વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ માટે વાસ્તવિક GDP ૬.૫ ટકા રહ્યો છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતના ચોથા ક્વૉર્ટરના કુલ ઘરેલુ ઉત્પાદન એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ના ચોથા ક્વૉર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિદર વધીને ૭.૪ ટકા થયો છે જે સતત વૃદ્ધિ દર્શાવે છે. જોકે વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ માટે વાસ્તવિક GDP ૬.૫ ટકા રહ્યો છે. આ ૪ વર્ષમાં સૌથી નીચું સ્તર છે.
ચોથા ક્વૉર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચમાં ભારતનો GDP વૃદ્ધિદર ૭.૪ ટકા હતો. આ આંકડો અંદાજિત ૬.૮૫ ટકા કરતાં ઘણો સારો છે જે ત્રિમાસિક ધોરણે વધારો દર્શાવે છે. છેલ્લા ક્વૉર્ટર એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ક્વૉર્ટરમાં GDP વૃદ્ધિદર ૬.૨ ટકા હતો જે હવે વધીને ૭.૪ ટકા થયો છે. અર્થતંત્રની મજબૂત કામગીરી દર્શાવે છે કે સ્થાનિક માગ, રોકાણ અને કૃષિ ઉત્પાદન મજબૂત રહ્યું છે.
ADVERTISEMENT
દુનિયાની ચોથી સૌથી મોટી ઇકૉનૉમી
GDPના આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આ વર્ષે ભારતને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી રહી છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના અંદાજ મુજબ ૨૦૨૫-’૨૬ના અંત સુધીમાં ભારત જપાનને પાછળ છોડી દેશે અને અમેરિકા, ચીન અને જર્મની પછી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના એપ્રિલ-જૂન ક્વૉર્ટર માટે આગામી GDP અપડેટ ૨૯ ઑગસ્ટે જાહેર કરવામાં આવશે.


