Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વીકલી ધોરણે સળંગ ૮ સપ્તાહની ઐતિહાસિક નરમાઈ અટકી: બજાર ત્રણેક ટકા જેટલું વધ્યું

વીકલી ધોરણે સળંગ ૮ સપ્તાહની ઐતિહાસિક નરમાઈ અટકી: બજાર ત્રણેક ટકા જેટલું વધ્યું

Published : 17 October, 2026 10:58 AM | IST | Mumbai
Anil Patel

યસ બૅન્ક વધુ બગડી, ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપર માર્ટ્સ ૪૩ માસના નવા તળિયે : TBZ, શાંતિ ગોલ્ડ, સ્કાય ગોલ્ડ, SMR જ્વેલ્સ, પીસી જ્વેલર્સ જેવા જ્વેલરી શૅરોમાં નવા ઊંચા ભાવ, થંગમયિલ ૩૧૪ની તેજીમાં

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સની સ્ટર્લિંગ વિલ્સન નેટ લૉસમાંથી નફામાં આવી, શૅર ૬ ટકા ડાઉન : યસ બૅન્ક વધુ બગડી, ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપર માર્ટ્સ ૪૩ માસના નવા તળિયે : TBZ, શાંતિ ગોલ્ડ, સ્કાય ગોલ્ડ, SMR જ્વેલ્સ, પીસી જ્વેલર્સ જેવા જ્વેલરી શૅરોમાં નવા ઊંચા ભાવ, થંગમયિલ ૩૧૪ની તેજીમાં : વ્યાપક વિરોધના પગલે SEBI તરફથી CASમાં ફેરફારની જાહેરાત : પરિણામ પાછળ સિયેન્ટ DLMમાં બારેક ટકાનું ગાબડું : સપ્તાહમાં નિફ્ટી IT ઇન્ડેક્સ પોણાબાર ટકાની તેજીમાં જોવાયો : ઑનવર્ડ ટેક્નૉલૉજી પરિણામ પાછળ ૨૦ ટકા ઊછળીને પચીસ મહિનાના શિખરે

વીક્લી ધોરણે સતત ૮ સપ્તાહની ખરાબી બજારમાં અટકી છે. સેન્સેક્સમાં ૨૨૫૭ પૉઇન્ટ કે ૩.૧ ટકા અને નિફ્ટીમાં ૬૨૬ પૉઇન્ટ કે ૨.૮ ટકા જેવા બાઉન્સબૅક વિદાય લેતા સપ્તાહે જોવા મળ્યો છે. આ રિલીફ-રૅલી છે કે બજારની ખરાબીનો યુ-ટર્ન છે એ મોટો સવાલ છે. અમને લાગે છે કે હાલનો સુધારો એક પ્રકારની રિલીફ-રૅલી છે. માર્કેટ આગળ ઉપર વધુ ખરડાશે એવી આશંકા હજી અકબંધ છે. સપ્તાહમાં સેન્સેક્સ નિફ્ટીના પોણાત્રણથી ત્રણ ટકાના વધારા સામે નિફ્ટી IT પોણાબાર ટકા ઊંચકાયો છે. હવે પછીના સપ્તાહે એ કેટલો વધે છે એ જોવું રહ્યું. સેન્સેક્સ ગઈ કાલે ૨૬ પૉઇન્ટ પ્લસ, ૭૪,૩૪૧ ખૂલી છેવટે ૪૧૪ પૉઇન્ટ નજીકની આગેકૂચમાં ૭૪,૭૨૯ અને નિફ્ટી ૧૪૯ પૉઇન્ટ વધી ૨૩,૧૪૬ બંધ થયો છે. પૉઝિટિવ બાયસમાં ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૭૪,૦૧૩ થઈ ઉપરમાં ૭૪,૭૭૯ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ સારી હતી. NSEમાં વધેલા ૨૧૩૧ શૅર સામે ૧૪૨૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૫૫ લાખ કરોડ વધી ૪૭૨.૬૨ લાખ કરોડને વટાવી ગયું છે. 
સેન્સેક્સ-નિફ્ટી ૦.૬થી ૦.૭ ટકાના વધારાની સામે IT બેન્ચમાર્ક ૩.૪ ટકા તથા નિફ્ટી IT ૩.૯ ટકા ઊછળ્યો છે. ટેક મહિન્દ્રની ત્રિમાસિક આવક ૧૫.૬ ટકા વધીને ૧૬,૧૮૦ કરોડ તથા નફો ૩૨.૭ ટકા વધી ૧૫૮૬ કરોડ આવતાં શૅર સાડાઆઠ ટકા ઊછળી ૧૭૮૮ના બંધમાં બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. માથે પરિણામ વચ્ચે ઇન્ફી ૪.૬ ટકા વધી ૧૧૬૨ નજીક ગઈ છે. TCS ૪.૬ ટકાના જમ્પમાં ૨૪૬૩ હતી. HCL ટેકનો એક ટકો વધી છે. આ ૪ શૅર બજારને કુલ ૩૩૦ પૉઇન્ટ ફળ્યા છે. ભારતી ઍરટેલના પરિણામ તો છેક પાંચ નવેમ્બરે આવશે. શૅર ગઈ કાલે ૪ગણા કામકાજે ૨.૯ ટકા ઊંચકાઈ ૧૯૦૫ના બંધમાં બજારને ૧૩૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. વિપ્રોની ત્રિમાસિક આવક ૯ ટકા વધી ૨૪,૭૫૩ કરોડ તથા નફો ૧.૪ ટકા ઘટી ૩૨૦૧ કરોડ થયો છે, પરંતુ તેણે થર્ડ ક્વૉર્ટરનું ગાઇડન્સિસ સારું આપ્યું હોવાની થીમ ચાલતાં ભાવ ૬.૨ ટકા ઊંચકાઈ ૧૮૪ વટાવી ગયો છે. આગલા દિવસે ચારેક ટકા ઝળકેલી રિલાયન્સ ગઈ કાલે નીચામાં ૧૧૯૩ થઈ એક ટકાની નરમાઈમાં ૧૨૧૦ બંધ આવી છે. ઇન્ડિગો સવાબે ટકા બગડી સેન્સેક્સમાં ટૉપ લુઝર બની છે. નિફ્ટી ખાતે એ ૧.૯ ટકા ઘટી હતી. મહિન્દ્ર સેન્સેક્સમાં ૨.૪ ટકા તો નિફ્ટીમાં એ બે ટકા વધી છે. 
HBL એન્જિનિયરિંગ ૩૪ગણા કામકાજે ઉપરમાં ૮૪૧ થઈ સવાસત્તર ટકાની તેજીમાં ૮૩૩ બંધ આપીને ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. ટિપ્સ મ્યુઝિક ૭૫૭ની ટૉપ બનાવી ૯ ટકાના ઉછાળે ૭૪૫ થઈ છે. આર.આર. કેબલ સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૨૩૬૫ બતાવી ૮ ટકા કે ૨૧૧ની ખરાબીમાં ૨૩૯૨ બંધ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર હતી. CCL પ્રોડક્ટ્સ ૭ ટકા, KRN હીટ એક્સચેન્જર્સ પોણાસાત ટકા, પરાગ મિલ્ક સાડાછ ટકા ગગડી હતી. ઑનવર્ડ ટેકનોની ત્રિમાસિક આવક ૨૨ ટકા વધી ૧૭૧ કરોડ તથા ૪૧.૭ ટકા વધી ૧૬૮૦ લાખ થતાં ભાવ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૨૭ની પચીસ મહિનાની ટોચે બંધ થયો છે. 



તહેવારોની માગના આશાવાદે જ્વેલરી શૅરોમાં જબરી ઝમક 

નવી દિલ્હીની બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૭૦ નજીક ગયા બાદ એક ટકો ઘટી ૬૨ રહી છે. મુંબઈના ગોરેગાવ-ઈસ્ટની અગાઉ જટ્ટા પૉલિયાર્ન તરીકે ઓળખાતી જટાશંકર ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં સોમવારે એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૪૦ થઈ દોઢ ટકો ઘટી ૭૦૦ બંધ થયો છે. શૅર વર્ષ પૂર્વે ૨૧૫ના તળિયે હતો. 

સોનાના ભાવ એકંદરે ૨૬ ટકા ઉપર હોવા છતાં સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં જ્વેલરી સેક્ટરમાં ડિમાન્ડ સારી રહી હોવાના અહેવાલ છે. બીજા ત્રિમાસિક ગાળામાં ટાઇટનના જ્વેલરી ડિવિઝને ૨૧ ટકા તથા કલ્યાણ જ્વેલર્સે ૨૭ ટકાનો ગ્રોથ બનાવ્યો છે. દિવાળીના તહેવારોની સીઝન પણ સારી જવાના વરતારા વહેતા થયા છે. આની અસરમાં ગઈ કાલે જેમ્સ જ્વેલરી શૅરોમાં એકંદર આકર્ષણ જોવાયું હતું. પીસી જ્વેલર્સ સાડાચાર ગણા વૉલ્યુમે ૧૭.૧૩ની સવા વર્ષની ટોચે જઈ ૧૧.૮ ટકા ઝળકી ૧૬.૧૭ થઈ છે. SMR જ્વેલ્સ ૧૩૫ની વર્ષની ટૉપ બનાવી ૧૬ ટકા ઊછળી ૧૩૧, યશ્વી જ્વેલર્સ ૬ગણા કામકાજે ૮૮ વટાવી ૧૧ ટકાના જમ્પમાં ૮૭, PNGS રેવા ડાયમન્ડ ઉપરમાં ૭૦૫ બતાવી ૬.૬ ટકા ઊંચકાઈ ૬૮૧, શાંતિ ગોલ્ડ ૪૨૫ના બેસ્ટ લેવલે જઈ ૬.૧ ટકા ઝળકી ૪૧૬, મનોજ વૈભવ જેમ્સ ૨૩૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પાંચ ગણા વૉલ્યુમે ૮.૮ ટકા વધી ૨૨૭, TBZ લિમિટેડ ૭૬૧ની નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરી પાંચ ટકાની ઉપલી સર્કિટે ત્યાં જ, થંગમયિલ જ્વેલરી વૉલ્યુમ સાથે ઉપરમાં ૫૨૨૦ થઈ સાડાછ ટકા કે ૩૧૪ રૂપિયા ઊછળીને ૫૧૦૮, સ્કાય ગોલ્ડ ૧૦૭૩ ઉપર નવું શિખર મેળવી ૫.૮ ટકાની મજબૂતીમાં ૧૦૬૧, સેન્કો ગોલ્ડ ઉપરમાં ૩૫૦ થઈ પાંચ ટકા વધી ૩૩૭, દિપા જ્વેલર્સ ૨૫૮ વટાવી ૫.૩ ટકા વધીને ૨૫૦, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ઉપરમાં ૩૨૭ થઈ સવાત્રણ ટકા વધી ૩૨૦ બંધ રહી છે. કલ્યાણ જ્વેલર્સ ૫૬૩ નજીક જઈ નજીવા સુધારે ૫૫૭ હતી. રેનેસાં ગ્લોબલ એક ટકો ઘટી ૧૬૩ હતી. લલિતા જ્વેલરી પોણાપાંચ ટકા વધી ૩૭૦ થઈ છે. પ્રાયોરિટી જ્વેલ્સ ૩૬૪ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૪ ટકા વધી ૩૫૬ બંધ આવી છે. 

ફ્યુઝન સીએક્સમાં ઇશ્યુ પૂરો થતાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ તૂટ્યાં 
રિલાયન્સની જિયો પ્લૅટફૉર્મનો ૩૦,૦૦૦ કરોડ પ્લસનો મહાકાય ઇશ્યુ ૨૧મીએ ખૂલવાનો છે. સરવાળે હાલની તારીખે આગામી સપ્તાહે પ્રાઇમરીમાં મેદાન સાફ જેવી સ્થિતિ છે. માત્ર બે IPO અત્યારે દેખાઈ રહ્યા છે. જિયો ઉપરાંત ગુરુગ્રામની પારસ હેલ્થકૅરનો ૧૪૫૦ કરોડનો IPO આગામી સપ્તાહે ખૂલશે. એનું ઓપનિંગ પણ ૨૧મીએ જ છે. દરમ્યાન જિયો પ્લૅટફૉર્મનું પ્રીમિયમ ગ્રેમાર્કેટ ખાતે વધી હાલ ૨૨૪ ચાલે છે. પારસ હેલ્થકૅર એકના શૅરદીઠ ૬૯૩ની અપરબૅન્ડમાં ભરણું કરવાની છે. બહુધા ખોટ કરતી આ કંપનીનું ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૮૩થી શરૂ થઈ અત્યારે ૯૭ બોલાય છે. 
દરમ્યાન બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં સુરતની સહજાનંદ મેડિકલ ટેક્નૉલૉઝિસનો શૅરદીઠ ૩૪૪ના ભાવનો ૪૭૫ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કુલ ૭૫ ટકા, કાંચીપુરમની ઇટાલિયન મલ્ટિનૅશનલ બોનફીગલિયોલી ટ્રાન્સમિશન્સનો ૧૦ના શૅરદીઠ ૫૮૬ના ભાવનો ૨૫૩૪ કરોડનો પ્યૉર OFS IPO કુલ એક ગણો, બૅન્ગલોર અર્બનની ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસનો એકના શૅરદીઠ ૧૫૧ના ભાવનો ૫૦૧૨ કરોડનો ઇશ્યુ કુલ ૩૧ ટકા તથા બૅન્ગલોરની ટોન્બો ઇમેજિંગ ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૭૦૦ના ભાવનો ૮૫૨ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કુલ સાડાસાત ગણો ભરાઈ ચૂક્યો છે. હાલમાં ટોન્બો ઇમેજિંગમાં ૫૦૦નું, ઝેટવર્કમાં ૭નું, સહજાનંદ મેડિકલમાં ૩૮નું તથા બોનફિગલિયોલીમાં ૧૩૦નું પ્રીમિયમ ચાલે છે. SME સેગમેન્ટમાં નવી દિલ્હી ખાતેની શેલ્ઝ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૭૯ના ભાવનો ૬૦ કરોડનો BSE SME IPO બીજા દિવસના અંતે ૮૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. 
ગઈ કાલે બે ભરણાં પૂરાં થયાં છે. મેઇન બોર્ડમાં કલકત્તાની ફ્યુઝન સીએક્સનો એકના શૅરદીઠ ૨૮૯ના ભાવનો ૭૦૨ કરોડનો IPO રીટેલમાં લગભગ ૬ગણા સહિત કુલ પોણાપાંચ ગણા તેમ જ થાણેના બેલાપુર CBD ખાતેની રાવિતા એન્જિનિયરિંગ સર્વિસિસનો પાંચના શૅરદીઠ ૧૧૨ના ભાવનો ૧૧૬ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં સાડાત્રણ ગણા સહિત કુલ ૭.૧ ગણા રિસ્પોન્સમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટ ખાતે ફ્યુઝનમાં બાવીસ વાળુ પ્રીમિયમ ગગડીને ૪ રૂપિયા તથા રાવિતામાં બે વાળુ પ્રીમિયમ હાલ ત્યાં જ બોલાય છે. 

HDFCની સબસિડિયરી HDB ફાઇનૅન્શિયલમાં નવું ઑલટાઇમ તળિયું
મુંબઈ હાઈ કોર્ટ તરફથી ૮૪૧૫ કરોડના AT-1 બૉન્ડ્સધારકોની તરફેણમાં અપાયેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે જાળવી રાખતાં આગલા દિવસે સાડાચૌદ ટકા તૂટી ૧૮.૧૫ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લુઝર બનેલી યસ બૅન્કમાં બ્રોકરેજ હાઉસિસ દ્વારા ડી-રેટિંગ શરૂ થયું છે. શૅર ગઈ કાલે પણ પોણાપાંચ ગણા વૉલ્યુમે નીચામાં ૧૭.૪૫ થઈ ૩.૨ ટકા ગગડી ૧૭.૫૭ બંધ થયો છે. ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપર માર્ટ્સ ખરડાયેલા માનસમાં ૩૩૨૨ની ૪૩ માસની નવી બૉટમ બનાવી એક ટકા ઘટી ૩૩૪૨ હતી. એકંદર સારા ત્રિમાસિક પરિણામ પછી પણ ઘટાડાની ચાલ જાળવી રાખતાં HDB ફાઇનૅન્શિયલ ૫૦૭ની લાઇફટાઇમ બૉટમ દેખાડી ૪.૮ ટકા તૂટી ૫૧૩ રહી છે. 
સાર્વત્રિક વ્યાપક વિરોધના પગલે SEBIની સાન ઠેકાણે આવી લાગે છે. કસીનો-સેશન તરીકે ટીકા પાત્ર બનેલી એણે દાખલ કરેલી ક્લોઝિંગ ઑક્શન સેશનની સિસ્ટમ્સમાં ફેરફાર જાહેર કર્યા છે. એનો સાંગોપાંગ અમલ ૭ ડિસેમ્બરથી થશે. સેબીની આ જાહેરાતના પગલે ગઈ કાલે BSE લિમિટેડ બે ટકા ઘટીને ૩૩૬૩, NSE લિમિટેડ ૧.૪ ટકા ઘટી ૧૭૪૯, એંજલ વન ૪ ટકા ગગડી ૨૯૯, ગ્રોફેમ બિલ્યન બ્રેઇન્સ ૧.૪ ટકા સુધરી ૨૦૧, મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્સ સર્વિસિસ અડધો ટકો ઘટી ૧૦૫૬, આનંદ રાઠી શૅર પોણો ટકો ઘટી ૫૦૩, નુવામા વેલ્થ એક ટકો ઘટી ૧૭૦૦ બંધ હતી.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૦.૩ ટકા વધારામાં ૪૬૬૪ કરોડની આવક ઉપર ૨૫.૪ ટકાના ઘટાડે ૩૫૧ કરોડ નફો બતાવતાં શૅર નીચામાં ૫૪૯૦ થઈ બે ટકા ઘટી ૫૭૨૨ બંધ રહ્યો છે. IIFL ફાઇનૅન્સે ૨૮.૪ ટકા વધારામાં ૪૨૪૮ કરોડની આવક મેળવી છે. નફો ૩૭૬ કરોડથી બેવડાઈ ૭૬૬ કરોડ આવ્યો છે. શૅર ૩ગણા વૉલ્યુમે અઢી ટકા વધી ૬૧૪ થયો છે. સિયેન્ટ DLMની આવક ૨૬.૪ ટકા વધી ૩૧૧ કરોડ થઈ છે નફો માત્ર ૫.૯ ટકા વધી ૩૪ કરોડ નોંધાયો છે. સાડાચાર ગણા વૉલ્યુમે શૅર નીચામાં ૮૩૦ થયા પછી ૧૧.૯ ટકા કે ૧૨૨ તૂટીને ૯૦૫ બંધ હતો. રિલાયન્સ જેમાં સહપ્રમોટર્સ છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝે ૧૪.૬ ટકા વધારામાં ૧૦૭૮ કરોડ આવક મેળવી છે પણ નેટ લૉસ ૧૬૨ કરોડથી વધી ૨૦૮ કરોડ વટાવી ગઈ છે. શૅર નજીવા સુધારે ૮.૫૮ બંધ રહ્યો છે. રિલાયન્સની સ્ટર્લિંગ વિલ્સને પોણાતેર ટકા ઘટાડામાં ૧૫૨૮ કરોડ આવક દર્શાવી છે. કંપની ૪૭૩ કરોડની નેટ લૉસમાંથી ૧૯ કરોડના નેટ નફામાં આવી છે. શૅર બમણા કામકાજે ૬ ટકા ખરડાઈ ૧૬૪ બંધ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 10:58 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK