Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અલ નીનોની આગાહીથી વિપરીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદથી ખેતી-જનજીવનને મોટી અસર

અલ નીનોની આગાહીથી વિપરીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદથી ખેતી-જનજીવનને મોટી અસર

Published : 24 July, 2023 02:19 PM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ગુજરાત સરકારની વરસાદના આંકડાઓ રાખતી સંસ્થાના સત્તાવાર આંકડાઓ મુજબ રાજ્યમાં ૨૧ જુલાઈની સ્થિતિએ સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદની તુલનાએ ૬૨ ટકા વરસાદ પડી ગયો છે.

અલ નીનોની આગાહીથી વિપરીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદથી ખેતી-જનજીવનને મોટી અસર

અલ નીનોની આગાહીથી વિપરીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદથી ખેતી-જનજીવનને મોટી અસર


વૈશ્વિક મોટી-મોટી વેધર એજન્સીઓ અને અનેક મોટા હવામાન આગાહીકારોએ પણ આ વર્ષે વિશ્વમાં અલ નીનોની આગાહી છેક ગયા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાથી કરતા હતા અને ભારતીય ખેડૂતો સહિત તમામને ચિંતા હતી કે અલ નીનો એટલે કે દુષ્કાળ જેવી સ્થિતિ આવશે તો મોટી તકલીફ પડશે, પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો ઊલટી સ્થિતિ છે, અલ નીનો નહીં, પણ લા નીનો જેવી સ્થિતિ પડી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે આખા ચોમાસા દરમ્યાન જેટલો વરસાદ પડે એના કરતાં પણ વધારે વરસાદ સીઝનના પહેલા દોઢ મહિનામાં જ પડી ગયો છે. આવી સ્થિતિમાં ઊભા પાકોને પણ મોટી નુકસાનીની ચિંતા હવે થવા લાગી છે.

ગુજરાત સરકારની વરસાદના આંકડાઓ રાખતી સંસ્થાના સત્તાવાર આંકડાઓ મુજબ રાજ્યમાં ૨૧ જુલાઈની સ્થિતિએ સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદની તુલનાએ ૬૨ ટકા વરસાદ પડી ગયો છે, જેમાં કચ્છમાં ૧૧૯ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૦ ટકા વરસાદ પડી ગયો છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો સીઝનનો ૪૮ ટકા જ વરસાદ પડ્યો છે. ગયા વર્ષે આ તારીખે સમગ્ર ગુજરાતમાં ૬૦ ટકા વરસાદ પડ્યો હતો, પરંતુ કચ્છમાં ૧૦૪ ટકા અને સૌરાષ્ટ્રમાં ૫૮ ટકા વરસાદ પડ્યો હતો. આમ ગયા વર્ષની તુલનાએ પણ આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં ‘બિપરજૉય’ વાવાઝોડાથી લઈને અત્યાર સુધીમાં તબક્કા વાર અનેક વિસ્તાર કે ગામ-શહેરમાં એકસાથે કે ઓછા કલાકમાં વધુ વરસાદ પડી ગયો છે, જેનું તાજું ઉદાહરણ જૂનાગઢ છે, જ્યાં શનિવારે ૧૬ ઇંચ કે એથી પણ વધુ વરસાદ પડ્યો હતો. આટલો મોટો વરસાદ જનજીવનને તો અસર કરે છે, પંરતુ ખેતીના પાકોને પણ મોટું નુકસાન પહોંચાડે છે.



ખેતીના વાવેતરમાં નુકસાન વિશે જાણકારો કહે છે કે ગીર સોમનાથ, જૂનાગઢ, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જામનગર જિલ્લાનાં અમુક ગામો, કચ્છમાં જ્યાં પણ છેલ્લા એક-દોઢ મહિનામાં વધુ વરસાદ પડ્યો અને ૪૮ કલાકમાં ખેતરમાંથી પાણી નીકળી ગયાં નથી અથવા તો તડમો નીકળ્યો નથી ત્યાં કપાસ-મગફળી સહિતનાં વાવેતર ફેલ ગયાં છે. ખેતરમાં બંધ પાણા તૂટી ગયા છે અને પાકનું ધોવાણ થઈ ગયું છે. જમીન પણ હવે પાણી ખમી શકે એવી સ્થિતિમાં નથી.
ગુજરાતમાં કુલ ૨૫૧ તાલુકા છે, જેમાં ૧૯થી ૩૯ ઇંચ વરસાદ પડ્યો હોય એવા ૭૨ તાલુકા છે, જ્યારે ૩૯ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય એવા ૨૬ તાલુકા છે. ૧૦થી ૨૦ ઇંચ વરસાદ સીઝનનો પડ્યો હોય એવા પણ ૧૨૮ તાલુકા છે. ૨૪ તાલુકા એવા છે જ્યાં પાંચથી ૧૦ ઇંચ વરસાદ પડ્યો હોય. માત્ર એક જ તાલુકો ભરૂચ જિલ્લાના આમોદમાં ૧૨૦ એમ.એમ. એટલે કે ૪.૭૨ ઇંચ વરસાદ પડ્યો છે.


મગફળી-કપાસ, તલ-કઠોળ પાકોને મોટું નુકસાન 
સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ જિલ્લા મગફળીના વાવેતરના ગઢ મનાય છે. ચાલુ વર્ષે સાઇક્લોનની અસરે વહેલો વરસાદ પડી જતાં ખેડૂતોએ જૂન મહિનામાં મગફળી, કપાસ, તલ, કઠોળ અને સોયાબીનનું વાવેતર કરી લીધું હતું. જૂનાગઢ જિલ્લામાં શનિવારે ગણતરીના કલાકોમાં ૧૬ ઇંચ વરસાદ પડી જતાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયાના ફોટો સોશ્યલ મીડિયામાં આવી રહ્યા છે. જો આગામી બે-ત્રણ દિવસમાં તડકો નહીં પડે તો ખેતરોમાં પાણી ઓસરશે નહીં અને મગફળી સહિત અનેક ખરીફ પાકો ફેલ થવાનો ખતરો ઊભો થયો છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં
તલ અને કઠોળ પાકો અડદ, મગ, ચોળી, વાલ વગેરેનો પાક હાલ એકદમ નાજુક તબક્કે હોવાથી ભારે વરસાદને કારણે ધોવાઈ જવાનો છે. જુવાર, બાજરી વગેરે પાકને પણ ભારે વરસાદથી નુકસાન થયું છે. 

ઊભો પાક ધોવાઈ જતાં ખેડૂતોને બમણો માર પડશે
ખેતરમાં પાણી ભરાઈ જતાં ઊભો પાક ધોવાઈ જતાં ખેડૂતોને બમણો માર પડવાનો છે. ખેડૂતોએ વાવેતર માટે જે ખર્ચ કર્યો હશે તે તો પાણીમાં જવાનો અને બીજા પાકના વાવેતર માટે બિયારણ સહિત ખાતરનો વધારાનો ખર્ચ કરવો પડશે. ચાલુ વર્ષે મગફળીના ઊંચા ભાવને કારણે મગફળીનું બિયારણ અત્યંત મોંઘું હતું. આથી જો મગફળીનો પાક ધોવાઈ જશે તો ખેડૂતોને મોટો ફટકો પડશે. આગતરો કપાસનું વાવેતર કરનારાઓને પહેલી વીણી માટે કપાસ તૈયાર થયો હશે તેઓને પહેલી વીણીનો કપાસ ધોવાઈ જતાં હાથમાં કંઈ નહીં આવે. ચાલુ વર્ષે ખેડૂતોને તલના ભાવ સારા મળતાં સફેદ તલનું મોટું વાવેતર થયું હતું, પણ તલ એકદમ નાજુક હોવાથી જો ખેતરમાં બેથી ત્રણ દિવસ પાણી ભરાયેલું રહેશે તો સફેદ તલના પાકમાં પણ હાથમાં કંઈ નહીં આવે. 


અલ નીનોની આગાહી ખોટીપડી રહી છે કે શું?
માત્ર ભારત જ નહીં, પણ વિશ્વની અનેક નામી એજન્સીઓએ ગયા એપ્રિલ મહિનાથી અલ નીનોની અસરે એશિયન દેશોમાં દુષ્કાળ જેવી અસર થશે એવી આગાહી કરી હતી, પણ ભારતીય હવામાન ખાતાએ ભારતમાં અલ નીનોની અસર નહીં થાય એવી આગાહી કરી હતી. હવામાન ખાતાની આગાહી સામાન્ય રીતે દર વખતે ખોટી પડે છે, પણ ચાલુ વર્ષે હવામાન ખાતાની આગાહી અત્યાર સુધી સાચી પડી રહી છે. કેટલીક હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે અલ નીનોની અસર ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં જોવા મળશે. ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં જો અલ નીનોની અસર જોવા મળે અને વરસાદ ન પડે તો હાલ ભારે વરસાદથી જે પાકને નુકસાન થયું એટલે કે પાક સાવ નિષ્ફળ જતાં ખેડૂતોએ જમીનમાંથી પાક કાઢી નાખ્યો હોવાથી અને એની જગ્યાએ બીજો પાક ઉગાડ્યો હોય અને એની પર અલ નીનોની અસરથી વરસાદ ન પડે તો ખેડૂતોને બે પાકનું નુકસાન પહોંચી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2023 02:19 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK