ઈરાન-ઇઝરાયલ મોરચે ટ્રમ્પ પ્રેરિત સીઝફાયર થકી સુધારો પણ ડિફેન્સ શૅરોમાં ગાબડાં, બજારની નજર ગુરુવારના હવાલા પર, યુએસ ખાતે જેરોમ પૉવેલની ટેસ્ટીમની પણ આજનો ટ્રેન્ડ નક્કી કરશે
બીએસઈ
સોમવાર સુધી મધ્ય-પૂર્વના ઈરાન-ઇઝરાયલ યુદ્ધના અને એમાં અમેરિકાએ ઝંપલાવ્યાના સમાચારે બજારોમાં ભારે અજંપો હતો. સોમવારે મોડી રાત્રે યુએસ પ્રમુખ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવાના પગલે યુએસ બજારોથી શરૂ થયેલો સુધારો વાયા એશિયા થઈને ભારત પહોંચ્યો હતો. યુએસ ખાતે જેરોમ પૉવેલની ટેસ્ટીમની પણ આજનો ટ્રેન્ડ નક્કી કરશે. મંગળવારે મોડી સાંજે મળતા સમાચારો મુજબ ટ્રમ્પે ઇઝરાયલને ઈરાન પર હુમલા ન કરવા જણાવ્યું છે. જોકે આ શાંતિના મુદ્દે હજી પૂરું વિશ્વ અસમંજસમાં છે. મંગળવારે બીએસઈ ખાતે વીક્લી તેમ જ જૂન મહિનાની માસિક એફઍન્ડઓ એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 81,896વાળો 82,534 ખૂલી એક તબક્કે વધીને 83,018 સુધી ગયા પછી ઘટીને 81,900 સુધી ખાબક્યા પછી બંધ 82,055 રહ્યો હતો જે 0.19 ટકા કે 158 પૉઇન્ટ્સનો સુધારો દર્શાવતો હતો. આ ઇન્ડેક્સના 30માંથી 16 શૅરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સનો ઐતિહાસિક હાઈ તો 85,978 છે અને એ સપ્ટેમ્બર 2024માં નોંધાયો હતો એ યાદ રાખવું આવશ્યક છે. જૂન માસમાં ૧૧મીના રોજ 82,783નો ટૉપ અને 13-06-25ના રોજ 80,354નું બૉટમ બનાવ્યું હતું એ રેન્જમાંથી મંગળવારે ઇન્ટ્રાડેમાં 83,018 સુધી જતાં મધ્યપૂર્વની શાંતિના કારણે સાંકડી રેન્જમાંથી બ્રેકઆઉટ આવ્યાનું અમુક ઍનૅલિસ્ટો માને છે પણ એફઍન્ડઓ બજારને ધ્યાનથી જોનારા નિષ્ણાતો નિફ્ટીની ગુરુવારની એક્સપાયરી પછી જ સંગીન ચાલ જોવા મળશે એવો મત ધરાવે છે. બીએસઈ બૅન્કેક્સ 63,174ના પુરોગામી બંધ સામે 63,587 ખૂલી 64,118 અને 63,426 વચ્ચે રમી 457 પૉઇન્ટ્સ, 0.72 ટકાના ગેઇને 63,631ના સ્તરે વિરમ્યો હતો. આ ઇન્ડેક્સે એપ્રિલ 2025માં 64,289નો ઑલટાઇમ હાઈ નોંધાવ્યો છે. બૅન્કેક્સના 10માંથી 9 શૅર સુધર્યા હતા અને સોમવારથી સેન્સેક્સમાંથી બાદબાકી થયેલ ઇન્ડસઇન્ડ બૅન્ક એક માત્ર લાલ નિશાનમાં હતો.
એનએસઈ ખાતે નિફ્ટી 0.29 ટકા સુધર્યો હતો. 24,971ના પ્રીવિયસ ક્લોઝ સામે 25,179ના ઓપનિંગ પછી વધીને 25,317 અને ઘટીને 24,999 થઈ 25,044ના લેવલે બંધ હતો. એનએસઈના સાપ્તાહિક અને માસિક વાયદાઓની સમાપ્તિ ગુરુવારે છે એથી સેન્સેક્સ અને નિફ્ટીમાં આર્બિટ્રેજ કરનારા અને ઓળિયા એક ઇન્ડેક્સમાંથી બીજીમાં પોઝિશન શિફ્ટ કરનારા વર્ગના પ્રભુત્વના કારણે સેન્સેક્સ 0.72 ટકા પણ નિફ્ટી 0.29 ટકાની મર્યાદામાં સીમિત સુધર્યો હતો. જોકે કૅલેન્ડર વર્ષ 2025માં આ આંકે 25,300 પહેલી વખત પાર કરવા સાથે આઠ માસના હાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો. એનએસઈમાં જે અન્ય ચાર ઇન્ડેક્સો પર એફઍન્ડઓ અલાઉડ છે એમાં મિડકૅપ સિલેક્ટ સૌથી વધુ 0.88 ટકા સુધરી 13,147 થઈ ગયો હતો. જોકે આ ઇન્ડેક્સ જૂનના અત્યાર સુધીના 13,376ના હાઈને મંગળવારે ક્રૉસ કરી શક્યો નહોતો. એનો બાવન સપ્તાહનો હાઈ તો 13,407નો છે. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.85 ટકાના ગેઇને 67,349 રહ્યો હતો. બૅન્ક નિફ્ટી 0.72 ટકા અને નિફ્ટી ફાઇનૅન્સ 0.73 ટકા સુધરી અનુક્રમે 56,461 અને 26,750ના સ્તરે બંધ હતા.
ADVERTISEMENT
એનએસઈના પીએસયુ બૅન્ક, ઇન્ડિયા ટૂરિઝમ, આઇપીઓ, હાઈ બીટા ફિફ્ટી અને મેટલ ઇન્ડેક્સોએ એકથી દોઢ ટકાનો સુધારો નોંધાવ્યો હતો. એથી વિપરિત મોરચેથી શાંતિના સમાચારોની આશાએ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 2.42 ટકા ઘટી 8858, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ ઇન્ડેક્સ 1.22 ટકા ગુમાવી 6565 અને નિફ્ટી મીડિયા 1.12 ટકાના લોસે 1728ના લેવલે બંધ હતા.
સેબીની એક્સચેન્જો અને ડિપોઝિટરીઝના મૅનેજમેન્ટમાં ફેરફારની દરખાસ્ત
સેબીએ બજાર બંધ થયા પછી એક્સચેન્જો અને ડિપોઝિટરીઝના મૅનેજમેન્ટમાં ફેરફારનું સૂચન કર્યું એ પહેલાં બીએસઈનો શૅર એનએસઈ ખાતે 2786 રૂપિયા અને સીડીએસએલ 1748 રૂપિયા બંધ હતા. ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક ક્રૂડના ભાવમાં અંદાજે દસેક ટકાના તીવ્ર ઘટાડાના પગલે તેજી દર્શાવી હતી. એનાથી વિપરીત, અપસ્ટ્રીમ ઑઇલ ઉત્પાદકોના શૅર દબાણ હેઠળ આવ્યા હતા. પેઇન્ટ્સ ઉત્પાદકો અને ઍરલાઇન કંપનીઓના શૅર પણ નીચા ક્રૂડના ભાવથી ફાયદાની ગણતરીએ વધ્યા હતા, જેમાં ઇન્ડિગો 2.49 ટકા વધી 5603 રૂપિયા બંધ હતો. ટેલિકૉમ ક્ષેત્રમાં, ટેલિકૉમ પ્રધાને ઉદ્યોગમાં વધુ સ્પર્ધાને હિતાવહ ગણાવ્યા પછી વોડાફોન આઇડિયા 4.89 ટકા સુધરી 6.87 રૂપિયા બંધ હતો.
અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર
મંગળવારે નિફ્ટી 50માંથી 14 શૅરો 1થી 3 ટકાના પ્રમાણમાં સુધર્યા હતા. એમાં ઇઝરાયલમાં પોર્ટ્સનું કામકાજ ધરાવનાર અદાણી પોર્ટ્સ યુદ્ધ મોરચે સીઝફાયરના સમાચારે સૌથી વધુ 2.89 ટકા સુધરી 1394 રૂપિયા બંધ હતો. જિયો ફાઇનૅન્શ્યલ 2.85 ટકા વધી 301.50 રૂપિયા, શ્રીરામ ફાઇનૅન્સ 2.09 ટકા સુધરી 675.50 રૂપિયા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 2.06 ટકાના ગેઇને 2779.70 રૂપિયા અને તાતા સ્ટીલ 1.71 ટકા વધી 155.03 રૂપિયા ટૉપ ફાઇવમાં હતા. એથી વિરુદ્ધ નિફ્ટીના 1થી 3 ટકા ઘટનારા શૅરોમાં ઓએનજીસી 2.90 ટકા ઘટી 244.09 રૂપિયા, પાવરગ્રીડ 1.43 ટકાના લૉસે 286.10 રૂપિયા અને ઇન્ડસઇન્ડ બૅન્ક 1.01 ટકા તૂટી 831.45 રૂપિયા મુખ્ય હતા.
સંરક્ષણ શૅરોના તેજીના કિલ્લાના કાંગરા ખર્યા
તાજેતરમાં ઊછળેલા સંરક્ષણ શૅરોમાં જોકે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ 8.64 ટકાના ગાબડાએ 3191 રૂપિયા, બીઇએમએલ (ભારત અર્થમૂવર્સ) 7.08 ટકા તૂટી 4449 રૂપિયા, એસ્ટ્રામાઇક્રો અને મિશ્ર ધાતુ નિગમ પાંચ-પાંચ ટકાના ઘસરકાએ અનુક્રમે 1073 અને 438 રૂપિયા, પારસ ડિફેન્સ અને ભારત ડાયનેમિક્સ ચાર-સાડાચાર ટકા ઘટી અનુક્રમે 1656 અને 1853 રૂપિયા અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ 2.99 ટકા ઘટી 4885 રૂપિયા બંધ હતા. રોકાણકારોએ નફો બુક કર્યો હોવાનું મનાતું હતું.
આઇટી કંપની કેપીઆઇટી ટેક્નૉલૉઝિસે કંપનીના કામકાજ વિશે ચેતવણી આપ્યા પછી શૅર 6.14 ટકા તૂટી 1305 રૂપિયાના લેવલે આવી ગયો હતો. મે માસમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં બજાર હિસ્સો વધ્યાના અહેવાલે એસબીઆઇ કાર્ડ્સ 2.81 ટકા વધી 982.75 રૂપિયા બંધ હતો. એસ્ટેક લાઇફ સાયન્સિસના બોર્ડે 250 કરોડ રૂપિયાના રાઇટ્સ ઇશ્યુને મંજૂરી આપ્યાના ન્યુઝ પછી ભાવ સાડાસાત ટકા વધી 822 રૂપિયા થયો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગે તામિલનાડુમાં 836 કરોડ રૂપિયાના સરકારી ઑર્ડર મેળવ્યાના સમાચારે પાંચ ટકાની ઉપલી સર્કિટે 466.30 રૂપિયા બંધ હતો. બીએસઈના એસએમઈમાં 200ના લોટમાં આ શૅરના સોદા થાય છે એ વાત ધ્યાનમાં રાખવી.
પશ્ચિમ બંગાળમાં નવી ક્ષમતા વિસ્તરણની જાહેરાત બાદ અંબુજા સિમેન્ટ્સ 4.10 ટકા વધી 557.50 રૂપિયા બંધ હતો. જેબી કેમિકલ્સને ડિપ્રેશન માટેની દવા માટે યુએસ એફડીએની મંજૂરી મળ્યાના સમાચાર બજાર બંધ થયા પછી આવ્યા એનું ડિસ્કાઉન્ટિંગ આજના માર્કેટમાં થવાની વકી છે. બાજેલ પ્રોજેક્ટ્સને 100-200 કરોડ રૂપિયાના ઑર્ડર મળ્યાના ન્યુઝ પણ મોડી સાંજે આવ્યા હતા.
માર્કેટ બ્રેડ્થમાં સુધારો
બીએસઈના 4144 ટ્રેડેડ શૅરોમાંથી 2662ના ભાવમાં સુધારો, 1339માં ઘટાડો અને 143માં યથાવત્ સ્થિતિ હતી. એનએસઈમાં 2976માંથી 1963 ઍડ્વાન્સિંગ, 917 ડિક્લાઇનિંગ અને 96 શૅરો અનચેન્જ્ડ હતા. બીએસઈમાં 108 અને એનએસઈમાં 44 શૅરો 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા તો સામે 44 અને 31 શૅરો આવી બૉટમે હતા. સર્કિટનું સ્ટૅટેસ્ટિક્સ જોઈએ તો બીએસઈમાં 7 ઉપલી અને 10 નીચલી સર્કિટે તો એનએસઈ ખાતે આ સંખ્યા અનુક્રમે 111 અને 53 હતી.
માર્કેટ કૅપિટલાઇઝેશન સુધર્યું
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 447.82 લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 450.09 લાખ કરોડ રૂપિયે પહોંચ્યું હતું.
એફઆઇઆઇની વેચવાલી
મંગળવારે કૅશ માર્કેટમાં એફઆઇઆઇએ 4266 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી એની સામે સ્થાનિક સંસ્થાઓએ 5209 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી હતી.


