અહીંના વૉલ્ટમાં રખાયેલી એક-એક ઈંટ ૧૨.૫ કરોડ રૂપિયાની છે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) પણ ગોલ્ડનું
દરેક ભારતીય અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) પણ ગોલ્ડનું મહત્ત્વ સમજે છે. એ જ કારણ છે કે ૧૯૯૧ના આર્થિક સંકટમાંથી સલાહ લઈને RBIએ પણ સોનાનો ભંડાર અનેકગણો વધાર્યો છે. હાલમાં ભારત પાસે ૮૭૦ ટન સોનું છે. જિયો હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ‘RBI અનલૉક્ડઃ બિયૉન્ડ ધ રૂપી’ નામની ડૉક્યુમેન્ટરીમાં RBIના ગુપ્ત ખજાનાની ઝલક જોવા મળે છે. ખાસ વાત એ છે કે RBI સોનાને ઈંટોના રૂપે અલગ-અલગ જગ્યાએ સાચવે છે અને ભંડારમાં મૂકવામાં આવેલી દરેક ઈંટ ૧૨.૫ કિલોની છે.
RBIએ પોતાની કાર્યશૈલી અને ભૂમિકા શું છે એ લોકોને સમજાવવા માટે આ જાહેર કર્યું છે. આ ડૉક્યુમેન્ટરીમાં એ પણ બતાવ્યું છે કે ભારત કરન્સી નોટના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક દેશ છે. અમેરિકામાં ૫૦૦૦ કરોડ, યુરોપમાં ૨૯૦૦ કરોડ નોટ્સ અને ભારતમાં ૧૩,૦૦૦ કરોડ નોટ્સ છપાય છે. રિઝર્વ બૅન્કના અધિકારી કહે છે, ‘સોનું માત્ર ધાતુ જ નથી, પરંતુ દેશની તાકાત છે. દેશોની અર્થવ્યવસ્થામાં ઉતાર-ચડાવ આવતા રહેશે, પરંતુ સોનાનું મૂલ્ય હંમેશાં રહેશે.’
ADVERTISEMENT
મેડ ઇન ઇન્ડિયા કરન્સી
ડૉક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે કે આજે કરન્સી નોટ પ્રિન્ટ કરવામાં વપરાતાં મશીનો, ઇન્કથી લઈને બધું જ ભારતમાં નિર્માણ થાય છે. પહેલાં ઇમ્પોર્ટેડ કાગળ પર છાપકામ થતું હતું અને એ દુનિયાની અમુક જ કંપનીઓ બનાવતી હતી. એને કારણે એ કંપનીઓનો દબદબો રહેતો હતો અને બજારમાં નકલી નોટ આવવાની આશંકા પણ રહેતી હતી. RBIનાં ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ઉષા થોરાટ કહે છે, ‘ઇમ્પોર્ટેડ કાગળ પર છાપકામ નાશિક અને દેવાસમાં થતું હતું. ૨૦૧૦માં જાણવા મળ્યું કે એને કારણે ઘણી નકલી નોટો પણ બિલકુલ અહીં છપાઈ હોય એવા જ કાગળ પર જોવા મળતી હતી. હવે જે કાગળ વપરાય છે એ ભારતમાં જ બને છે.’
મધ્ય પ્રદેશના દેવાસ, પશ્ચિમ બંગાળના સાલબોની અને મહારાષ્ટ્રના નાશિક અને કર્ણાટકના મૈસૂરમાં ચલણી મુદ્રા છાપવાના કાગળ બને છે. ચલણી નોટમાં ૫૦થી વધુ સુરક્ષા વિશેષતા હોય છે.

