° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો વહેલો અને ઝડપી આવવાની ગણતરીથી બજારો માયૂસ

18 June, 2021 11:46 AM IST | Mumbai | Anil Patel

વિશ્વબજારમાં ક્રૂડ વધ્યું, સોનું નરમ : ચાઇનાએ કૉમોડિટીના વધતા ભાવ સામે આંખ લાલ કરી, મેટલના ભાવ ભીંસમાંઃ અદાણી ગ્રુપના શૅરોમાં ખુવારી વધી, તમામ શૅરમાં મોટાં ગાબડાં : ડૉલર સામે રૂપિયામાં એક ટકાનો ધબડકો, આઇટી ઇન્ડેક્સમાં નવી ઑલટાઇમ હાઈ

બીએસઈ

બીએસઈ

અમેરિકા ખાતે ફુગાવો ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયાના પગલે મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વ તરફથી હાલના લગભગ ઝીરો રેટ સ્ટ્રક્ચરમાં ધારણા કરતાં વહેલો ફેરફાર થવાના સ્પષ્ટ સંકેત અપાયા છે. અર્થાત યુએસ ખાતે વ્યાજદરમાં વધારો એકંદર અપેક્ષા કરતાં વહેલો અને સભંવતઃ ઝડપી આવશે એ નક્કી થઈ ગયું છે. આની અસરમાં ગુરુવારે મોટા ભાગનાં એશિયન બજારો સાધારણથી લઈને એકાદ ટકો જેવા નરમ હતાં. જોકે ચાઇના સામાન્ય અને હૉન્ગકૉન્ગ તથા તાઇવાન અડધા ટકાની નજીક પ્લસમાં બંધ આવ્યાં છે. યુરોપ પણ નબળા ઓપનિંગ બાદ અડધા-પોણા ટકા સુધી માઇનસમાં દેખાતું હતું. રશિયા તરફથી સપ્લાય કટની વાત આવતાં ક્રૂડ વધીને બેરલ દીઠ ૭૪.૪૫ ડૉલર બોલાયું છે. ડૉલર તેમ જ બૉન્ડ યીલ્ડ મજબૂત થવાના પગલે સોનું વાયદામાં ત્રણેક ટકા લથડી ૧૮૦૩ ડૉલર દેખાયું છે. ચાંદી સાડાત્રણ ટકા નીચે આવી ગઈ છે. એક મહત્ત્વની ઘટનામાં ચાઇનાએ કૉમોડિટીઝના વધતા ભાવ સામે યુદ્ધે ચડવાનું નક્કી કર્યું લાગે છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સના કિસ્સામાં અછત તથા ભાવવૃદ્ધિને ડામવા સરકાર એનો અનામત ભંડાર બજારમાં ઠાલવશે એમ મનાય છે. સરવાળે મેટલ ઇન્ડેક્સ સતત ચોથા દિવસે ઘટ્યો છે. કોપર બે ટકાથી ય વધુ ઘટ્યું છે. આ સાથે કૉમોડિટીમાં સંઘરાખોરી અને સટ્ટાખોરી નાથવા કેટલાંક ખાસ પગલાં સરકારે જાહેર કર્યાં છે. આનો સીધો અર્થ એ થાય કે મેટલ શૅરોમાં કરેક્શન પાકી ગયું છે.

ઘરઆંગણે શૅરબજાર ૧૭૯ પૉઇન્ટ જેવું ઘટીને ૫૨૩૨૩ તથા નિફ્ટી ૭૬ પૉઇન્ટની વધુ પીછેહઠમાં ૧૫૬૯૧ બંધ આવ્યા છે. આમ તો અડધા ટકાથી ઓછી આ નરમાઈ સાવ સામાન્ય કહી શકાય, પરંતુ ઘણા દિવસ બાદ બજારમાં ગઈ કાલે ઊથલપાથલનો માહોલ જોવા મળ્યો છે. ઊંટના ઢેકા જેવી ચાલમાં સેન્સેક્સ આગલા બંધથી પોણાચારસો પૉઇન્ટ જેવા ગૅપમાં નીચે ખૂલી સતત ઝડપી સુધરીને એકાદ કલાકમાં ૪૦૧ પૉઇન્ટ ઊંચકાઈ ૫૨૫૨૪ થયો હતો ને ત્યાંથી સાંકડી વધ-ઘટે ઘસાતો રહી બજાર બંધ થવાના કલાક પહેલાં ૫૨૦૪૦ના તળિયે આવી ગયો. ત્યાંથી શાર્પ બાઉન્સ મારી ૫૨૩૭૮ બતાવ્યું. આમ ઊથલપાથલની રેન્જ પ્રમાણમાં મોટી રહી છે. બ્રોડર માર્કેટ અને રોકડું મેઇન બેન્ચમાર્કના મુકાબલે વધુ ઢીલું હોવાથી માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જ રહી છે. એનએસઈના ૬૭૫ શૅર પ્લસ હતા. સામે લગભગ બમણી ૧૨૭૪ સ્ક્રિપ્સ માઇનસમાં હતી. નિફ્ટીના ૫૦માંથી ૩૭ તો સેન્સેક્સના ૩૦માંથી ૨૦ શૅર ડાઉન થયા છે. પોણાબે ટકા નજીકના સુધારામાં ૬૭૦૮ બંધ આપીને અલ્ટ્રાટેક સિમેન્ટ્સ બંને બજારમાં ટૉપ પર્ફોર્મર બન્યો હતો. અદાણી પોર્ટ નવ ટકા જેવા અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક ત્રણેક ટકાના ધબડકામાં અનુક્રમે નિફ્ટી અને સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતો. 

અદાણીના શૅરોમાં વધતી ખુવારી : ૪ દિવસમાં ૧,૫૮,૧૨૫ કરોડ હોમાયા
અદાણી ગ્રુપના શૅરોમાં વિશ્વાસની કટોકટી વધુ ઘેરી બની રહી છે. ગઈ કાલે તમામ છ શૅર વધુ ધોવાયા છે. અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન તથા અદાણી ટોટલ સતત ચોથા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ હતા. તો અદાણી ગ્રીન નીચલી સર્કિટ મારીને એની સાવ નજીક ૪.૯૫ ટકાની ખરાબીમાં ૧૧૧૩ રૂપિયા બંધ આવ્યો છે. અદાણી પોર્ટસ ૧૦ ટકાની સુધારેલી લિમિટ પ્રમાણે એની તદ્દન નજીક ૯.૯ ટકા તૂટી ૬૩૮ થઈ અંતે સાડાઆઠ ટકાની ખુવારીમાં ૬૪૭ની અંદર જોવાયો છે. ફલેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસ ઇન્ટ્રા-ડેમાં ૧૦ ટકાના કડાકામાં ૧૩૦૪ બતાવી છેલ્લે સાડાપાંચ ટકાથી વધુના ધોવાણમાં ૧૩૬૮ થયો છે. આ બધાના પગલે ગુરુવારે અદાણી ગ્રુપના શૅરોમાં માર્કેટ કૅપની રીતે ૪૭૯૦૭ કરોડ રૂપિયા હોમાઈ ગયા છે અને આ સાથે છેલ્લા ચાર દિવસની ખરાબીમાં કુલ મળીને ૧,૫૮,૧૨૫ કરોડ રૂપિયાથી વધુ સાફ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે ભાવ વૉલ્યુમ સાથે તૂટતા જાય છે. અદાણી પોર્ટસમાં બીએસઈ ખાતે ગઈ કાલે સરેરાશ કરતાં લગભગ ચાર ગણું અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં સવાબે ગણું કામકાજ હતું. દરમિયાન રિલાયન્સ ગઈ કાલે ૨૧૮૦ની બૉટમથી બાઉન્સબૅક થઈ ચારેક રૂપિયાના સુધારામાં ૨૨૧૬ નજીક બંધ આવ્યો છે. રિલાયન્સનો પીળી પણ ૧૫૨૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ પરચૂરણ સુધારામાં ૧૫૭૮ થયો છે. રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા. ૮૨૪ની ઑલટાઇમ હાઈ બનાવી ત્યાંથી નીચામાં ૭૩૧ થઈ અંતે પોણાચાર ટકાની નરમાઈમાં ૭૬૫ બંધ હતો. મુકેશ અંબાણીના બેસ્ટ ફ્રેન્ડ આનંદ જૈનની જયકોર્પ પણ આવા જ તાલમાં ઉપરમાં ૧૬૫ અને નીચામાં ૧૪૯ થઈ પોણાસાત ટકા તૂટીને ૧૫૩ની અંદર જોવાયો છે. બસ, એક નાના ભાઈ જોરમાં છે. અનિલ ગ્રુપની રિલાયન્સ કૅપિટલ, આર.કૉમ, રિલા. ઇન્ફ્રા, રિલા. પાવર, રિલા. નેવલ તથા રિલા. હોમ સહિતની તમામ અડધો ડઝન કંપની ઉપલી સર્કિટના શિરસ્તાને જાળવી રાખતાં ગુરુવારે નવા ઐતિહાસિક શિખરે બંધ રહી છે.

ઇન્ફી નવમા દિવસની આગેકૂચમાં નવા શિખરે, ટીસીએસ બેસ્ટ લેવલ ભણી...
ડૉલર સામે રૂપિયો એક ટકો કે ૭૫ પૈસાના ઘટાડે ૭૪ના લેવલેને પાર કરી ગયો છે. એની અસર ગણો કે પછી અન્ય કોઈ થિયરી કામે લાગી હોય, પરંતુ આઇટી શૅરો ખાસ કરીને અગ્રણી આઇટી શૅરો લાઇમલાઇટમાં દેખાય છે. આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ૨૯૩૧૭ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી પોણા ટકાથી વધુની મજબૂતીમાં ૨૯૨૩૬ બંધ રહ્યો છે. જોકે એની ૫૧માંથી ૩૨ જાતો માઇનસમાં હતી. ઇન્ફી સતત નવમા દિવસે વધતો રહી ૧૫૦૨ના વિક્રમી શિખરે જઈને ૧.૧ ટકો વધી ૧૪૯૭ બંધ હતો. ટીસીએસ પણ ૩૩૩૫ને આંબી છેલ્લે ૧.૩ ટકા વધીને ૩૩૨૦ રહ્યો છે. આ કાઉન્ટર પણ હવે ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં લાગે છે. આ બંને શૅર ગઈ કાલે સેન્સેક્સને ૯૮ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા હતા. એચસીએલ ટેક્નૉલૉજી, વિપ્રો, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ,માઇન્ડ ટ્રી, સિએન્ટ જેવી જાતો અડધાથી દોઢ ટકા સુધી પ્લસ હતી. મજેસ્કો, હિન્દુજા ગ્લોબલ, તાન્લા, ઓરેકલ, ન્યુક્લિયસ, સાસ્કેન, ઝેન્ટેક, એમ્ફાસિસ અઢીથી પાંચેક ટકા ડાઉન હતા.

મેટલ શૅરોમાં માયૂસી વધી : હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકો ડાઉન
કૉમોડિટી ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીમાં વધતા ભાવ ડામવા ચાઇના કડક બનતાં મેટલ શૅરો ગઈ કાલે મૂરઝાયા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરના ઘટાડે ૨.૩ ટકા તો બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની નબળાઈમાં ૨.૨ ટકા પીગળ્યો છે. અત્રે એનએમડીસી સર્વાધિક અડધો ટકો પ્લસ હતો. હિન્દુસ્તાન ઝિન્ક નામ કે વાસ્તે સુધરી ૩૩૪ રૂપિયા બંધ હતો. હિન્દાલ્કો, જિંદાલ સ્ટીલ, સેઇલ તથા નાલ્કો બેથી ત્રણેક ટકા તો વેદાન્તા અને તાતા સ્ટીલ સવા ટકાની નજીક કટ થયા હતા. 

દવા કંપનીઓની અનુચિત નફાખોરીને ડામવા સરકાર વિચારી રહી હોવાના અહેવાલ પાછળ ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ નવ શૅરની નરમાઈમાં એક ટકો ઢીલો હતો. અત્રે એક માત્ર ટોરન્ટ ફાર્મા ૨.૪ ટકા વધી ૨૯૪૩ રૂપિયા બંધ આવ્યો છે. જ્યારે બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકાથી વધુ ડાઉન થયો છે અને એની ૭૨ સ્ક્રિપ્સમાંથી કેવળ ૧૧ જાતો વધેલી હતી. નેકટર લાઇફ પોણાચાર ટકા, લિંકન ફાર્મા ત્રણ ટકા, એલેમ્બિક અને ટોરન્ટ ફાર્મા પોણાબે ટકા, થાયરોકૅર ૦.૯ ટકા અપ હતા. ફોર્ટિસ સ્પાર્ક, અજંટા, વિમતા લૅબ, ડૉ. રેડ્ડીઝ લૅબ, આરપીજી લાઇફ, અરબિંદો ફાર્મા, વૉકહાર્ટ, નોવાર્ટિસ અને નાટકો ફાર્મા દોઢથી સાડાચાર ટકા માઇનસ હતા. સિપ્લા, લુપિન અને સનફાર્મા પણ રેડ ઝોનમાં બંધ આવ્યા છે.

મોસમની મસ્તી ચડી હોય એમ છેલ્લા કેટલાક દિવસથી બ્રુઅરીઝ શૅરોમાં ધમાલ છે. ગઈ કાલે ઉદ્યોગના ૧૬માંથી ૧૪ શૅર વધ્યા છે. ગ્લોબલ સ્પિરીટ સાત ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ મારીને ૫૩૧ રૂપિયાના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. ચાર દિવસ પૂર્વે ભાવ ૩૭૩ જેવો હતો. જીએમ બ્રુઅરીઝ પોણાત્રણ ટકા, યુબીએલ અઢી ટકા, પાયોનિયર ડિસ્ટિલિયરીઝ ૩.૪ ટકા, જગજીત ઇન્ડ. પાંચ ટકા, રેડીકો ખૈતાન સાત ટકા, અસોસિએટ આલ્કોહોલ ૭.૪ ટકા વધ્યા છે. કાર્લાઇલની એન્ટ્રી વિવાદમાં પડતાં નીચલી સર્કિટ મારતો પીએનબી હાઉસિંગ ૬૯૦ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊચકાઈ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૭૫૦ રૂપિયા બંધ રહ્યો છે. 

બૅન્ક નિફ્ટી ૩૯૮ પૉઇન્ટ કે એક ટકાથી વધુ ડાઉન હતો. ફેડરલ બૅન્કના પોણા ટકાના સુધારા સિવાય બાકીની ૧૧ જાતો નરમ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટીના ૧૩માંથી એક પણ શૅર પ્લસ ન રહેતાં દોઢ ટકો ડુલ થયો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૩૦ શૅર માઇનસ હતા, જેમાંથી ૨૨ શૅર એક ટકાથી લઈને ત્રણ ટકા સુધી ખરડાયા હતા. 

18 June, 2021 11:46 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

કરબચતના વિકલ્પ તરીકે તમે એચયુએફનો ઉપયોગ કરી શકો છો

લોકો કરબચત માટેનાં અલગ-અલગ સાધનો શોધતા હોય છે, પરંતુ ઘણાને ખબર નથી કે એવો એક રસ્તો પોતાના ઘરમાં પણ ઉપલબ્ધ છે. એ રસ્તો છે એચયુએફ, એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલીનો

27 July, 2021 01:18 IST | Mumbai | Nitesh Buddhadev

સોયાબીન વાયદામાં સટ્ટો રોકવા માર્જિન બમણું કરવા સોપાની માગણી

સોયાબીન વાયદો સંપૂર્ણ સટોડિયાના હાથમાઃ ભાવ સાત સેશનમાં ૨૨ ટકા વધ્યા, એક્સચેન્જને પત્ર લખ્યો

27 July, 2021 01:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Business News In Short: રિયલ્ટી સેક્ટરની ૧૮ અબજ ડૉલરની લોન સંકટમાં : એનારોક

બૅન્કો અને નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ તથા હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને આપેલી કુલ લોનમાંથી આશરે ૧૮ અબજ ડૉલર જેટલી લોન ગંભીર સંકટમાં છે, એવું પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

27 July, 2021 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK