Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અખાતી વિસ્તારમાં વધતા તનાવને વિશ્વબજારોનો ઉદાસીન પ્રતિભાવ

અખાતી વિસ્તારમાં વધતા તનાવને વિશ્વબજારોનો ઉદાસીન પ્રતિભાવ

Published : 24 June, 2025 08:55 AM | Modified : 26 June, 2025 06:59 AM | IST | Mumbai
Anil Patel

ઝી એન્ટરપ્રાઇઝિસ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બનીઃ ડિફેન્સ ઇન્ડેક્સ બે ટકાથી વધુ મજબૂત, ટાયર-રિફાઇનરીમાં એકંદર પૉઝિટિવ વલણ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી તંગદિલી વકરવા છતાં મોટા ભાગનાં વૈશ્વિક શૅરબજાર સીમિત ઘટાડે બંધ રહ્યાં : સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૯૩૨ પૉઇન્ટ બગડી નીચલા મથાળેથી ૬૯૩ પૉઇન્ટ બાઉન્સ થયો : આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૪૦ શૅરના ઘટાડે સર્વાધિક દોઢ ટકો ડાઉન : ઝી એન્ટરપ્રાઇઝિસ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બનીઃ ડિફેન્સ ઇન્ડેક્સ બે ટકાથી વધુ મજબૂત, ટાયર-રિફાઇનરીમાં એકંદર પૉઝિટિવ વલણ 

ઇઝરાયલ-ઈરાન વચ્ચેના જંગમાં છેવટે અમેરિકા કૂદી પડ્યું છે. ઈરાન પર બૉમ્બવર્ષા કરી છે. અખાતી વિસ્તારમાં તનાવ ઓર વધી ગયો છે. ક્યારે શું થશે એની કોઈને ખબર નથી. યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતાં ઈરાન હવે હોર્મુસ ટ્રેડ રૂટ બંધ કરવા સક્રિય બન્યું છે. આ ટ્રેડ રૂટ બંધ થતાં ક્રૂડ, એલએનજી, કેમિકલ્સ સહિત અનેકવિધ ચીજવસ્તુઓના વેપારને માઠી અસર થવાની છે. જહાજી નૂરભાડાં અને સમયમાં મોટો વધારો થશે. ભાવમાં ભળતો વધારો જોવાશે. અખાતી યુદ્ધની ઇન્ટેન્સિટી વધવા છતાં સોમવારે વિશ્વબજારો બહુધા રાબેતા મુજબની વધઘટમાં જોવાયાં છે. એશિયા ખાતે તાઇવાન દોઢ ટકા નજીક નરમ હતું. અન્યત્ર ઘટાડો ઘણો સીમિત હતો. યુરોપ પણ રનિંગમાં સાધારણ ઘટાડો દર્શાવતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૮૧ ડૉલર વટાવી ગયા પછી ૭૭ ડૉલર પર આવી ગયું છે. બિટકૉઇન નીચામાં ૯૮,૨૬૪ ડૉલર થયા બાદ રનિંગમાં એક ટકાના ઘટાડે ૧,૦૧,૪૫૫ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૨૦,૦૨૩ના આગલા બંધ સામે રનિંગમાં ૩.૩ ટકા કે ૩૯૮૨ પૉઇન્ટ ખરડાઈ ૧,૧૬,૦૪૧ દેખાયું છે.



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૭૦૪ પૉઇન્ટના ઘટાડે ૮૧,૭૦૪ ખૂલી છેવટે ૫૧૧ પૉઇન્ટ ઘટી ૮૧,૮૯૭ નજીક તો નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ ઘટીને ૨૪,૯૭૨ બંધ થયો છે. સાધારણ નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૬૪ શૅરની સામે સોમવારે ૧૫૪૫ જાતો નરમ હતી. નબળા ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૧,૪૭૭ની અંદર ચાલી ગયો હતો અને ત્યાંથી શાર્પ બાઉન્સબૅકમાં બજાર ઉપરમાં ૮૨,૧૬૯ વટાવી ગયું હતું. પ્રોવિઝનલ ધોરણે માર્કેટકૅપ માત્ર ૭૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૪૭.૭૮ લાખ કરોડ નોંધાયું છે. દરમ્યાન ઔદ્યૌગિક ઉત્પાદનના આંકમાં ૪૦ ટકા વેઇટેજ ધરાવતા કોર સેક્ટરનો ગ્રોથ-રેટ મે માસમાં ગગડી ૦.૭ ટકા નોંધાયો છે, જે નવ માસની બૉટમ છે. એની પણ બજારના સેન્ટિમેન્ટ પર કોઈ ખાસ માઠી અસર હાલ જોવાઈ નથી. માર્કેટ બહુ કે વધુપડતા પૉઝિટિવ મૂડમાં લાગે છે. દેશમાં આર્થિક વિકાસ ખાડે જાય કે વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય, કશાની એને પડી નથી.


નિફ્ટી ૫૦ની ટૂંકમાં થનારી નવરચનામાં BSE લિમિટેડ તથા ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશનનો નિફ્ટીમાં સમાવેશ થવાની તથા ઇન્ડસઇન્ડ બૅન્ક અને હીરો મોટોકૉર્પ એમાંથી બાકાત થવાની વાત ચાલે છે. ગઈ કાલે ઇન્ડસઇન્ડ બૅન્ક ૮૪૦ના આગલા લેવલે યથાવત્ તો હીરો મોટોકૉર્પ બે ટકા બગડી ૪૨૬૦ બંધ રહી છે. જ્યારે ઇન્ડિગો ૧.૪ ટકા વધીને ૫૪૬૦ અને BSE લિમિટેડ ત્રણ ટકા ઊંચકાઈ ૨૭૭૧ બંધ રહી છે.

ઓલા ઇલેક્ટ્રિક ઑલટાઇમ તળિયે, ગાર્ડન રીચ નવી ટોચે


ઓલા ઇલેક્ટ્રિક દસેક ગણા વૉલ્યુમે ૪૩ની ઑલટાઇમ બૉટમ બનાવી છ ટકા ગગડી ૪૩.૩૨ બંધ થઈ છે. ટાયર ઉદ્યોગમાં MRF પોણો ટકો વધી છે, પરંતુ સિયેટ અડધો ટકો, બાલક્રિશ્ના ઇન્ડ અને ટીવીએસ શ્રીચક્ર પોણો ટકો, જેકે ટાયર બે ટકા ડાઉન હતી. એનર્જી ૬.૯ ટકા, અદાણી ટોટલ બે ટકા, ઑઇલ ઇન્ડિયા ૧.૯ ટકા પ્લસ હતી. ઇન્ડિયન ઑઇલ પોણા ટકાથી વધુ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૦.૩ ટકા, કૉલ ઇન્ડિયા એક ટકો સુધરી છે. ભારત પેટ્રો નામપૂરતી નરમ હતી. ONGC ૦.૨ ટકા ઘટી છે. આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૪૦ શૅરની નબળાઈમાં સર્વાધિક દોઢ ટકો ડાઉન હતો. ડિફેન્સ બેન્ચમાર્ક ૧૮માંથી ૧૬ શૅરના સથવારે બે ટકા કરતાં વધુ મજબૂત થયો છે. ગાર્ડન રીચ ૩૫૩૫ની વિક્રમી સપાટી બનાવી ૨૦૫ રૂપિયા કે સવાછ ટકાના ઉછાળે ૩૪૯૨, કોચીન શિપયાર્ડ સવાબે ટકા વધી ૨૨૩૧, માઝગાવ ડૉક અઢી ટકા વધી ૩૩૪૨, આઇડિયા ફોર્જ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૩૧ મજબૂત હતી. આ ઉપરાંત પારસ ડિફેન્સ પોણાપાંચ ટકા, ડેટા પેટર્ન્સ સવાબે ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ અઢી ટકા, પ્રીમિયર એકસ્પ્લોસિવ્ઝ સાડાત્રણ ટકા, ભારત અર્થમૂવર સાડાત્રણ ટકા કે ૧૬૦ રૂપિયા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સવાબે ટકા, ભારત ડાયનેમિક્સ દોઢ ટકા, યુનિમેક ઍરોસ્પેસ સવાબે ટકા, એસ્ટ્રા માઇક્રો ત્રણ ટકા ઊંચકાઈ હતી.

ટ્રેન્ટ અને ભારત ઇલેક્ટ્રિક બન્ને બજારમાં વધવામાં મોખરે

નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રિક ૪૨૨ના લેવલે જઈ ત્રણ ટકા વધી ૪૨૧ નજીક બંધ થઈ છે. ટ્રેન્ટ ૩.૮ ટકા કે ૨૨૨ રૂપિયાના ઉછાળે ૬૧૨૦ બંધ આપી ટૉપ ગેઇનર બની છે. હિન્દાલ્કો ૧.૯ ટકા તથા બજાજ ફાઇનૅન્સ ૧.૨ ટકા પ્લસ હતી. સેન્સેક્સ ખાતે ટ્રેન્ટ ૩.૬ ટકા અને ભારત ઇલેક્ટ્રિક ૩.૨ ટકા મજબૂત રહી વધવામાં મોખરે હતી. ઇન્ફોસિસ સવાબે ટકાથી વધુની ખરાબીમાં ૧૫૮૪ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. એના કારણે બજારને ૧૧૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. જ્યારે HDFC બૅન્ક એક ટકા નજીકના ઘટાડે ૧૯૪૮ બંધ આવતાં બજારને સર્વાધિક ૧૧૫ પૉઇન્ટનો માર પડ્યો હતો. લાર્સન બે ટકાથી વધુ, HCL ટેક્નૉ ૨.૧ ટકા, મહિન્દ્ર ૧.૬ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર અને TCS સવા ટકો, પાવર ગ્રીડ એકાદ ટકો, વિપ્રો સવા ટકો, આઇટીસી એક ટકો, બજાજ ઑટો એક ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકા નજીક નરમ હતા.

ઝી એન્ટરપ્રાઇઝિસ સાડાબાર ટકાની તેજીમાં ૧૪૯ ઉપર બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. ચેન્નઈ પેટ્રો સવાઅગિયાર ટકા, આઇડિયા ફોર્જ ૧૦ ટકા, કૉફી ડે એન્ટરપ્રાઇઝિસ પોણાદસ ટકા ઊછળી છે. અખાતી યુદ્ધની અસરમાં દાવતવાળી એલટી ફૂડ્સ સાડાછ ટકા ખરડાઈ ૪૦૫ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પોણાપાંચ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉલૉઝિસ સાડાચાર ટકા અને ઇન્ફીબીમ ચાર ટકા કપાઈ છે.  

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK