Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં સુધારાની હૅટ-ટ્રિક, માર્કેટ બ્રેડ્થ નબળી, આઇટી અને બૅન્કિંગમાં ઝમક

બજારમાં સુધારાની હૅટ-ટ્રિક, માર્કેટ બ્રેડ્થ નબળી, આઇટી અને બૅન્કિંગમાં ઝમક

Published : 07 October, 2025 08:29 AM | IST | Mumbai
Anil Patel

જપાનમાં પ્રથમ વાર મહિલા વડાં પ્રધાન, શૅરબજાર ૨૨૩૫ પૉઇન્ટના ઉછાળે ૪૮,૦૦૦ની નવી ટોચે : પ્રાઇવેટ બૅન્કોની આગેવાનીમાં બૅન્ક નિફ્ટી સતત પાંચમા દિવસે આગળ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


માથે પરિણામ વચ્ચે TCSમાં ઝમક, AIની થીમમાં ઓરિયેન્ટ ટેક્નો, ટ્રિપલ-A ટેક્નો, બ્લૅક બૉક્સ, E2E નેટવર્ક્સમાં બૅક-ટુ-બૅક તેજીની સર્કિટ લાગી : ઍટલાન્ટા લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં નવા શિખરે : KIOCL સતત બીજા દિવસે ૨૦ ટકા ઊછળી નવા બેસ્ટ લેવલે : ભરૂચની શ્લોકા ડાઇઝનો SME ઇશ્યુ ફ્લૉપ ગયો, ભોપાલની NSB BPOનો ઇશ્યુ પણ બ્લાસ્ટ થવાના માર્કે : વીવર્કના ઇશ્યુને નબળો પ્રતિસાદ, પ્રીમિયમ ઝીરો થઈ ગયું

જપાનમાં નવો ઇતિહાસ સર્જાયો છે. દેશના વડા પ્રધાન તરીકે પ્રથમ વાર મહિલાની વરણી ત્યાં થઈ છે. નામ છે સનાઇ ટકાઇચી. ૬૪ વર્ષનાં આ મહિલાને દેશનાં પ્રથમ વડાં પ્રધાન બનતાં વધામણાં આપતાં ટોક્યો શૅરબજારનો નિક્કી ઇન્ડેક્સ ૪૮૧૬૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૪.૯ ટકા કે ૨૨૩૫ પૉઇન્ટની છલાંગ લગાવી ૪૮૦૦૫ બંધ થયો છે. સનાઇ ટકાઇચીનો આદર્શ ગ્રેટ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર માર્ગારેટ થેચર છે. આ રેડિકલ રાઇટ વિન્ગ લીડર એક સ્ટ્રૉન્ગ ઍડ્મિનિસ્ટ્રેટર તરીકેની છાપ ધરાવે છે. વિદેશીઓ કે ફૉરેનર્સ અને માઇગ્રન્ટ્સ માટે તેમને ભારે અણગમો છે. કેટલાકે તેમને દાઢમાં તાલિબાન તરીકેનું ઉપનામ આપ્યું છે. ટકાઇચી વ્યાજદર ઘટાડવાની તથા ખર્ચ વધારવાની તરફેણમાં છે. જપાન ઇઝ બૅક તેમનું માનીતું સ્લોગન છે. ટકાઇચીના આગમન સાથે જ બૉન્ડના ભાવ ગગડ્યા છે, યેન ઘટવા માંડ્યો છે. એશિયા ખાતે ચાઇના, સાઉથ કોરિયા, તાઇવાન રજામાં હતાં. સિંગાપોર તથા ઇન્ડોનેશિયા નહીંવત્ પ્લસ તો હૉન્ગકૉન્ગ અડધા ટકાથી વધુ નરમ હતું.



યુરોપની વાત કરીએ તો ફ્રાન્સના વડા પ્રધાને રાજીનામું આપી દેતાં ત્યાંનું શૅરબજાર રનિંગમાં બે ટકાથી વધુ ડૂલ થયું હતું. અન્ય યુરોપિયન માર્કેટ નેગેટિવ બાયસમાં ફ્લૅટ દેખાતી હતી. બિટકૉઇન નવી ટૉપની તૈયારી કરતો હોય એમ રનિંગમાં ૧,૨૩,૬૫૬ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ નીચલા મથાળે ગયા બાદ સવા ટકાના સુધારે સવાપાંસઠ ડૉલર જોવા મળ્યું છે. સોનું નવા વિક્રમ સાથે ૪૦૦૦ ડૉલર ભણી ગતિમાન છે. અત્યારે વિશ્વબજારમાં હાજર સોનું ટ્રોચ ઔંસદીઠ (૩૧.૧૦ ગ્રામ) ૩૯૫૦ ડૉલરની ગલોલગ તો કકૉમેકસ ગોલ્ડ ૩૯૮૬ ડૉલર વટાવી ગયું છે. ચાંદી ૪૮.૭૫ ડૉલરે પહોંચી ગઈ છે. ઘરઆંગણે વિવિધ સેન્ટર્સમાં સોનું ૧૦ ગ્રામદીઠ ૧.૨૨ લાખથી ૧.૨૯ લાખ ક્વોટ થયું છે. બાય ધ વે, પાકિસ્તાન ખાતે સોનાનો ભાવ ૧૦ ગ્રામદીઠ સાડાત્રણ લાખ પાકિસ્તાની રૂપીને વટાવીને ૩.૫૧ લાખ બોલાયો છે. હાલમાં આપણા એક રૂપિયાદીઠ ૩.૨૦ પાકિસ્તાની રૂપીનો વિનિમય દર છે. આ ધોરણે આપણી કરન્સી પ્રમાણે ત્યાંનો ભાવ ૧.૦૯ લાખ રૂપિયા જેવો બેસે છે. ત્યાંનું શૅરબજાર ગઈ કાલે રનિંગમાં ૨૧૫૫ પૉઇન્ટની ખરાબીમાં ૧૬૬૮૩૪ દેખાતું હતું.


શૅરબજારમાં નવા સપ્તાહની શરૂઆત સુધારાની આગેકૂચ સાથે થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૮ પૉઇન્ટ જેવો મામૂલી વધીને ૮૧૨૭૫ નજીક ખૂલી છેવટે ૫૮૩ પૉઇન્ટની મજબૂતીમાં ૮૧૭૯૦ અને નિફ્ટી ૧૮૩ પૉઇન્ટ વધીને ૨૫૦૭૮ સોમવારે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૧૫૫૬ થઈ ક્રમશઃ સતત વધતો રહી ઉપરમાં ૮૧૮૪૬ દેખાયો હતો. સતત ત્રીજા દિવસના સુધારાની આગેવાની આઇટી અને બૅન્કિંગ સેક્ટરે લીધી હતી. મેટલ બેન્ચમાર્ક પ્રૉફિટ બુકિંગમાં એકાદ ટકો ડાઉન હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકો, ફાઇનૅન્સ ૦.૯ ટકા, અપ હતો. બૅન્ક નિફ્ટી સતત પાંચમા દિવસના સુધારામાં એકાદ ટકો કે ૫૧૫ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા સુધર્યો હતો. આઇટી બેન્ચમાર્ક ઉપરમાં ૩૪૨૩૯ બતાવી બે ટકા કે ૬૫૯ પૉઇન્ટની મજબૂતીમાં ૩૪૨૦૭ થયો છે. એના ૭૭માંથી ૩૬ શૅર નરમ હતા, પરંતુ TCS, ઇન્ફોસિસ, HCL ટેક્નૉલૉજીઝ, ટેક મહિન્દ્ર, લાટિમ જેવી ફ્રન્ટલાઇન જાતો નોંધપાત્ર સુધરી હતી. વિપ્રો સાધારણ પ્લસમાં હતો.  ઠઇ હેવીવેઇટ્સ સાથે ભારતી હેક્સાકૉમ, તેજસ નેટ, તાતા કમ્યુનિકેશન્સ, તાતા ટેલિ જેવી જાતોનો સથવારો મળી જતાં ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ પણ દોઢ ટકા વધ્યો છે. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૮૬ શૅર સામે ૧૭૩૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૦૨ લાખ કરોડ વધીને ૪૫૯.૮૪ લાખ કરોડને વટાવી ગયું છે. 

LG ઇલેક્ટ્રૉનિક્સનો મેગા OFS IPO આજે, પ્રીમિયમ ઊછળીને ૨૭૮ રૂપિયે


આજે મંગળવારે અગ્રણી હોમ અપ્લાયન્સિસ કંપની LG ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૧૪૦ની અપરબૅન્ડમાં ૧૧૬૦૭ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ખૂલવાનો છે. ૧૯૯૭માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૪ ટકા વધારામાં ૨૪૬૩૧ કરોડ આવક પર ૪૬ ટકા વૃદ્ધિદરથી ૨૨૦૩ કરોડ પ્લસ નફો કર્યો છે. કંપની ડેટ-ફ્રી છે. આશરે ૬૭૯ કરોડની ઇક્વિટી સામે રિઝર્વ ૫૮૦૫ કરોડની છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં કંપનીએ ૬૩૩૭ કરોડની આવક પર ૫૧૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. એને એન્યુલાઇઝડ કરીએ તો ઇશ્યુ પ્રાઇસ ૩૭.૭નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૪૫થી શરૂ થયું હતું. હાલમાં રેટ ૨૭૮ બોલાય છે. SME સેગમેન્ટમાં અમદાવાદી મિત્તલ સેક્શન્સ ૧૦ના શૅરદીઠ ૧૪૩ની અપરબૅન્ડમાં ૫૨૯૧ લાખ રૂપિયાનો BSE SME IPO આજે કરવાની છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની બેઝિક આયર્ન તેમ જ સ્ટીલ પ્રોડક્ટ બનાવે છે. એણે ગયા વર્ષે સાડાત્રણ ટકાના ઘટાડામાં ૧૬૨ કરોડ નજીકની આવક પર ૨૩૭ ટકાના વધારામાં ૧૮૯ લાખ નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૬૯ કરોડની આવક પર સીધો ૨૪૧ લાખ નેટ પ્રૉફિટ દેખાડી દીધો છે. દેવું હાલમાં ૧૩ કરોડ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી.

દરમ્યાન તાતા કૅપિટલનો ૧૦ના શૅરદીઠ ૩૨૬ની અપરબૅન્ડ સાથે ૮૬૬૬ કરોડની OFS સહિત કુલ ૧૫૫૧૨ કરોડનો મેગા ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ ૪૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઘસાતું રહીને નીચામાં ૭.૫ થયા બાદ હાલ સાડાબાર ચાલે છે. વીવર્ક ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૬૪૮ની અપરબૅન્ડ સાથે ૩૦૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ મંગળવારે બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૧૦ ટકા ભરાયું છે. પ્રીમિયમ અત્યારે ઝીરો થયું છે. ગઈ કાલે SME કંપની શ્લોકા ડાઇઝનો ૧૦૦ના ભાવનો ૬૩૫૦ લાખનો BSE SME IPO એના છેલ્લા દિવસે ૧૮ ટકા ભરાયો છે. હવે તારીખ લંબાવાશે અગર ઇશ્યુ રદ થશે. જ્યારે ગ્રીનલીફ એન્વિરો ટેક્નો ૧૩૬ના ભાવનો ૨૧૯૦ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૩.૯ ગણો પ્રતિસાદમાં પુરો થયો છે. DSM ફ્રેશ ફૂડ્સનો ૧૦૦ના ભાવનો ૫૯૦૬ લાખનો BSE SME IPO એની વધારેલી મુદત પ્રમાણે ગઈ કાલે કુલ ૧.૪ ગણો રિસ્પૉન્સ મેળવીને પાર પડી ગયો છે. જ્યારે ભોપાલની NSB  BPOનો ઘટાડેલી ૧૪૦ની અપરબૅન્ડ સાથે ૭૪૨૦ લાખનો BSE SME ઇશ્યુ ૨૩ સપ્ટેમ્બરે ખૂલ્યા પછી કુલ માત્ર ચાર ટકા પ્રતિસાદ મળતાં વધારેલી મુદતમાં ગઈ કાલના અંત સુધીમાં પણ ફક્ત ૧૫ ટકા જ ભરાયો છે. મંગળવારે એનો છેલ્લો દિવસ છે.

રુક્મણી દેવી ગર્ગમાં બાવીસ ટકા લિસ્ટિંગ લૉસ, માનસ પૉલિમર્સનું તગડું લિસ્ટિંગ

ગઈ કાલે મેઇન બોર્ડમાં બેના શૅરદીઠ ૨૧૯ની ઇશ્યુ પ્રાઇસવાળી બૅન્ગલોરની પેસ ડિજિટેક ૨૨૭ ખૂલી ૨૧૭ બંધ થતાં પોણો ટકો લિસ્ટિંગ લૉસ ગઈ છે. અહીં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૬થી શરૂ થયા બાદ ઉપરમાં ૩૫ બતાવ્યા પછી ઝીરો થઈ ગયા બાદ છેલ્લે ૧૭ રૂપિયા બોલાતું હતું. SME સેગમેન્ટમાં ૬ ભરણાં લિસ્ટેડ થયાં છે. ભાવિક એન્ટરપ્રાઇઝિસ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૪૩ ખૂલી ૧૪૪ બંધ થતાં ૩.૨ ટકા લિસ્ટિંગ ગેઇન, માનસ પૉલિમર્સનો શૅરદીઠ ૮૧ના ભાવનો ઇશ્યુ ૧૫૪ ખૂલી ૧૪૬ બંધ થતાં ૮૦ ટકા લિસ્ટિંગ ગેઇન, અમીનજી રબરનો શૅરદીઠ ૧૦૦ના ભાવનો ઇશ્યુ ૧૦૧ ખૂલી ૧૦૬ બંધ થતાં ૬ ટકા લિસ્ટિંગ ગેઇન, MPK સ્ટીલ્સનો ૭૯ના ભાવનો ઇશ્યુ ૮૦ ખૂલી ૮૩ બંધ થતાં પોણાછ ટકા લિસ્ટિંગ ગેઇન તથા KVS કાસ્ટિંગ્સનો ૫૬ના ભાવનો ઇશ્યુ ૬૬ ખૂલી ૬૯ બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે રુક્મણી દેવી ગર્ગ ઍગ્રો ઇમ્પેક્સનો ૯૯ના ભાવનો તેમ જ ગ્રેમાર્કેટમાં ૨૧ના પ્રીમિયમવાળો IPO ૭૯ ખૂલી ૭૭ બંધ થતાં એમાં ૨૨ ટકા કે શૅરદીઠ ૨૨ રૂપિયા લિસ્ટિંગ લૉસ મળી છે.

આજે મંગળવારે મેઇન બોર્ડમાં બેના શૅરદીઠ ૧૨૯ની ઇશ્યુ પ્રાઇસવાળી ગ્લોટિસ લિમિટેડ તથા ૧૦ના શૅરદીઠ ૧૯૧ની ઇશ્યુ પ્રાઇસવાળી ફેબટેક ટેક્નૉલૉજીઝનું લિસ્ટિંગ થવાનું છે. હાલ ગ્લોટિસમાં ઝીરો અને ફેબટેકમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટની પાંચ કંપનીનું મંગળવારે લિસ્ટિંગ છે. એમાં સોંઢાણી કૅપિટલ, વિજયપીડી ક્યુટિકલ, ઓમ મેટલૉજિક, સૂબા હોટેલ્સ તેમ જ ઢિલ્લન ક્રેઇટ કૅરિયરનો સમાવેશ છે. એમાંથી ગ્રેમાર્કેટ ખાતે અત્યારે સૂબા હોટેલ્સમાં ૧૦ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

હેલ્થ સર્વિસિસ રેટમાં વધારા પાછળ હૉસ્પિટલ શૅરમાં લાલી આવી

HDFC બૅન્કનાં પરિણામ ૧૮મીએ છે. પરિણામ સારાં રહેવાની અપેક્ષા રખાય છે. શૅર એકાદ ટકો વધીને ૯૭૪ બંધમાં બજારને ૧૧૫ પૉઇન્ટ ફળ્યો છે. ઍક્સિસ બૅન્ક અઢી ટકા ઊંચકાઈ ૧૨૧૨ હતી. એનાં રિઝલ્ટ ૧૫મીએ છે. કોટક બૅન્ક ૧.૯ ટકાની આગેકૂચમાં ૨૧૪૧ થઈ છે. ICICI બૅન્ક ૧૮મીએ પરિણામ આપવાની છે, શૅર ૧૩૬૪ ઉપર ફ્લૅટ હતો. TCS ઉપરમાં ૨૯૯૨ બતાવી ૩ ટકા વધી ૨૯૮૮ બંધમાં સેન્સેક્સમાં ઝળકી હતી. એનાં પરિણામ ગુરુવારે આવવાનાં છે. ટેક મહિન્દ્ર ૨.૬ ટકા મજબૂત બની ૧૪૩૭ રહી છે. ઇન્ફોસિસ સરેરાશ કરતાં ૧૫ ટકા વૉલ્યુમે બે ટકા વધી ૧૪૭૫ બંધ આવી છે. પરિણામ ૧૬મીએ છે. HCL ટેક્નૉલૉજીઝનાં ‌રિઝલ્ટ ૧૩મીએ આવશે. શૅર દોઢ ટકો વધી ૧૪૧૪ હતો. લાટિમ કે લાર્સન માઇન્ડ ટ્રી ત્રણ ટકા કે ૧૫૮ રૂપિયા ઊંચકાઈ ૫૨૭૬ થયો છે. એનાં પરિણામ ૧૬મીએ છે. વિપ્રો સાધારણ વધી ૨૪૨ હતી. સરકારની સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સર્વિસ‌િસ તરફથી આશરે ૨૦૦૦ જેટલી મેડિકલ પ્રોસીજર્સના રેટમાં પાંચથી ૩૦ ટકા સુધીનો વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ૧૩મીથી અમલી બનશે. આની અસરમાં હૉસ્પિટલ્સ શૅર ઝળક્યા છે. મૅક્સ હેલ્થકૅર સાડાછ ટકા ઊછળી ૧૧૪૦ બંધ સાથે નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની છે. અપોલો હૉસ્પિટલ્સ શૅરમાં KMC સ્પેશ્યલિટી હૉસ્પિટલ્સ ૯.૭ ટકા, ફોર્ટિસ હેલ્થકૅર ૭.૫ ટકા, યથાર્થ હૉસ્પિટલ પાંચ ટકા, કીમ્સ કે ક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ ઑફ મેડિકલ રિસર્ચ ૪.૬ ટકા, વેદાન્તા ૨.૯ ટકા, નારાયણ હૃદયાલય બે ટકા, HCG બે ટકા જેવી, GPT હેલ્થકૅર ૨.૮ ટકા પ્લસ હતી.

મેઇન બોર્ડ ખાતે વધેલા અન્ય મહત્ત્વના શૅરમાં શ્રીરામ ફાઇનૅન્સ ચાર ટકા, ઍટર્નલ બે ટકા, બજાજ ફાઇનૅન્સ બે ટકા, બજાજ ફિનસર્વ ૧.૮ ટકા, બજાજ ઑટો એક ટકો, સનફાર્મા બે ટકા, મારુતિ સવા ટકો, જિયો ફાઇનૅન્સ દોઢ ટકો મોખરે હતા. રિલાયન્સ ૦.૯ ટકા સુધરી ૧૩૭૫ હતો. સામે તાતા સ્ટીલ ૧.૯ ટકા, અદાણી પોર્ટ્સ સવા ટકો, પાવરગ્ર‌િડ એક ટકો, NTPC ૦.૯ ટકા, SBI લાઇફ પોણો ટકો, ITC ૦.૯ ટકા, ટાઇટન એક ટકો નરમ હતો. 

ઊજળા બિઝનેસ આઉટલૂકમાં નાયકા સવાત્રણ વર્ષની નવી ટોચે

આર્ટિફિશ્યલ ઇન્ટેલ‌િજન્સ (AI) તથા ડેટા સેન્ટર્સની ગ્રોથમનો કરન્ટ આગળ વધારતાં ઓરિઅન્ટ ટેક્નૉલૉજીઝ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૫૧૦ નજીક જઈ ૫૦૩ બંધ થઈ છે. બ્લૅક બૉક્સ તેમ જ e2e નેટવર્ક્સમાં પણ પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ વધી છે. નેટવેબ ટેક્નો ૪૪૨૭ના નવા શિખરે જઈ પ્રૉફિટ બુકિંગમાં બે ટકા ઘટી ૪૨૧૧ રહી છે. સાઇબર ટેક સિસ્ટમ્સ પણ તાજેતરની રૅલી બાદ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૨૨૭ નીચે સરકી છે. જ્યારે AAA (ટ્રિપલ A) ટેક્નૉલૉજીઝ બીજી ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૬ ઉપર જઈ ત્યાં જ બંધ હતી. તાતા કૅપિટલનો IPO ખૂલી ચૂક્યો છે ત્યારે તાતા ઇન્વેસ્ટમેન્ટ ૦.૭ ટકા ઘટી ૯૯૪૮ રહી છે. એમાં શૅર-વિભાજનની રેકૉર્ડ ડેટ ૧૪ ઑક્ટોબર છે. રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ સાથે કેટલાક દિવસથી ઘટાડાતરફી ચાલમાં રહેલી BSE લિમિટેડ ગઈ કાલે ૫.૯ ટકા કે ૧૨૩ રૂપિયાની મજબૂતીમાં ૨૨૧૬ દેખાઈ છે.

આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલમાં ફ્લિપકાર્ટ તરફથી સમગ્ર ૬ ટકા હોલ્ડિંગ બ્લૉક ડીલ મારફત ૧૩૦ની ફ્લોર પ્રાઇસથી વેચી ૯૫૦ કરોડ રોકડા કરવામાં આવતાં શૅર ઉપરમાં ૧૫૧ નજીક જઈ સાડાસાત ટકા વધી ૧૪૬ ઉપર બંધ થયો છે. સતત ખોટ કરતી સરકારની ૯૯ ટકા માલિકીની KOICL બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૩૪ના નવા શિખરે જઈ ૧૮.૨ ટકા વધી એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. નાયકા બિઝનેસ આઉટલૂક સારો આવતાં ૧૯ ગણા કામકાજે પોણાસાત ટકા ઊછળી ૨૫૬ની ટોચે બંધ આવી છે. એજીસ લૉજિસ્ટિક્સ ૬ ટકા, મૅક્સ એસ્ટેટ્સ સવાચાર ટકા, વોડાફોન ૪.૨ ટકા, ગ્રીવ્સ કૉટન પોણાચાર ટકા ખરડાઈ એ-ગ્રુપમાં મોખરે હતા. જોન કોકરીલ ઇન્ડિયા ૬૬૬૦ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૬૪૩ રૂપિયા તૂટી ૫૭૮૪ બંધ થઈ છે. ઍટલાન્ટા લિમિટેડ ૨૦ ટકાની ત્રીજી ઉપલી સર્કિટે ૬૭ વટાવી નવી ઊંચી સપાટીએ બંધ હતી. ઇન્ડબૅન્ક મર્ચન્ટ બૅન્કિંગ સર્વિસિસ ૧૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીમાં ૩૯.૫૦ રહી છે. ગઈ કાલે બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, ઇન્ડિયન બૅન્કમાં નવાં શિખર બન્યાં હતાં. પૂનાવાલા ફિનકૉર્પ ૫૭૦ના બેસ્ટ લેવલે જઈ દોઢ ટકો સુધરી ૫૩૨ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2025 08:29 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK