Sadhna Broadcast Case: SEBIએ બોલિવૂડ અભિનેતા અર્શદ વારસી સહિત ૫૯ લોકોને માર્કેટમાંથી બૅન કર્યા; આ કેસ સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેર અંગે યુટ્યુબ ચેનલો પર ગેરમાર્ગે દોરતા વીડિયો અપલોડ કરવા સાથે સંબંધિત છે
અર્શદ વારસીની ફાઇલ તસવીર
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Securities and Exchange Board of India - SEBI)એ શેરબજાર (Share Market)માં રોકાણકારોને ગેરમાર્ગે દોરવા બદલ બોલિવૂડ અભિનેતા અર્શદ વારસી (Arshad Warsi), તેમની પત્ની મારિયા ગોરેટ્ટી (Maria Goretti) અને ભાઈ પર એક વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો પર સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (Sadhna Broadcast Limited - SBL ના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવાનો અને તેને વેચવાનો આરોપ છે. સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના કેસમાં સેબીએ અંતિમ આદેશ પસાર કર્યો છે. કંપનીએ હવે તેનું નામ બદલીને ક્રિસ્ટલ બિઝનેસ સિસ્ટમ લિમિટેડ (Crystal Business System Limited) રાખ્યું છે. આ કેસમાં કુલ ૫૯ લોકોને SEBIએ બૅન કર્યા છે. સેબીએ આ કેસમાં ૭ લોકોને બજારમાં કામ કરવા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે, અને ૫૪ લોકોને એક વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. સેબીએ આ વ્યક્તિઓ પર પ્રત્યેકને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, તેમજ તેમની પાસેથી સામૂહિક રીતે ૧.૦૫ કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો છે. સેબીએ બોલિવૂડ અર્શદ વારસી, તેમની પત્ની મારિયા ગોરેટ્ટી પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાનો આરોપ છે કે, બોલિવૂડ અભિનેતા અર્શદ વારસી અને અન્ય લોકોએ મનીષ મિશ્રા નામના વ્યક્તિ સાથે મળીને આ છેતરપિંડી કરી હતી. મિશ્રા સારી છબી બનાવવા અને રોકાણકારોને કંપનીના શેર ખરીદવા માટે લલચાવવા માટે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ વિશે ખોટી વાર્તાઓ ફેલાવી રહ્યા હતા. SEBIને મનીષ મિશ્રા અને અર્શદ વારસી વચ્ચેની વાતચીત મળી હતી.
ADVERTISEMENT
સેબીએ આરોપ લગાવ્યો હતો કે, અર્શદ વારસીને ખબર હતી કે મનીષ મિશ્રા શેરમાં સ્ટ્રક્ચર્ડ ટ્રેડ કરી રહ્યા છે. જોકે, વારસી, તેમની પત્ની અને ભાઈએ દાવો કર્યો છે કે તેઓ શેરબજારમાં નવા છે અને તેની ઝીણવટથી વાકેફ નથી. તેમણે કહ્યું કે, તેઓ મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવેલી કથિત છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તેમના દ્વારા નિર્દેશિત ટ્રેડને કારણે તેમને ભારે નુકસાન થયું છે.
સેબીએ તેના અંતિમ આદેશમાં જણાવ્યું હતું કે, અર્શદ વારસીએ ૨૭ જૂન, ૨૦૨૩ના રોજ સેબી સમક્ષ નોંધાયેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે પોતાના ખાતામાં ટ્રેડિંગ કરવા ઉપરાંત, તેની પત્ની અને ભાઈના ખાતામાંથી પણ ટ્રેડિંગ કરી રહ્યો હતો. સેબીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘મનીષ મિશ્રા અને અર્શદ વારસી વચ્ચેની વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે મનીષ મિશ્રા, અર્શદ વારસી, તેની પત્ની અને તેના ભાઈના બેંક ખાતામાં ૨૫-૨૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા હતા.’
શું છે Sadhna Broadcast Caseનો આખો મામલો?
SEBIના ૧૦૯ પાનાના અંતિમ અહેવાલ મુજબ, આ સમગ્ર કૌભાંડ પાછળ ગૌરવ ગુપ્તા, રાકેશ કુમાર ગુપ્તા અને મનીષ મિશ્રા મુખ્ય સૂત્રધાર હતા. સાધના બ્રોડકાસ્ટની રજિસ્ટ્રાર કંપનીમાં ડિરેક્ટર રહેલા સુભાષ અગ્રવાલે મનીષ મિશ્રા અને પ્રમોટરો વચ્ચે સંપર્કની ભૂમિકા ભજવી હતી. પિયુષ અગ્રવાલ અને લોકેશ શાહે મનીષ મિશ્રા અને પ્રમોટરોને તેમના ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આ યોજનાને અમલમાં મૂકવામાં જતીન શાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સેબીના મતે, આ શેર કૌભાંડ બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં શેરના ભાવમાં વધારો કરાયો હતો. જેમાં પ્રમોટર સાથે સંકળાયેલા રોકાણકારોએ ધીમે ધીમે એકબીજા સાથે વેપાર કરીને શેરના ભાવમાં વધારો કર્યો. શેરની ઓછી તરલતાને કારણે, ઓછા વોલ્યુમનો પણ ભાવ પર મોટો પ્રભાવ પડ્યો. બીજા તબક્કામાં યુટ્યુબ પ્રમોશન કર્યું. જેમાં મનીષ મિશ્રા દ્વારા સંચાલિત પ્રમોશનલ વિડિઓઝ મનીવાઇઝ, ધ એડવાઇઝર અને પ્રોફિટ યાત્રા જેવી યુટ્યુબ ચેનલો પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ વિડિઓઝમાં, સાધના બ્રોડકાસ્ટને એક ઉત્તમ રોકાણ તક તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આ વિડિઓઝ રોકાણકારોને આકર્ષવા માટે કૃત્રિમ બજાર પ્રવૃત્તિ સાથે હતી.
ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જુલાઈ અને સપ્ટેમ્બર 2022 દરમિયાન, સેબીને ફરિયાદો મળી હતી કે યુટ્યુબ પર નકલી વીડિયો અપલોડ કરીને શેરના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 2 માર્ચ, 2023 ના રોજ, એક વચગાળાના આદેશમાં ૩૧ લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ, માર્ચ 2022 થી નવેમ્બર 2022 સુધી સમગ્ર મામલામાં સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

