Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પના તાલે નક્કી થાય છે બજારની ચાલ- ગ્લોબલ ઇફેક્ટ : બજાર ઘટે છે હોલસેલમાં અને સુધરે છે રીટેલમાં

ટ્રમ્પના તાલે નક્કી થાય છે બજારની ચાલ- ગ્લોબલ ઇફેક્ટ : બજાર ઘટે છે હોલસેલમાં અને સુધરે છે રીટેલમાં

Published : 19 January, 2026 07:40 AM | IST | Mumbai
Jayesh Chitalia

ડોનલ્ડ ટ્રમ્પનું નામ અને તેનાં નિવેદનો-નિર્ણયો વિના ભારતમાં હાલ તો સવાર પડતી નથી, અખબારો અને ટીવી કે સોશ્યલ મીડિયા પર ટ્રમ્પ છવાયેલા રહે છે.

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારમાં અત્યારે એવો સમય છે કે બજાર હોલસેલમાં ઘટે અને રીટેલમાં સુધરે છે. અલબત્ત, વૈશ્વિક સંજોગો જ એવા છે કે બજારને શાંતિથી જંપવા ન દે અને અધ્ધર વધુ રાખે. અમેરિકા-ટ્રમ્પ પરિબળ બધે જ વચ્ચે આવી રહ્યું છે એટલે માર્કેટની ચાલ કે ટ્રેન્ડ ડોનલ્ડ ટ્રમ્પના તાલે બને કે બગડે છે

ડોનલ્ડ ટ્રમ્પનું નામ અને તેનાં નિવેદનો-નિર્ણયો વિના ભારતમાં હાલ તો સવાર પડતી નથી, અખબારો અને ટીવી કે સોશ્યલ મીડિયા પર ટ્રમ્પ છવાયેલા રહે છે. વાત માત્ર ભારતની નથી, બલકે સમગ્ર વિશ્વની છે. વેનેઝુએલા બાદ હવે ટ્રમ્પના રડારમાં ઈરાન આવ્યું છે. બીજી બાજુ ભારતીય વિદ્યાર્થીઓ માટે હજી અમેરિકન વીઝાનો મામલો પણ અધ્ધર છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓના ભાવિ વિશે પણ ભય અને અનિશ્ચિતતા ઊભાં જ છે.  અલબત્ત, આપણે આપણા દેશ ભારતને કેન્દ્રમાં રાખીને વાત કરીએ તો હાલ ટ્રમ્પ આપણા દેશના અર્થતંત્ર, રાજકીય તંત્ર અને બજારો સહિત ઘણી બાબતો પર સવાર થયા છે. બજાર સતત ટ્રમ્પ પર વધુ નજર રાખે છે, કારણ કે માર્કેટની ચાલ ટ્રમ્પના તાલ પર નક્કી થાય છે.



જોકે ટોચની બ્રોકિંગ કંપની મોતીલાલ ઓસવાલ સિક્યૉરિટીઝના રામદેવ અગ્રવાલે કહ્યું હતું કે ‘ટ્રમ્પ કેટલાં પણ નિવેદન કરે, (કૂદકા મારે) આપણી ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચનાને સ્પર્શી શકે નહીં. ટ્રમ્પ કંઈ પણ કરે કે કહે, ભારતીય શૅરબજાર ૨૦૨૬માં સારી કામગીરી એનાં અર્નિંગ્સના આધારે ભજવશે. એમાં લાર્જકૅપ સ્ટૉક્સ, જાહેર ક્ષેત્રના સ્ટૉક્સ અને ઑટો સ્ટૉક્સ વધુ બહેતર કામગીરી દર્શાવશે એવી આશા રાખી શકાય.’


વિશ્વ બૅન્કનો ભારતના વૃદ્ધિદર માટેનો અંદાજ

તાજા અહેવાલ મુજબ વિશ્વ બૅન્કે ચાલુ ફિસ્કલ વર્ષમાં ભારતીય વિકાસદર ૭.૨ ટકા રહેવાનો અંદાજ જાહેર કર્યો છે જે અગાઉ જૂનમાં ૬.૩ ટકાનો અંદાજ મુકાયો હતો. આ વિકાસદરનો અંદાજ વધારવાનું કારણ વ્યાપક લોકલ વપરાશ અને ડિમાન્ડ છે તેમ જ મજબૂત ખાનગી ખર્ચ, કરવેરાના સુધારા અને હાઉસહોલ્ડ આવકમાં થયેલી વૃદ્ધિ પણ છે. વિશ્વ બૅન્કે ટ્રમ્પની ભારતની નિકાસ પરના ટૅરિફ-વધારાની જાહેરાતોને ધ્યાનમાં લીધા બાદ પણ આ ઊંચા દરની આગાહી કરી હોવાનું મહત્ત્વ સમજવું જોઈએ. વર્લ્ડ બૅન્કે ગ્લોબલ વૃદ્ધિદર ૨૦૨૬માં ૨.૬ ટકા, અમેરિકાનો ૨.૨ ટકા અને ચીનનો ૪.૪ ટકા દર્શાવ્યો છે. ૨૦૨૭ માટે આ દર-અંદાજ અનુક્રમે ગ્લોબલ માટે ૨.૭ ટકા, અમેરિકા માટે ૧.૯ ટકા, ચીન માટે ૪.૨ ટકા મુકાયો છે. દરમ્યાન ભારતના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર વી. અનંત નાગેશ્વરને કહ્યું હતું કે ‘દેશનો વિકાસદર આપોઆપ ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન (આર્થિક સર્વસમાવેશ)ને આવરી લે છે, કારણ કે ઇકૉનૉમી જ્યારે ડિમાન્ડ, રોજગારી અને આવક તેમ જ વપરાશ વધારવાના માર્ગે આગળ વધી રહી હોય ત્યારે ફાઇનૅન્શિયલ સર્વસમાવેશ માટે અલગ પ્રયાસ કરવા પડતા નથી.’


ટ્રમ્પના પગલાની સંભવિત અસર

દરમ્યાન અમેરિકાના પગલા પર ટિપ્પણી કરતાં રામદેવ અગ્રવાલ માને છે કે ટ્રમ્પના નિર્ણયોની અસર વિશ્વ પર પડશે, આપણી માર્કેટ પર પણ પડશે, પરંતુ આપણા ઇન્વેસ્ટમેન્ટ પર પડતી ટાળી શકાય. વિશ્વના વિવિધ દેશો આજે એકબીજા પર નિર્ભર છે. એક તરફ ટ્રમ્પના તેવર ચાલુ છે તો બીજી તરફ વિશ્વમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો વ્યાપ તેમ જ અસર ચાલુ છે. આમાંથી કોઈ કેટલી અસર પહોંચાડશે એ કહેવું કઠિન છે. જેથી કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી બનશે, પરંતુ શું વૈશ્વિક અનિશ્ચિતતાની અસર ઇક્વિટી માર્કેટના વૅલ્યુએશન પર થાય નહીં? એના જવાબમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે ‘ઇક્વિટી માર્કેટ એક જુદી જ માનસિકતા ધરાવે છે. આ માર્કેટ અનિશ્ચિતતાને પચાવી જવાની ક્ષમતા ધરાવે છે, આવું ઘણી વાર પુરવાર થયું છે. આવામાં ઘણા સાહસિકો હોય છે જે કપરા સમયમાં પણ ઉત્તમ કામગીરી બજાવતા હોય છે. તેમની કંપનીઓને ઓળખવી-સમજવી જોઈએ.’

સરકારના આર્થિક સુધારાના પગલાની અસરે ભારતીય ગ્રોથ-સ્ટોરી વિકસી રહી છે જેથી ૨૦૨૬ માટે વધુ આશાવાદી બની શકાય. જોકે સ્મૉલ અને મિડકૅપ કરતાં લાર્જકૅપ સ્ટૉક્સ વધુ સારી કામગીરી દર્શાવશે. એ જ રીતે ખાનગી ક્ષેત્રની કંપનીઓ કરતાં જાહેર ક્ષેત્રની કંપનીઓનાં વૅલ્યુએશન વધુ વાજબી સ્તરે હોવાથી તેમની વૃદ્ધિની આશા પણ વધુ છે. ઑટો ઈટીએફ પર પણ પસંદગી ઉતારી શકાય, આ સેક્ટર સારી ઉમ્મીદ જગાવી રહ્યું છે.

રિકવરી બાદ ફરી કરેક્શન

સતત ઘટાડા બાદ શુક્રવારે બજારે કરેક્શનના દોરને બ્રેક મારી રિકવરી દર્શાવી હતી, FIIની નેટ ખરીદીને પગલે આમ થયું હતું. ખાસ કરીને IT સ્ટૉક્સમાં જોર હતું. અલબત્ત, એક મુખ્ય કારણ અમેરિકા-ભારત વેપાર-કરાર ફાઇનલ થવાની નજીક પહોંચ્યા હોવાના અહેવાલનું હતું. ઓવરઑલ ગ્લોબલ સંકેતો પૉઝિટિવ રહેતાં ઘટેલા ભાવે ખરીદી આવી હતી, પરંતુ બજાર બંધ થતાં પહેલાં રિકવરી મંદ પડી ગઈ હતી જે બજારનો અનિશ્ચિતતા માટેનો ભય તો દર્શાવે જ છે, પરંતુ સાથે-સાથે હજી ટ્રમ્પના નિર્ણયો પર વિશ્વાસના અભાવે બજારની માનસિકતા સાવચેતીનો અભિગમ પસંદ કરી રહી છે. દરમ્યાન  ટાઇગર ગ્લોબલ ઇન્ટરનૅશનલના કેસના ચુકાદાની પણ માર્કેટ પર અસર સંભવી શકે છે. આશરે ૫૦૦ જેટલાં ફૉરેન ફન્ડ્સ પર અસરની શક્યતા છે. એને લીધે ડેરિવેટિવ્ઝ માર્કેટ પર વિશેષ ઇમ્પૅક્ટ જોવા મળી શકે. આ ગૂંચવણ સરકારે તેમ જ સંબંધિત ઑથોરિટીઝે સ્પષ્ટ કરવી જરૂરી બનશે. નવા સપ્તાહમાં બજાર મૂંઝવણ સાથે જ કામકાજ કરશે એવું જણાય છે, જેથી વૉલેટિલિટી ચાલુ
રહી શકે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ને આ મહિનાના અંત સુધીમાં SEBI નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઇશ્યુ કરશે. જોકે એ પછી પણ NSEના IPOના આગમનને ૬થી ૮ મહિનાનો સમય લાગશે.

આ વર્ષે પહેલી વાર એવું બની રહ્યું છે કે બજેટ રવિવારે જાહેર થશે. ૧ ફેબ્રુઆરીએ સન્ડે છે અને સરકાર ૧ ફેબ્રુઆરીની પરંપરાને જાળવી રાખવા માગતી હોવાથી બજેટ રજૂ કરવા સંસદ ચાલુ રહેશે. એને પગલે શૅરબજાર રાબેતા મુજબ ચાલુ રહેશે.

અમેરિકા સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટાઇગર ગ્લોબલ ઇન્ટરનૅશનલના (આ કંપની મૉરિશ્યસમાં પણ કાર્યરત છે) કેસમાં સુપ્રીમ કોર્ટે ટૅક્સ બાબતે આપેલા ચુકાદાની અસર અન્ય વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તેમ જ ઓવરસીઝ ઇન્વેસ્ટરોના ભારતમાં કરાયેલા રોકાણ પર પણ પડી શકે છે જે હાલ સ્ટૉક માર્કેટ માટે ચિંતા અને ગૂંચવણનો વિષય બન્યો છે.

વિશેષ ટિપ

ફાઇનૅન્શિયલ એક્સપર્ટ નીલેશ શાહે કહ્યું હતું કેઇક્વિટીમાં સંપત્તિસર્જન માટે રોકાણકારોએ વૉલેટિલિટીનો સામનો કરવો પડે છે જે તેમની પ્રવેશફી ગણાય. જો રોકાણકારો વૉલેટિલિટીને હૅન્ડલ કરી શકે તો સંપત્તિસર્જન પણ કરી શકે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2026 07:40 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK