Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્ક દ્વારા કરાયેલા ત્રીજી વારના વધારા પછી રેપો રેટ ત્રણ વર્ષનો સૌથી ઊંચો

રિઝર્વ બૅન્ક દ્વારા કરાયેલા ત્રીજી વારના વધારા પછી રેપો રેટ ત્રણ વર્ષનો સૌથી ઊંચો

08 August, 2022 05:25 PM IST | Mumbai
Jitendra Sanghvi

ભાવવધારો ન રોકાય તો એની અસર ટૂંકા ગાળાના આર્થિક વિકાસના દર પર થઈ શકે અને એની ગાડી ડીરેલ થઈ શકે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


રિઝર્વ બૅન્કે સતત બીજી વાર વ્યાજના દર (રેપો રેટ)માં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. બૅન્કે ચાલુ નાણાકીય વર્ષના આર્થિક વિકાસના (૭.૨ ટકા) અને ભાવવધારાના દર (૬.૭ ટકા)ના અગાઉના અંદાજ જાળવી રાખ્યા છે. એપ્રિલ મહિના પછી ભાવવધારો થોડો ધીમો પડ્યો હોવા છતાં અને વિશ્વબજારમાં ક્રૂડ ઑઇલ, ધાતુઓ અને અન્ય ચીજવસ્તુઓના ભાવનું વલણ ઘટવાતરફી હોવા છતાં આપણો ભાવવધારો માર્ચ ૨૦૨૩ના ક્વૉર્ટરમાં જ એની ટૉલરન્સ લિમિટ (૬ ટકા) નીચે જવાનો રિઝર્વ બૅન્કનો અંદાજ છે.

વિશ્વવ્યાપી ભાવવધારાના સંદર્ભમાં એક પછી એક કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજના દર વધારી રહી છે. ગયે અઠવાડિયે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ એમાં જોડાઈ છે. છેલ્લાં ૨૭ વર્ષમાં એણે પ્રથમ વાર સૌથી મોટો (૫૦ બેસિસ પૉઇન્ટ) વ્યાજના દરનો વધારો કર્યો છે.



અનેક મૅક્રો ઇકૉનૉમિક પૅરામીટર્સ (કરવેરાની આવક, ખાસ કરીને જીએસટી, ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ અને વિક્રમ ટ્રેડ ડેફિસિટ) આપણા આર્થિક વિકાસનું ચિત્ર બહુ બગડવા નહીં દે એવા આશાવાદને કારણે અને સતત ચાલુ રહેલો ભાવવધારો પણ આર્થિક સ્લોડાઉન નોતરી શકે એ ચિંતાએ રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારી રહી છે. અમેરિકા અને યુરોપ સહિતના અન્ય દેશોમાં સતત વધી રહેલા વ્યાજના દરોને લીધે છેલ્લા નવ મહિનાથી થઈ રહેલા મૂડીના આઉટફ્લોને કારણે રૂપિયો એક સમયે ડૉલર સામે ૮૦ની નીચે ઊતરી જવાને લીધે પણ રિઝર્વ બૅન્ક માટે હવે વ્યાજના દર વધારવાનું અનિવાર્ય બન્યું છે.


જોકે ગયે અઠવાડિયે રૂપિયાનું મૂલ્ય થોડું વધ્યું પણ ખરું. એ સાથે વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇન્ફલો પણ સતત બીજે મહિને વધતો રહ્યો છે. રેપો રેટ સતત વધી રહ્યો છે એટલે હોમ લોન મોંઘી થવાની, જેનો માર માસિક હપ્તાની ચુકવણી દ્વારા ઘર ખરીદનાર નોકરિયાત વર્ગ પર પડવાનો. તો બીજી તરફ બૅન્ક ડિપોઝિટ પર વ્યાજના દર વધે એનો થોડો ફાયદો બૅન્કોમાં બચત કરનાર વર્ગને (સિનિયર સિટિઝન્સ સહિત) થવાનો.

અમેરિકા અને યુરોપના અન્ય દેશોમાં ડિપોઝિટમાં રોકાણ કરનાર અને હોમ લોન અને અન્ય ખરીદી માટે લોન લેનાર બન્ને વર્ગ એક જ હોય છે એટલે તેને લોન માટે વધુ વ્યાજ ચૂકવવું પડે છે તો ડિપોઝિટ પર વધુ વ્યાજ (વળતર) મળે છે, જ્યારે આપણે ત્યાં આ પરિસ્થિતિ અલગ છે; લોન લેનાર એક વર્ગ અને ડિપોઝિટ મૂકનાર બીજો વર્ગ એ ધ્યાનમાં રહેવું જોઈએ.
વ્યાજના દરમાં ૩૫થી ૫૦ બેસિસ પૉઇન્ટના વધારાની અપેક્ષા હતી જ એટલે આ વધારા પછી સ્ટૉક માર્કેટ પર એની વિપરીત અસર થઈ નથી અને રૂપિયો પણ થોડો મજબૂત બન્યો છે.
વિશ્વના માથે મંદીનું જોખમ ઊભું હોય ત્યારે રિઝર્વ બૅન્કે દેશમાં ભાવવધારા અને આર્થિક વિકાસના દર વચ્ચેનુ ડેલિકેટ બૅલૅન્સ જાળવવાની મુશ્કેલ ફરજ નિભાવવાની હોય છે.


ડેસ્ટીની કહો કે જે કહો એ, પણ વિશ્વ ઉપર એક પછી એક આફત સતત ચાલુ રહે છે. બે વર્ષના લાંબા ગાળા પછી માંડ-માંડ કોરોનાની મહામારીમાંથી બહાર નીકળેલા વિશ્વને માથે રશિયા-યુક્રેન યુદ્ધ ઝિંકાયું; ચીનનાં મુખ્ય ઔદ્યોગિક મથકોના લૉકડાઉને માંડ-માંડ વ્યવસ્થિત થતી સપ્લાય ચેઇનને નબળી કરી. હજી આ આફત પૂરી થઈ ન થઈ ત્યાં તો ચીન અને તાઇવાન વચ્ચેના સંઘર્ષની શરૂઆત થઈ. ચીનનું અર્થતંત્ર આમ પણ બૅન્કિંગ અને હાઉસિંગ ક્રાઇસિસથી ધીમું પડી રહ્યું છે. જોકે અમેરિકામાં વ્યાજદરના વધારા અને આર્થિક વિકાસના દરના ઘટાડા વચ્ચે પણ જૉબ માર્કેટ સુધારાતરફી છે એ માત્ર અમેરિકન અર્થતંત્ર માટે જ નહીં, પણ વિશ્વના અર્થતંત્ર માટે પણ એક પૉઝિટિવ ઘટના છે.

જુલાઈ મહિને આપણા મુખ્ય આર્થિક પૅરામીટર્સ મિશ્ર ચિત્ર ઊભું કરે છે. ટ્રેડ ડેફિસિટે નવો વિક્રમ (૩૧ બિલ્યન ડૉલર) નોંધાવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ આઠ મહિનાનો ઊંચો છે તો સેવાના ક્ષેત્રનો પીએમઆઇ ચાર મહિનાનો સૌથી નીચો હતો. જીએસટીની આવક ૨૮ ટકાના વધારા સાથે બીજા નંબરની સૌથી ઊંચી (૧.૪૯ લાખ કરોડ) રહી. ઑટોમોબાઇલ્સનું વેચાણ, રેલવે દ્વારા માલસામાનની હેરફેર, ફ્યુઅલનું વેચાણ અને વીજળીની માગ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આપણો જીડીપી ગ્રોથ સારો રહેવાનો સંકેત કરે છે. સરવાળે આપણા આર્થિક વિકાસનો દર (વિશ્વના અનેક દેશોમાં વિકાસનો દર એક મોટી સમસ્યા છે) બહુ નીચો તો નહીં જાય, પણ સાત ટકાની આસપાસ જળવાઈ રહેશે.

મહામારીનો ગ્રાફ આપણે ત્યાં સતત વધી રહ્યો છે (પાંચમી ઑગસ્ટે ૨૦,૦૦૦થી વધુ નવા કેસ). મન્કીપૉક્સના કેસ પણ સપાટી પર આવી રહ્યા છે. વૅક્સિનેશનના ડોઝની ઝડપ ૨૦૦ કરોડ ડોઝના વિક્રમ પછી જોઈએ એટલી નથી રહી (છેલ્લા રિપોર્ટ પ્રમાણે ૨૦૬ કરોડ ડોઝ અપાયા છે).

આ સંજોગોમાં આપણા આર્થિક વિકાસનો આધાર આપણી મહામારી કેવો ટર્ન લે છે એ પર તેમ જ અમેરિકા, ચીન અને યુરોપના અનેક દેશો (જેમાંના કેટલાક આપણા વેપારના મુખ્ય ભાગીદારો છે) સ્લોડાઉન કે મંદીમાં કેટલા સપડાય છે એ પર રહેવાનો.

ત્રણ મહિનામાં ત્રણ વધારા સાથે રેપો રેટ વધીને છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઊંચો

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ સર્વાનુમતે કરેલ રેપો રેટના ૫૦ બેસિસ પૉઇન્ટના વધારા સાથે રેપો રેટ ૫.૪૦ ટકા થયો છે, જે છેલ્લા ત્રણ મહિનામાં કરાયેલ ૧૪૦ બેસિસ પૉઇન્ટના ત્રણ વધારા સાથે છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઊંચો છે. મહામારીના સમયમાં રેપો રેટમાં કરાયેલ ૧૧૫ બેસિસ પૉઇન્ટનો કુલ ઘટાડો છેલ્લા ત્રણ વધારા સાથે રદબાતલ થયો છે અને વ્યાજના દર હવે મહામારી પહેલાંની સપાટીએ પહોંચ્યા છે. 

રિઝર્વ બૅન્કે ફિસ્કલ ૨૩ના ભાવવધારાનો અગાઉનો અંદાજ જાળવી રાખ્યો હોવા છતાં વર્તમાન જીઓ-પૉલિટિકલ સ્થિતિ, ચીજવસ્તુઓના ભાવો અને ચાલુ ચોમાસાના સંદર્ભમાં આ મુદ્દે ચેતવણી આપી છે.

બૅન્કે ચાલુ ક્વૉર્ટરનો ભાવવધારાનો અંદાજ ઘટાડ્યો છે. (૭.૪માંથી ૭.૧ ટકા) તો ડિસેમ્બર ક્વૉર્ટરનો અંદાજ વધાર્યો છે (૬.૨માંથી ૬.૪ ટકા). ભાવવધારો એની ટોચ પર પહોંચી ગયો છે, પણ એ ઠીક-ઠીક પ્રમાણમાં અંકુશમાં (રિઝર્વ બૅન્કની ટૉલરન્સ લિમિટ છ ટકાની નીચે) તો માર્ચ ૨૦૨૩ના ક્વૉર્ટરમાં અને પાંચ ટકાની નીચે તો એપ્રિલ ૨૦૨૩ પછી જ આવશે. આ અપેક્ષિત ભાવવધારાની અવળી અસર ટૂંકા ગાળાના આર્થિક વિકાસના દર પર પણ પડી શકે.

કેટલાંક આર્થિક અને નાણાકીય જોખમોથી હલબલી ગયેલ વિશ્વમાં ભારત એક આઇલૅન્ડ ટાપુ જેવો આર્થિક, નાણાકીય અને રાજકીય સ્થિરતા ધરાવતો દેશ છે. રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસે એવો મત વ્યક્ત કર્યો છે કે એ સ્થિરતા ન જોખમાય એ માટે હાલ પૂરતું તો રિઝર્વ બૅન્ક એના કમાન્ડમાં જે પણ શસ્ત્ર (વ્યાજના દર, કૅશ રિઝર્વ રેશિયો અને લિક્વિડિટીનું બટન) છે એનો યોગ્ય ઉપયોગ કરવામાં જરા પણ અચકાશે નહીં. એટલું જ નહીં, આર્થિક વિકાસને ટૂંકા ગાળામાં રૂંધી શકે એ ભાવવધારાને અંકુશમાં લાવવો એ રિઝર્વ બૅન્કની ટૉપમોસ્ટ પ્રાયોરિટી છે અને રહેશે. રિઝર્વ બૅન્કના આ વલણના સંદર્ભમાં આવતી પૉલિસીની જાહેરાત (ઑક્ટોબર ૨૦૨૨) કે એ પહેલાં પણ આપણે વ્યાજ દરના (લગભગ ૫૦ બેસિસ પૉઇન્ટના) વધારાના એક શૉટ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. ‘કમ વોટ મે’, રિઝર્વ બૅન્કને છ ટકા ઉપરનો ભાવવધારો હવે સ્વીકાર્ય નથી એટલે થોડા સમયમાં રિઝર્વ બૅન્ક આ લક્ષ્ય હાંસલ કરીને જ રહેશે.

ભારતનો દેખાવ પ્રમાણમાં ઘણો સારો રહેશે

વૈશ્વિક સ્લોડાઉન અને સંભવિત મંદીના નગારા વચ્ચે ભારતનો આર્થિક વિકાસનો દર ધીમો પડશે તો પણ ઘણો ઊંચો (સાત ટકા આસપાસ) રહેવાનો એ બાબતે રિઝર્વ બૅન્ક, નોમુરા, સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર, વિશ્વ બૅન્ક, આઇએમએફ અને એડીબી જેવી અનેક સંસ્થાઓ એકમત છે.

ભારતના જીડીપીમાં નિકાસોનું પ્રભુત્વ નથી તો પણ એનો હિસ્સો આપણા જીડીપીમાં ૧૮ ટકા જેટલો મોટો છે. સ્વાભાવિક રીતે સમગ્ર વિશ્વ સ્લોડાઉનનો સામનો કરી રહ્યું હોય ત્યારે આપણી નિકાસોને પણ અસર પહોંચે જ. જુલાઈ મહિને નિકાસો ઘટી છે (૩૫ બિલ્યન ડૉલર) જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછીનો પહેલો ઘટાડો છે, જેને કારણે રોજગારી પણ ઘટી શકે.

ઉપરાંત આ વર્ષના અંતથી શરૂ થનાર અને ૨૦૨૩માં ચાલુ રહેનાર રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ અને ૨૦૨૪માં યોજાનાર લોકસભાની ચૂંટણીઓ માટેના ખર્ચ ઉપરાંત અન્ય રેવન્યુ ખર્ચમાં પણ સારો એવો વધારો થવાનો, જેની અસર માગના વધારા દ્વારા ભાવવધારા ઉપર પણ પડવાની. એટલે ટૂંકા અને મધ્યમ ગાળાના આર્થિક સંયોગો માટે આપણે વૈશ્વિક જોખમો ઉપરાંત ઘરઆંગણે બનનારી ઘટનાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.

ભાવવધારો લૉજિસ્ટિક કૉસ્ટ ઘટાડીને કાબૂમાં લાવી શકાય

ભાવવધારો આપણી હરીફ શક્તિ ઘટાડે, ખાસ કરીને નિકાસોના ક્ષેત્રે. આમ ઘટેલી કમ્પિટિટિવનેસને વધારવાનો એક ઉપાય છે આપણી લૉજિસ્ટિક કૉસ્ટ ઘટાડવાનો. નીતિન ગડકરીએ આવતાં પાંચ વર્ષમાં આપણી લૉજિસ્ટિક કૉસ્ટ હાલના જીડીપીના ૧૬થી ૧૮ ટકામાંથી ઘટાડીને ૧૦ ટકા કરવાની વાત કરી છે.

ભાવવધારા અને આર્થિક વિકાસને અસર કરતાં ઘણાં બધાં પરિબળો (વૈશ્વિક અને ડોમેસ્ટિક) પર આપણો અંકુશ ન હોય ત્યારે કાર્યક્ષમતા અને સ્થાપિત ઉત્પાદનશક્તિનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આપણી હરીફ શક્તિ ટકાવવી પડશે તો જ ટૂંકા ગાળામાં નહીં તો લાંબે ગાળે આપણું આર્થિક સુપરપાવર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. આ માટેનું પ્લાનિંગ તો આજથી જ શરૂ કરવું પડશે એ વિશે બેમત ન હોઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2022 05:25 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK