GSTના સુધારા સતત ચર્ચામાં આવતા જાય છે જે ઓવરઑલ અર્થતંત્ર પર અસર કરવાના છે. આ અસરો વ્યાપક હોવાથી હાલ એ અભ્યાસ માગી લે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
GSTના સુધારા સતત ચર્ચામાં આવતા જાય છે જે ઓવરઑલ અર્થતંત્ર પર અસર કરવાના છે. આ અસરો વ્યાપક હોવાથી હાલ એ અભ્યાસ માગી લે છે. આ માટે સમયની રાહ જોવી જરૂરી છે. રોકાણકારો વર્તમાન અનિશ્ચિંત માહોલમાં ખરીદવાની કે વેચવાની ઉતાવળ કર્યા વિના સ્ટૉક્સ પર ધ્યાન આપે એમાં શાણપણ રહેશે
શૅરબજારમાંથી હાલ અમેરિકન ટ્રેડ ટૅરિફની ચોક્કસ અનિશ્ચિંતતા વચ્ચે GSTનું પરિબળ પ્રવેશી ગયું છે. GSTના સુધારાની અસર ઓવરઑલ અર્થતંત્ર, કંપનીઓ, નાના-મધ્યમ એકમો અને વપરાશકારો પર કેવી થશે એ હવે ચર્ચા અને અભ્યાસનો વિષય બન્યો છે. GSTના સુધારા અને તહેવારોની મોસમ હાલ ગ્રાહકો માટે ખરીદીની મોસમ છે. જોકે શૅરબજારમાં હજી ખરીદીનો માહોલ જામ્યો નથી, કેમ કે ટૅરિફની અનિશ્ચિતતાની ઉપેક્ષા થઈ શકે એમ નથી. પરિણામે શૅરબજાર કોઈ નિશ્ચિંત ચાલ દર્શાવી શકતું નથી.
ADVERTISEMENT
વીતેલા સપ્તાહમાં બજાર એકંદરે પૉઝિટિવ ટોન સાથે આગળ વધતું રહ્યું હતું. અમેરિકન માર્કેટ સહિત ગ્લોબલ માર્કેટ પણ સુધારાતરફી જોવા મળ્યાં હતાં. ટ્રમ્પનું ફૅક્ટર ધીમે-ધીમે ડિસ્કાઉન્ટ થતું જાય છે. ભારતીય માર્કેટ મજબૂત બનતું જવાના સંકેત વધી રહ્યા છે અને લાંબા ગાળાના રોકાણકારો માટે જબ્બર તકો હોવાનું કહી રહ્યા છે. આ સમયમાં જેઓ પણ હજી કન્ફ્યુઝ અથવા ભયમાં હોય તો તેમણે મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વળી જવામાં શાણપણ છે. બાકી જોખમ લેવાની ક્ષમતા ધરાવતા લોકો શૅરબજારમાં પ્રવેશે તો સિલેક્ટિવ પ્રવેશ કરે એ જરૂરી છે. અહીં એક વાત નોંધવી મહત્ત્વની છે કે છેલ્લા અમુક મહિનાઓથી FII સતત નેટ વેચવાલ રહેવા સામે DII સતત નેટ બાયર્સ રહ્યા છે, જેની ચર્ચા સતત થયા કરે છે, પરંતુ FIIના વેચાણનાં કારણો જુદાં છે. તેઓ ગ્લોબલ માર્કેટ પ્લેયર્સ હોવાથી ભારતીય માર્કેટને તેમની દૃષ્ટિએ જુએ છે, જયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઇકૉનૉમીના વિકાસ અને સંભાવનાને જોઈ રોકાણ કરી રહ્યા છે.
કરેક્શનને ખરીદીની તક બનાવી શકાય
ભારતના લૉન્ગ ટર્મ ફન્ડામેન્ટલ્સ મજબૂત રહેવાની શક્યતા ઊંચી છે, વિવિધ પડકારો વચ્ચે પણ ભારતીય ઇકૉનૉમી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ રહી છે, રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારા પણ આમાં પૉઝિટિવ પરિબળ રહ્યાં છે. તાજેતરમાં એસ ઍન્ડ પી રેટિંગ એજન્સીએ ૧૮ વર્ષના સમય ગાળા બાદ ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું છે એમ જણાવતાં આદિત્ય બિરલા ગ્રુપની ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર (ઇક્ટિવી) મહેશ પાટીલે કહ્યું હતું કે હાલ ભલે ગ્લોબલ સંજોગોમાં અનિશ્ચિંતતા છે, પરંતુ ભારત ગ્રોથ પર ફોકસ સાથે આગળ વધવા સક્ષમ બનતું જાય છે. એણે મેક્રો સ્ટૅબિલિટીની વધુ ચિંતા કરવાની જરૂરિયાત ઘટી છે. આપણે ટૅરિફના ખરાબમાં ખરાબ સમાચાર જોઈ લીધા છે જે હજી પણ અધ્ધર છે, એમ છતાં માર્કેટ જો આ મામલે કરેક્શનમાં જતું હોય તો એને ખરીદીની તક માનવી જોઈએ. અલબત્ત, મહેશ પાટીલ આ માટે નાના રોકાણકારોને સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો માર્ગ અપનાવવાની વધુ સલાહ આપે છે. મહેશ પાટીલના મતે હાલમાં લાર્જકૅપ અને ફલેક્સી કૅપ ફન્ડ્સ પર પાંચ વર્ષ માટે ધ્યાન આપવાની જરૂર છે.
મહેશ પાટીલે કહ્યું હતું કે ‘ટૅરિફના આક્રમણની પહેલી અસર રૂપિયા પર પડી અને ડૉલર સામે રૂપિયો ડાઉન ગયો. એટલું જ નહીં, અન્ય કરન્સી સામે પણ ડાઉન થયો, જોકે કરન્સી સેટલ થવા પર નબળો રૂપિયો ભારતીય કંપનીઓની કમાણી વધારવામાં નિમિત્ત બનશે જે લાંબા ગાળા માટે ઇક્વિટીઝ માટે સારી બાબત કહેવાય. દરમ્યાન ભારતમાં ચોમાસું એકંદરે સારું-અનુકૂળ રહ્યું છે જે કૃષિ ક્ષેત્ર માટે સારી બાબત છે.’
ન બહુ વધે, ન બહુ ઘટે
ગયા શુક્રવારના ટ્રેન્ડે જે વૉલેટિલિટી બતાવી હતી એ આગામી દિવસો માટે પણ આવા જ સંકેત આપે છે. સેન્સેક્સ અને નિફ્ટી રેન્જ જોતાં એ અંદાજ બાંધી શકાય કે બજાર હાલ બહુ વધી શકે એમ નથી અને બહુ ઘટી શકે એમ પણ નથી. આ વાત પર નવાઈ લાગી શકે, પરંતુ હકીકત એ છે કે સ્થાનિક પરિબળો બજારને ઘટવા દેશે નહીં અને ગ્લોબલ પરિબળો એને બહુ વધવા દેશે નહીં. શુક્રવારે પ્લસ-માઇનસ થઈને બજાર એકંદરે સ્થિર રહ્યું હતું. ગ્લોબલ સંકેતોના સપોર્ટ સાથે કરેક્શન રિકવરીમાં ફેરવાયું હતું. ક્રૂડના ઘટાડાની થોડી પૉઝિટિવ અસર પણ હતી. GST ઘટાડાને પરિણામે ઑટો સ્ટૉક્સમાં જોશ આવ્યો હતો.
નાણાપ્રધાનનાં નિવેદનો સમજવા જેવાં
આ બધા વચ્ચે નાણાપ્રધાનનાં નિવેદનો ધ્યાન ખેચે એવાં છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર અમેરિકાના ટૅરિફ-આક્રમણ સામે નિકાસકારોની રક્ષા કરવા તમામ પ્રયાસ કરી રહ્યું છે. GST રીફૉર્મ્સ આ દિશામાં એક મહત્ત્વનું પગલું છે, જેના સુધારા મધ્યમ વર્ગને પણ લાંબા ગાળાની રાહત આપશે. બાય ધ વે, સરકાર અમેરિકા સાથે પણ સતત વાટાઘાટના દોરમાં છે. બીજી બાજુ સરકાર ભારતના ખેડૂતો સહિત ગ્રાહકોનાં હિતોને પણ સાચવવાનું લક્ષ્ય ધરાવતી હોવાથી એ દિશામાં પણ પ્રયાસ ચાલુ રહ્યા છે. ભારત રશિયા પાસેથી ઑઇલની ખરીદી ચાલુ રાખવાનો અભિગમ ધરાવે છે. GSTના સુધારા બિઝનેસ કરવાનું સરળ બનાવવામાં સતત સહભાગી થશે એમ જણાવતાં તેમણે કહ્યું કે ‘સરકાર સામે પડકારો છે, જેના ઉપાય માટે સરકાર સતત જાગ્રત અને ઍક્ટિવ છે. આ સમયમાં સરકાર ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) અને ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટેમન્ટ (FPI)ના નિયમોમાં પણ સુધારા લાવી રહી છે જે વિદેશી રોકાણના પ્રવાહને વધારશે એવી આશા છે. ગ્લોબલ સંજોગોના પડકાર છતાં ભારત એની વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે અને આ વિકાસમાં ભારતીય તેમ જ વિશ્વનો વિશ્વાસ છે.
SEBIની નજર HFT પર
દરમ્યાન માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃત્તિ માટે જાણીતા હાઈ ફ્રિક્વન્સી ટ્રેડર્સ (HFT) પર SEBIની નજર છે. ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં તાજેતરમાં જ જેના પર ગરબડ કરવાનો આક્ષેપ થયો અને તપાસ પણ થઈ એ અમેરિકન ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ સહિતના દસ એવા ટ્રેડર્સ હાલ SEBIના રડાર પર છે, જેમની સામે મૅનિપ્યુલેશનની શંકા છે. આ વર્ગ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ગરબડ કરતા રહી ભાવોને રમાડતા હોવાનું કહેવાય છે


