આગામી નાણાંકીય વર્ષમાં તમારું ફિનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે તમારે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ ફિનાન્શિયલ એડવાઈઝર દિનેશ દેવાશી સાથે ખાસ વાતચીત કરી છે.
તસવીર ડિઝાઈન: કિશોર સોસા
ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિશયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.
આપણે બજેટ અને અન્ય અનેક મુદ્દે આ પહેલા વાત કરી છે, નાણાંકીય વર્ષ 2024-25 પૂરું થવામાં છે અને નવું નાણાંકીય વર્ષ જે પહેલી એપ્રિલ 2025ના રોજ શરૂ થશે. તમારી આવકનું યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે રોકાણ કરવું જરૂરી છે. તમારા દ્વારા કરવામાં આવતા ખર્ચ અને તમારા રોકાણ તેમજ બચતનો આંકડો યોગ્ય હોય તો તમને જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો નથી. નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવામાં છે ત્યારે તમે તમારા આવકને કેવી રીતે વિભાજિત કરી શકો છે અને આગામી નાણાંકીય વર્ષમાં તમારું ફિનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે તમારે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ ફિનાન્શિયલ એડવાઈઝર દિનેશ દેવાશી સાથે ખાસ વાતચીત કરી છે.
ADVERTISEMENT
દિનેશ દેવાશી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવે છે કે બે પ્રકારના લોકો હોય છે, એક જેઓ પોતાનું બિઝનેસ ચલાવે છે અને બીજા જેઓ પગારદાર વર્ગ એટલે કે વેતન મેળવે છે.
સેવિંગ કરવા માટે તેમ જ ખર્ચ કરવા માટેનો એક થમ્બરૂલ હોય છે જે કોઈપણ ફિનાન્શિયલ એડવાઈઝર અથવા જે એક્સપર્ટ હોય તે તમને આ નિયમ ચોક્કસ જણાવશે. જેમાં તમારી આવકના 20 ટકા સેવિંગમાં એટલે બચત કરવા માટે મૂકવાના, ત્યાર બાદ 30 ટકા તમારે લિક્વિડિટી ફન્ડ તરીકે જેને તમે ઇમરજન્સી ફન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો, આ સિવાય તમારી આવકના 50 ટકા તમે રોજિંદા ખર્ચ માટે તેમજ તમારા અન્ય ખર્ચ માટે તમે રાખો તો તમારે જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવવાના ચાન્સિસ નહીંવત બની રહે છે.
20 ટકા જે તમે સેવિંગ્સમાં એટલે કે બચત માટે રાખો છો તેમાં પણ તમે 60-40 ફૉર્મ્યૂલાનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે 60 ટકા એક્સપોઝર એટલે કે ઇક્વિટી અને 40 ટકા તમે ડેબ્ટ ફન્ડ તરીકે એટલે કે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે મૂકી શકો છો.
આ ફૉર્મ્યૂલા આમ તો પગારદાર વર્ગ અને વેપારી વર્ગ બન્ને માટે કારગર છે તેમ છતાં એક્સપર્ટ એડવાઈઝ વિશે વાત કરીએ તો દિનેશ દેવાશી જણાવે છે કે જે લોકો પગારદાર વર્ગમાં આવે છે તેમણે પોતાને માટે ઇન્શ્યોરન્સ પૉલિસી લેવી જોઈએ. જ્યારે વેપારી વર્ગ માટે સલાહ આપતાં એક્સપર્ટ જણાવે છે કે તેમણે પોતાના ઇમ્પ્લોઇઝ (કર્મચારી) માટે મેડિકલ પૉલિસી લઈ લેવી જોઈએ જેથી તેમના કર્મચારીઓ સાથેના તેમના સંબંધ સુધરે, આ સિવાય મેડિકલ ઇમરજન્સીના સમયે કર્મચારીને વેપારીએ પોતે પૈસા આપવાની જરૂર ન જણાતાં પૉલિસીમાં તે કવર થઈ જાય અને આમ બન્ને પક્ષે વેપારીને ખૂબ જ લાભ થઈ શકે છે.

