ઘણી બૅન્કોએ ફરી મૅન્યુઅલ સિસ્ટમથી કામ શરૂ કર્યું : દિવાળીની સીઝન દરમિયાન બૅન્કની ટેક્નિકલ ખામીને કારણે થઈ વેપારીઓને લેવડદેવડમાં હેરાનગતિ
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બૅન્કિંગમાં ચેક ક્લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્લિયરન્સ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી હતી. જોકે આ સિસ્ટમ શરૂઆતથી મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાનો દાવો અનેક લોકોએ કર્યો છે. ઘણા ગ્રાહકોએ ચેક ક્લિયર થવામાં વિલંબ થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી છે. જે ચેક થોડા જ કલાકોમાં જ ક્લિયર થવાના હતા એ છેલ્લા ૬ દિવસથી ક્લિયર થયા નથી, જેને કારણે હવે બૅન્કના સ્ટાફ માટે ફરીથી જૂની મૅન્યુઅલ સિસ્ટમથી ચેક ક્લિયર કરવાની નોબત આવી છે.
તાજેતરમાં શરૂ થયેલી આ નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમની ટેક્નિકલ ખામીને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીની સીઝનમાં લિક્વિડિટી અટકવાથી વેપાર-વ્યવસાય પર સીધો પ્રભાવ પડી રહ્યો હોવાની આ વેપારીઓએ ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
કર્મચારીઓ મુસીબતમાં
દાદરની હિન્દમાતાના રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારી હિતેન નિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા બે કર્મચારીઓને મેં ૪ ઑક્ટોબરે તેમના પગારનો ચેક આપ્યો હતો. બન્નેને આશા હતી કે તેમના ચેક કલાકોમાં ક્લિયર થઈ જશે અને તેઓ તેમના ગામે પૈસા મોકલી શકશે. જોકે બન્નેના ચેક ગઈ કાલ સુધી બૅન્કમાં ક્લિયર થયા નહોતા. એને કારણે મારે તેમને ગઈ કાલે રોકડા ચૂકવવા પડ્યા હતા. આ બન્ને કર્મચારીઓને તેમના પગારના પૈસામાંથી દર મહિનાના જમવાના, દિવાળી નિમિત્તે ખરીદી કરવાના અને તેમણે લીધેલી લોનના પૈસા ચૂકવવાના હતા; પરંતુ તેઓ તેમનું કોઈ પેમેન્ટ સમયસર કરી શક્યા નહોતા. આવી તકલીફનો સામનો અમારી માર્કેટમાં ઘણા દુકાનદારોને કરવો પડ્યો છે.’
અપૂરતી તાલીમ અને સ્કૅનિંગની સમસ્યા
રિઝર્વ બૅન્કનો એક દિવસમાં ચેક વટાવવાનો નિર્ણય બધાએ આવકાર્યો છે, પણ પૂરતી તકનીકી તૈયારી કર્યા વિના એનો અમલ થઈ ગયો હોવાની ફરિયાદો ઊઠી છે. એને લીધે વ્યવસાયકારોને ભારે ફટકો પડ્યો છે.
બૅન્કોએ તાત્કાલિક પરિસ્થિતિ સુધારીને વ્યવસ્થિત અને પારદર્શક સિસ્ટમ સુનિશ્ચિત કરવી જરૂરી છે એમ જણાવતાં બોરીવલીના ટાઇલ્સના વેપારી પ્રદીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ તો હવે પેમેન્ટ રિયલ-ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS) અને નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફન્ડ ટ્રાન્સફર (NEFT)થી થવા લાગ્યું છે. આમ છતાં અનેક વેપારીઓ આજે પણ ચેકથી પેમેન્ટ કરતા હોય છે. અમારા વેપારીઓ પણ ચેકથી પેમેન્ટ કરે છે. જોકે આ વખતે કલાકોમાં પેમેન્ટ મળી જશે એવી અમારી આશા ઠગારી નીવડી હતી.’
આ સમસ્યા વિશે બૅન્ક-મૅનેજરને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સ્કૅનિંગ મશીનમાં થોડીક સમસ્યાઓ છે. સ્ટાફને પૂરતી તાલીમ મળી નથી એટલે સ્કૅનિંગમાં ભૂલો પણ થાય છે વગેરે કારણોથી અત્યારે નવી ઑટો-પ્રોસેસ ધારી એવી સફળ નથી થઈ. સ્કૅન કરેલી કૉપી જરૂરી સ્ટાન્ડર્ડ્સને પૂરી ન કરતી હોવાથી એ જ દિવસે પ્રોસેસ કરાયેલા ચેક પાસ થઈ શક્યા નહીં, જેને કારણે તેમને પાછલા દિવસના ક્લિયરન્સ શેડ્યુલ પ્રમાણે અથવા વ્યક્તિગત બૅન્કોના પ્રોટોકૉલ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા કરવી પડી હતી.’
કનેક્ટિવિટી ફેલ્યર
અમે ૬ ઑક્ટોબરે ડિપોઝિટ કરેલા ચેકમાંથી ફક્ત ૩૦થી ૩૫ ટકા ચેક ક્લિયર થયા છે આવી માહિતી આપતાં ગોરેગામ-વેસ્ટના મોબાઇલના વેપારી રાજેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે મોબાઇલ કંપનીને ઍડ્વાન્સ પેમેન્ટ કરવાનું હોય છે, જ્યારે અમે અમારા ગ્રાહકોને પેમેન્ટની સુવિધા આપતા હોઈએ છીએ. મારા ગ્રાહકોએ આપેલા ચેકની સામે અત્યારે અમને ‘કનેક્ટિવિટી ફેલ્યર’ લખાઈને આવે છે. ૪ દિવસ થયા પેમેન્ટ હજી ખાતામાં જમા થયું નથી.’
બૅન્કો વળતર આપશે?
ખાતામાં પૂરતી રકમ ન હોવાને લીધે કે લોનના ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI) બાઉન્સ થવાને લીધે બૅન્ક દંડ વસૂલ કરે છે એમ જણાવતાં સાઉથ મુંબઈના ઇલેક્ટ્રિકના વેપારી મિલિંદ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હવે જ્યારે બૅન્કની જ તકનીકી ખામીને કારણે ચેક ક્લિયર થવામાં મોડું થઈ રહ્યું છે ત્યારે આર્થિક વ્યવહારોને જે ફટકો લાગી રહ્યો છે એની ભરપાઈ બૅન્કો કેવી રીતે કરશે એનો બૅન્કોએ જવાબ આપવો જોઈએ.
નૉન-મેટ્રો સિટીઝમાં આ સમસ્યા વધારે
આ સમસ્યા મોટાં શહેરોની તુલનામાં નાનાં શહેરો કે નૉન-મેટ્રો સિટીઝમાં વધુ જોવા મળી રહી છે એમ જણાવતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારી બૅન્કના એક અધિકારીએ જણાવ્યું કે ચેક ટ્રૅક્શન સિસ્ટમ શરૂ થઈ ત્યારે પણ આવી જ મુશ્કેલીઓ આવી હતી. આશા છે કે આ વખતે પણ સ્થિતિ જલદી સુધરી જશે. જોકે સરકારે આ સિસ્ટમને અમલમાં મૂકતાં પહેલાં બૅન્કના કર્મચારીઓને સંપૂર્ણ તાલીમ આપવાની જરૂર હતી અને થોડો સમય આ સિસ્ટમને ટ્રાયલ બેઝ પર થોડાં શહેરોમાં અમલમાં મૂકવી જોઈતી હતી. તો લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો હોત. તહેવારોનો સમય હોવાથી વેપારીઓને વધુ માલ ખરીદવો પડે છે, જેની ચુકવણી સમયસર થવી જરૂરી છે. જોકે ચેક ક્લિયરિંગમાં થઈ રહેલી ખામીઓને કારણે વેપારીઓને ખરીદી અને ચુકવણીમાં સમસ્યા આવી રહી છે જેની અસર ગ્રાહકો પર પડી શકે છે. તેથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.’
૧૫ ટકા જેટલા ચેક જ ક્લિયર થયા હોવાનો દાવો
આ તકનીકી ખામીને કારણે ચેક ક્લિયર ન થતાં કામદારોના પગાર, સપ્લાયરોની ચુકવણી, લોનના EMI વગેરે આર્થિક વ્યવહારો અટકી પડ્યા છે.
આ બાબતની માહિતી આપતાં ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સેક્રેટરી અને ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના નૅશનલ જનરલ સેક્રેટરી મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પણ આ તકલીફનો સામનો કરી રહ્યા છીએ, પણ અમારી પાસે વિકલ્પ હોવાથી એટલી મોટી અસર થઈ નથી. જોકે અમારા અસોસિએશનના અનેક સભ્યો તરફથી સતત આ મુદ્દે ફરિયાદ મળી રહી છે. તેઓ કહે છે કે નવા નિયમ મુજબ જે દિવસે ચેક જમા થાય એ જ દિવસે ક્લિયર થવો જરૂરી હતો, જેના માટે બૅન્કની દરેક શાખાને ચેક સ્કૅન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવાની પ્રક્રિયા કરવી પડે છે. જોકે સર્વર અથવા નેટવર્કની અછત ઊભી થવાથી એ પ્રક્રિયા શક્ય નથી થતી. છેલ્લા પાંચ દિવસમાં વિવિધ બૅન્કોમાં જમા થયેલા કુલ ચેકમાંથી માત્ર ૧૦થી ૧૫ ટકા જ ક્લિયર થયા છે.’


