Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારનું (ઇન્ટ્રા-ડે) કરેક્શન, ઑલટાઇમ હાઈથી ૮૬૫ પૉઇન્ટ ડાઉન થઈને ફ્લૅટ બંધ

બજારનું (ઇન્ટ્રા-ડે) કરેક્શન, ઑલટાઇમ હાઈથી ૮૬૫ પૉઇન્ટ ડાઉન થઈને ફ્લૅટ બંધ

18 September, 2021 08:18 AM IST | Mumbai
Anil Patel

વોડાફોન ૧૧ ટકા વધ્યા પછી છેવટે માઇનસ ઝોનમાં, ભારતી ઍરટેલમાં સુધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રોકડું અને બ્રૉડર માર્કેટ વધુ નબળાં રહેતાં માર્કેટ-બ્રેડ્થમાં ખરાબી : કોવિડનાં વળતાં પાણીથી મુસાફરો વધ્યા, એવિયેશન શૅર તેજીમાં, આઇઆરસીટીસી નવા શિખરે, ઈઝીટ્રિપ બેસ્ટ લેવલે ગયો : કોટક મહિન્દ્રએ બૅન્ક નિફ્ટીની લાજ રાખી, અન્યત્ર બૅન્કિંગ શૅરોમાં વ્યાપક ઘટાડાની ચાલ : પૂનાવાલા ફિનકૉર્પ બેતરફી સર્કિટ માર્યા બાદ પોણાત્રણ ટકાના સુધારામાં બંધ : વોડાફોન ૧૧ ટકા વધ્યા પછી છેવટે માઇનસ ઝોનમાં, ભારતી ઍરટેલમાં સુધારો : ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જિનિય‌રિંગ રોકાણકારો માટે બીએમડબ્લ્યુ પુરવાર થઈ

જેઓ બજારમાં મીનિંગફુલ કરેક્શનનો દુકાળ પડ્યો હોવાનો અફસોસ કરે છે તેમણે બજારમાં શરૂ થયેલા ઇન્ટ્રા-ડે કરેક્શનના નવા ટ્રેન્ડ પર નજર નાખવા જેવી છે. અફસોસ દૂર નહીં થાય, પણ થોડો હળવો જરૂર થશે. બજારે નવાં શિખર સર કર્યા પછી થોડો થાક ખાય છે અને સાંકડી રેન્જમાં અથડાયાં છે. (કન્સોલિડેશન) આગલા બંધથી ૩૦૦-૪૦૦ પૉઇન્ટ વધીને ૫૦૦-૭૦૦ પૉઇન્ટ ઘટી જાય છે કે પછી વાઇસેવર્સા જેવું થતું રહે છે. શુક્રવારે પણ આમાંનું જ કંઈક હતું. બજાર આગલા બંધથી ગૅપમાં ખૂલી વધતું રહી ૫૯૭૩૭ની સર્વોચ્ચ સપાટીએ ગયું અને ત્યાંથી ઘસાતું રહી નીચામાં ૫૮૮૭૨ની અંદર પહોંચી ગયું. છેવટે ૧૨૫ પૉઇન્ટની કે ૦.૨ ટકાની મામૂલી પીછેહઠમાં ૫૯૦૧૬ નજીક બંધ થયું, અર્થાત્ આગલા બંધથી પ્રારંભે ૫૯૬ પૉઇન્ટની મજબૂતી અને ત્યાર પછી ત્યાંથી ૮૬૫ પૉઇન્ટની ખરાબી. આ એક પ્રકારનું કરેક્શન જ છે. નિફ્ટી ગઈ કાલે ૧૭૭૯૩ નજીક નવી સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ નીચામાં ૧૭૫૩૮ની અંદર જઈ છેલ્લે ૪૪ પૉઇન્ટની પીછેહઠમાં ૧૭૫૮૫ રહ્યો છે, પરંતુ જ્યારે-જ્યારે આવું ઇન્ટ્રા-ડે કરેક્શન આવે ત્યારે પૅનિક હાવી થઈ જાય છે. રોકડું અને બ્રૉડર માર્કેટ ઝડપથી અને સારા એવા મોટા પાયે ખરડાય છે એથી જ માર્કેટ-બ્રેડ્થ પણ બગડે છે. જેમ કે ગઈ કાલે બીએસઈનો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૮૪૫૭ની સર્વોચ્ચ સપાટીએ ગયા પછી ૧.૩ ટકા કે ૨૯૯ પૉઇન્ટના ઘટાડે ૨૮૦૦૭ જેવો બંધ થયો છે. ૧.૩ ટકાનો ઘટાડો સાધારણ કહી શકાય, પરંતુ અહીં ૭૧૭માંથી ફક્ત ૧૮૭ શૅર જ સુધર્યા હતા.



બીજી તરફ ઇન્ડેક્સ મૅનેજમેન્ટના ખેલ પણ એટલા જ પુરબહારમાં ચાલે છે. એને લીધે માર્કેટનો ખરેખર કે વાસ્તવિક આંતરપ્રવાહ ભાગ્યે જ સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાય છે. જેમ કે ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે હેવીવેઇટ છે એ દોઢ ટકો ઘટીને ૨૩૯૦ બંધ રહેતાં સેન્સેક્સને લગભગ ૧૧૧ પૉઇન્ટની હાનિ થઈ હતી, પરંતુ સામે કોટક મહિન્દ્ર બૅન્ક સવાપાંચ ટકાની છલાંગમાં ૨૦૦૬ બંધ થયો અને બજારને ૧૧૯ પૉઇન્ટનો ફાયદો આટલો ઊછળવાનું કોઈ દેખીતું કારણ નથી. બસ વધી ગયો. એકાદ-બે દિવસમાં ઘટશે કે ઘટવા માંડશે ધીમે ધીમે. સામે રિલાયન્સ દોઢ ટકો ઘટ્યા પછી બીજા બે-અઢી ટકા વધશે. એક ચોક્કસ ફૉર્મ્યુલાથી બજારમાં ઇન્ડેક્સ-મૅનેજમેન્ટ ચાલી રહ્યાં છે. કસિનો-કલ્ચરના આવા ખેલ બેરોકટોક ચાલતા હોય ત્યાં સેન્સેક્સ ૬૦ હજાર જ નહી, ૭૦-૮૦-૯૦ અને પૂરા ૧૦૦ મતલબ એક લાખ પણ થઈ શકે છે.


પૂનાવાલા ફિનકૉર્પ બે બાજુની સર્કિટ માર્યા પછી વધીને બંધ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને કોવિશીલ્ડ ફેમ અદર પૂનાવાલા ગ્રુપની પૂનાવાલા ફિનકૉર્પના કર્તાહર્તા તેમ જ તેમના જોડીદાર મેગ્મા ફિનકૉર્પના મામલે ઇન્સાઇડર ટ્રેડિંગને લઈને સેબીના સકંજામાં ફસાયા છે. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર ભૂતડાએ તો હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. શૅર ભારે વૉલ્યુમ સાથે આગલા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ રહ્યા બાદ ગઈ કાલે પણ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૬૩ થયો હતો. દોઢ વાગ્યા પછી કંઈક થયું, ચોઘડિયું બદલાયું અને ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૧ થયો. છેલ્લે પોણાત્રણ ટકા વધીને ૧૭૭ બંધ આવ્યો છે. ટેલિકૉમ પૅકેજની હૂંફમાં વોડાફોન આગલા દિવસના ૨૬ ટકાના જમ્પ બાદ ગઈ કાલે વધુ ૧૧ ટકા ઊછળી ૧૨.૩૭ થયો, પણ ત્યાંથી ગગડીને છેલ્લે પોણો ટકો ઘટી ૧૧.૧૭ બંધ હતો. ભારતી ઍરટેલ ૧.૪ ટકા વધી ૭૨૮, તો એમટીએનએલ ૪.૯ ટકા ગગડીને ૧૮.૬૫ બંધ હતો. આઇટી ઇન્ડેક્સ ૫૧માંથી ૩૩ શૅરની નરમાઈમાં પોણો ટકો ડાઉન હતો. જોકે તાતા ઍલેક્સી ૫૬૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૬.૫ ટકા ઊછળી ૫૪૮૭ બંધ આવ્યો છે. ટીસીએસ, ઇન્ફી, વિપ્રો, ઑરેકલ, માસ્ટેક, પર્સિસ્ટન્ટ, ઝેનટેક, નેલ્કો ઇત્યાદિ નરમ હતા.


ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગમાં લિસ્ટિંગ પછી ધમાલ

મુંબઈના ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૫૮ રૂપિયાના ભાવે એનએસઈ એસએમઈ-100 લઈ બીજીથી સાતમી સપ્ટેમ્બર દરમ્યાન મૂડીબજારમાં આવી હતી. ગુરુવારે લિસ્ટિંગમાં શૅર ૧૨૭ ખૂલીને છેલ્લે ૧૪૦ બંધ રહ્યો, મતલબ કે ૧૩૧ ટકાનો લિસ્ટિંગ ગેઇન અને ત્યાર પછી ગઈ કાલે પણ આ શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૧ નજીક બંધ થયો છે, તો શૅરદીઠ ૬૫ના ભાવે એનએસઈ એસએમઈ-100 લાવનારી ડીયુ ડિજિટલ ૨૬ ઑગસ્ટે લિસ્ટિંગમાં ૬૩ રૂપિયા બંધ રહ્યા પછી એકધારી ઉપલી સર્કિટ મારતી રહીને ગઈ કાલે ૧૫૦ રૂપિયાના નવા શિખરે ગયા બાદ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૩૬ થઈ છેલ્લે ત્યાં જ બંધ હતી. શૅરદીઠ ૯૨ના ભાવે બીએઈ એસએમઈ-100 લાવેલી પ્લૅટિનમવન બિઝનેસ ગુરુવારે ૧૪ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૧૦૫ રૂપિયા બંધ થયા પછી શુક્રવારે પાંચ ટકાની તેજીની સર્કિટે ૧૧૦ વટાવી ગઈ છે શૅરદીઠ ૧૨૧ના ભાવે બીએસઈ એસએમઈ-100 લાવનાર ગાંધીનગરની આશકા હૉસ્પિટલ્સનો શૅર ૧ સપ્ટેમ્બરે પાંચ ટકાની મંદીની સર્કિટમાં લિસ્ટિંગના દિવસે ૧૧૫ બંધ થયો, ત્યાર પછી માત્ર એક દિવસ બાદ કરતાં સતત ગગડતો રહીને આ શૅર ગઈ કાલે ૫૮ની નીચે નવા તળિયે ગયો છે. છેલ્લે ૧૩.૮ ટકા તૂટીને ૫૮ ઉપર બંધ હતો. બોલે તો ૧૨ દિવસમાં રોકાણકારોની ૫૦ ટકાની વધુ મૂડી સાફ. સુરતની અમી ઑર્ગેનિક્સ ૬૧૦ની ઇશ્યુ-પ્રાઇસ સાથે મંગળવારે લિસ્ટિંગમાં ૯૩૪ રૂપિયા બંધ રહ્યા પછી તેજીની ચાલમાં ગુરુવારે ૧૩૪૬ની નવી ટૉપ બતાવી ૧૨૮૦ બંધ આવી હતી. ગઈ કાલે ભાવ નીચામાં ૧૧૫૬ થઈ અંતે પાંચ ટકા ઘટીને ૧૨૧૫ જોવા મળ્યો છે. બાય ધ વે, કરસન પટેલ અને નિરમા ગ્રુપની નુવાકો વિસ્ટા, જેનો ઇશ્યુ શૅરદીઠ ૫૭૦ના ભાવે આવ્યો હતો એ બજાર એકંદર તેજીમય હોવા છતાં હજી બિલો પાર જ ચાલે છે. શૅર ગઈ કાલે ૩.૨ ટકા ઘટીને ૫૩૯ બંધ હતો. આને કહેવાય ઊંચી દુકાન, ફીકા પકવાન.

બૅડ બૅન્કને લઈ હરખપદુડા થયેલા બૅન્કિંગ શૅર વળતા દિવસે ઢીલાઢફ

નાણાપ્રધાન તરફથી બજાર બંધ થયા પછી સાંજે બૅડ બૅન્કની રચના સંબંધે પત્રકાર-પરિષદના અહેવાલના પગલે ગુરુવારે બૅન્કિંગ શૅરો જબરા ઉત્સાહમાં આવી ગયા હતા. બૅન્ક નિફ્ટી નવા સર્વોચ્ચ શિખરે જઈ ૮૦૦ પૉઇન્ટ કરતાં વધુની તેજીમાં ૩૭૬૬૮ બંધ થયો હતો. તેજીની આ ઇનિંગ્સ ગઈ કાલે પણ ખૂલતા બજારે દોઢેક કલાક આગળ વધી હતી, જેમાં બૅન્ક નિફ્ટી ૩૮૧૧૩ નજીક નવી સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. બૅન્કેક્સ પણ ૪૨૯૬૨ના આગલા ક્લોઝિંગ સામે ૪૩૫૩૦ના બેસ્ટ લેવલે પહોંચ્યો હતો. આમ બે દિવસમાં આશરે ૧૨૫૦ પૉઇન્ટ ઊંચકાયા પછી વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં બૅન્કિંગ શૅર ઢીલા પડવા માંડ્યા છે. ખાસ કરીને સરકારી બૅન્કોના દુઃખના દહાડા બૅડ બૅન્કથી દૂર થઈ જશે એમ હાલ તો લાગતું નથી. સરવાળે શુક્રવારે ઑલટાઇમ હાઈ બાદ બૅન્ક નિફ્ટી નીચામાં ૩૭૩૯૬ થઈ અંતે ૧૪૩ પૉઇન્ટ વધી ૩૭૮૧૨ બંધ થયો છે. એના ૧૨માંથી ૯ શૅર માઇનસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી જે આગલા દિવસે તમામ ૧૩ શૅરની તેજીમાં પાંચેક ટકા ઊછળ્યો હતો એ ગઈ કાલે ૧૨ શૅરના ઘટાડામાં ૩ ટકા કટ થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૩૨ શૅર ગુરુવારે વધીને બંધ હતા. આ પ્રમાણ શુક્રવારે માત્ર પાંચનું રહ્યું છે, જેમાં કરુર વૈશ્ય બૅન્ક ૯.૫ ટકાના જમ્પમાં ૫૦ બંધ હતો. કોટક મહિન્દ્ર બૅન્ક સરેરાશ કરતાં ઓછા વૉલ્યુમમાં ૨૦૧૭ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૫.૩ ટકા વધી ૨૦૦૬ થયો છે. સામે યસ બૅન્ક ૧૦ ટકા, આઇડીબીઆઇ બૅન્ક સાત ટકા, પીએનબી પાંચ ટકા, સીએસબી બૅન્ક ત્રણ ટકા, જેકે બૅન્ક અઢી ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૩ ટકા, પંજાબ-સિંધ બૅન્ક ચાર ટકા, કર્ણાટકા બૅન્ક બે ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૩.૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૩.૫ ટકા ડાઉન હતા. સ્ટેટ બૅન્ક ૪૭૨ નજીક ઑલટાઇમ હાઈ બાદ બે ટકા ઘટી ૪૫૪ બંધ હતો. એચડીએફસી બૅન્ક દોઢ ટકો વધીને ૧૫૮૩ તો ઍક્સિસ બૅન્ક અડધો ટકો વધીને બંધ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્કમાં એક ટકાની નરમાઈ હતી. ઇન્ડસ ઇન્ડ બૅન્ક નહીંવત્ ઘટાડે ૧૧૩૦ બંધ હતો.

વિમાની શૅરો હવાઈ સફરે, ઇન્ડિગો ૧૧ ટકા વધી બેસ્ટ લેવલે

સત્તાવાર આંકડા પ્રમાણે ઑગસ્ટમાં ડોમેસ્ટિકઍર પૅસેન્જર ટ્રાફિક ગયા વર્ષના સમાન ગાળાના ૨૮ લાખ તથા જુલાઈ ’૨૧ના ૫૦ લાખથી વધીને ૬૭ લાખ પૅસેન્જર્સને વટાવી ગયો હોવાના અહેવાલ પાછળ એવિયેશન શૅરોમાં ગઈ કાલે હવાઈ સફરનો માહોલ હતો. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ૭ ગણા વૉલ્યુમે ૨૨૪૩ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૧ ટકા કે ૨૧૮ રૂપિયા ઊંચકાઈ ૨૧૯૭ બંધ આવ્યો છે. જેટ ઍરવેઝ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૧ રૂપિયાની ઉપર તો સ્પાઇસ જેટ ૬ ગણા કામકાજમાં ૮૨ નજીક ગયા બાદ ૩.૪ ટકા વધીને ૭૯ નજીક જોવા મળ્યો છે. હવાઈ સફર કરનારાઓ કોવિડનો ખોફ વિદાય લેતાં વધી ગયા છે એમ રેલવે યાત્રીઓની સંખ્યામાંય ખાસ્સો વધારો થયો હશે અને એથી જ ઇન્ડિયન રેલવે કેટ‌રિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી) શુક્રવારે ૪૦૧૭ની સર્વોચ્ચ સપાટી બનાવી અઢી ટકાની મજબૂતી સાથે ૩૮૬૪ બંધ થયો છે. મુસાફરી કરનારા વધે એટલે ટ્રાવેલ-પ્લાનર્સને પણ લાભ તો થવાનો જ. ઈઝીટ્રિપ પ્લાનર્સ અઢી ગણા કામકાજમાં ૭૧૭ની વિક્રમી સપાટી બનાવી બે ટકા વધીને ૬૬૩ બંધ આવ્યો છે. જોકે હોટેલ શૅરોમાં વલણ ઢીલું હતું, પણ આઇટીડીસી ઉપરમાં ૪૩૦ થઈ ૫.૫ ટકા વધી ૪૦૮ હતો.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2021 08:18 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK