BSE લિમિટેડમાં નવા શિખરની હારમાળા વચ્ચે MCX પણ નવી સર્વોચ્ચ સપાટીએ : રેલટેલ, રાઇટ્સ, કારનેક્સ માઇક્રો જેવા રેલવે શૅરની આગેકૂચ, ઇરકોનમાં પીછેહઠ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
BSE લિમિટેડમાં નવા શિખરની હારમાળા વચ્ચે MCX પણ નવી સર્વોચ્ચ સપાટીએ : રેલટેલ, રાઇટ્સ, કારનેક્સ માઇક્રો જેવા રેલવે શૅરની આગેકૂચ, ઇરકોનમાં પીછેહઠ : ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બૅન્કિંગના ૪૧માંથી ૨૭ શૅર ડાઉન, રિયલ્ટી શૅરમાં આકર્ષણ, ઑટોમાં સુસ્તી : ડિફેન્સ ઇન્ડેક્સ મહિનામાં ૨૪ ટકા જેવા ઉછાળા સાથે સતત નવા બેસ્ટ લેવલે : દાવત ફેમ એલટી ફૂડ્સમાં નવો ઊંચો ભાવ, રિલાયન્સ ઇન્ફ્રાની પીછેહઠ, રિલાયન્સ પાવર નવી ટૉપ બનાવી યથાવત્ : થ્રી-બી ફિલ્મ્સનું આજે લિસ્ટિંગ, પ્રોસ્ટર્મ ઇન્ફો વર્સ્ટ લેવલે
ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બજારનો સુધારો જળવાયો છે. સેન્સેક્સ ગુરુવારે ૪૪૪ પૉઇન્ટની આગેકૂચમાં ૮૧,૪૪૨ તથા નિફ્ટી ૧૩૧ પૉઇન્ટ વધીને ૨૪,૭૫૧ બંધ થયો છે. શૅરઆંક આગલા બંધથી ૧૯૭ પૉઇન્ટના સુધારે ૮૧,૧૯૬ ખૂલી તરત નીચામાં ૮૦,૯૮૪ની અંદર ગયા પછી ત્વરિત બાઉન્સબૅક થયું હતું અને આખો દિવસ પૉઝિટિવ ઝોનમાં રહ્યું હતું જેમાં સેન્સેક્સ ૮૧,૯૧૧ દેખાયો હતો. બજારનો ગઈ કાલનો સુધારો મહદઅંશે પસંદગીયુક્ત ફ્રન્ટલાઇન શૅર તથા કેટલીક ચલણી જાતો પૂરતો સીમિત હતો. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા જેવા વધારા સામે સ્મૉલકૅપ ૦.૭ ટકા, હેલ્થકૅર ૦.૯ ટકા, નિફ્ટી ફાર્મા સવા ટકો પ્લસ હતું. ડિફેન્સ બેન્ચમાર્ક સવાબે ટકાના ઉછાળે મોખરે હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પોણાબે ટકા વધ્યો છે. એના ૧૦માંથી ૮ શૅર પ્લસ હતા. શોભા પોણાછ ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ૪ ટકા, પ્રૅસ્ટિજ એસ્ટેટ ત્રણ ટકા, ડીએલએફ પોણાત્રણ ટકા અપ હતા. પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટ્યો છે. ઑટો બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૩૮ શૅરની સામે ૧૧૪૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૩૧ લાખ કરોડના ઉમેરામાં ૪૪૭.૫૧ લાખ કરોડ રૂપિયા નજીક આવ્યું છે. આગલા દિવસે નવા ઊંચા ભાવ બતાવનાર અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા ગઈ કાલે અઢી ટકા ઘટી ૩૭૧ રહી છે તો રિલાયન્સ પાવર ૬૩ ઉપર નવી ટૉપ બનાવી ૬૧ નજીકના આગલા લેવલે યથાવત્ હતી.
ADVERTISEMENT
પ્રાઇમરી માર્કેટમાં થ્રી-બી ફિલ્મ્સનું લિસ્ટિંગ આજે શુક્રવારે છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૩ રૂપિયેથી શરૂ થયા હતા, કામકાજ ઘણા દિવસથી બંધ છે. શાપર વેરાવળ ખાતેની ગંગા બાથ ફિટિંગ્સનો ૧૦ના શૅરદીઠ ૪૯ના ભાવનો ૩૨૬૫ લાખનો NSE SME IPO બીજા દિવસના અંતે કુલ એક ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં સાડાત્રણ વાળું પ્રીમિયમ ગગડી હાલ એક રૂપિયો થઈ ગયું છે. આગલા દિવસે લિસ્ટેડ થયેલી સ્કોડા ટ્યુબ્સ ગઈ કાલે પાંચ ટકા વધી ૧૫૪, નૅપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સ પોણાત્રણ ટકા ગગડી ૧૩૫ તથા એન. આર. વંદના ટેક્સટાઇલ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૧ના વર્સ્ટ લેવલે બંધ થઈ છે. યુગ્રો કૅપિટલ એક્સ-રાઇટ તથા સાડાત્રણ ટકા NSEમાં અને દોઢ ટકો BSEમાં ઘટીને ૧૭૩ બંધ રહી છે.
એશિયા ખાતે જૅપનીઝ નિક્કીની અડધા ટકાની નરમાઈ બાદ કરતાં અન્ય અગ્રણી બજાર સુધારામાં હતાં. સાઉથ કોરિયા દોઢ ટકો, હૉન્ગકૉન્ગ એક ટકો, થાઇલૅન્ડ પોણો ટકો તથા ઇન્ડોનેશિયા અડધો ટકો અપ હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૨૧,૭૯૯ના આગલા બંધ સામે ૧,૨૨,૨૮૧ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને એકાદ પૉઇન્ટના સાવ નજીવા ઘટાડે ૧,૨૧,૭૯૮ બંધ થયું છે. યુરોપ રનિંગમાં સાધારણ પૉઝિટિવ બાયસ બતાવતું હતું. બિટકૉઇન રનિંગમાં અડધા ટકાના સુધારે ૧,૦૫,૩૮૭ ડૉલર ચાલતો હતો.
ઝોમાટો ફેમ ઍટર્નલ બન્ને બજારમાં બૅક-ટુ-બૅક ટૉપ ગેઇનર
ઝોમાટો ફેમ ઍટર્નલ સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૫૬ ઉપર બંધ આપી બન્ને બજારમાં બૅક-ટુ-બૅક ટૉપ ગેઇનર બની છે. એની હરીફ સ્વિગી અડધો ટકો સુધરી ૩૬૪ હતી. બાયોસિમિલર ડીલના પગલે ડૉ. રેડ્ડીઝ લૅબ ત્રણ ટકાની મજબૂતીમાં ૧૨૯૦ વટાવી ગઈ છે. અન્યમાં ટ્રેન્ટ ત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ દોઢ ટકા, પાવરગ્રીડ બે ટકા, અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા, અલ્ટ્રાટેક તથા સનફાર્મા એક ટકાથી વધુ, સિપ્લા સવા ટકો પ્લસ હતી. ICICI બૅન્ક ૧.૭ ટકા વધીને ૧૪૫૫ નજીકના બંધમાં બજારને ૧૪૫ પૉઇન્ટ તો રિલાયન્સ ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૪૪૩ નજીકના બંધમાં ૧૧૩ પૉઇન્ટ ફળી છે. HDFC બૅન્ક અડધો ટકો પ્લસ હતી. ઇન્ફોસિસ નહીંવત્ સુધારામાં તો TCS નજીવી નરમ બંધ આવી છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૪ ટકાની નરમાઈમાં ૮૦૩ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ લૂઝર બની છે. ઍક્સિસ બૅન્ક એક ટકો, બજાજ ટ્વીન્સ ૦.૬ ટકા, હીરો મોટોકૉર્પ અડધો ટકો માઇનસ હતો. તાતા કન્ઝ્યુમર ૧.૧ ટકાના ઘટાડે ૧૧૧૨ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી પ્રોસ્ટર્મ ઇન્ફો ૧૧૪ના વર્સ્ટ લેવલે જઈ બે ટકા બગડીને ૧૧૭ બંધ થઈ છે. વિદેશી પ્રમોટર્સની એક્ઝિટની માયૂસીમાં સપડાયેલી વેન્ડ ઇન્ડિયા ૮૧૭૪ની ઐતિહાસિક બૉટમ બનાવી એક ટકો ઘટી ૮૨૨૪ રહી છે. ૧૧ ડિસેમ્બરે ભાવ ૧૮,૦૦૦ના બેસ્ટ લેવલે હતો. દાવતવાળી એલટી ફૂડ્સ ૪૬૫ની નવી ટૉપ બનાવી સવાત્રણ ટકા વધી ૪૫૭ થઈ છે. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ પોણાચાર ટકા ઊચકાઈ ૧૧૯ વટાવી ગઈ છે. એકસ્પ્લોસિવ્ઝ બનાવતી કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ ૧૭,૦૪૯ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી સવા ટકો કે ૨૧૪ રૂપિયા વધી ૧૭,૦૨૨ બંધ થઈ છે. ફેસવૅલ્યુ બેની છે. ભાવ વર્ષ પહેલાં ૮૪૫૯ હતો. વેલસ્પન કૉર્પોરેશન ૯૭૩ની નવી ટૉપ બનાવી સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૯૬૨ વટાવી ગઈ છે. ૨૩ મેએ ભાવ ૭૬૧નો હતો.
અભિનેતા જિતેન્દ્ર અને તેના પરિવારે બાલાજી આઇટી પાર્ક વેચી ૮૫૫ કરોડની રોકડી કરી
બાલાજી ટેલિફિલ્મ્સના પ્રમોટર્સ અને જાણીતા અભિનેતા જિતેન્દ્ર કપૂર ઍન્ડ ફૅમિલી તરફથી મુંબઈના અંધેરી ખાતે ૨.૪ એકરનું લૅન્ડ પાર્સલ જૅપનીઝ NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સને ૮૫૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું હોવાના અહેવાલ છે. પ્રમોટર્સ પરિવારને ૮૫૫ કરોડની રોકડી મળવા છતાં કંપની, બાલાજી ટેલિફિલ્મ્સનો શૅર ગઈ કાલે દોઢેક ટકો જ વધ્યો છે. BSE લિમિટેડ નવા શિખરની હારમાળામાં ૨૯૧૮ થઈ ચાર ટકા કે ૧૧૩ રૂપિયાની આગેકૂચમાં ૨૯૧૦ નજીક બંધ રહી છે. એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી CDSL લિમિટેડ સાડાચાર ટકા ઊચકાઈ ૧૭૭૯ હતી. MCX સવાબે ગણા વૉલ્યુમે ૭૧૩૮ની વિક્રમી સપાટીએ જઈ સવાત્રણ ટકા કે ૨૨૨ની તેજીમાં ૭૧૦૨ રહી છે. કેફીન ટેક ત્રણ ટકા, કેમ્સ પોણાબે ટકા, જેએમ ફાઇનૅન્સ નવ ટકાથી વધુ, એન્જલવન સાડાચાર ટકા કે ૧૪૨ રૂપિયા, મોતીલાલ ઓસવાલ પોણાબે ટકા, એડલવાઇસ બે ટકા નજીક, ૩૬૦ વનવામ પાંચ ટકાથી વધુ, અરમાન ફાઇનૅન્સ દોઢ ટકો, આઇઆઇએફએલ કૅપિટલ આઠ ટકા, લાર્સન ફાઇનૅન્સ પોણાપાંચ ટકા, પિલાની ઇન્વેસ્ટમેન્ટ સાડાચાર ટકા મજબૂત હતી.
સોરાઇસ ડ્રગ્સના મામલે રિસર્ચ ફેઇલ જતાં આગલા દિવસે ૨૦ ટકા જેવી તૂટેલી સ્પાર્ક ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમે સવાત્રણ ટકા સુધરીને ૧૬૨ બંધ આવી છે. શૅર ગિરવે મૂકી લીધેલી લોનના મામલે શૅરના ભાવ ગગડી જતાં વધારાની જામીનગીરી પેટે ભાવિશ અગ્રવાલને ૨૦ કરોડ રૂપિયાની રોકડ જમા કરાવવી પડી હોવાના અહેવાલ છે. ભાવિશે ઓલાના શૅર ગિરવે મૂકી ૨૫૦ કરોડની લોન લીધેલી છે. ગઈ કાલે ઓલા ઇલેક્ટ્રિકનો શૅર પોણાબે ટકા બગડી ૪૯ બંધ થયો છે. અન્ય ઈ-બાઇક કંપની વર્ડવિઝાર્ડ સવાચાર ટકા તથા ઇરાયા લાઇફ સ્પેસ ત્રણ ટકા ગગડી હતી. રેલવે કંપની રાઇટ્સ ૩૧૬ની ૭ માસની ટોચે જઈ પોણાપાંચ ટકા વધી ૩૦૯ વટાવી ગઈ છે. ન્યુજેન વૉફ્ટવેરને વિશ્વબજારમાંથી સપ્લાય ઑર્ડર મળતાં ભાવ ૧૭ ગણા કામકાજે ઉપરમાં ૧૩૩૬ થઈ છેલ્લે ૧૨૨૫ના આગલા લેવલે યથાવત્ બંધ આવ્યો છે.
સંખ્યાબંધ શૅરમાં નવા શિખર સાથે ડિફેન્સ સતત ડિમાન્ડમાં
ડિફેન્સ ડિમાન્ડમાં છે. ગઈ કાલે ૧૮માંથી ૧૬ શૅરની આગેકૂચમાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૯૧૦૨ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી સવાબે ટકાના જમ્પમાં ૯૦૭૪ બંધ થયો છે. છેલ્લા એક માસમાં આ આંક ૨૪ ટકા વધી ચૂક્યો છે. ગાર્ડન રીચ નવી ટોચની હૅટ-ટ્રિકમાં ૩૫૨૮ થઈ ૧.૭ ટકો વધી ૩૪૧૭ હતો. કોચીન શિપયાર્ડ સાડાચાર ગણા વૉલ્યુમે ૨૩૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૬૧ રૂપિયા કે સાડાબાર ટકા ઊછળી ૨૩૫૦ બંધ રહ્યા છે. માઝગાવ ડૉક અડધો ટકો સુધરી હતી. સિકા ઇન્ટરપ્લાન્ટ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૨૫ રૂપિયા ઊછળી ૧૩૫૦ના નવા શિખરે બંધ હતી. ભારત ઇલેક્ટ્રિક ૩૯૫ નજીક નવી ટૉપ દેખાડી પોણો ટકો સુધરી ૩૯૪ રહી છે. અન્યમાં આઇડિયા ફોર્જ પોણાપાંચ ટકા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ સવાબે ટકા, અપોલો માઇક્રો ૨૦૮ના બેસ્ટ લેવલ બાદ સવા ટકો વધી ૨૦૬, એમટાર ટેક્નૉ ૪.૯ ટકા, એસ્ટ્રામાઇક્રો ૧૧૯૬ નજીકની નવી ટોચે જઈ ૨.૯ ટકા ઊચકાઈ ૧૧૮૦, મિશ્ર ધાતુ નિગમ ત્રણ ટકા, ભારત ડાયનેમિક્સ એક ટકો, DCX ઇન્ડિયા સવાછ ટકા, ડેટા પેટર્ન્સ ૧૮૭ રૂપિયા કે સવાછ ટકા, એન્સિસ કેડ્સ પાંચ ટકા, પારસ ડિફેન્સ ૬.૧ ટકા કે ૧૦૦ રૂપિયા, પ્રીમિઅર એક્સ્પ્લોસિવ્ઝ બે ટકા, GOCL કૉર્પ બે ટકા, તનેજા ઍરોસ્પેસ બે ટકા વધી હતી. અવાન્ટેલ સવાતેર ટકા ઊછળી ૧૮૧ વટાવી ગઈ છે.
રેલવે શૅરમાં રેલટેલ કૉર્પ ૪.૨ ટકા, જ્યુપિટર વૅગન્સ ટકા, ટીટાગર રેલ અડધો ટકો, ટેક્સમાકો રેલ પોણાબે ટકા, કારનેકસ માઇક્રો પાંચ ટકા આગળ વધ્યા છે. ઇરકોન એક ટકો નરમ હતી. ખાતર ઉદ્યોગના ૨૪માંથી ૧૦ શૅર વધ્યા હતા. તિસ્તા ઍગ્રો આઠ ટકા ઊછળી ૧૨૭ હતી. પેસ્ટિસાઇડ્સ/ઍગ્રોકેમ સેક્ટરના ૨૫માંથી ૧૦ શૅર સુધર્યા છે. એસ્ટેક લાઇફ ૭.૪ ટકા ઊચકાઈ ૭૮૧ તો એઇમ્કો પેસ્ટિસાઇડ્સ ૫.૯ ટકા ગગડી ૮૫ બંધ હતી. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની નરમાઈ વચ્ચે ૮૪ પૉઇન્ટ સુધર્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે અડધો ટકો ડાઉન હતો. બૅન્કિંગના કુલ ૪૧માંથી ૧૪ શૅર પ્લસ હતા. ફીનો પેમેન્ટ બૅન્ક સાડાપાંચ ટકા, ઉજજીવન બૅન્ક પોણાત્રણ ટકા, ઉત્કર્ષ બૅન્ક બે ટકા મજબૂત હતી. ડીસીબી બૅન્ક ત્રણ ટકા, RBL બૅન્ક અઢી ટકા, ફેડરલ બૅન્ક ૧.૭ ટકા, ઇન્ડસઇન્ડ તથા બૅન્ક ઑફ બરોડા ૧.૪ ટકા માઇનસ થઈ છે.

