ભારત, પાકિસ્તાન, મલેશિયા, ઇન્ડોનેશિયા સહિત એશિયન દેશોમાં અતિવૃષ્ટિ બ્રાઝિલમાં ૪૩ વર્ષનો સૌથી કારમો દુકાળ ઃ અમેરિકામાં ક્યાંક દુકાળ તો ક્યાંક અતિવૃષ્ટિ
પ્રતીકાત્મક તસવીર
ગ્લોબલ વૉર્મિંગનાં વરવાં પરિણામો હવે વિશ્વમાં ઠેર-ઠેર દેખાવા લાગ્યાં છે. ગ્લોબલ વૉર્મિંગની અસરે અલ નીનો અને લા નીના સિસ્ટમની અવરજવર વધી હોવાથી વિશ્વના કેટલાક દેશોમાં હાલ વરસાદનું દે-ધનાધન છે, તો કેટલાક દેશોમાં લાંબા સમયથી વરસાદનું ટીપું પણ પડ્યું નથી. આવી અસાધારણ સ્થિતિને કારણે કૃષિ-ઉત્પાદનનું ચિત્ર ખરડાઈ ગયું છે જે સમગ્ર વિશ્વની માનવજાત માટે ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં હાલ અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. મલેશિયા-ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન સહિત અનેક એશિયન દેશોમાં આગામી એકથી બે સપ્તાહ ભારે વરસાદ સહિત વાવાઝોડાની ચેતવણી ત્યાંના સ્થાનિક વેધર ડિપાર્ટમેન્ટે આપી છે. અમેરિકામાં ટેક્સસ, જ્યૉર્જિયા વગેરેમાં છેલ્લાં બે સપ્તાહથી સાવ વરસાદ નહોતો ત્યાં હવેનાં બે સપ્તાહમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. બ્રાઝિલમાં મે મહિનાથી ઑગસ્ટ દરમ્યાન મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું ટીપું પણ જોવા ન મળ્યું હોવાથી છેલ્લાં ૪૩ વર્ષનો સૌથી કારમો દુકાળ જોવા મળી રહ્યો છે. આર્જેન્ટિના, પેરુગ્વે, ઉરુગ્વે, બોલિવિયા વગેરે દક્ષિણ અમેરિકન દેશોમાં પણ હાલ દુકાળ જેવી સ્થિતિ ઊભરી રહી છે. વાતાવરણની આવી ભયજનક સ્થિતિનાં કૃષિઉત્પાદનની સ્થિતિ પર બહુ માઠાં પરિણામો જોવા મળશે જેને કારણે આગામી દિવસોમાં મોઘવારીનો રાક્ષસ વધુ વિકરાળ બનશે એવી ધારણા છે.
ભારતમાં કૃષિ-પાકોની સ્થિતિ બગડી
ADVERTISEMENT
પશ્ચિમ ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ, તેલંગણ, ઓરિસ્સા, કર્ણાટક અને તામિલનાડુ તેમ જ મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે ભારે વરસાદ પડવાની આગાહીઓ થઈ છે. પૂર્વીય અને ઉત્તરીય ભારતનાં રાજ્યોમાં બે સપ્તાહ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો. ચોમાસા પહેલાં હીટવેવની અસરે અનેક રાજ્યોમાં પાણીનાં તળ નીચે ગયાં હોવાથી ખરીફ પાકોના વાવેતરની સ્થિતિ આ વર્ષે થોડી નબળી છે. કેન્દ્રીય ઍગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં કપાસનું વાવેતર ૯.૨૫ ટકા ઘટ્યું છે. ઉપરાંત અડદનું વાવેતર ૫.૭૪ ટકા અને મઠનું વાવેતર ૨.૬૭ ટકા ઘટ્યું છે. તેલીબિયાં પાકોમાં તલનું વાવેતર ૭.૮૬ ટકા, નાઇઝરનું ૧૩.૮૯ ટકા, એરંડાનું ૩૯.૦૪ ટકા અને અન્ય નાનાં તેલીબિયાંનું વાવેતર ૨૦ ટકા ઘટ્યું છે. જોકે મગફળી, ડાંગર, તુવેર અને મગનું વાવેતર ગયા વર્ષથી વધ્યું છે; પણ કર્ણાટકમાં તુવેરના પાકને મોટું નુકસાન થયું છે, જ્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે મગ અને અડદના પાકને મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને વીસથી પચીસ ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. એરંડામાં અધિક માસમાં દુકાળ જેવી સ્થિતિ છે. દેશમાં સૌથી વધુ એરંડા ઉગાડતા ગુજરાતમાં વાવેતરમાં મોટો ઘટાડો થયા બાદ વીસથી પચીસ ટકા નુકસાન થતાં એરંડાના પાકમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે. કપાસનું વાવેતર દેશનાં તમામ રાજ્યોમાં ઘટ્યું છે અને ઉત્તર ભારતમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે કપાસના પાકની સ્થિતિ બગડતાં અત્યંત કફોડી સ્થિતિ થઈ હોવાથી ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.
વિશ્વના અનેક દેશોમાં કફોડી સ્થિતિ
પાકિસ્તાનમાં છેલ્લાં ત્રણ સપ્તાહથી અનેક વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં ઊભું થયેલું ડિપ્રેશન પાકિસ્તાન તરફ જતાં ચાલુ સપ્તાહે પાકિસ્તાનમાં ભારે વરસાદની આગાહી છે. અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સસમાં બે સપ્તાહ સાવ વરસાદ પડ્યો નહોતો ત્યાં હવે બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હોવાથી કપાસ, મગફળી વગેરે પાકોને પણ નુકસાન થયાના સમાચાર છે. સૌથી વધુ કફોડી સ્થિતિ બ્રાઝિલની છે. વિશ્વના સૌથી મોટા સોયાબીન ઉત્પાદક બ્રાઝિલમાં હાલ છેલ્લાં ૪૩ વર્ષનો સૌથી કારમો દુકાળ જોવા મળ્યો છે. બ્રાઝિલમાં આગામી બેથી ત્રણ સપ્તાહમાં સોયાબીનના નવા વાવેતરની સીઝન ચાલુ થશે ત્યારે દુકાળની અસરે સોયાબીનના વાવેતરમાં મોટો ઘટાડો થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. બ્રાઝિલના નૅચરલ ડિઝૅસ્ટર મૉનિટરિંગ સેન્ટર દ્વારા અપાયેલા તાજા રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રાઝિલમાં મેથી ઑગસ્ટ મહિના દરમ્યાન અનેક વિસ્તારોમાં ૧૯૮૧ પછીનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. બ્રાઝિલના વેધર ડિપાર્ટમેન્ટે આગામી ત્રણથી ચાર સપ્તાહ એક પણ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા નથી એવો સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે. બ્રાઝિલમાં કૉફી અને શેરડીના પાકને મોટું નુકસાન થયું છે અને બન્નેના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ લા નીનાની અસર શરૂ થાય ત્યારે ભારત, અમેરિકા, દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારે વરસાદ અને દક્ષિણ અમેરિકાના દેશોમાં દુકાળ જેવી અસર જોવા મળે છે. અગાઉ લા નીના ઇફેક્ટ વખતે પણ બ્રાઝિલ-આર્જેન્ટિનામાં દુકાળ પડ્યો હતો. વિશ્વમાં ૮૦ ટકા પામતેલ ઉત્પાદન કરતા મલેશિયા-ઇન્ડોનેશિયામાં ચાલુ સપ્તાહે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની આગાહીથી પામ ફ્રૂટનાં જંગલોને મોટું નુકસાન થવાનો ભય છે જેની સીધી અસર પામતેલના ઉત્પાદન પર પડશે.
ખાદ્ય તેલ, દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચશે
મલેશિયા-ઇન્ડોનેશિયામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી અને બ્રાઝિલમાં ૪૩ વર્ષના સૌથી કારમા દુકાળની અસરે સ્થાનિક માર્કેટમાં દરેક ખાદ્ય તેલના ભાવ છેલ્લા એક સપ્તાહમાં કિલોએ ચારથી પાંચ રૂપિયા ઊછળી ગયા છે અને હજી આગામી બેથી ત્રણ સપ્તાહમાં વધુ આઠથી ૧૦ રૂપિયા ઊછળવાની ધારણા છે. ખાદ્ય તેલોના ભાવની સાથે દાળ-કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. ચણાના ભાવ ઑલરેડી આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે. ચણા, ચણાદાળ અને બેસનના ભાવમાં કિલોએ દસથી ૧૨ રૂપિયાની તેજી ઑલરેડી થઈ ચૂકી છે. રાજસ્થાનમાં મગના પાક ધોવાઈ જતાં છેલ્લા આઠથી ૧૦ દિવસમાં મગના ભાવમાં કિલોએ સાતથી ૮ રૂપિયા વધી ગયા છે એ જ રીતે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તુવેરના પાકને નુકસાન થતાં તુવેરના ભાવમાં પણ કિલોએ ત્રણથી ૪ રૂપિયા વધી ગયા છે. અડદના ભાવ પણ વધી રહ્યા છે. હવે ગણેશચતુર્થી, નવરાત્રિ, દશેરા, દિવાળીના તહેવારોની માગ સતત વધતી જશે ત્યારે ભાવ આસમાની ઊંચાઈએ પહોંચતાં આમપ્રજાની મુશ્કેલીમાં ઑર વધારો થશે.

