૧૪ દિવસના આ કાર્યક્રમમાં રોકાણકાર-જાગૃતિ અને શિક્ષણના પ્રસાર હેતુ બજારના નિષ્ણાતો સાથેના ટૉક-શો સહિત, નાટિકાઓ, હાસ્ય-કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારોમાં જાગૃતિ લાવવા માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સિક્યૉરિટી મૅનેજમેન્ટ (NISM), બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE), નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE), મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (MCX), નૅશનલ કૉમોડિટીઝ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX), સેન્ટ્રલ ડિપોઝિટરીઝ ઍન્ડ સિક્યૉરિટીઝ લિમિટેડ (CDSL), નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના સહયોગમાં ૪૩મા ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ટ્રેડ ફેર (IITF) ખાતે ભારત કા શૅરબજાર પૅવિલિયનની સાતમી એડિશનનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટનું આયોજન ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઑર્ગેનાઇઝેશન (ITPO) દ્વારા ૧૪થી ૨૭ નવેમ્બર દરમ્યાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.
૧૪ દિવસના આ કાર્યક્રમમાં રોકાણકાર-જાગૃતિ અને શિક્ષણના પ્રસાર હેતુ બજારના નિષ્ણાતો સાથેના ટૉક-શો સહિત, નાટિકાઓ, હાસ્ય-કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ગેરકાયદે ચાલતી ઇન્વેસ્ટમેન્ટ યોજનાઓ અને ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડો સંબંધિત માહિતી આપી રોકાણકારોને સાવધ કરવામાં આવ્યા હતા. ટ્રેડ ફેર ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે SEBI પૅવિલિયનને પબ્લિક કૉમ્યુનિકેશન ઍન્ડ આઉટરીચ કૅટેગરી હેઠળ ITPOના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર પ્રદીપ સિંહ ખોસલાના હસ્તે સુવર્ણ પદક આપવામાં આવ્યો હતો.