આવું આવું થઈ રહેલા NSEના IPOનો તખતો ગોઠવાતાં અનલિસ્ટેડ માર્કેટમાં ભાવ સપ્તાહમાં ૫૫૧ રૂપિયા વધી ૨૨૬૬ના બેસ્ટ લેવલે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આવું આવું થઈ રહેલા NSEના IPOનો તખતો ગોઠવાતાં અનલિસ્ટેડ માર્કેટમાં ભાવ સપ્તાહમાં ૫૫૧ રૂપિયા વધી ૨૨૬૬ના બેસ્ટ લેવલે : HDFC લાઇફ તથા ભારત ઇલેક્ટ્રિકમાં નવા શિખર, બેટની આંશિક એક્ઝિટમાં આઇટીસી ગગડ્યો : અપોલો માઇક્રો, એસ્ટ્રા માઇક્રો, ગાર્ડનરિચ જેવા ડિફેન્સ શૅર નવી વિક્રમી સપાટીએ, ઝેન ટેક્નૉ તથા યુનિમેક ઉપલી સર્કિટે : રીટેલ અને HNIની બેરુખી વચ્ચે લીલા હોટેલ્સ અને એજીસ વોપેકનાં ભરણાં પાર પડી ગયાં, પણ પ્રીમિયમ સાવ ખતમ થયું : યુનિફાઇડ ડેટા-ટેક આજે લિસ્ટિંગમાં જશે
બુધવારે બજાર અતિ સાંકડી રેન્જમાં અથડાતું રહી વધું ઢીલું પડ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૯૪ પૉઇન્ટ જેવો નરમ, ૮૧,૪૫૭ ખૂલી છેવટે ૨૩૯ પૉઇન્ટ ઘટી ૮૧,૩૧૨ તથા નિફ્ટી ૭૪ પૉઇન્ટની કમજોરીમાં ૨૪,૭૫૨ બંધ થયો છે. નરમ ખુલ્યા બાદ શૅરઆંક ઉપરમાં ૮૧,૬૧૩ અને નીચામાં ૮૧,૨૪૪ દેખાયો હતો. દિવસનો મોટો ભાગ રેડ ઝોનમાં રહેલા બજારમાં માર્કેટ બ્રેડ્થમાં રસાકસી હતી. NSE ખાતે વધેલા ૧૪૬૨ શૅરની સામે ૧૩૯૫ જાતો ઘટી છે. સેન્સેક્સ નિફ્ટીની સાધારણ કમજોરી સામે સ્મૉલકૅપ બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ હતો. અન્ય સેક્ટોરલમાં ટેલિકૉમ ૧.૪ ટકા પ્લસ તો FMCG ઇન્ડેક્સ ૧.૩ ટકા માઇનસ થયો છે. કૅપિટલ ગુડ્સ ૦.૪ ટકા સુધર્યો છે. ઑટો બેન્ચમાર્ક ૦.૪ ટકો નરમ હતો. નિફ્ટી મીડિયા ૧.૧ ટકા તથા પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકો વધ્યા હતા. નિફ્ટી ફાર્મા પોણો ટકો ડાઉન હતો. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૮૭૭૫ની નવી ટૉપ બનાવી ૧૮માંથી ૧૧ શૅરના સથવારે એક ટકો વધી ૮૭૨૪ રહ્યો છે. બજારનું માર્કેટ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૪૩.૭૭ લાખ કરોડ રૂપિયા વટાવી ગયું છે.
ADVERTISEMENT
એશિયા ખાતે સાઉથ કોરિયા સવા ટકો વધ્યું હતું. અન્ય બજારો બહુધા સીમિત ઘટાડામાં બંધ હતાં. હૉન્ગકૉન્ગ અડધો ટકો નરમ હતું. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ દેખાયું છે. નૅસ્ડૅક અઢી ટકા વધીને આવવા છતાં એની વિશ્વબજારોમાં કોઈ પ્રોત્સાહક અસર વરતાઈ નથી. બિટકૉઇન ૧,૦૮,૭૯૭ ડૉલરે રનિંગમાં ટકેલો હતો.
ઘણા વખતથી આવું આવું થઈ રહેલા NSEનો IPO હવે ખરેખર આવશે એમ લાગે છે. લાંબા સમયથી ચાલતા કો-લોકેશન કેસને રફાદફા કરવા NSE તરફથી તૈયારી દર્શાવાઈ છે. સેબી એને સ્વીકારી NOC આપે તો આઇપીઓનો માર્ગ મોકળો થઈ જશે. અનલિસ્ટેડ માર્કેટમાં NSEના શૅરના ભાવમાં જબરો કરન્ટ આવ્યો છે. ભાવ મહિના પહેલાં ૧૫૭૫ અને સપ્તાહ પહેલાં ૨૧ મેએ ૧૭૧૫ હતો એ વધતો રહી હાલ ૨૨૬૬ ક્વોટ થઈ રહ્યો છે જે એની વિક્રમી સપાટી છે. આ ભાવે NSEનું માર્કેટકૅપ આશરે ૫.૬૧ લાખ કરોડ રૂપિયા બેસે છે. શૅરની ફેસવૅલ્યુ એકની છે. સામે બુકવૅલ્યુ હાલમાં ૯૭ નજીક છે. ઇન્ડસ્ટ્રીના ૮૨ના પી/ઈ સામે હાલનો અનલિસ્ટેડ માર્કેટમાંનો ભાવ ૬૭.૫નો પી/ઈ સૂચવે છે. દરમ્યાન BSE લિમિટેડનો શૅર ગઈ કાલે ઉપરમાં ૨૪૩૮ બતાવી ૨૪૦૪ના આગલા લેવલે યથાવત્ બંધ હતો. હાલના ભાવે એ ૭૩.૬નો પી/ઈ બતાવે છે. MCX પોણા ટકાના સુધારે ૬૪૬૬ બંધ આવી છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૦.૯ ટકા ઘટી ૧૯૮ નજીક રહી છે.
બેલરાઇઝ અને દાર ક્રેડિટનું લિસ્ટિંગ ધારણા કરતાં નબળું ગયું
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૨૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૯૮ ખૂલી ૧૦૩ની ઇન્ટ્રા-ડે હાઈ તથા ૯૧ની બૉટમ બનાવી ૯૭ બંધ થતાં ૮.૨ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. દાર ક્રેડિટ ઍન્ડ કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૬૦ની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે બોલાતા ૧૦ના પ્રીમિયમ સામે ૬૫ ખૂલી ૬૪ બંધ થતાં ૬.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન એમાં જોવાયો છે. યુનિફાઇડ ડેટા ટેકનું લિસ્ટિંગ આજે છે. પ્રીમિયમ ઘસાતું રહી હાલ ૫૦ બોલાવા માંડ્યું છે.
મેઇન બોર્ડમાં સ્કોડા ટ્યુબ્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપર બૅન્ડ સાથે ૨૨૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ૨.૨ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૨૩ જેવું છે. SMEમાં નેપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપર બૅન્ડ સાથે ૭૩૨૦ લાખનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૧.૧ ગણો અને એન. આર. વંદના ટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના ભાવે ૪૫ની અપર બૅન્ડવાળો ૨૭૮૯ લાખનો ઇશ્યુ કુલ દોઢ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં સોદા નથી. બીજા દિવસના અંતે મેઇન બોર્ડની પ્રોસ્ટર્મ ઇન્ફોનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૧૬૮ કરોડ રૂપિયાનો આઇપીઓ કુલ ૧૨.૭ ગણો છલકાયો છે. પ્રીમિયમ હાલ ૨૩ જેવું છે. SMEમાં નિકિતા પેપર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૪ના ભાવનો ૬૭૫૪ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૯ ટકા, બ્લુવૉટર લૉજિસ્ટિક્સનો શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૪૦૫૦ લાખનો ઇશ્યુ ૨.૩ ગણો તથા એસ્ટોનિયા લૅબ્સનો શૅરદીઠ ૧૩૫ની અપર બૅન્ડવાળો ૩૭૬૭ લાખનો ઇશ્યુ કુલ ૬૪ ટકા ભરાયો છે. નિકિતા પેપર્સમાં પાંચનું પ્રીમિયમ બોલાય છે.
એજીસ વોપેક ટર્મિનલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૫ના ભાવનો ૨૮૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૨.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ગગડીને ૧ રૂપિયા થઈ ગયું છે. લીલા હોટેલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૩૫ની અપર બૅન્ડવાળો ૩૫૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૪.૭ ગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ તૂટીને બે બોલાય છે.
ખોટ કરતી સરકારી કંપની IFCI ૧૩ દિવસમાં ૭૪ ટકા વધી ગઈ
ટેક્નૉ ઇલેક્ટ્રિક ઍન્ડ એન્જિનિયરિંગ દ્વારા મલ્ટિયર હાઈ રેવન્યુ સાથે ૭૪ ટકાના વધારામાં ૧૩૫ કરોડનો ત્રિમાસિક નફો હાંસલ કરવામાં આવતાં શૅર ૧૪ ગણા વૉલ્યુમે ૧૫ ટકા કે ૧૮૮ રૂપિયાની તેજીમાં ૧૪૩૯ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. ૭ એપ્રિલે અહીં ૭૯૫ની ઐતિહાસિક બૉટમ બની હતી. સરકારની ખોટ કરતી IFCI તેજીની ચાલમાં સાડાચાર ગણા કામકાજે ૧૫ ટકા ઊછળી ૭૦ વટાવી ગઈ છે. આ સતત ૧૩મા દિવસની મજબૂતી છે. ભાવ ૯ મેએ ૩૯ રૂપિયા હતો. સ્નેઇડર ઇલેક્ટ્રિક સારાં રિઝલ્ટની અસરમાં ૧૧.૫ ટકાના જમ્પમાં ૭૮૦ નજીક ગઈ છે. ખોટ કરતી અન્ય સરકારી કંપની આઇટીઆઇ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના ૮૧૦ કરોડ સામે ૧૦૮૧ કરોડની આવક દર્શાવાઈ છે. શૅર સતત બીજા દિવસે ૧૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૩૪૦ બંધ થયો છે. ખોટ કરતી એક વધુ સરકારી કંપની MMTC પરિણામ પૂર્વે ૧૭ ગણા વૉલ્યુમે સાડાઆઠ ટકા ઊચકાઈ ૬૯ ઉપર બંધ થઈ છે. ‘એ’ ગ્રુપ ખાતે રેડટેપ સાતેક ટકા, DCX ઇન્ડિયા પોણાસાત ટકા, સિકવન્ટ સાયન્ટિફિક પાંચ ટકા, ઓર્ચિડ ફાર્મા પાંચ ટકા અને એસ્કોર્ટ્સ સાડાચાર ટકા કે ૧૬૧ રૂપિયા ડૂલ થઈ છે.
ડિફેન્સ કંપની અપોલો માઇક્રો પોણાચૌદ ટકા ઊછળી ૧૭૭ના શિખરે બંધ રહી છે. ઝેન ટેક્નૉલૉજી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૦૧૩ હતી. યુનિમેક ઍરોસ્પેસનો નફો ૧૯૭૨ લાખથી વધી ૨૮૪૮ લાખ થતાં શૅર ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૭ રૂપિયા ઊંચકાઈ ૧૧૮૦ નજીક સરક્યો છે. માઝગાવ ડૉક એક ટકો, કોચીન શિપયાર્ડ ૧.૪ ટકા તથા ગાર્ડનરિચ ૨.૭ ટકા વધી નવી ટોચે બંધ રહી છે. ભારત ડાયનેમિક્સ સવાબે ટકા નરમ હતી. ભારત અર્થમૂવર બે ટકા ઘટી ૪૨૩૭ રહી છે. એસ્ટ્રા માઇક્રો ૧૧૮૪ની ટૉપ બતાવી ૬.૭ ટકા ઊછળી ૧૧૬૪ બંધ હતી.
પરિણામ પાછળ LICમાં આઠ મહિને તેજીતરફી બ્રેકઆઉટ
નિફ્ટ ખાતે HDFC લાઇફ ૭૯૧ની નવી ટૉપ બનાવી પોણાબે ટકા વધી ૭૮૯ના બંધમાં ટૉપ ગેઇનર બની છે. પિઅર ગ્રુપમાં SBI લાઇફ નહીંવત્ સુધારે ૧૮૦૭, ICICI પ્રુ પોણો ટકો વધી ૬૫૮ અને નિવા બુપા હેલ્થ એક ટકો વધી ૮૮ નજીક બંધ હતી. એલઆઇસી સારાં પરિણામ પાછળ ૧૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૯૪૮ બતાવી સવાઆઠ ટકાના જમ્પમાં ૯૪૨ વટાવી ગઈ છે. આ શૅર આઠ માસ બાદ એની ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજથી ઉપર ગયો છે જે એક રીતે તેજીતરફી બ્રેકઆઉટ કહી શકાય. સેન્સેક્સમાં બજાજ ફાઇનૅન્સ એક ટકો સુધરી ૯૨૭૧ના બંધમાં મોખરે હતી. ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૩૯૩ના શિખરે જઈ સવા ટકો વધી ૩૯૦ વટાવી ગઈ છે. ભારતી ઍરટેલ ૦.૭ ટકા, હીરો મોટોકૉર્પ અને ICICI બૅન્ક અડધો ટકો, અદાણી પોર્ટ્સ અને HCL ટેક્નૉલૉજી અડધા ટકા નજીક પ્લસ હતી.
વિદેશી હોલ્ડર્સ બેટ તરફથી આઇટીસીમાં બ્લૉકડીલ મારફત અઢી ટકા માલ વેચી ૧૨,૧૦૦ કરોડની રોકડી કરવામાં આવી છે. એના પગલે આઇટીસીનો શૅર જંગી વૉલ્યુમ સાથે સવાત્રણ ટકા ગગડી ૪૨૦ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની બજારને ૧૧૦ પૉઇન્ટ નડ્યો છે. અન્યમાં ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા, નેસ્લે તથા અપોલો હૉસ્પિટલ્સ ૧.૭ ટકા, અલ્ટ્રાટેક ૧.૬ ટકા, હિન્દાલ્કો અને ગ્રાસિમ દોઢ ટકા, મહિન્દ્ર ૧.૪ ટકા, પાવરગ્રીડ, બજાજ ઑટો, JSW સ્ટીલ તથા આઇશર સવા ટકા આસપાસ ડાઉન હતા. ઇન્ફી નહીંવત્ પ્લસ તો ટીસીએસ ફ્લૅટ બંધ હતા. રિલાયન્સ પોણો ટકો ઘટી ૧૪૧૧ રહી છે. નિફ્ટી ખાતે આગલા દિવસે ટૉપ ગેઇનર બનેલી જિયો ફાઇનૅન્સ ગઈ કાલે ઉપરમાં ૨૯૯ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં અડધો ટકો ઘટીને ૨૯૦ બંધ આવી છે. હિન્દુસ્તાન યુનિલીવર, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્ર, સનફાર્મા પોણાથી એક ટકો નરમ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના સુધારામાં એક ટકો વધ્યો છે. બૅન્ક ઑફ ઇન્ડિયા ત્રણ ટકા, કૅનેરા બૅન્ક સવાબે ટકા તથા ઇન્ડિયન બૅન્ક પોણાબે ટકા પ્લસ હતી.


