Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > Navratri 2024: ભારત કરતાં વિશ્વમાં આર્થિક રીતે દસગણું મોટું છે નવરાત્રિનું બજાર

Navratri 2024: ભારત કરતાં વિશ્વમાં આર્થિક રીતે દસગણું મોટું છે નવરાત્રિનું બજાર

Published : 07 September, 2024 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતમાં નવરાત્રિનું જેટલું માર્કેટ છે એના કરતાં દસ ગણું વિદેશમાં છે. એટલે કે ભારતમાં નવરાત્રિનો જેટલો બિઝનેસ થાય છે એના કરતાં દસ ગણો બિઝનેસ વિદેશમાં થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાંચેક વરસના બાળકથી લઈ સિત્તેર-એંસી વરસની વડીલને જો પૂછીએ કે નવરાત્રિ (Navratri 2024) કેટલા દિવસ ઉજવાય? તો બધાનો જવાબ હશે નવ દિવસ. પણ જવાબ છે ના. આજની તારીખમાં જોવા જઇએ તો વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી એક-બે નહીં પણ પૂરા પાંચ મહિના ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ હકીકત છે.


અરદેશર ફરામજી ખબરદારની કવિતા છે કે ‘જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’. એને આજના સંદર્ભમાં લઇએ તો જ્યાં વસે ગુજરાતી ત્યાં ઉજવાય નવરાત્રિ (Navratri 2024). આપણા ગુજરાતના એવા કલાકારો અને આયોજકો છે જેઓ નવરાત્રિને વૈશ્વિક બનાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં નવરાત્રિનું જેટલું માર્કેટ છે એના કરતાં દસ ગણું વિદેશમાં છે. એટલે કે ભારતમાં નવરાત્રિનો જેટલો બિઝનેસ થાય છે એના કરતાં દસ ગણો બિઝનેસ વિદેશમાં થાય છે. એનું કારણ એ છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે.



ભારતમાં ચોમાસાની શરૂઆત થાય, એટલે કે જુલાઈ – ઑગસ્ટમાં કલાકારો વિદેશ રવાના થાય છે. કલાકારો આ સમય દરમિયાન દુબઈ, બહેરિન, કુવૈત, કતાર, ઑસ્ટ્રેલિયા, યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, પોલેન્ડ, આફ્રિકામાં તાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા તથા અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ગરબાની ધૂમ મચાવે છે. આ સમયગાળા દરમિયાન કલાકારો 4-5 મહિના ત્યાં રહેતા ગુજરાતીઓને ગરબા (Navratri 2024) રમાડતા હોય છે.


વીક-ઍન્ડના તમામ શૉ હાઉસફુલ

જ્યારથી વિદેશમાં નવરાત્રિની ઉજવણી શરૂ થઈ છે, ત્યારથી માતાજીનો આ તહેવાર વિશ્વનો સૌથી લાંબો તહેવાર બનવાની સાથે ગ્લોબલ ફેસ્ટિવલ બની ગયો છે. મજાની વાત એ છે કે વિદેશમાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ જે-તે દેશના નાગરિકો પણ હોંશથી ગરબા રમતા જોવા મળે છે.


વિદેશમાં નવરાત્રિનું આયોજન કરનાર કંપની અને આયોજકોમાં અગ્રેસર યશ એન્ટરટેઇન્મેન્ટ વિશ્વભરમાં ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદાર સાથે સતત શૉ કરતી રહે છે. આ તમામ દેશોમાં આ વર્ષે ઐશ્વર્યા મઝુમદાર યશ એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ ચાલીસ જેટલા શૉ કરવાની છે. માત્ર ઐશ્વર્યા મઝુમદાર જ નહીં, પણ અડધો ડઝન જેટલા કલાકારો વિદેશમાં નવરાત્રિ કરવાના છે.

ગ્લોબલ નવરાત્રિ બિઝનેસ અંગે વધુ માહિતી આપતા યશ એન્ટરટેઇન્મેન્ટના મિતુલભાઈ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, ‘કોવિડ મહામારી બાદ અમે વૈશ્વિકસ્તર પર નવરાત્રિનું આયોજન શરૂ કર્યું. અમારા માટે આ માત્ર બિઝનેસ નથી પણ ગુજરાતની અસ્મિતાને વિશ્વભરમાં પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સ્વાભાવિકપણે આમાં આર્થિક બાબતો પણ સંકળાયેલી છે, પણ અમને આનંદ એ વાતનો છે કે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિ મહોત્સવને આવકારી રહ્યાં છીએ. જેને કારણે વિશ્વના અનેક દેશોમાંથી શૉના આયોજન માટે અનેક સંસ્થાઓ અમારો સંપર્ક કરી રહી છે. શરૂઆતમાં 5 – 7 શૉથી શરૂ કરીને માત્ર 5 વર્ષમાં અમે સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ મહિનામાં 40થી વધુ નવરાત્રિના શૉ કરી રહ્યાં છીએ. અમારી સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમાં પણ યુવાઓ જોડાઈ રહ્યાં છે.”

આ વિશે ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “વિશ્વભરમાં વિવિધ દેશોમાં વસતા માતાજીના ભક્તો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનો અનુભવ જ કંઇક અલગ છે. વિદેશમાં ગરબાના આયોજન માટે અમારે ખાસ તૈયારી કરવી પડે છે. દુનિયાના પાંચેય ખંડના દેશોમાં વસતા ગુજરાતીઓની પસંદગી અલગ-અલગ હોવાથી અમારે એ મુજબના ગરબા ગાવા પડે છે. જેમ વડોદરામાં જે પ્રકારના ગરબા ગવાતા હોય એ મુંબઈ કરતાં અલગ હોય છે.”

તેની ઉમેરે છે કે, “તેમ અમેરિકનો કરતા બ્રિટનના ગુજરાતીઓની પસંદગી સાવ વેગળી હોય છે. એનું પણ કારણ છે, બ્રિટનમાં સો-દોઢસો વરસથી ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે. તેઓ જૂના અને ભાતીગળ ગરબા પસંદ કરે છે. જ્યારે અમેરિકામાં ગુજરાતીઓ લગભગ 50-60 વરસથી રહેતા હોવાથી તેમને નવા ગરબાની સાથે બૉલિવુડ ટચ ધરાવતા ગરબા પસંદ છે. એટલે અમારે વિવિધ દેશોના કાર્યક્રમો સફળ થાય એ માટે તેમની પસંદગી મુજબનું પ્લે-લિસ્ટ બનાવવું પડે છે. અને આ બાબત કોઈ પણ કલાકાર માટે પડકારરૂપ છે. જોકે, હું મારી વાત કરું તો મને એ વાતનો આનંદ છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ મેળવવામાં હું સફળ રહી છું.”

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK