ટેક્સસ, ફ્લૉરિડા અને મોન્ટાના સહિતનાં અનેક રાજ્યોમાં બિટકૉઇનના વપરાશ માટે ખરડાઓ રજૂ કરાયા છે. તેઓ રાજ્ય સ્તરે પણ બિટકૉઇનની અનામત બનાવવાનું આયોજન કરી રહ્યા છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના ઓહાયો રાજ્યે ૨૦૦ ડૉલર મૂલ્ય સુધીનું પેમેન્ટ બિટકૉઇનમાં લેવામાં આવે તો એને રાજ્યના કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી માફી આપવા માટેનો ખરડો પસાર કર્યો છે. આ રીતે રાજ્યમાં ક્રિપ્ટોના વપરાશની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. સંસદની હાઉસ ટેક્નૉલૉજી કમિટીએ ૬૮ની સામે ૨૬ મતોથી આ ખરડો પસાર કર્યો હતો. હવે આ ખરડો સેનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. નોંધનીય છે કે ટેક્સસ, ફ્લૉરિડા અને મોન્ટાના સહિતનાં અનેક રાજ્યોમાં બિટકૉઇનના વપરાશ માટે ખરડાઓ રજૂ કરાયા છે. તેઓ રાજ્ય સ્તરે પણ બિટકૉઇનની અનામત બનાવવાનું આયોજન કરી રહ્યા છે.
અન્ય એક અહેવાલ મુજબ પ્રિનેટિક્સ ગ્લોબલ લિમિટેડ નામની આરોગ્યવિજ્ઞાનની કંપનીએ કૉર્પોરેટ ટ્રેઝરીની સ્ટ્રૅટેજીના ભાગરૂપે ૨૦ મિલ્યન ડૉલર મૂલ્યના બિટકૉઇનની ખરીદી કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ સરેરાશ ૧,૦૬,૭૧૨ ડૉલરના ભાવે ૧૮૭.૪૨ બિટકૉઇન ખરીદ્યા છે. કંપનીના બોર્ડે બિટકૉઇન ખરીદવા માટે ૧૧૭ મિલ્યન ડૉલર ફાળવ્યા હોવાનું પણ જાહેર કર્યું છે. બીજી બાજુ, આ કંપની પોતાના આઇએમ8 હેલ્થ અને સર્કલડીએનએ નામના ગ્રાહકો માટેના પ્લૅટફૉર્મ પર બિટકૉઇનમાં પેમેન્ટ સ્વીકારવાનું પણ આયોજન ધરાવે છે.
ADVERTISEMENT
દરમ્યાન, ઇઝરાયલ-ઈરાન વચ્ચેની લડાઈ ગંભીર બનતાં જોખમી ગણાતી ઍસેટ્સના રોકાણકારો ચિંતિત થઈ ગયા છે. એની અસર તળે બિટકૉઇનમાં સાધારણ ઘટાડો થયો હતો અને ભાવ ૧,૦૪,૩૪૮ ડૉલર પર પહોંચ્યો હતો.


