Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ધિરાણનીતિ પાછળ ગગડતા બજારનો યુટર્ન, સેન્સેક્સ ૭૧૬ પૉઇન્ટ વધ્યો

ધિરાણનીતિ પાછળ ગગડતા બજારનો યુટર્ન, સેન્સેક્સ ૭૧૬ પૉઇન્ટ વધ્યો

Published : 02 October, 2025 08:15 AM | IST | Mumbai
Anil Patel

ખોટ કરતી વીવર્ક ઇન્ડિયાનો ૩૦૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ શુક્રવારે, પ્રીમિયમ ૩૦થી શરૂ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રિઝર્વ બૅન્કે રેપોરેટ ડિસેમ્બરમાં ઘટાડવાનો નિર્દેશ આપતાં બૅન્કધિરાણ ઉદાર બનાવતાં વિવિધ પગલાં જાહેર કર્યાં : હવે શૅર સામે એક કરોડ સુધીની તથા IPOમાં રોકાણ માટે પચીસ લાખ સુધીની બૅન્ક-લોન મળી શકશે: બૅન્ક નિફ્ટી ૭૧૨ પૉઇન્ટ કે સવા ટકો વધ્યો, પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા નરમ, ચાર બૅન્કોની મજબૂતી બજારને ૪૮૦ પૉઇન્ટ ફળી : BMW વેન્ચર્સના લિ​સ્ટિંગમાં ૨૩ ટકા તથા ગુરુનાનક ઍગ્રિકલ્ચરના લિ​સ્ટિંગમાં ૨૪ ટકાની લૉસ મળી: ખોટ કરતી વીવર્ક ઇન્ડિયાનો ૩૦૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ શુક્રવારે, પ્રીમિયમ ૩૦થી શરૂ

રિઝર્વ બૅન્ક તરફથી આગામી પૉલિસી-મીટિંગમાં વ્યાજદર ઘટાડવાના નિર્દેશ સાથે આ વેળા રેપોરેટ યથાવત્ રખાયો છે. ફુગાવાનો અંદાજ સુધારી ડાઉનવર્ડ કરાયો છે. જ્યારે GDP ગ્રોથરેટનો અંદાજ સાડાછ ટકાથી વધારીને ૬.૮ ટકા કરાયો છે. આ વેળા વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી થયો, પરંતુ બૅ​ન્કિંગધિરાણને વધુ ઉદાર બનાવાયું છે. બૅન્કોને વધુ ફ્લે​ક્સિબિલિટી અપાઈ છે. પ​બ્લિક ઇશ્યુ કે IPOના કિસ્સામાં વ્યક્તિગત ધિરાણની મર્યાદા ૧૦ લાખથી વધારી પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત હવેથી શૅર સામે ૨૦ લાખને બદલે એક કરોડ સુધીની લોન આપવાની બૅન્કોને છૂટ અપાઈ છે. કૉર્પોરેટ એ​ક્વિઝિશન માટે પણ ધિરાણ ઉદાર બનાવાયું છે. NBFC કે નાણાં કંપનીઓને મળતા બૅન્કધિરાણના કેસમાં રિસ્ક વેઇટેજ રેશિયો પસંદગીયુક્ત ધોરણે ઘટાડવામાં આવ્યો છે.



આગલા બંધથી ૯૪ પૉઇન્ટ નરમ, ૮૦,૧૭૩ ખૂલેલો સેન્સેક્સ નીચામાં ૮૦,૧૬૦ થયા પછી ધિરાણનીતિની અસરમાં ઉપરમાં ૮૧૦૬૮ વટાવી ગયો હતો. નિફ્ટી ૨૪,૮૬૮ થયો હતો. છેલ્લે સેન્સેક્સ ૭૧૬ પૉઇન્ટના સુધારમાં ૮૦,૯૮૩ અને નિફ્ટી ૨૨૫ પૉઇન્ટ વધી ૨૪,૮૩૬ બંધ થયો છે. આ સાથે સળંગ ૮ દિવસથી ચાલની બજારની નરમાઈને ગઈ કાલે બ્રેક લાગી છે. લગભગ તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં બૅન્ક નિફ્ટી ૧.૩ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ સવા ટકો, ઑટો પોણો ટકો, રિયલ્ટી ૧.૧ ટકા પ્લસ હતા. FMCG ઇન્ડેક્સ પોણો ટકો, ટેલિકૉમ સવા ટકો, પાવર અને યુટિલિટીઝ પોણાથી એક ટકો, કૅપિટલ ગુડ્સ પોણો ટકો અપ હતા. સસ્તા ભાવે કેટલાંક ડ્રગ્સ ટ્રમ્પના હેલ્થકૅર પ્લાન માટે ઉપલબ્ધ બનાવવાની ઑફર કરાઈ છે. અન્ય ફાર્મા કંપનીઓ પણ આ માર્ગે જવા સક્રિય બની છે. એને લીધે હેલ્થકૅર બેન્ચમાર્ક ૧.૧ ટકા ઊંચકાયો છે. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૨૧૯૯ શૅર સામે ૮૭૪ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૩.૯૦ લાખ કરોડ વધીને ૪૫૫.૩૪ લાખ કરોડ રૂપિયા જોવાયું છે.


તાતા મોટર્સ તરફથી એના કમર્શિયલ વ્હીકલ્સ બિઝનેસનું ડીમર્જર બુધવારથી અમલી બનાવાયું છે. યોજના અનુસાર તાતા મોટર્સના શૅરધારકોને નવી કંપની તાતા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સનો એક શૅર પત્યેક શૅરદીઠ અપાશે. ડીમર્જરની રેકૉર્ડડેટ ૧૪ ઑક્ટોબર ઠરાવાઈ છે. દરમ્ચાન જેફરીઝ તરફથી તાતા મોટર્સને ૫૭૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે ડી-ગ્રેડ કરવામાં આવ્યો છે. જોકે શૅર ગઈ કાલે ચારગણા વૉલ્યુમે ઉપરમાં ૭૨૦ બતાવી ૫.૫ ટકા વધી ૭૧૮ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. મહિન્દ્ર સવા ટકા પ્લસ તો મારુતિ ૦.૩ ટકા નરમ હતા. આઇશર ૭૦૦૪ના લેવલે ફ્લૅટ રહી છે.

HDFC બૅન્ક દોઢ ટકાની મજબૂતીમાં ૯૬૬ બંધ રહી બજારને ૧૮૮ પૉઇન્ટ તો ICICI બૅન્ક પોણાબે ટકા વધી ૧૩૭૧ બંધમાં ૧૪૧ પૉઇન્ટ ફળી છે. કોટક બૅન્ક ૩.૫ ટકા ઊંચકાઈ ૨૦૬૩ હતી. ઍ​ક્સિસ બૅન્ક અઢી ટકા વધી છે. આ ચાર બૅન્ક શૅરબજારને કુલ ૪૮૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. સ્ટેટ બૅન્ક એક ટકો નરમ હતી. મેઇન બેન્ચમાર્કમાંના અન્ય શૅરમાં ટ્રેન્ટ ૩.૩ ટકા, સનફાર્મા અઢી ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો, TCS ૦.૯ ટકા, ITC એક ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૫.૩ ટકા, જિયો ફાઇનૅન્શ્યલ ૨.૩ ટકા, ડૉ. રેડ્ડીઝલૅબ ૧.૭ ટકા, ONGC દોઢ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૪ ટકા, અદાણી પોર્ટ ૧.૩ ટકા પ્લસ હતા. રિલાયન્સ સાધારણ વધી ૧૩૬૯ રહી છે. ઇન્ફોસિસ નજીવી સુધરી હતી. સામે બજાજ ફાઇનૅન્સ ૧.૧ ટકો ઘટી ૯૮૭ બંધમા ઘટેલા શૅરોમાં મોખરે હતી. તાતા સ્ટીલ પોણો ટકો, અલ્ટ્રાટેક ૦.૯ ટકા, મારુતિ સુઝુકી ૦.૩ ટકા, ભારતી ઍરટેલ અડધો ટકો, એશિયન પેઇન્ટ્સ અડધો ટકો ઘટી છે.


TCS પોણાપાંચ વર્ષના તળિયે જઈને સુધારામાં બંધ

નેટવેબ ટેક્નૉલૉજીઝ તેજીની ચાલ જાળવી રાખતાં અઢી ગણા વૉલ્યુમે ૪૧૫૬ના બેસ્ટ લેવલે જઈને ૧૧.૩ ટકા કે ૪૧૩ના ઉછાળે ૪૦૬૧ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. આઇટીમાં નબળા માનસ વચ્ચે આ શૅર મહિનામાં ૮૯ ટકા જેવો વધી ગયો છે. સનટીવી ૧૫.૩ ટકા, નઝારા ટેક્નૉ. ૯.૩ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ. ૭.૮ ટકા મજબૂતી હતી. JSW હો​લ્ડિંગ્સ બૅક-ટુ-બૅક મંદીની સર્કિટમાં પાંચ ટકા કે ૮૧૪ રૂપિયા ગગડી ૧૫,૪૭૪ બતાવી ત્યાં જ રહી છે. NIC ઇન્ડિયા ત્રણ ટકા, દિલ્હીવરી ૩.૪ ટકા, મહારાષ્ટ્ર સ્કૂટર્સ અઢી ટકા કે ૪૧૯ રૂપિયા કપાઈ છે. યુપીઆઇ ટ્રાન્ઝૅક્શન્સ ચાર્જ ફ્રી રહેશે એવી રિઝર્વ બૅન્કની ખાતરીમાં પેટીએમ ઉપરમાં ૧૧૫૧ બતાવી ૨.૩ ટકા વધી ૧૧૪૮ હતી. આઇટી ઇન્ડેક્સમાં ડાયનાકોન્સ સિસ્ટમ્સ ૧૦૩૩ નજીક જઈ ૨૦ ટકાના જમ્પમાં ૧૦૩૨ થઈ છે.

હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧૯માંથી ૮૬ શૅરના સથવારે ૧.૧ ટકા કે ૪૮૯ પૉઇન્ટ વધ્યો છે, જેમાં સનફાર્માનો ફાળો ૧૪૨ પૉઇન્ટ હતો. લુપિન, ડૉ.રેડ્ડીઝ લૅબ, લૌરસ લૅબ, ફોર્ટિસ હેલ્થકૅર, ન્યુલૅન્ડ લૅબના વધારાથી એમાં બીજા કુલ ૧૯૨ પૉઇન્ટનો ઉમેરો થયો હતો ન્યુલૅન્ડ લૅબ ૫.૩ ટકા કે ૭૭૮ રૂપિયા મજબૂત થઈ હતી. ફાઇઝર ઉપરમાં ૫૪૨૩ બતાવી ૧.૭ ટકા કે ૮૩ રૂપિયાની આગેકૂચમાં ૫૧૧૩ રહી છે. હ્યુન્દાઇ મોટર્સનું ગયા માસનું વેચાણ ૧૦ ટકા વધ્યું છે. શૅર ૧.૮ ટકા બગડી ૨૫૩૭ બંધ હતો. ટાયર કંપની ટીવીએસ શ્રીચક્ર નવ ગણા વૉલ્યુમે ૧૪ ટકા કે ૪૬૦ રૂપિયાના જમ્પમાં ૩૬૬૧ થઈ છે. જે. કે. ટાયર અઢી ટકા અને MRF ૨.૧ ટકા કે ૩૧૨૨ રૂપિયા પ્લસ હતી. MCX અઢી ટકા કે ૨૦૦ રૂપિયા ઊંચકાઈ ૭૯૯૭ બંધ રહી છે. BSE લિમિટેડ બે ટકા વધી ૨૦૮૧ હતી.

આગલા દિવસે સવાસોળ ટકાની લિ​સ્ટિંગ લૉસ આપનારી જારો ઇ​ન્સ્ટિટ્યૂટ ગઈ કાલે ૫.૭ ટકા સુધરી ૭૮૭ રહી છે. સેશાસાંઈ ટેક્નૉ. ૪.૨ ટકા, સોલરવર્લ્ડ એનર્જી ત્રણ ટકા અને આનંદરાઠી શૅર સવા ટકો અપ હતી. તાતા ઇન્વેસ્ટમેન્ટ ચોથા દિવસની આગેકૂચમાં ૧૦,૯૬૩ નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૧.૭ ટકો વધી ૧૦,૫૮૧ રહી છે. TCS ૨૮૬૭ની પાંચેક વર્ષની નવી બૉટમ બનાવી ૦.૯ ટકાના સુધારામાં ૨૯૧૪ બંધ આવી છે. વૉલ્યુમ બમણું હતું. પરિણામ ૯મીએ જાહેર થવાનાં છે. ગઈ કાલે એમાં ડિસેમ્બર ૨૦૨૦ પછીનું બૉટમ બન્યું છે.

સેકન્ડરી માર્કેટની નબળાઈથી ઇશ્યુ ફ્લૉપ થવાના વધતા કિસ્સા 

છેલ્લા કેટલાક દિવસથી પ્રાઇમરી માર્કેટમાં જબરી ધમાલ જામી છે. નવાં ભરણાંનો રાફડો ફાટી નીકળ્યો છે, પરંતુ સેકન્ડરી માર્કેટની વધતી ખરાબીને પગલે હવે અહીં પણ એની આંશિક માઠી અસર દેખાવા માંડી છે. લિસ્ટિંગ-ગેઇન ઘટવા માંડ્યો છે. નેગેટિવ લિ​​સ્ટિંગ-ગેઇન કે લિ​સ્ટિંગ-લૉસના કેસ વધી રહ્યા છે. ભરણાંને અગાઉ જે માતબર રિસ્પૉન્સ મળતો હતો એ હાલ સંકડાઈ ગયો છે. ઇશ્યુ ફ્લૉપ જવાના અને ભરણાં છેલ્લા ઘડીએ રદ થવાના કિસ્સાય વધવા માંડ્યા છે. થોડાક દિવસ પહેલાં રાજકોટની સિ​દ્ધિ ડિસ્પ્લે ઇ​ક્વિપમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપરબૅન્ડમાં ૨૪૬૮ લાખનો BSE SME ઇશ્યુ ઍન્કર ઇન્વેસ્ટર્સના અભાવે પડતો મુકાયો હતો. તો હમણાં કર્ણાટકાના મૅન્ગલુરુ ખાતેની શીપવેવ્સ ઑનલાઇનનો એકના શૅરદીઠ ૧૨ના ભાવનો ૫૬૩૫ લાખનો BSE SME ઇશ્યુ મોકૂફ રખાયો છે. મધ્ય પ્રદેશના ભોપાલની NSB બીપીઓ સોલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવે ૭૪૨૦ લાખનો BSE SME ઇશ્યુ લઈને ૨૩ સપ્ટેમ્બરના રોજ મૂડીબજારમાં આવી હતી. એને ચાર ટકા જ પ્રતિસાદ મળતાં ભરણાંની તારીખ લંબાવી ૭ ઑક્ટોબર કરાઈ છે. આમ છતાં હજી સુધી તેને મળેલા પ્રતિસાદનું ફિગર ચાર ટકાનું જ છે.

સૉલ્વેક્સ એડિબલ્સનાં ભરણાંને બંધ થવાના ટાંકણે ૪૩ ટકા રિસ્પૉન્સ મળતાં ઇશ્યુ બે દિવસ લંબાવવો પડ્યો હતો. હવે DSM ફ્રેશ ફૂડ્સના ૧૦ના શૅરદીઠ ૧૦૧ની અપર બૅન્ડવાળા ૫૯૬૫ લાખના BSE SME ઇશ્યુને પણ નિયત મુદતમાં માત્ર ૪૯ ટકા પ્રતિસાદ મળતાં ભરણું બંધ થવાની તારીખ લંબાવી ૬ ઑક્ટોબર સુધી કરવાની ફરજ પડી છે. આ ઇશ્યુ ગઈ કાલ સુધીમાં કુલ ૬૦ ટકા ભરાયો છે. મંગળવારે ખૂલેલા ભરૂચના શ્લોકા ડાઇઝના ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવના ૬૩૫૦ લાખના BSE SME ઇશ્યુને પ્રથમ દિવસે લગભગ શૂન્ય રિસ્પૉન્સ મળ્યો એનીય નોંધ લેવી રહી. આ ભરણું બીજા દિવસના અંતે માત્ર એક ટકો ભરાયું છે. એ જ પ્રમાણે અમદાવાદી સનસ્કાય લૉજિ​સ્ટિક્સનું બેના શૅરદીઠ ૪૬ના ભાવનું ૧૬૮૪ લાખનું BSE SME ભરણું પ્રથમ દિવસે ફક્ત બે ટકા ભરાયું એ પણ સૂચક છે. આ ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૪ ટકા જ ભરાયો છે.

આઠ ભરણાં લિસ્ટેડ થયાં એમાંથી માત્ર બેનાં લિ​સ્ટિંગ-ગેઇન

ફ્લે​ક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કે ઑફિસ સ્પેસ સેગમેન્ટમાં પ્રવૃત્ત બૅન્ગલોરની વીવર્ક ઇન્ડિયા મૅનેજમેન્ટ ૧૦ના શૅરદીઠ ૬૪૮ની અપરબૅન્ડમાં ૩૦૦૦ કરોડનો ઇશ્યુ શુક્રવારે કરવાની છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. ૨૦૧૬માં સ્થપાયેલી ખોટ કરતી આ કંપનીએ ગયા વર્ષે ૧૭ ટકાના વધારામાં ૨૦૨૪ કરોડની આવક ઉપર ૧૨૮ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. અગાઉના વર્ષે કંપનીએ ૧૭૩૭ કરોડની આવક ઉપર ૧૩૬ કરોડ લૉસ કરી હતી. ૨૦૨૨-’૨૩માં પણ એની નેટ ખોટ ૧૪૭ કરોડ જેવી હતી. દેવું ૬૨૬ કરોડથી ઘટીને ૩૧૦ કરોડનું થયું છે. કંપની લૉસમેકિંગ હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા અને રીટેલ પોર્શન ૧૦ ટકા રખાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૦ શરૂ થયું છે.

દરમ્યાન ગઈ કાલે કુલ આઠ ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડમાં જૈન રિસોર્સ રીસાઇ​ક્લિંગ બેના શૅરદીઠ ૨૩૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૩થી શરૂ થઈ ઉપરમાં ૩૦ થયા બાદ છેલ્લે ૧૩ રૂપિયે આવી ગયેલા ગ્રેમાર્કેટના પ્રીમિયમ સામે બુધવારે ૨૬૫ ખૂલી ૩૧૮ બંધ થતાં ૩૭.૨ ટકા લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. ઇપૅક પ્રીફૅબ ટેક્નૉલૉજીઝ બેના શૅરદીઠ ૨૦૪ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૯ રૂપિયાથી શરૂ થયા બાદ છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૮૬ ખૂલી ૧૯૧ બંધ રહેતાં સવાછ ટકા લિ​સ્ટિંગ-લૉસ મળી છે. જ્યારે BMW વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ૪થી શરૂ થઈ આઠ થયા બાદ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૮૦ ખૂલી ૭૬ બંધ આવતાં ૨૩.૨ ટકા લિસ્ટિંગ-લૉસ મળી છે. SME સેગમેન્ટમાં પાંચ IPO લિસ્ટેડ થયા છે એમાં સૉલ્વેક્સ એડિબલ્સ ૧૦ના શૅરદીઠ ૭૨ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૬૮ ખૂલી ૬૪ બંધ થતાં ૧૦.૩ ટકા લિ​સ્ટિંગ-લૉસ મળી છે. આ ભરણું નિયત મુદતે ૪૩ ટકા જ ભરાતાં એની મુદત બે દિવસ લંબાવવી પડી હતી. સિસ્ટમૅટિક ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૯૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૦થી શરૂ થયા બાદ વધીને ૨૦ થયા પછી છેલ્લે એક રૂપિયો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૯૫ ખૂલી ૧૯૫ બંધ થતાં ઝીરો લિ​​સ્ટિંગ-ગેઇન મળ્યો. જસ્ટો રિયલફિન્ટેક ૧૦ના શૅરદીઠ ૧૨૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૧થી શરૂ થઈ પચીસ સુધી ગયા બાદ ગગડી છેલ્લે ૪ રૂપિયા થયેલા પ્રીમિયમ સામે ૧૨૭ ખૂલી ૧૨૭ બંધ રહેતાં ઝીરો લિ​સ્ટિંગ-ગેઇન મળ્યો છે. ગુરુનાનક ઍગ્રિકલ્ચર ૧૦ના શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૬થી શરૂ થઈ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૬૦ ખૂલી ૫૭ બંધ થતાં ૨૪ ટકા લિ​સ્ટિંગ-લૉસ ગઈ છે. પ્રારુહ ટેક્નૉલૉજીઝ શૅરદીઠ ૬૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૪થી શરૂ થઈ ઝીરો થયેલા પ્રીમિયમ સામે ૬૩ ખૂલી ૬૪ બંધ થતાં પોણાબે ટકા લિ​સ્ટિંગ ગેઇન મળે છે.

શુક્રવારે SME સેક્ટરમાં તેલગી પ્રોડક્ટ્સ, ઇઅરકાર્ટ, ગુજરાત પીનટ ઍન્ડ ઍગ્રિ પ્રોડક્ટ્સ તેમ જ ચૅટરબૉક્સ ટેક્નૉલૉજીઝ અને મેઇનબોર્ડમાં જીનકુશલ ઇન્ડસ્ટ્રીઝ તથા ટ્રુઆલ્ટ બાયો એનર્જી લિસ્ટેડ થવાની છે. હાલ જીનકુલમાં ૨૦ રૂપિયા, ટ્રુઆલ્ટમાં ૮૭ રૂપિયા, ચૅટરબૉક્સમાં ૧૬નું તથા ગુજરાત પીનટમાં ૭નું પ્રીમિયમ સંભળાય છે. દરમ્યાન તાતા કૅપિટલના IPOમાં અત્યારે પ્રીમિયમ ઘટી ૨૪ થઈ ગયું છે.

ઍડ્વાન્સ ઍગ્રોલાઇફ બે ગણો ભરાયો, પ્રીમિયમ ઘટીને ૧૦ રૂપિયા

મંગળવારે ખૂલેલાં ૧૦ ભરણાંમાં મેઇનબોર્ડની ઍડ્વાન્સ ઍગ્રોલાઇફનો ૧૦૦ના ભાવનો ૧૯૩ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ બેગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટી ૧૦ બોલાય છે. SME સેગમેન્ટમાં બીજા દિવસના અંતે શ્લોકા ડાઇઝનો ઇશ્યુ એક ટકા, ગ્રીનલીફ એ​ન્વિરોનો ઇશ્યુ ૨૮ ટકા, ઇ​​ન્ફિનિટી ઇન્ફોવેનો ઇશ્યુ ૨.૮ ગણો, સનસ્કાય લૉજિ​​સ્ટિક્સનો ઇશ્યુ ૧૪ ટકા, વાલપ્લાસ્ટ ટેક્નૉલૉજીઝનો ઇશ્યુ ૫૭ ટકા, BAG કન્વર્જન્સનો ઇશ્યુ ૩૧ ટકા, ઝેલિઓ ઇ-મોબિલિટીનો ઇશ્યુ ૫૦ ટકા, શીલ બાયોટેકનો ઇશ્યુ ૨૭ ટકા, મુનીશ ફોર્જનો ઇશ્યુ ૨૮ ટકા ભરાયો છે. હાલ ઇન્ફિનિટીમાં પચીસનું પ્રીમિયમ છે.

સોમવારે ખૂલેલાં નવ ભરણાંમાંથી મેઇનબોર્ડની ગ્લોટિસ લિમિટેડનો બેના શૅરદીઠ ૧૨૯ના ભાવનો ૩૦૭ કરોડનો ઇશ્યુ કુલ ૨.૧ ગણા તથા ફેબટેક ટેક્નૉલૉજીઝનો ૧૯૧ના ભાવનો ૨૩૦ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ બેગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ઓમ ક્રેઇટ ફૉર્વર્ડર્સનો ૧૩૫ના ભાવનો ૧૨૨ કરોડનો ઇશ્યુ શુક્રવારે બંધ થશે. એ અત્યાર સુધીમાં કુલ અઢી ગણો ભરાઈ ગયો છે. ઓમ ફ્રેઇટમાં હાલ સાતનું, ગ્લોટિસમાં પાંચનું અને ફેબટેકમાં ઝીરોનું પ્રીમિયમ છે. SME સેગમેન્ટમાં ચિરહરિત લિમિટેડનો એકના શૅરદીઠ ૨૧ના ભાવનો ૩૧૦૭ લાખનો ઇશ્યુ કુલ ૭૫ ટકા ભરાયો છે. ભરણું શુક્રવારે બંધ થશે. પ્રીમિયમ રૂપિયા જેવું છે. ગઈ કાલે સોંઢાણી કૅપિટલ એના આખરી દિવસે કુલ ૪.૮ ગણો, વિજયપિડી ક્યુટિકલ કુલ દોઢ ગણો ઓમમેટલૉજિક કુલ દોઢ ગણો, સુબા હોટેલ્સ કુલ ૧૫.૨ ગણા અને ધિલ્લોન ક્રેઇટ કુલ ૨.૯ ગણા પ્રતિસાદ સાથે પૂરા થયા છે. હાલ સુબા હોટેલમાં છનું પ્રીમિયમ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2025 08:15 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK