Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટીની આગેવાની હેઠળ શૅરબજાર ૪૫૫ પૉઇન્ટ અપ, ઑઇલ-ગૅસ શૅરો ડિમાન્ડમાં, બૅન્કિંગ નરમ

આઇટીની આગેવાની હેઠળ શૅરબજાર ૪૫૫ પૉઇન્ટ અપ, ઑઇલ-ગૅસ શૅરો ડિમાન્ડમાં, બૅન્કિંગ નરમ

07 February, 2024 06:51 AM IST | Mumbai
Anil Patel

શૅરબજાર મંગળવારે ૨૪૦ પૉઇન્ટના ગૅપમાં ૭૧,૯૭૧ ખૂલી ક્રમશઃ સુધારાને આગળ ધપાવતાં ૪૫૫ પૉઇન્ટ વધી ૭૨,૧૮૬ તથા નિફ્ટી ૧૫૮ પૉઇન્ટ વધી ૨૧,૦૨૦ બંધ થયો છે

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઝાયડ્સ લાઇફમાં બાયબૅક માટે ૯મીએ બોર્ડ મીટિંગ, શૅર નવા શિખરે : તાતા ગ્રુપ ૩૦ લાખ કરોડનું માર્કેટ કૅપ હાંસલ કરનાર દેશનું પ્રથમ ઔદ્યોગિક ગૃહ બન્યું, એમાં ટીસીએસનો ફાળો ૧૫ લાખ કરોડ પ્લસનો : પેટીએમ ઑલટાઇમ તળિયે જઈ ઝડપી ઉછાળે ત્રણ ટકા વધીને બંધ, એલઆઇસીમાં નવી ટૉપ : પેટીએમ પેમેન્ટ બૅન્કના બિઝનેસને હસ્તગત કરવા જિયો ફાઇનૅન્શિયલનો ઇનકાર, શૅર ખરડાયો : સરકારી તેલ કંપનીઓના શૅર સતત નવી ટોચે, મારુતિ સુઝુકી ૪૨૩ રૂપિયાની તેજીમાં ૧૦,૮૪૮ના બેસ્ટ લેવલે બંધ રહ્યો

શૅરબજાર મંગળવારે ૨૪૦ પૉઇન્ટના ગૅપમાં ૭૧,૯૭૧ ખૂલી ક્રમશઃ સુધારાને આગળ ધપાવતાં ૪૫૫ પૉઇન્ટ વધી ૭૨,૧૮૬ તથા નિફ્ટી ૧૫૮ પૉઇન્ટ વધી ૨૧,૦૨૦ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅર આંક નીચામાં ૭૧,૬૨૫ અને ઉપરમાં ૭૨,૨૬૧ દેખાયો હતો. બૅન્કિંગ, પાવર-યુટિલિટીઝ, એફએમસીજીની નહીંવતથી સામાન્ય નબળાઈ બાદ કરતાં તમામ સેક્ટોરલ પ્લસમાં રહ્યા છે. આઇટી ઇન્ડેક્સ ત્રણ ટકા કે ૧૧૩૪ પૉઇન્ટ, ઑઇલ-ગૅસ ત્રણ ટકા કે ૮૧૯ પૉઇન્ટ, એનર્જી ઇન્ડેક્સ બે ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૭ ટકા કે ૭૫૩ પૉઇન્ટ, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧.૬ ટકા કે ૮૮૧ પૉઇન્ટ, મેટલ ઇન્ડેક્સ પોણાબે ટકા, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૦.૯ ટકા વધી નવા બેસ્ટ લેવલે બંધ થયા છે. ટેલિકૉમ ઇન્ડેક્સ સવાબે ટકા રણક્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ દોઢેક ટકાની મજબૂતીમાં ૩૪,૬૮૦ના નવા શિખરે ગયો છે. નિફ્ટી ફાર્મા એક ટકો વધ્યો હતો. મિડ કૅપ, સ્મૉલ કૅપ તથા બ્રૉડર માર્કેટના આંક પણ એકથી સવા ટકો ઊંચકાયા છે. સરવાળે સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ જોવા મળી છે. એનએસઈમાં વધેલા ૧૩૬૫ શૅરની સામે ૭૮૧ શૅર ઘટ્યા હતા. બજારનું માર્કેટ કૅપ ૪.૨૨ લાખ કરોડના ઉમેરામાં ૩૮૬.૮૩ લાખ કરોડ વટાવી નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. 

એશિયા ખાતે સાઉથ કોરિયા અને જૅપનીઝ નિક્કી અડધો ટકો તથા સિંગાપોર સાધારણ નરમ હતા. સરકાર શૅરબજારને ઉગારવા સક્રિય બનવાના એંધાણમાં ચાઇના ત્રણ ટકાથી વધુ અને એની પાછળ હૉન્ગકૉન્ગ ૩.૯ ટકા મજબૂત બન્યું છે. થાઇલૅન્ડ એક ટકા અને ઇન્ડોનેશિયા પોણા ટકા નજીક વધ્યા હતા. પાકિસ્તાની બજાર ૧.૪ ટકા કે ૮૪૮ પૉઇન્ટની આગેકૂચમાં ૬૩,૮૫૧ વટાવી ગયું છે. ઝાયડ્સ લાઇફમાં ૯મીએ પરિણામ સાથે શૅરના બાયબૅકનો એજન્ડા સામેલ થતાં શૅર ત્રણ ગણા કામકાજે ૮૦૯ના શિખરે જઈ પોણાપાંચ ટકા વધી ૭૯૭ બંધ રહ્યો છે. ઇન્ટેલિવેટ કૅપિટલ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૪૮ની ટોચે બંધ હતો. હિન્દુ. ઑઇલ, ઇન્ડિયન ઑઇલ, પેટ્રોનેટ, ભારત પેટ્રો, હિન્દુ. પેટ્રો, ઑઇલ ઇન્ડિયા, મહાનગર ગૅસ, ઓએનજીસી, ગેઇલ ત્રણથી પોણાઆઠ ટકા ઊછળી નવી ટોચે બંધ થઈ છે. 


અદાણીના ૧૧માંથી ૯ શૅર પ્લસ, રિલાયન્સ નરમ, મારુતિ ૪૦૦ ઊછળ્યો 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર વધ્યા છે. સેન્સેક્સમાં એચસીએલ ટેક્નૉ ૪.૪ ટકા ઊછળી ૧૬૨૪ની ટૉપ સાથે તો નિફ્ટીમાં ભારત પેટ્રો ૬ ટકાની તેજીમાં ૬૦૯ના બેસ્ટ લેવલે બંધ આપી મોખરે હતા. અન્યમાં એચડીએફસી લાઇફ સવાપાંચ ટકા, ટીસીએસ ૪ ટકા, મારુતિ પોણાચાર ટકા, વિપ્રો સાડાત્રણ ટકા, લાર્સન અઢી ટકા, ઇન્ફી અઢી ટકા, તાતા સ્ટીલ સવાબે ટકા, ભારતી ૨.૨ ટકા, અલ્ટ્રા ટેક દોઢ ટકો, મહિન્દ્ર અને ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, તાતા મોટર્સ ૧.૪ ટકા નજીક, સ્ટેટ બૅન્ક ૧.૨ ટકા, ઓએનજીસી સાડાત્રણ ટકા, એસબીઆઇ લાઇફ ૩.૧ ટકા, કોલ ઇન્ડિયા ૧.૯ ટકા, યુપીએલ ૧.૭ ટકા, આઇશર ૧.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૨ ટકા વધ્યા છે. રિલાયન્સ પોણા ટકા જેવી નરમાઈમાં ૨૮૫૭ નીચે ગયો છે. પાવર ગ્રીડ ત્રણેક ટકા ગગડી ૨૭૪ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર રહ્યો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણાબે ટકા, આઇટીસી દોઢ ટકો, કોટક બૅન્ક સવા ટકો, ઍક્સિસ બૅન્ક અને બજાજ ફિનસર્વ ૧.૧ ટકા, બ્રિટાનિયા બે ટકા કે ૧૦૮ રૂપિયા, ગ્રાસિમ સવા ટકો ડાઉન હતા. 

અદાણીના ૧૧માંથી ૯ શૅર વધ્યા છે. અદાણી એન્ટર ૧.૧ ટકા વધી ૩૨૦૯ તો અદાણી પોર્ટ્સ સવા ટકો વધી ૧૨૭૩ હતો. અદાણી ગ્રીન ત્રણ ટકા, એસીસી પોણાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ સવાબે ટકા, એનડીટીવી અઢી ટકા, અદાણી પાવર, અદાણી એનર્જી, અદાણી ટોટલ સાધારણથી અડધા ટકા નજીક પ્લસ થયા છે. સાંધી ઇન્ડ. પોણાચાર ટકા તૂટી ૧૧૫ હતો. અદાણી વિલ્મર નામજોગ નરમ હતો. 


ઇથેનૉલ વિશે સરકાર કોઈ નવી પ્રોત્સાહક પૉલિસી લાવી રહી હોવાની હવામાં શુગર શૅરોમાં પ્રારંભિક ઝમક હતી, જે ખાસ ટકી શકી નથી. ઉદ્યોગના ૩૫માંથી ૨૧ શૅર પ્લસ હતા.  

ઇન્ફી, ટીસીએસ, એચસીએલ ટેક્નૉ સાથે આઇટી ઇન્ડેક્સ પણ નવા શિખરે 
હેવી વેઇટ્સના નેજા હેઠળ વ્યાપક સુધારામાં આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૫ શૅરના સથવારે ૩૯,૦૭૧ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૨.૯ ટકા કે ૧૧૧૫ પૉઇન્ટના જમ્પમાં ૩૯,૦૩૧ રહ્યો છે. ઇન્ફી ૧૭૩૧ની ટોચે જઈ અઢી ટકાના ઉછાળે ૧૭૨૯ અને ટીસીએસ ૪૧૫૦ની ઑલટાઇમ હાઈ બતાવી ૪ ટકા કે ૧૬૧ રૂપિયાની તેજીમાં ૪૧૩૩ બંધ થયો છે. ટીસીએસનું માર્કેટ કૅપ ૫૮,૮૦૧ કરોડ રૂપિયા વધી હવે ૧૫,૧૨,૪૫૦ લાખ કરોડ થઈ ગયું છે. આ બન્ને શૅર આઇટી ઇન્ડેક્સને ૬૪૮ પૉઇન્ટ અને સેન્સેક્સને ૨૭૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. એચસીએલ ટેક્નૉ ૧૬૨૭ની વિક્રમી સપાટી બાદ ૪.૪ ટકા ઊંચકાઈને ૧૬૨૪, વિપ્રો ૩.૬ ટકા વધી ૫૦૦ નજીક, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા વધી ૧૩૫૦ બંધ હતા. એક્સ ચેન્જિંગ સૉલ્યુ ૨૦ ટકાની તેજીની સર્કિટે ૧૩૯ની ટોચે બંધ હતો. સુબેક્સ ૮.૩ ટકા, લેટેન્ટ વ્યૂ ૬.૮ ટકા, કેલ્ટોન ટેક્નૉ ૬.૭ ટકા, ઓરેકલ ૬.૩ ટકા કે ૪૧૯ રૂપિયા, ઝેનસાર ટેક્નૉ પાંચ ટકા, કેપીઆઇટી ટેક્નૉ ૫.૧ ટકા, ન્યુકલીઅસ સૉફ્ટવેર અને ૬૩ મૂન્સ ૫-૫ ટકા મજબૂત હતા. કન્ટ્રોલ પ્રિન્ટ ૪.૪ ટકા ગગડી ૮૮૫ હતો. ટેલિકૉમમાં ભારતી ઍરટેલ પરિણામ પાછળ સવાબે ટકા વધી ૧૧૩૮ હતો. વિન્દય ટેલિના પરિણામ ૯મીએ છે. શૅર ૨૭૭૫ની સર્વોચ્ચ સપાટી બતાવી ૪.૮ ટકા કે ૧૨૭ રૂપિયા ઊછળી ૨૭૪૩ થયો છે. એચએફસીએલ ૫.૩ ટકા, વોડાફોન ૩.૮ ટકા, ઇન્ડ્સ ટાવર ૩.૨ ટકા, ઓપ્ટિમસ ૨.૯ ટકા રણક્યા છે. એમટીએનએલ ચાર ટકા કપાઈ ૪૭ ઉપર બંધ હતો. આઇટી અને ટેલિકૉમની હૂંફમાં ટેક્નૉલૉજીસ ઇન્ડેક્સ ૨૬માંથી ૨૦ શૅર પ્લસમાં આપી પોણાત્રણ ટકાના જમ્પમાં ૧૭,૧૫૫ની વિક્રમી સપાટીએ બંધ થયો છે. નેટવર્ક-૧૮ દોઢ ટકા અને ઝી એન્ટર એક ટકો નરમ હતા. 

મારુતિ ૩.૮ ટકા કે ૪૦૦ રૂપિયા ઊછળી ૧૦,૮૨૬ બંધ થતાં ઑટો ઇન્ડેક્સ જે ૭૩૭ પૉઇન્ટ કે ૧.૭ ટકા વધી નવા શિખરે બંધ થયો એને ૨૫૨ પૉઇન્ટ મળી ગયા હતા. તાતા મોટર્સ ૧.૪ ટકા, મહિન્દ્ર ૧.૪ ટકા, આઇશર દોઢ ટકો, ટીવીએસ મોટર્સ સવા ટકો, હીરો અને બજાજ ઑટો પોણો ટકો અપ હતા. 

૬ બૅન્કમાં હિસ્સો લેવા માટે એચડીએફસી ગ્રુપને મંજૂરી, યસ બૅન્ક ૧૧.૫ ટકા ઊછળ્યો 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની નરમાઈમાં ૧૩૫ પૉઇન્ટ ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારા વચ્ચે સાધારણ ઢીલો થયો છે. બૅન્કિંગના ૩૯માંથી ૧૯ શૅર વધ્યા હતા. રિઝર્વ બૅન્ક તરફથી એચડીએફસી ગ્રુપને અર્થાત એચડીએફસી ઍસેટ્સ મૅનેજમેન્ટ, એચડીએફસી લાઇફ તથા એચડીએફસી ઍર્ગોને ઇન્ડ્સઇન્ડ બૅન્ક, યસ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સૂર્યોદય બૅન્ક તથા બંધન બૅન્કમાં સાડાનવ ટકા સુધીનો હિસ્સો લેવાની મંજૂરી અપાઈ છે, જેના પગલે યસ બૅન્ક ૧૧.૫ ટકા ઊછળી ૨૫.૪૨ થઈ હતી. આઇઓબી બૅન્ક ૭.૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ત્રણ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૮ ટકા, પંજાબ સિંઘ બૅન્ક ૩.૪ ટકા વધી નવા બેસ્ટ લેવલે બંધ હતી. એચડીએફસી બૅન્ક નજીવી ઘટીને ૧૪૪૪ રહી છે. એચડીએફસી લાઇફ ૫.૨ ટકા ઊંચકાઈ ૫૯૩ તો એચડીએફસી ઍસેટ્સ મૅનેજમેન્ટ ૧.૭ ટકા વધી ૩૬૧૯ હતી. ખરાબ પરિણામમાં ધનલક્ષ્મી બૅન્ક વધુ ૫ ટકા ગગડી ૪૫ થઈ છે. કરૂર વૈશ્ય, બંધન બૅન્ક, ઇન્ડ્સઇન્ડ, સિટી યુનિયન બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક પોણાબેથી પોણાચાર ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૬ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૫ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૮ ટકા ડાઉન હતી. સ્ટેટ બૅન્ક સવા ટકો વધી ૬૫૧ રહી છે.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૬ શૅરના સુધારામાં નહીંવત્ સુધર્યો હતો. મંદીની સર્કિટની હૅટ-ટ્રિકમાં ૪૨ ટકા ગગડી ૪૩૮ના તળિયે ગયા પછી પેટીએમ ગઈ કાલે વધુ ખરડાઈ ૩૯૫ના ઑલટાઇમ તળિયે ગયા બાદ શાર્પ બાઉન્સબૅકમાં ૪૭૨ વટાવી ૩ ટકા સુધરી ૪૫૨ રહ્યો છે. પેટીએમની પેમેન્ટ બૅન્કના બિઝનેસને હસ્તગત કરવા ઉત્સુક હોવાના અહેવાલમાં આગલા દિવસે ૧૪ ટકા ઊછળી ૨૮૯ની ટોચે બંધ રહેલી જિયો ફાઇ. સર્વિસિસ તરફથી આ મામલે સદંતર ઇનકાર થતાં ભાવ નીચામાં ૨૬૮ થઈ ૬.૨ ટકા ગગડી ૨૭૧ રહ્યો છે. એલઆઇટી ૧૦૩૨ના શિખરે જઈ ૨.૪ ટકા વધી ૧૦૨૫ હતો. 

બીએલએસ ઈ-સર્વિસનું તગડું લિસ્ટિંગ, તાતા ટેક્નૉ નવા તળિયે જઈ બાઉન્સબૅક 
મેઇન બોર્ડમાં નવી દિલ્હીની બીએલએસ ઈ-સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૫૫ના પ્રીમિયમની સામે ૩૦૯ ખૂલી ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૭૧ નજીક જઈ ત્યાં જ બંધ થતાં અત્રે ૧૭૪ ટકાનો જોરદાર લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એસએમઈ સેગમેન્ટમાં મુંબઈના અંધેરી ખાતેની બાવેજા સ્ટુડિયો ૧૦ના શૅરદીઠ ૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ અને બે રૂપિયાના પ્રીમિયમ સામે ૧૮૩ ખૂલી ૫ ટકાની મંદીની સર્કિટમાં ૧૭૪ નીચે જઈ ત્યાં જ બંધ થતાં એમાં ૩.૪ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. રાજકોટની ગેબ્રિયલ પેટ સ્ટ્રૅપ્સના શૅરદીઠ ૧૦૧ના ભાવવાળો એસએમઈ ઇશ્યુ બુધવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ ૫૦ના લેવલે યથાવત છે. સોમવારે લિસ્ટેડ થયેલી મેગાથર્મ ઇન્ડેક્શન ગઈ કાલે ઉપલી સર્કિટે ૫ ટકા વધી ૨૧૮ના બેસ્ટ લેવલે, મયંક કેટલ ફૂડ ૨.૨ ટકા ઘટી ૧૧૭ તથા હર્ષદીપ હોર્ટિકો ૫ ટકાની નીચલી સર્કિટે ૬૩ના તળિયે ગયા છે.

તાતા ટેક્નૉલૉજીસ તાજેતરની નરમાઈ આગળ વધારતાં ૧૦૭૧ની નવી વર્સ્ટ બૉટમ બનાવી શાર્પ બાઉન્સબૅકમાં ૧૦૬૨ નજીક જઈ ૪.૬ ટકા વધી ૧૧૩૧ હતો. ક્વૉલિટેક લૅબ્સ નીચલી સર્કિટ જારી રાખતાં ૫ ટકા તૂટી ૧૫૩ના નવા તળિયે ગયો છે. દીપક કેમટેક્સ ૯૮ના ઑલટાઇમ તળિયે જઈ એકાદ ટકો વધી ૧૦૪, ઇપેક ડ્યુરેબલ ૧૯૨નું નવું બૉટમ દેખાડી સવા ટકો વધી ૧૯૬, યુફોરિયા ઇન્ફોટેક પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૪ નીચે, ફ્લૅર રાઇટિંગ ૩૧૬ નીચે ઑલટાઇમ તળિયું બનાવી પોણો ટકો વધી ૩૨૧, ગાંધાર ઑઇલ ૨૩૪ નીચે સૌથી વર્સ્ટ લેવલ બનાવી ૨.૩ ટકા સુધરી ૨૪૪, બ્રિસ્ક ટેક્નૉ વિઝન ૧૫૮ની સૌથી નીચી સપાટી નોંધાવી ૨.૨ ટકા વધી ૧૭૦ બંધ આવ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2024 06:51 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK