Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આર્થિક સર્વેમાં અમંગળ વરતારાને અવગણી શૅરબજાર સતત ચોથા દિવસે મજબૂત

આર્થિક સર્વેમાં અમંગળ વરતારાને અવગણી શૅરબજાર સતત ચોથા દિવસે મજબૂત

Published : 01 February, 2025 07:48 AM | IST | Mumbai
Anil Patel

માર્કેટ શૅર રી-ગેઇન થવાને પગલે ઓલા ઇલેક્ટ્રિક મસ્તીમાં : આઇટીસી હોટેલ્સ નીચલી સર્કિટની હૅટ-ટ્રિક મારી ઘટાડે બંધ

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


માર્કેટ શૅર રી-ગેઇન થવાને પગલે ઓલા ઇલેક્ટ્રિક મસ્તીમાં : આઇટીસી હોટેલ્સ નીચલી સર્કિટની હૅટ-ટ્રિક મારી ઘટાડે બંધ : QIBની મહેરબાનીથી ડૉ. અગરવાલ હેલ્થકૅરનો ઇશ્યુ પાર થયો, પ્રીમિયમ ગાયબ : સારાં પરિણામ પાછળ કલ્યાણ જ્વેલર્સ ઝળક્યો, અન્ય જ્વેલરી શૅર પણ ડિમાન્ડમાં : બજેટની પૂર્વસંધ્યાએ રેલવે સહિત પીએસયુ શૅર લાઇમલાઇટમાં : વ્હર્લપૂલ નવા ઐતિહાસિક નીચા ભાવે

આર્થિક સર્વેક્ષણમાં સંખ્યાબંધ ઉધાર પાસાની વાતો થઈ છે. આગામી સમયમાં આર્થિક વિકાસદર ઢીલો રહેશે, મોંઘવારી વધશે, શૅરબજારમાં સારાવાટ નહીં હોય, નિકાસવૃદ્ધિના મામલે ટેન્શન જોવા મળશે. મૅન્યુફૅક્ચરિંગના મોરચે ચાઇનાની ઇજારાશાહી વધશે, એઆઇને લઈ લેબર માર્કેટની હાલત બગડશે. મતલબ કે બેરોજગારી વકરશે વગેરે જેવી અમંગળ સ્થિતિનું આકલન એમાં કરવામાં આવ્યું છે. FII એકધારી વેચવાલ છે. ૩૦ જાન્યુઆરી સુધીમાં આ મહિને તેણે ૮૬૧૮૫ કરોડ રૂપિયાની રોકડી કરી છે. ડિસેમ્બર ક્વૉર્ટરના કંપની-પરિણામ રાબેતા મુજબ એકંદર નબળાં નીવડ્યાં છે. મંદ માગ વચ્ચે વધતા ઉત્પાદનખર્ચથી નફા માર્જિન વધુ ભીંસમાં આવ્યું છે. ડૉલર સામે રૂપિયો નવા વરવા વિક્રમ સાથે ૮૭ થવાની ઉતાવળમાં છે. વિદેશી ચલણમાં પ્રતિકૂળ ફેરફારને લઈને ઘણી કંપનીઓને ફૉરેક્સ લૉસ પેટે મોટો માર ખાવો પડ્યો છે. આજે બજેટ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટની પૂર્વસંધ્યાએ દેશના ગરીબ અને મધ્યમવર્ગ માટે લક્ષ્મીમાતાને પ્રાર્થના કરવાની વાત કરી છે. મતલબ કે મારે, તમારે કે આપણે સૌ દેવીદેવતાના સહારે છીએ. સરકાર અવનવા નામે, અનેકવિધ રીતે ટૅક્સ વસૂલ કરવા સિવાય આપણા માટે કશું કરવાની નથી.



ઍની વે, બજારની રિલીફ રૅલી સતત ચોથા દિવસે આગળ વધી છે. સેન્સેક્સ આગલા બંધથી સવાયો પૉઇન્ટ આસપાસ પ્લસમાં, ૭૬૮૮૯ ખૂલી ૭૪૧ પૉઇન્ટની આગેકૂચમાં ૭૭૫૦૦ તથા નિફ્ટી ૨૫૯ પૉઇન્ટ ઊંચકાઈને ૨૩૫૦૮ બંધ થયો છે. આરંભથી અંત સુધી બજાર પૉઝિટિવ ઝોનમાં હતું. સેન્સેક્સ નીચામાં ૭૬૮૩૪ અને ઉપરમાં ૭૭૬૦૬ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકાના વધારા સામે મિડકૅપ સ્મૉલ કૅપ પોણાબે ટકા, બ્રૉડર માર્કેટ સવા ટકો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ચાર ટકા નજીક કે ૨૪૧૭ પૉઇન્ટ, કન્ઝ્‍યુમર ગુડ્સ પોણાત્રણ ટકા કે ૧૫૬૧ પૉઇન્ટ, પાવર યુટિલિટી, એનર્જી, રિયલ્ટી, ઑઇલ અને ગૅસ-FMCG ઇન્ડેક્સ બેથી અઢી ટકા, નિફ્ટી ઑટો પોણાબે ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકા નજીક મજબૂત હતા. નિફ્ટી ફાર્મા ફ્લૅટ હતો. એ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થને લઈ NSEમાં ૨૧૩૦ શૅર વધ્યા હતા. સામે ૭૧૧ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ધોરણે ૫.૯૮ લાખ કરોડ વધી હવે ૪૨૪.૦૨ લાખ કરોડને વટાવી ગયું છે.


એશિયા ખાતે સિંગાપોર દોઢેક ટકા, ઇન્ડોનેશિયા અડધો ટકો અને જપાન નહીંવત્ પ્લસ હતું. થાઇલૅન્ડ દોઢ ટકાથી વધુ તો સાઉથ કોરિયા પોણા ટકાથી વધુ કટ થયું છે. હૉન્ગકૉન્ગ, તાઇવાન, ચાઇના રજામાં હતા. યુરોપ રનિંગમાં નહીંવતથી સામાન્ય સુધારો દશાવતું હતું. બિટકૉઇન પોણા ટકાની નરમાઈમાં ૧૦૪૨૩૭ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૭૬.૮૦ ડૉલર આસપાસ ટકેલું હતું. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧૧૫૧૦૬ થઈ રનિંગમાં સવા ટકા કે ૧૫૫૪ પૉઇન્ટના જમ્પમાં ૧૧૪૭૬૦ જોવા મળ્યું છે.

પીએસયુ ઇન્ડેક્સ ૬૩માંથી ૬૦ શૅરના સુધારે જોરમાં


ત્રિમાસિક નફામાં ૪૯૮ ટકાની વૃદ્ધિથી આગલા દિવસે ૨૦ ટકા કે ૨૦૦૦ રૂપિયા પ્લસની તેજી આગળ વધારતાં હિટાચી એનર્જી ગઈ કાલે ૧૪૫૮૯ વટાવી છેલ્લે સાડાપાંચ ટકા કે ૬૭૭ના ઉછાળે ૧૨૮૩૫ બંધ થયો છે. કલ્યાણ જ્વેલર્સ રિઝલ્ટની તેજીમાં બમણા વૉલ્યુમે ૧૪ ટકા ઊછળી ૫૦૨ વટાવી ગયો છે. સેન્કો ગોલ્ડ ૧૦ના શૅરના પાંચમાં વિભાજન બાદ ચાર ટકાની મજબૂતીમાં ૪૬૯ થઈ છે. ટીબીઝેડ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૭ નજીક હતી. મનોજ વૈભવ જેમ્સ ઍન્ડ જ્વેલરી સવાનવ ટકા, થંગમયિલ જ્વેલરી સવાત્રણ ટકા, પીસી જ્વેલર્સ સાડાત્રણ ટકા, પીએન ગાડગીળ પાંચ ટકાથી વધુ, સ્કાય ગોલ્ડ રેનેસાં ગ્લોબલ-મોતીસન્સ-પામ જ્વેલ્સ પાંચ-પાંચ ટકા ઝળકી છે.

રેલવે શૅરમાં જ્યુપિટર વૅગન્સ સાડાપાંચ ગણા વૉલ્યુમે સાડાબાર ટકાના જમ્પમાં ૪૦૧ થઈ છે. ટીટાગર રેલ સવાછ ટકા, રેલટેલ કૉર્પોરેશન ૬ ટકા નજીક, IRFC પોણાબે ટકા, ઇરકોન ઇન્ટરનૅશનલ ૯ ટકાથી વધુ, કન્ટેનર કૉર્પો સવાત્રણ ટકા, હિન્દ રેક્ટિફાયર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં, ભારત અર્થમૂવર સાડાઆઠ ટકા, કારનેક્સ માઇક્રો પાંચ ટકા, આઇઆરસીટીસી પાંચ ટકા ઊંચકાઈ છે. રેલ વિકાસ નિગમ ચાર ગણા કામકાજે નવ ટકાની તેજીમાં ૪૭૬ વટાવી ગઈ હતી. વૉકહાર્ટ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૮ના ઉછાળે ૧૪૧૫ થયો છે.

આગલા દિવસના ૨૦ ટકાના ધબડકા બાદ વ્હર્લપૂલ ૧૦૯૪નું ઐતિહાસિક બૉટમ બતાવી પોણાદસ ટકા ગગડી ૧૧૪૦ બંધ આવ્યો છે. વકરાંગી ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ગયો છે. માન્યવર ફેમ વેદાન્ત ફૅશન્સ સવાનવ ટકા, કૅર રેટિંગ્સ સાત ટકા, જિન્દલ સ્ટીલ પોણાછ ટકા સાફ થઈ હતી. ડીનોરા ઇન્ડિયા ૮૭૦ના ઑલટાઇમ તળિયે જઈ પોણાતેર ટકા તૂટી ૮૯૧ રહી છે. ૧૨ જુલાઈએ ભાવ ૨૦૨૨ના બેસ્ટ લેવલે હતો.

સાસ્કેન આશરે ૧૬ ટકા કે ૨૭૬ના જમ્પમાં ૨૦૧૫ થયો છે. સરકારની ૮૭ ટકા માલિકીની આઇટીડીસી સવાદસ ટકા ઊછળી ૬૧૨ વટાવી ગઈ હતી.માઝગાવ ડૉક સવાછ ટકા, ગાર્ડન રિચ સાત ટકા નજીક, કોચિન શિપયાર્ડ પાંચ ટકા વધી છે. પીએસયુ ઇન્ડેક્સ ૬૩માંથી ૬૦ શૅરના સથવારે અઢી ટકા ઊંચકાયો હતો. બૅન્ક ઑફ બરોડા પરિણામ પાછળ ચાર ટકા ખરડાઈ ૨૧૩ બંધ હતી.

જીબી લૉજિસ્ટિક્સમાં ૨૦ ટકાની લિસ્ટિંગ લૉસ

મેઇન બોર્ડમાં ડૉ. અગરવાલ હેલ્થકૅરનો એકના શૅરદીઠ ૪૦૨ની અપરબૅન્ડ સાથે ૩૦૨૭ કરોડનો આઇપીઓ શુક્રવારે એના આખરી દિવસે કુલ ૧.૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ભરણું QIBમાં ૪.૪ ગણું છલકાયું છે. જ્યારે રીટેલમાં અને HNIમાં માત્ર ૪૦ ટકા જેટલો જ રિસ્પૉન્સ મળ્યો છે. ઇશ્યુ પૂરો થતાંની સાથે જ ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમ રીતસર ઝીરો થઈ ગયું છે. SME સેગમેન્ટમાં માલપાણી પાઇપ્સનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૨૫૯૨ લાખનો BSE SME IPO કુલ ૧૪૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ગગડીને ૧૦ થઈ ગયું હતું એ વધીને હાલ ૧૮ ચાલે છે. જીબી લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૬ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૮૧.૬૦ ખૂલી ૮૧ બંધ થતાં અહીં ૨૦.૫ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. એચએમ ઇલેક્ટ્રોમેક ૧૦ના શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૬ના પ્રીમિયમ સામે ૮૧ ખૂલી ૭૭ બંધ થતાં એમાં માંડ પોણાત્રણ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

સાધારણ પરિણામ છતાં લાર્સન અને તાતા કન્ઝ્‍યુમરમાં ઉછાળો

લાર્સનના પરિણામ બજારની એકંદર અપેક્ષા કરતાં નબળાં આવ્યાં છે, પરંતુ એનાથી વિશ્લેષકો માયૂસ નથી. મૉર્ગન સ્ટૅન્લીએ ૪૨૭૮ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ આપ્યો છે. CLSAવાળા ૪૧૫૧ તો બર્ન સ્ટૅનવાળા ૩૯૨૨નો ભાવ લાવ્યા છે. શૅર ગઈ કાલે સવાચાર ટકા કે ૧૪૭ની તેજીમાં ૩૫૬૭ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બન્યો છે. એને કારણે ૨૪૧૭ પૉઇન્ટ વધેલા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૯૮૨ પૉઇન્ટ તો સેન્સેક્સને ૧૪૮ પૉઇન્ટનો ફાયદો થયો હતો. તાતા કન્ઝ્‍યુમર પ્રોડક્ટ્સનો નફો પાંચ ટકા ઘટવા છતાં શૅર ૬ ટકા ઊછળી ૧૦૨૫ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર રહ્યો છે. ભારત ઇલેક્ટ્રિક પાંચ ટકા, ટ્રેન્ટ અને નેસ્લે સવાચાર ટકા, હીરો મોટોકૉર્પ પોણાચાર ટકા, કોલ ઇન્ડિયા પોણાત્રણ ટકા, આઇટીસી, મારુતિ તથા હિન્દુ યુનિલીવર અઢી ટકા, ONGC સવાબે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૭ ટકા, ટાઇટન સાડાત્રણ ટકા, તાતા મોટર્સ અને તાતા સ્ટીલ પોણાત્રણ ટકા નજીક, પાવર ગ્રિડ તથા એશિયન પેઇન્ટ્સ સવાબે ટકા, અદાણી પોર્ટ્સ બે ટકાથી વધુ ઝળક્યા હતા. રિલાયન્સ સુધારો આગળ ધપાવતાં એક ટકા નજીક વધી ૧૨૬૫ થઈ છે. ઇન્ફી એક ટકો તો સ્ટેટ બૅન્ક દોઢ ટકો અપ હતી.

આઇટીસી હોટેલ્સ ત્રીજી નીચલી સર્કિટમાં ૧૬૧ના વર્સ્ટ લેવલે જઈ ત્રણ ટકા ઘટી ૧૬૪ના ભાવ સાથે સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. બજાજ ફિનસર્વ અડધો ટકો અને ભારતી ઍરટેલ પોણો ટકો માઇનસ હતી. બજાજ ફાઇનૅન્સ નજીવા ઘટાડે ૭૮૮૫ રહી છે, ટીસીએસ નહીંવત્ સુધરી હતી. હ્યુન્દાઇ સાડાત્રણ ટકાના બાઉન્સબૅકમાં ૧૬૭૮ વટાવી ગઈ છે. જિયો ફાઇનૅન્શિયલ ત્રણ ટકા ઊંચકાઈ ૨૪૨ હતી. માર્કેટ શૅર વધવાના જોશમાં ઓલા ઇલેક્ટ્રિક પોણાબાર ટકાના ઉછાળે ૭૫ નજીક સરકી છે. વૉલ્યુમ પાંચ ગણું હતું. ઝોમાટો પોણો ટકો અને સ્વિગી ત્રણેક ટકા વધ્યા છે. ICICI બૅન્ક નહીંવત્ નરમ હતી, HDFC બૅન્ક અડધા ટકા નજીક સુધરી ૧૬૯૯ વટાવી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2025 07:48 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK