ગ્લોબલ મૅક્રોની અસર નીચે સેન્સેક્સ અને રૂપિયામાં નરમ અન્ડરટોન
પ્રતીકાત્મક તસવીર
ભારત અને કૅનેડા વચ્ચે રાજદ્વારી તનાવમાં વધારો, ક્રૂડ ઑઇલમાં તેજી, ફેડ દ્વારા ઊંચા વ્યાજદરો હજી જળવાઈ રહેશે એવા સંકેતો અને અમેરિકામાં ફેડરેલ દેવાની મર્યાદા વધારવા મામલે શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે સમજૂતી ન થાય તો કામચલાઉ ગવર્નમેન્ટ શટડાઉન આવે એવી અટકળો વચ્ચે શૅરબજારોમાં વેચવાલીએ રૂપિયો, યેન, અને યુરોપિયન કરન્સી તૂટી હતી. ચીનમાં હજી પણ શૅરબજાર કમજોર છે. સરકારે નાનાં-નાનાં અનેક સપોર્ટિવ પગલાં લીધાં છે, પણ અર્થતંત્રને જોમ આપે એવાં બિગબૅન્ગ પગલાંઓ ખૂટે છે. અમેરિકામાં ૧૦ વરસનાં બૉન્ડ યીલ્ડ ૪.૪૯ ટકા થઈ ગયાં છે જે ૧૫ વરસની ઊંચી સપાટીએ છે. ડિવિડન્ડ યીલ્ડ ઘણું આકર્ષક છે. ફેડે વ્યાજદરો અને હોકિશ સ્ટાન્સ જાળવી રાખ્યાં છે. ફેડને ફુગાવાની ચિંતા છે, મંદીનો ડર નથી. ફુગાવા મામલે ફેડને કોઈ ચાન્સ લેવો નથી એટલે રેટકટ અને ક્યુઈ કહેતાં રૂપિયાની લહાણી ફરી પાછી ચાલુ થશે એવી આશા હાલ રખાય એમ નથી.
રૂપિયાની વાત કરીએ તો સપ્તાહના આરંભે એક ફ્રિક ટ્રેડમાં ઑફશૉર રૂપિયો ૮૩.૭૦ થયો હતો, જોકે એ વહેલી સવારનો ટ્રેડ હતો. ઇન્ટરબૅન્ક બજારમાં રૂપિયો ૮૩.૩૦ ખૂલીને છેલ્લે સપ્તાહના આખરે ૮૨.૯૫ બંધ હતો. રિઝર્વ બૅન્કે ૮૩.૨૦-૮૩.૩૦ના મથાળે ડૉલર વેચીને રૂપિયાને ૮૩ નીચે જ રાખ્યો છે. રિઝર્વ બૅન્કે ડૉલર વેચ્યા અને નિકાસકારોની પણ વેચવાલી હતી. યુરોપિયન કરન્સીની નરમાઈનો લાભ પણ રૂપિયાને મળ્યો હતો. પાઉન્ડ સામે રૂપિયામાં સુધારો આગળ વધ્યો હતો. યુરો સામે પણ રૂપિયો મજબૂત થયો હતો. છેલ્લા બે માસમાં પાઉન્ડ અને યુરો રૂપિયા સામે તેમ જ ડૉલર સામે નોંધપાત્ર ઘટ્યા છે.
ADVERTISEMENT
ઘરેલું મેક્રો ફન્ડામેન્ટલ, ફૉરેક્સ રિઝર્વ અને આર્થિક વિકાસદર હજી સાબૂત છે. જોકે વૈશ્વિક પરિબળો થોડાં ચિંતા કરવાં એવાં છે. યુરોપમાં હાજર ક્રૂડ તેલ ૧૦૦ ડૉલર વટાવી ગયું છે. રશિયાએ ડીઝલની નિકાસો પર પ્રતિબંધ મૂકતાં ડીઝલમાં વૈશ્વિક સ્તરે અછતની સ્થિતિ સર્જાઈ છે. રિઝર્વ બૅન્ક પાછલા એકાદ વરસથી રૂપિયાને ૮૧.૭૦-૮૩.૨૦ની રેન્જમાં સ્ટેબલ રાખી શકી છે. જો ક્રૂડમાં તેજી આગળ વધે તો આ રેન્જ ૮૨.૨૦-૮૪.૨૦ તરફ શિફ્ટ થઈ શકે. હાલ રુપિડૉલરમાં સપોર્ટ લેવલ ૮૨.૭૮, ૮૨.૩૨, ૮૨.૨૨ તેમ જ રેઝિસ્ટન્સ ૮૩.૦૫, ૮૩.૩૦, અને ૮૩.૪૫ છે. ઑક્ટો-નવેમાં કરન્સી અને બૉન્ડ બજારોમાં વૉલેટિલિટી વધવાની શક્યતા છે.
હાલના સ્તરે ડૉલરરુપિમાં આયાતકારો અને નિકાસકારોએ મહત્તમ હેજ અપનાવી શકાય. ટૂંકા ગાળા માટે ઘણી બધી અચોક્કસતાઓ ઊભી છે.
ક્રૉસટ્રેડમાં પાઉન્ડમાં સાર્વત્રિક નરમાઈ છે. ગયા ઑક્ટોબરમાં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન ટ્રુસે રાજીનામું આપ્યા પછી પાઉન્ડ ૧.૦૫ થઈ ગયો હતો એ પછી પાઉન્ડમાં આવેલો સુધારો જી-૧૦ કરન્સીમાં શ્રેષ્ઠ દેખાવ હતો, પણ છેલ્લા થોડા દિવસોમાં પાઉન્ડ ઘણો તૂટ્યો છે, છ માસની નીચી સપાટીએ ગયો છે. પાઉન્ડ ૧.૦૫થી વધીને ૧.૩૧૫૦ થયા પછી હવે ૧.૨૩૫૦ છે અને આવતા થોડા સમયમાં ૧.૧૯-૧.૨૦ સુધી જઈ શકે. પાઉન્ડ રૂપિયા સામે પણ નોંધપાત્ર ઘટ્યો છે. ૧૦૭.૮૦થી ઘટીને ૧૦૧.૭૦ થયો છે. આગળ પર ૯૭.૭૦-૯૮.૪૦ થવાની શક્યતા છે. પાઉન્ડડૉલરમાં હાલની રેન્જ ૧.૧૯૫૦-૧.૨૪૪૦ ગણાય. આયાતકારો માઇલ્ડ અન્ડરહેજ રહી શકે. યુરો પણ નરમ છે. યુરો ડૉલર ૯૨.૭૦થી ઘટીને ૮૮.૭૦ થયો છે. યુરો ડૉલરમાં રેન્જ ૧.૦૫-૧.૦૮ ગણાય. ટ્રેન્ડ નરમાઈનો છે. આયાતકારો માઇલ્ડ અન્ડરહેજ રહી શકે. યુરોપમાં ફુગાવો અને માગની મંદીનું મિશ્રણ એટલે કે સ્ટેગફ્લેશન તોળાય છે. ચીનમાં લાંબા સમયથી મંદી છે એની યુરોપને મોટી અસર થઈ છે. યુરોપની લક્ઝરી બ્રૅન્ડ માટે ચીન મોટું બજાર છે.
ચીનમાં એશિયન ગેમ્સનો આરંભ થયો છે. એનાથી વપરાશી માગને નાનો એવો ટેકો મળશે. જપાનમાં યેન હજી નરમ છે. ક્રૂડની તેજી જપાન માટે પણ સારા સમાચાર નથી. યેન સતત તૂટતો જાય છે. છેલ્લે ૧૪૮.૪૦ આસપાસ બંધ હતો. યુઆન ૭.૩૦ આસપાસ ટકેલો છે. બીટકૉઇન ૨૬,૫૦૦ અને ઇથર ૧૫૯૦ આસપાસ નરમ બંધ હતાં. ઘણા ફન્ડ મૅનેજર્સે સ્પોટ બીટકૉઇન ઈટીએફ માટે એસઈસી પાસે મંજૂરી માગી છે. જો સ્પૉટ બીટકૉઇન ઈટીએફમાં મોટા ખેલાડીઓ આવશે તો અલ્ટ્રા એચએનઆઇ, ફૅમિલી ઑફિસ, હેજફન્ડો વગેરેને બજારમાં રસ પડશે.


