તમારા લક્ષ્યના ટાઇમ હોરાઇઝન સાથે તમારા ફન્ડના હોલ્ડિંગ પિરિયડનો સુમેળ સાધીને રોકાણ કરો
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
પહેલાંની સરખામણીમાં રીટેલ રોકાણકારો પાસે આજે ઘણા વધારે વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ બહુ વધારે વિકલ્પો હોવા પણ સારું નથી, કેમ કે એને કારણે નિર્ણય લેતી વખતે ગૂંચવણ થાય છે, જેને કારણે માનસિક તાણ લાગે છે. વિવિધ શ્રેણીઓ અને એમાં પાછાં હજારો નિષ્ક્રિય અને સક્રિય રીતે વહીવટ કરાતાં મ્યુચ્યુઅલ ફન્ડોમાંથી પોતાને માટે અસરકારક પોર્ટફોલિયો બનાવવાનું અઘરું બની જાય છે.
પરિણામે ઘણી વાર રોકાણકારો રોકાણ વિષયક નિર્ણયોને અમલમાં મૂકવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. લાંબા ગાળે લોકો ઘણાં બધાં ફન્ડોમાં રોકાણ ધરાવતા થઈ જાય છે અને એવું પણ બને કે અમુક ભેગાં કરેલાં ફન્ડોની ટકાવારી એમનાં પોતાનાં રોકાણના લક્ષ્યના ટાઇમ હોરાઇઝન અને ફન્ડના હોલ્ડિંગ પિરિયડ સાથે બરાબર મેળ ન ખાતાં હોય.
ADVERTISEMENT
ફન્ડને અસરકારક રીતે ઉપયોગમાં લેવા માટે નીચેના બે પ્રશ્નના બરાબર ઉત્તર મેળવો. આ જવાબો તમારાં રોકાણમાંથી મળતા વળતરને બહેતર બનાવશે અને સાથે રોકાણ કરતી વખતે થતી ભૂલોને ટાળી શકાશે.
૧. કોઈ ફન્ડમાં રોકાણ રાખી મૂકવા માટેનો યોગ્ય સમયગાળો કેટલો હોવો જોઈએ?
ફાઇનૅન્સની દુનિયામાં શૈક્ષણિક રીતે જોખમની વ્યાખ્યા માર્કેટની અસ્થિરતા-વૉલેટિલિટી (અથવા સ્ટાન્ડર્ડ ડેવિયેશન) છે, એમ કરવામાં આવી છે, પરંતુ હકીકતમાં રોકાણકારને પોતાનાં લક્ષ્યો પૂરા કરવા માટે પૂરતી ઍસેટ ન હોવી એ ખરું જોખમ છે. એક ફન્ડમાં રોકાણ રાખી મૂકવા માટે જરૂરી હોય એવા લઘુતમ સમયગાળાની સાથે રોકાણકારના લક્ષ્ય માટેના સમયગાળાનો મેળ કરવામાં આવે તો આ જોખમ ઓછું થઈ શકે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં લાંબે ગાળે વૃદ્ધિની સંભાવનાઓ રહેલી છે અને સામાન્ય રીતે ટૂંકા ગાળામાં નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે એથી તેમને લાંબા ગાળાના લક્ષ્ય માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.
નજીકના ભવિષ્યમાં આવતાં લક્ષ્યોને પહોંચી વળવા માટે શૉર્ટ અને મીડિયમ ટર્મ ડેટ ફન્ડ્સ યોગ્ય ગણાય છે, પરંતુ તેઓ લાંબા ગાળાનાં લક્ષ્યોની જરૂરિયાતને પૂરી કરી શકવા જેટલું ઊંચું વળતર નથી આપી શકતા. વધુ સ્પષ્ટતા માટે અપેક્ષિત લક્ષ્યો પ્રમાણે તમારા સમયગાળાને તમે ચાર વિભાગમાં વહેંચી શકો, જેનાથી તમને યોગ્ય ફન્ડોની પસંદગી કરવામાં સરળતા રહેશે:
ટૂંકા ગાળા માટે (૧-૨ વર્ષ) : જ્યારે તમને એકદમ નજીકના સમયમાં પૈસાની જરૂરિયાત પડવાની હોય જેવા કે વેકેશન, નવી કારની ખરીદી અથવા ઘરનું રેનોવેશન વગેરે માટે.
મધ્યમ ગાળા માટે (૨-૬ વર્ષ) : જ્યારે તમને થોડા લાંબા ગાળે પૈસાની જરૂર પડવાની હોય જેમ કે ઘરનું ડાઉન પેમેન્ટ કરવા માટે કરાતી બચત, લગ્નનું પ્લાનિંગ અથવા બાળકનાં થોડાં વર્ષો પછી આવનાર કૉલેજના ભણતર માટે ટ્યુશન ફીનું પેમેન્ટ વગેરે માટે.
લાંબા ગાળા માટે (૬-૧૦ વર્ષ) : આ જૂથમાં લાંબા ગાળે આવતા ખર્ચાઓ આવે છે, જેમ કે બાળક જ્યારે પ્રાથમિક સ્કૂલમાં હોય ત્યારે જ કૉલેજના ખર્ચ માટે અથવા કૉલેજમાં હોય ત્યારે તેના લગ્ન માટે અથવા વેકેશન માટેના સેકન્ડ હોમની ખરીદીના લક્ષ્ય માટે વગેરે.
ખૂબ લાંબા ગાળા માટે (૧૦ વર્ષથી વધુ) : આ ખૂબ લાંબા ભવિષ્ય માટે જેમ કે નિવૃત્તિકાળ માટે અથવા બાળકો માટે વારસો મૂકીને જવા માટેનું પ્લાનિંગ વગેરે.
આ પણ વાંચો : સ્ટૉક માર્કેટમાં રોકાણ કરવાને લગતો ડર કેવી રીતે દૂર કરવો?
૨. મારા પોર્ટફોલિયોના કેટલા ટકા એક ફન્ડમાં રોકવા જોઈએ?
કોઈ એક ચોક્કસ ફન્ડમાં રોકાણ એમના પોર્ટફોલિયો માટે કેટલું યોગ્ય રહેશે અને એકંદર પોર્ટફોલિયોના કેટલા ટકા એક ચોક્કસ ફન્ડ માટે રાખવા જોઈએ એવો આ એક બીજો મહત્ત્વનો સવાલ રોકાણકારોને મૂંઝવતો હોય છે.
ફન્ડનાં નાણાં કેવી રીતે વાપરવાં એ નક્કી કરવામાં જેટલો સમય એક રોકાણકાર લગાવે છે એના કરતાં વધુ સમય એ ફન્ડ રોકાણ કરવા યોગ્ય છે કે નહીં અને પોર્ટફોલિયોના કેટલા ટકા એમાં રોકવા જોઈએ એ વિચારવામાં લગાવે છે. છેવટે જુદી-જુદી તારીખોએ ખરીદેલાં ઘણાં બધાં ફન્ડો ભેગાં થઈ જાય છે જેની પોર્ટફોલિયોમાં અલગ-અલગ ટકાવારી હોય છે અને એમનું પર્ફોર્મન્સ પણ અલગ-અલગ હોય છે. ઘણી વાર આનું પરિણામ નકારાત્મક આવે છે. દા.ત. મંદીની માર્કેટ દરમ્યાન બૅલૅન્સ્ડ પોર્ટફોલિયોની સરખામણીમાં ગ્રોથ-હેવી ફન્ડવાળો પોર્ટફોલિયો ખરાબ વળતર આપશે અથવા જે પોર્ટફોલિયો ૨૦૨૨માં ટેક્નૉલૉજી સ્ટૉક્સથી ભરેલો હોય એવા પોર્ટફોલિયોનું શું થાય એની કલ્પના કરી જુઓ.
આ મુદ્દાને ધ્યાનમાં રાખીને, તમે બધી ઉપલબ્ધ શ્રેણીઓને મહત્તમ પોઝિશન સાઇઝના આધારે ચાર વધારાનાં જૂથોમાં વહેંચી શકો છો: મુખ્ય/સ્ટૅન્ડ-અલોન (૮૦ ટકાથી ૧૦૦ ટકા ઍસેટ્સ)
કોર (૪૦ ટકાથી ૮૦ ટકા ઍસેટ્સ) બિલ્ડિંગ બ્લૉક (૧૫ ટકાથી ૪૦ ટકા) મર્યાદિત (૧૫ ટકા સુધી) ઉપરની દરેક શ્રેણીનું કદ વિશાળ છે, જે રોકાણકારોને એમનાં રોકાણના ટકાવારીની ગોઠવણ કોઈ એક ચોક્કસ ફન્ડમાં કરવાનો પૂરતો મોકો આપે છે. જે ફન્ડના ખુદના પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ હોય એવાં ફન્ડો તમારા પોર્ટફોલિયોમાં વધારે રાખવાં જોઈએ અને જે સ્પેશ્યલાઇઝ્ડ ફન્ડ્સ હોય (જેવા કે સેક્ટર ફન્ડ અથવા ફોક્સ્ડ ફન્ડ) એમની ટકાવારી સામાન્ય રીતે તમારા પોર્ટફોલિયોમાં ઓછી હોવી જોઈએ.


