અમેરિકાની બજેટ સરપ્લસ હાઇએસ્ટ લેવલે પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ તળિયે પહોંચ્યું

પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં છેલ્લા આઠ મહિનાથી સતત વધતું ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટતાં ડૉલર અને ટ્રૅઝરી યીલ્ડ સુધર્યા હતા અને સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. વળી અમેરિકાની બજેટ સરપ્લસ રેકૉર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ તળિયે પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૬૫૪ રૂપિયા ઘટી હતી. ચાંદીએ ૬૦,૦૦૦ રૂપિયાનું લેવલ તોડ્યું હતું.
વિદેશી પ્રવાહ
અમેરિકાનું ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ એપ્રિલમાં ઘટતાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટતાં ડૉલર ઇન્ડેક્સ ફરી ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો અને ટ્રૅઝરી બૉન્ડના યીલ્ડ પણ ફરી વધ્યા હતા. ડૉલર અને યીલ્ડ વધતાં સોનામાં ખરીદીનું આકર્ષણ રહ્યું નહોતું, જ્યારે ઇન્ફ્લેશન ઘટતાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સોનાના ભાવે વર્લ્ડ માર્કેટમાં ૧૮૫૦ ડૉલરની સપાટી તોડતાં તેજીની આશા તૂટી હતી. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું એપ્રિલ મહિનાનું ઇન્ફ્લેશન ઘટીને ૮.૩ ટકા રહ્યું હતું જે માર્ચ મહિનામાં ૪૧ વર્ષની ઊંચાઈએ ૮.૫ ટકા હતું તેમ જ માર્કેટની ધારણા ૮.૧ ટકા રહેવાની હતી. જોકે અમેરિકામાં ફૂડ પ્રાઇસ એપ્રિલમાં ૯.૪ ટકા વધીને નવી ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. અમેરિકાની બજેટ સરપ્લસ એપ્રિલમાં વધીને ૩૦૮ અબજ ડૉલરે પહોંચી હતી જે અત્યાર સુધીની હાઇએસ્ટ હતી. ગયા વર્ષે એપ્રિલમાં ૨૨૬ અબજ ડૉલરની ડેફિસિટ હતી અને માર્કેટની ૨૨૬ અબજ ડૉલરની ધારણા કરતાં બજેટ સરપ્લસ વધુ રહી હતી. બ્રિટનનો ગ્રોથ રેટ ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૮ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૩ ટકા હતો અને માર્કેટની ધારણા એક ટકો રહેવાની હતી. બ્રિટનમાં બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૫ ટકા ઘટ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં એક ટકો વધ્યું હતું અને છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું હતું. બ્રિટનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ માર્ચમાં ૦.૨ ટકા ઘટ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૦.૩ ટકા ઘટ્યું હતું, પણ માર્કેટની ધારણા માત્ર ૦.૧ ટકા ઘટવાની હતી. સ્વિડનનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૩૧ વર્ષની ઊંચાઈએ ૬.૪ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૬.૧ ટકા રહ્યું હતું. આયરલૅન્ડનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૩૭ વર્ષની ઊંચાઈએ સાત ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૬.૭ ટકા હતું. અમેરિકાના ઇન્ફ્લેશન અને બજેટ સરપ્લસના ડેટા પૉઝિટિવ આવ્યા હોવાથી ફેડ દ્વારા કરાયેલા ઇન્ટરેસ્ટ રેટના વધારાની અસર દેખાવાની શરૂ થઈ હોવાના આભાસથી સોનું ઘટ્યું હતું.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાનું ઇન્ફ્લેશન સતત આઠ મહિના વધ્યા બાદ એપ્રિલમાં નજીવું ઘટ્યું હતું છતાં પણ ટ્રેડની ૮.૧ ટકાની ધારણા કરતાં વધુ ૮.૩ ટકા રહ્યું હતું. માર્ચમાં ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ ૮.૫ હતું. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને એકથી વધુ વખત જણાવ્યું હતું કે ઇન્ફ્લેશનનો ઘટાડો થવો એ મારી ટૉપ પ્રાયૉરિટી રહેશે. ઇન્ફ્લેશનના ઘટાડાને બ્રેક લાગતાં બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને રાહતનો શ્વાસ લીધો હતો. ફેડ દ્વારા માર્ચમાં ૨૫ બેસિસ પૉઇન્ટ અને મેમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરાયા બાદ જૂન અને જુલાઈમાં વધુ ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાનું લગભગ નક્કી મનાય છે. અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ૨૦૨૨ના અંત પહેલાં ૨.૭ ટકાએ પહોંચાડવાનું ફેડનું લક્ષ્ય હોવાનું મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે. હાલ અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ એક ટકા છે. અમેરિકાએ માત્ર બે જ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા ત્યાં ઇન્ફ્લેશનના વધારાને બ્રેક લાગી ગઈ છે, પણ બ્રિટને સતત ચાર વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધાર્યો કર્યો હોવા છતાં ઇન્ફ્લેશન ઘટતું નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ થોડો વખત સોનામાં આગળ વધેલી તેજી પાછળ જિયોપૉલિટિકલ ટેન્શન રહ્યું હતું, પણ જિયોપૉલિટિકલ ટેન્શનનું કારણ ડિસ્કાઉન્ટ થયા બાદ ઇન્ફ્લેશનનો વધારો સોનાની તેજીને આગળ વધારતો હતો. હવે અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટતાં સોનામાં તેજી કરવા માટે નવા કારણની જરૂરત પડશે. અમેરિકાની બજેટ સરપ્લસ પણ રેકૉર્ડબ્રેક સપાટીએ પહોંચી છે. આથી હવે રિસિસન થવાનો સ્ટ્રૉન્ગ સંકેત મળે અથવા રશિયા-યુક્રેન યુદ્ધની કોઈ મોટી અસર વૈશ્વિક સ્તરે દેખાય તો જ સોનામાં નવી તેજીને સપોર્ટ મળી શકે છે અન્યથા હાલ શૉર્ટથી મીડિયમ ટર્મ સોનામાં તેજી થવાની કોઈ શક્યતા દેખાતી નથી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૧૧૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૯૧૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૫૯,૭૯૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)