Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > યસ બૅન્ક RBIના નિયંત્રણમા: ખાતેદાર 50,000 રૂપિયાથી વધારે નહીં ઉપાડી શકે

યસ બૅન્ક RBIના નિયંત્રણમા: ખાતેદાર 50,000 રૂપિયાથી વધારે નહીં ઉપાડી શકે

06 March, 2020 07:42 AM IST | Mumbai

યસ બૅન્ક RBIના નિયંત્રણમા: ખાતેદાર 50,000 રૂપિયાથી વધારે નહીં ઉપાડી શકે

યસ બૅન્ક

યસ બૅન્ક


માત્ર ૧૫ વર્ષમાં દેશની ખાનગી ક્ષેત્રની ચોથી સૌથી મોટી બૅન્ક બની જનાર અને ટેક્નૉલૉજી ક્ષેત્રે વ્યક્તિગત અને કૉર્પોરેટ ધિરાણમાં મોટી નામના એકત્ર કરનાર યસ બૅન્ક લિમિટેડ પર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી છે અને આ સાથે બોર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

આ સસ્પેન્ડ અને નિયંત્રણ વિશે રિઝર્વ બૅન્કની સલાહ અનુસાર કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે. નિયંત્રણની મુદત કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર ૩ એપ્રિલ રાખવામાં આવી છે. અગાઉ ૨૦૦૪માં કેતન પારેખ સ્ટૉક માર્કેટ કૌભાંડમાં સંડોવાયેલી ગ્લોબલ ટ્રસ્ટ બૅન્કને પણ રિઝર્વ બૅન્કે આ રીતે જ બરખાસ્ત કરીને ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ સાથે ભેળવી દેવાની ફરજ પડી હતી. આજે બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને યસ બૅન્કમાં આવી જ રીતે મૂડી ખરીદવાની કેન્દ્ર સરકારે સલાહ આપી હોવાના અહેવાલ આવ્યા હતા. સાંયોગિક વાત આવી છે કે ગ્લોબલ ટ્રસ્ટ બૅન્ક અને યસ બૅન્ક બન્નેએ પોતે ટેક્નૉલૉજી આધારિત ગ્રાહક સેવા આપી રહ્યા હોવાના દાવા પર ગ્રાહકોને આકર્ષિત કર્યા હતા.

બોર્ડને ૩૦ દિવસ માટે બરખાસ્ત કરવાની સાથે રિઝર્વ બૅન્કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને ભૂતપૂર્વ ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર પ્રશાંત કુમારની વહીવટદાર તરીકે નિમણૂક કરી છે. રિઝર્વ બૅન્કે પોતાના આદેશમાં જણાવ્યું છે કે બૅન્કની નાણાકીય હાલત સધ્ધર થાય, બૅન્કનું પુનર્નિર્માણ થાય કે એનું અન્ય બૅન્ક સાથે જોડાણ શક્ય છે કે નહીં એની યોજના ઘડી કાઢવા માટે વહીવટદાર નીમવામાં આવ્યા છે.



આની સાથે યસ બૅન્કને મોરેટોરિયમ પર મૂકવામાં આવી હોવાથી બૅન્કમાં ડિપોઝિટ ધરાવતા લોકોના રોકડ ઉપાડ ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે અને કોઈ પણ વ્યક્તિ (એક કરતાં વધારે ખાતાં હોય તો પણ) ૫૦,૦૦૦ રૂપિયાથી વધારાની રોકડ ઉપાડી શકશે નહીં.


ગ્રાહકોને શું મળશે?

- બૅન્ક જ્યારે મોરેટોરિયમ પિરિયડમાં છે ત્યારે ગ્રાહક (ડિપોઝિટર કે થાપણદારો) ૫૦,૦૦૦ રૂપિયાથી વધારાની રકમ ઉપાડી શકશે નહહીં. જો એક જ વ્યક્તિ પાસે એકથી વધારે થાપણ હોય તો પણ કુલ ૫૦,૦૦૦ રૂપિયા જ ઉપાડી શકશે.


- જો થાપણદારને કોઈ રકમ બૅન્કને લોન કે અન્ય રીતે પાછી કરવાની થશે તો એ ઉપાડની રકમમાંથી બાદ કરવામાં આવશે.

- કોઈ પણ લેણદારને ૫૦,૦૦૦ રૂપિયાથી વધારે રકમ ચૂકવી શકશે નહીં.

- પાંચમી માર્ચ ૨૦૨૦ પહેલાં જો કોઈ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઑર્ડર ઇશ્યુ થયા હોય તો એની પૂરી રકમ આપવામાં આવશે.

- રિઝર્વ બૅન્ક જરૂર પડ્યે, શરતોને આધીન ૫૦,૦૦૦ રૂપિયાથી વધારાની રકમ ઉપાડવાની છૂટ આપી શકશે. જો થાપણદારને કોઈ આકસ્મિક સંજોગ હોય, લગ્ન માટે, ઉચ્ચ શિક્ષણ માટે, હૉસ્પિટલના ખર્ચ માટે આવી છૂટ મળી શકે છે. આવા આકસ્મિક સંજોગોમાં પણ મહત્તમ ઉપાડની રકમ ૫,૦૦,૦૦૦ રૂપિયા કરતાં વધારે નહીં રહે.

- આ ઉપરાંત કર્મચારીઓને પગાર, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, ભાડાં, પોસ્ટેજ જેવા ખર્ચ કરવાની છૂટ મળશે. વકીલોને ચૂકવવાની ફીની રકમ જો ૫૦,૦૦૦ રૂપિયાથી વધારે હશે તો રિઝર્વ બૅન્કની મંજૂરી અનિવાર્ય છે.

યસ બૅન્ક પર શા માટે નિયંત્રણ મુકાયાં

યસ બૅન્કે આપેલી લોનમાં નબળી પડવાનું પ્રમાણ (એટલે કે લોન પાછી નહીં આવી રહી હોવાથી) વધી રહ્યું છે, બૅન્કની ખોટ વધી રહી છે અને ક્રેડિટ રેટિંગ નબળું પડી રહ્યું હોવાથી બૅન્કની નાણાકીય સ્થિતિ સતત નબળી પડી રહી છે. કેટલાક કિસ્સામાં બૅન્કના રોકાણકારો અને ડિપોઝિટર પણ નાણાં ઉપાડી રહ્યા છે એટલે હાલત વધારે બગડી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૅન્કના વહીવટમાં પણ ઘણી ઓટ આવી હોવાથી બૅન્ક નબળી પડી રહી છે. વધારે મૂડી ઊભી કરવા માટે બૅન્કે સતત પ્રયત્ન કર્યા છે, પણ સ્થિતિ સુધરી નથી. રિઝર્વ બૅન્કે પણ આને માટે મદદ કરી છે. બૅન્કમાં ૧૨ ફેબ્રુઆરીએ પણ કેટલાક રોકાણકારો મૂડી રોકવા તૈયાર થયા હતા, પણ કોઈ મૂડી આવી નથી.

અન્ય નિયંત્રણ કેવાં?

બૅન્ક આજથી હવે કોઈ લોન નહીં આપી શકે કે કોઈ રોકાણ નહીં કરી શકે અથવા કોઈ પણ મિલકત ટ્રાન્સફર નહીં કરી શકે. જો કોઈ ગ્રાહકને લોન આપવામાં આવી હોય અને તેની સામે ચીજો, સામાન કે મિલકત કે જામીનગીરી ગીરવી મૂકવામાં આવી હોય તો એ બૅન્ક છુટ્ટી કરી શકશે. આવા કિસ્સામાં બૅન્કે આપેલી લોન પૂર્ણ ભરપાઈ થઈ જવી જોઈએ અથવા તો જેટલી રકમની ટાંચ છોડવામાં આવે એટલું સામે વધારાનું માર્જિન મળવું જોઈએ.

યસ બૅન્કની નાણાકીય સ્થિતિ

યસ બૅન્ક પાસે ૨,૨૪,૫૦૫ કરોડ રૂપિયાનું ધિરાણ (સપ્ટેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ) છે. બૅન્કે ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ હજી જાહેર કર્યાં નથી એટલે છેલ્લા આંકડા ઉપલબ્ધ નથી. સામે બૅન્કમાં ૨,૦૯,૪૦૭ કરોડ રૂપિયા ડિપોઝિટ રૂપે જમા છે. બૅન્કે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૬૦૦ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. બૅન્કની દેશભરમાં ૧૧૨૩ શાખા છે.

માર્ચ ૨૦૧૯માં બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે રણવિત ગિલની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ ૧.૨ અબજ ડૉલરની રકમ મૂડી તરીકે એકત્ર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બૅન્કના ભાવિ વિકાસ અને નબળી લોનપેટે કરેલી જોગવાઈ માટે આ રકમ અનિવાર્ય હતી. પ્રથમ પ્રયત્નમાં બૅન્કને જે ઑફર મળી એ રોકાણકારનો પોતાનો ભૂતકાળ નબળો હોવાથી કોઈ પણ સંજોગોમાં રિઝર્વ બૅન્ક પરવાનગી નહીં આપે એવી જાણ થતાં બૅન્કે આ ઑફર પડતી મૂકી હતી. ફેબ્રુઆરીમાં બૅન્કને જેસી ફ્લાવર, ટાઇડેન પાર્ક કૅપિટલ તરફથી ઑફર મળી હતી. બૅન્કે ફેબ્રુઆરીમાં પોતાના ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ ૧૪ માર્ચે જાહેર કરવાની જાહેરાત કરી હતી.

યસ બૅન્કનું કુલ એનપીએ (નૉન પર્ફોર્મિંગ ઍસેટર) ૭.૩૯ ટકા છે એમાંથી ૩૧,૦૦૦ કરોડ રૂપિયાની લોન એવી છે જેનું પોતાનું ક્રેડિટ રેટિંગ નબળું હોય એટલે કે લોન પાછી મેળવવાની શક્યતા ઓછી હોય. રિઝર્વ બૅન્કના નિયમ અનુસાર જો મૂડી ઊભી થાય નહીં તો ૮ ટકાની મર્યાદા કરતાં બૅન્કની મૂડી ઓછી થઈ જાય એવાં જોખમ પણ હતાં.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 07:42 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK