૯ નજીકના બંધમાં જૈસે-થે રહ્યો છે.

અદાણીના ૪ શૅરની સર્કિટ લિમિટ વધારાઈ, શૅર ખાસ વધી ન શક્યા

અદાણી ગ્રુપના ૪ શૅરમાં બુધવારથી નવી વધારેલી સર્કિટ લિમિટ લાગુ થઈ છે. અદાણી એન્ટર નવી ૨૦ ટકાની સર્કિટ લિમિટમાં ગઈ કાલે ઉપરમાં ૨૮૨ થઈ ૪.૫ ટકા વધી ૨૭૫ બંધ થયો છે. જ્યારે નવી ૧૦ ટકાની સર્કિટ લિમિટના કેસમાં અદાણી ટ્રાન્સ. અઢી ટકા વધી ૮૩૭, અદાણી ગ્રીન પોણો ટકો ઘટીને ૯૮૫ તથા અદાણી વિલ્મર એક ટકો વધી ૪૩૪ બંધ હતા. અદાણી ટોટલ, અદાણી એન્ટર, અદાણી પોર્ટ્સ, એસીસી અને એનડીટીવી નહીંવત વધઘટે બંધ થયા છે. અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો નરમ હતી.

બૅન્ક નિફ્ટી ૧૧૧ પૉઇન્ટ વધીને ૪૪,૨૭૫ બંધ આવ્યો છે. અત્રે ૧૨માંથી ૯ શૅર વધ્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં પોણો ટકો પ્લસ હતો. આઇઓબી જૈસે-થે હતી. બૅન્કિંગના ૩૭માંથી ફક્ત ૮ શૅર નરમ હતા. ઍક્સિસ બૅન્ક નવી ઑલટાઇમ હાઈ સાથે પોણો ટકો વધી ૯૭૬ વટાવીને બંધ રહેતાં હવે એ ત્રણ લાખ કરોડની કંપની બની ગઈ છે. એયુ બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક એકથી દોઢ ટકા તથા જેકે બૅન્ક અઢી ટકા મજબૂત થઈ છે.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૧૦૯ શૅરના સુધારામાં પણ સામાન્ય સુધર્યો છે. અરિહંત કૅપિટલ ૧૧.૫ ટકા, આઇએફસીઆઇ ૭.૨ ટકા, ક્રિસિલ સવાછ ટકા, ચોલામંડલમ ફાઇ. પાંચ ટકા, આઇઆરએફસી ૪.૮ ટકા, રેપ્કો હોમ ૪.૨ ટકા, કેનફીન હોમ્સ ૪ ટકા મજબૂત હતા. એલઆઇસી અડધો ટકો વધીને ૬૦૧ થઈ છે. કૅપિટલ ગુડ્સમાં સુઝલોન ૧૮ ટકા, એસકેએફ ઇન્ડિયા પોણાછ ટકા, સેફલર ૪.૪ ટકા ઊછળ્યા છે. હિન્દુ. ઍરોનૉટિક્સ ૩૫૨૫ના શિખરે જઈ બે ટકા વધી ૩૪૮૯ થઈ છે. લાર્સન ૧.૭ ટકા વધી ૨૩૧૫, એબીબી સવાબે ટકા વધીને ૪૧૫૦, ગ્રાઇન્ડવેલ નોર્ટન ત્રણ ટકા વધી ૨૧૧૯ બંધ હતા.

બીએસએનએલ માટેના પૅકેજ પાછળ ટેલિકૉમ ઇન્ડેક્સ ૩ ટકા રણક્યો

આગલા દિવસની ખરાબી બાદ આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૭ શૅરના સથવારે પોણો ટકો વધ્યો છે. ટીસીએસ સવા ટકો, ઇન્ફી તથા વિપ્રો પોણો ટકો, ટેક મહિન્દ્ર ૦.૯ ટકા તથા લાટિમ સાધારણ પ્લસ હતો. તાન્લા પ્લૅટફૉર્મ, સુબેક્સ, બ્રાઇટકોમ, આર. સિસ્ટમ્સ ચારથી સાડાપાંચ ટકા ઊંચકાયા હતા. બીએસએનએલ માટે ૮૯,૦૦૦ કરોડનું રિવાઇવલ પૅકેજ આવતાં એમટીએનએલ ૧૧ ટકાની તેજીમાં ૨૨ રૂપિયા ઉપર ગયો છે. વોડાફોન સાડાઆઠ ટકા, તાતા ટેલી સવાઆઠ ટકા, રેલટેલ પોણાપાંચ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ ૪.૭ ટકા, એચએફસીએલ ૩ ટકા ઊછળતાં ટેલિકૉમ ઇન્ડેક્સ ત્રણ ટકા રણક્યો છે. ભારતી ૧.૭ ટકા વધી ૮૪૩ થયો છે. આઇટી તથા ટેલિકૉમ પાછળ ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એક ટકો અપ હતો.

શુગર સેક્ટરના ૩૬માંથી ૩૧ શૅર વધ્યા છે. મગધ શુગર, પિકાડેલી, શક્તિ શુગર, રેણુકા શુગર, રાણા શુગર, ત્રિવેણી એન્જી, ધામપુર શુગર, અવધ શુગર, ધામપુર સ્પે. બજાજ હિન્દુ. પોણાપાંચથી સાડાઆઠ ટકા મીઠા થયા છે. નેસ્લે, બ્રિટાનિયા, હિન્દુ. યુનિલીવર, તાતા કન્ઝ્યુમર, ડાબર, આઇટીસી, યુબીએલ, ગોદરેજ કન્ઝ્યુમર, મારિકો ઇત્યાદી જેવા ચલણી શૅરની હૂંફમાં એફએમસીજી આંક ૧૯૪ પૉઇન્ટ કે એક ટકો મજબૂત હતો. પાવર યુટિલિટી એનર્જી સેગમેન્ટમાં ટૉરન્ટ પાવર મહારાષ્ટ્ર સ્ટેટ તરફથી ત્રણ પ્રોજેક્ટ મળતાં પોણાચૌદ ટકા ઝળકી ૬૯૫ના શિખરે બંધ થયો છે. આ ઉપરાંત સતલજ જલ વિદ્યુત, આઇનોક્સ ગ્રીન, જેપી પાવર, રિલાયન્સ પાવર, નવ લિમિટેડ, અદાણી પાવર સાડાચારથી નવ ટકા ઊછળ્યા છે. હિન્દુ. પેટ્રો, ભારત પેટ્રો, દીપ ઇન્ડ. પનામા પેટ્રો, ઇન્ડિયન ઑઇલ પોણાબેથી સાડાપાંચ ટકા વધ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2023 11:34 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK