તુમ જિયો હઝારોં સાલ : ટૅક્સ-કટની વાતો અને જિયોની હકીકતને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ બદલાયું
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારે ખરેખર બુલિશ ટર્ન લઈ લીધો છે? નૉટ શ્યૉર, પરંતુ સેન્ટિમેન્ટ ધીમે-ધીમે બદલાઈ રહ્યું છે. હાલ તો એનાં બે કારણમાં એક જિયોનો IPO છે અને બીજું ટૅક્સ-કટની નાણાં ખાતાના સ્તરે ચાલી રહેલી સક્રિય વિચારણા છે અને હા, અમેરિકા-ઈરાન સમાધાનના સંકેત પણ છે. લાગે છે કે શૅરબજારની દિવાળી સુધરશે. લેટસ હોપ ફૉર ધ બેસ્ટ
ગયા સોમવારે ફરી વાર માર્કેટની રિકવરી સાથે પૉઝિટિવ શરૂઆત થઈ, ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ રહ્યા અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઈન ટૅક્સ તથા STTની રાહત વિશે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે એવા અહેવાલની અસર પણ બજાર પર રહી. માર્કેટનું સતત ઘટવું અને રોકાણકારોનું સતત નિરાશ થવું સરકારને પણ પોષાય એમ નથી. IPOની સફળતા એક વાત છે, પણ સેકન્ડરી માર્કેટનો ટ્રેન્ડ બીજી વાત છે. સરકાર સામે મોંઘવારીનો પડકાર પણ વધી રહ્યો છે, જ્યારે કે અમેરિકા-ઈરાન પ્રકરણ પણ હજી અદ્ધર હોવાથી એની ચિંતા સેન્ટિમેન્ટને અદ્ધર રાખી રહ્યા છે. ઓવરઑલ વૈશ્વિક સંજોગો કોઈ સ્પષ્ટ ચિત્ર કે સંકેત આપી રહ્યા નથી, પરિણામે નીચા વૅલ્યુએશન પણ રોકાણકારોની ખરીદીમાં જોમ લાવી શકતા નથી. જોકે ધીમી ગતિએ ચિત્ર બદલાવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ADVERTISEMENT
LTCG-STTની માર્કેટ-ઇફેક્ટ
મંગળવારે બજાર સ્થિર રહેવાનું કારણ ટૅક્સ સંબંધી હતું. સરકાર સંભવતઃ બજેટ પહેલાં જ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ (LTCG)માં તેમ જ સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅકશન ટૅક્સ (STT)માં રાહત આપે એવી ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ એવા પણ છે કે સરકારને આ ટૅક્સ બાબતે કરાયેલા અનુરોધમાં બિન-રહીશ ભારતીયો અને વિદેશી રોકાણકારોને પણ LTCGમાં રાહત આપવાનું સૂચવાયું છે જેથી ડૉલરનો પ્રવાહ વધે અને રૂપિયો નબળો પડતો અટકે. જોકે મૉર્ગન સ્ટેનલી ઇન્ડિયાના ચીફ રિધમ દેસાઈના મતે LTCGમાં કાપ મૂકવાથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નાણાપ્રવાહ શરૂ કરી દેશે એવું માની લેવાય નહીં. આ ગ્લોબલ રોકાણકારો અન્ય વિવિધ પરિબળો ધ્યાનમાં લેતાં હોય છે. આ રોકાણકારો ભારતીય ઇક્વિટીઝમાં વળતર અને કંપનીઓના અર્નિંગ્સને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ માટે સક્રિય થશે. LTCGના ઘટાડાથી સેન્ટિમેન્ટમાં ચોક્કસ સુધારો થઈ શકે, કિંતુ એને કારણે રોકાણપ્રવાહ વધી જાય એવું કહી શકાય નહીં. હાલમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) ભારતીય બજાર માટે નબળું સેન્ટિમેન્ટ ધરાવે છે. તેમની માટે વૅલ્યુએશન અને કરન્સી આઉટલુક પણ મહત્ત્વના છે. એ ખરું કે ભારતીય માર્કેટને ફૉરેન રોકાણના પ્રવાહની જરૂર છે, પરંતુ આ રોકાણ કૉર્પોરેટ્સ ફન્ડામેન્ટલ્સ, કમાણી, વૅલ્યુએશન અને ભાવિ સંભાવનાને આધારે આવશે. અલબત્ત, વર્તમાન સંજોગોમાં પણ અમુક ગ્લોબલ ફન્ડ્સને ભારતીય માર્કેટ અન્ય દેશોની બજારો કરતાં સારી અને આકર્ષક લાગે છે જેથી તેમણે ભારતમાં ફરી રોકાણપ્રવાહ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
FPIને અલગ ટૅક્સ-ટ્રીટમેન્ટ?
આ જ વિષયમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની જેફરીઝના મત અનુસાર ભારત સરકાર જો FPI માટે LTCG ટૅક્સ ઘટાડીને એની ટ્રીટમેન્ટ પણ અલગ કરે તો ફૉરેન ઇન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર ફરક પડી શકે, તેમનો રોકાણપ્રવાહ વધી શકે. જેફરીઝની દલીલ મુજબ અમેરિકા, તાઇવાન, ઇન્ડોનેશિયા અને હૉન્ગકૉન્ગમાં FPIને LTCGમાં મુક્તિ અપાઈ છે, જ્યારે કે ભારતમાં સ્થાનિક રોકાણકારોની સમકક્ષ જ તેમને આ ટૅક્સ લાગુ થાય છે જે FPI ને અનુકૂળ નથી એવું જણાય છે.
જિયોની બોલબાલા વધી ગઈ
દરમ્યાન બુધવારે બજાર ભલે ઘટ્યું હતું, પરંતુ જિયોના શૅરે ધમાલ મચાવી હતી. જિયોના લિસ્ટિંગે સેન્ટિમેન્ટને નવું પૉઝિટિવ આઉટલુક આપ્યું. જિયો મૂડીબજારમાં પ્રવેશી ત્યારથી નવા વિક્રમો સર્જતી જાય છે. બુધવારે લિસ્ટિંગ સાથે એના ભાવમાં બાવીસ ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈને એ ૧૪૦૦ રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. કંપની એક જ દિવસમાં ૧૦૦ અબજ ડૉલરના IPO ક્લબમાં આવી ગઈ હતી. એટલું જ નહીં, એ સૌથી કીમતી ટેલિકૉમ કંપની સહિત માર્કેટની મોસ્ટ વૅલ્યુએબલ કંપની પણ બની ગઈ. આની અસરે એની પેરન્ટ કંપનીની વૅલ્યુ પણ ઊંચી ગઈ. રોકાણકારોમાં આ શૅરની જબરદસ્ત ડિમાન્ડ જોવાઈ હતી. આ કંપની લાંબા ગાળાના રોકાણકારો માટે મોટી આશા બની રહી છે, જ્યાં તેમને મૂડીવૃદ્ધિનો બહેતર અવકાશ દેખાય છે. દરમ્યાન યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારવાનું ટાળતાં માર્કેટમાં સારી રિકવરી નોંધાઈ જેમાં ગુરુવારે સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૫૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યા. જિયો પણ વધુ ઊંચકાયો. આ સાથે રિલાયન્સ અને જિયો બન્નેના છમાસિક પરિણામ પ્રોત્સાહક જાહેર થતાં સેન્સેક્સ તેમ જ નિફ્ટીએ રિકવરી સાથે સપ્તાહ પૂરું કર્યું. નિફ્ટી ફરી વાર ૨૩,૦૦૦ની ઉપર બંધ રહ્યો.
રીટેલ ઇન્વેસ્ટર્સની ઘટાડે ખરીદી
બજારમાં એક વાત નોંધવા જેવી એ છે કે બે મહિનાના વિરામ જેવા દિવસો બાદ રીટેલ રોકાણકારો સપ્ટેમ્બરમાં પાછા ફરવા લાગ્યા હતા. IPOમાં તો તેમનો રોકાણપ્રવાહ હતો જ, પરંતુ સેકન્ડરી માર્કેટમાં જૂન બાદ તેમણે ઊંચી ખરીદી સપ્ટેમ્બરમાં કરી જે ૧૯,૦૦૦ કરોડ રૂપિયા ઉપર હતી. અગાઉ તેમણે જુલાઈ-ઑગસ્ટમાં ૫૦૦૦ કરોડથી વધુના શૅર્સ વેચ્યા હતા. મજાની વાત એ હતી કે ફૉરેન ઇન્વેસ્ટર્સ બજારમાંથી બહાર નીકળી રહ્યા હતા તેમ છતાં રીટેલ રોકાણકારો નીચા ભાવોએ ખરીદીમાં સક્રિય બન્યા હતા. ૨૦૨૬ના અત્યાર સુધીના સમયગાળામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૧૪ ટકા જેટલા નીચે ગયા છે ત્યાં સુધીમાં રીટેલ ઇન્વેસ્ટર્સે આશરે ૬૭,૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી નોંધાવી છે જેમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા પ્રાઇમરી માર્કેટમાં અને ૪૭,૦૦૦ કરોડ રૂપિયા સેકન્ડરી માર્કેટમાં મુકાયા છે. જોકે એક માત્ર ઑક્ટોબરમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ૪૪,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ કરી બેઠા હતા. દરમ્યાન ક્રૂડ ઑઇલ, કરન્સી, યુદ્ધનો તણાવ, ઇન્ફ્લેશનનાં નેગેટિવ પરિબળોની અસરો નાબૂદ થઈ નથી જેથી રોકાણકારો બજારમાં વૅલ્યુએશનને ધ્યાનમાં રાખી સિલેક્ટિવ ખરીદી કરશે એવું જણાય છે. આ બધા વચ્ચે રિઝર્વ બૅન્ક ડિસેમ્બરમાં વ્યાજદરમાં ફરી વધારો કરે એવી શક્યતા જણાય છે.
આ પાંચ મોટી ઘટનાઓ પર ધ્યાન જરૂરી
આ બધા સંજોગો વચ્ચે વિશ્વમાં હાલ કેટલીક મોટી ઘટનાઓ ચર્ચામાં છે જેની સંભવિત અસરોને ધ્યાનમાં લેવી પડે. એક, યુએસ અને ચીનમાં AI બબલની અને એને લીધે કેટલાંક બજારો અને કંપનીઓના કડાકાની ચર્ચા છે. બીજી, યુએસમાં મિડ ટર્મ પોલની અને ટ્રમ્પની ચર્ચા છે. ત્રીજી, એક ક્રિપ્ટો એક્સચેન્જ પર ગંભીર સાઇબર હુમલાની છે. ચોથી, ગૂગલના શૅરના કડાકાની અને પાંચમી દેશમાં રાજકીય તંગદિલીની ચર્ચા છે. ભારતીય બજાર પર આની અસર જોવા-સમજવા હાલ થોભો અને રાહ જુઓ. પૅનિક નહીં, પૅશન (ધીરજ) આવશ્યક છે.
વિશેષ વાત : જિયોમાં રોકાણ કરવાનું કારણ
જિયો પ્લૅટફૉર્મના શૅરમાં શા માટે રોકાણ કરવું જોઈએ એના એક નોખા કારણને જે લોકોએ સમજવું હોય તો તેઓએ જિયોના લિસ્ટિંગ સમયે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીની સ્પીચ સાંભળવી જોઈએ. તમને થશે અરે, સ્પીચના આધારે રોકાણનિર્ણય? જવાબ છે, સ્પિચમાં વ્યક્ત થયેલાં વિચારો, લક્ષ્યો, વિઝન, કમિટમેન્ટ, ગ્રુપનો ઇતિહાસ વગેરેમાંથી ચોક્કસ સમજ અને સંકેત મળે છે. કોઈ પણ કંપનીના શૅરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે રોકાણકારોએ મુખ્યત્વે શું જોવું જોઈએ? કંપની અને એના ગ્રુપનો ટ્રૅક રેકૉર્ડ, મૅનેજમેન્ટ, ફન્ડામેન્ટલ્સ, કામગીરી, વેચાણ, ગ્રોથ, નફો, અર્નિંગ્સ, સ્પર્ધામાં ટકવાની અને આગળ વધવાની ક્ષમતા, ભાવિ સંભાવના, વિશ્વાસ વગેરે. આ યુવા ભારતના સાહસિકો છે, એ માત્ર અંબાણી છે એટલા માટે નહીં, પરંતુ તેમના કમિટમેન્ટમાં રિલાયન્સ (વિશ્વાસ-ભરોસો) પ્રતિબિંબિત થાય છે. આ નવી જનરેશન અને ન્યુ ઇકૉનૉમી ખરા અર્થમાં મેળ ખાય છે. અલબત્ત, તેમની સામે પણ પડકારો
તો છે અને રહેશે. રોકાણકારોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી સમજી-વિચારી અને આયોજનપૂર્વક આગળ વધવું જોઈએ.
