અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ ગુરુવારે યોજાતી હોવાથી એની અસરે સોનું વધ-ઘટ બાદ રેન્જ બાઉન્ડ રહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ ગુરુવારે યોજાતી હોવાથી એની અસરે સોનું વધ-ઘટ બાદ રેન્જ બાઉન્ડ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૨૬ રૂપિયા વધ્યાં હતાં. ગયા સપ્તાહે પાંચેય દિવસ સોનું-ચાંદી ઘટ્યા બાદ સપ્તાહના પ્રારંભે બન્નેના ભાવ પ્રત્યાઘાતી સુધર્યા હતા.
વિદેશી પ્રવાહ
અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા બુધવારે અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની ગુરુવારે યોજાનારી મીટિંગને કારણે સોનું સોમવારે રેન્જ બાઉન્ડ રહ્યું હતું. જપાનની સેન્ટ્રલ બૅન્કના ગવર્નર કાજુઓ ઉડાએ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત લાવવાનો સંકેત આપતાં ડૉલર ઘટતાં સોનું સોમવારે સવારે વધીને એક તબક્કે ૧૯૩૩.૩૦ ડૉલર થયું હતું, પણ અમેરિકન ઇન્ફ્લેશનના ઑગસ્ટ મહિનાના બુધવારે જાહેર થનારા ડેટા વધીને આવવાની ધારણાથી ફેડ નવેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતાએ ડૉલરમાં ઘટાડો અટકતાં સોનું ઘટ્યું હતું. સોનું ઘટીને ૧૯૧૬.૯૦ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૧૯૧૯થી ૧૯૨૦ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનું ઇન્ફ્લેશન ઑગસ્ટ મહિનામાં ૦.૧ ટકા વધ્યું હતું જે માર્કેટની ૦.૨ ટકા વધારાની ધારણાથી ઓછું રહ્યું હતું, પણ જુલાઈમાં ઇન્ફ્લેશન બે વર્ષ પછી પ્રથમ વખત ૦.૩ ટકા ઘટ્યું હતું. ચીનમાં ઑગસ્ટમાં નૉન ફૂડ પ્રાઇસ ૦.૫ ટકા વધ્યા હતા. જોકે ફૂડ પ્રાઇસ સતત બીજે મહિને ૧.૭ ટકા ઘટ્યા હતા. નૉન ફૂડ પ્રાઇસમાં ક્લોથિંગ, હાઉસિંગ, હેલ્થ અને એજ્યુકેશન મોંઘાં બન્યાં હતાં. જોકે ટ્રાન્સપોર્ટેશન પ્રાઇસ ઑગસ્ટમાં ૨.૧ ટકા ઘટી હતી જે જુલાઈમાં ૪.૭ ટકા ઘટી હતી. કોર ઇન્ફ્લેશન ૦.૮ ટકા વધ્યું હતું. ચાઇનીઝ સ્ટૅટિસ્ટિક એજન્સીની ધારણા પ્રમાણે ઇન્ફ્લેશન ગ્રૅજ્યુઅલી વધતું જશે. મન્થ્લી બેઇઝ પર ઑગસ્ટમાં કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ૦.૩ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૦.૨ ટકા વધ્યું હતું. ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ૦.૩ ટકા ઘટ્યું હતું જે જુલાઈમાં ૪.૪ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા પ્રમાણે જ ઘટ્યું હતું. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનમાં સતત અગિયારમાં મહિને ઘટાડો જોવા મળ્યો હતો. ઑગસ્ટમાં પ્રોસેસિંગ પ્રાઇસ, રો મટીરિયલ્સ પ્રાઇસ અને એક્સ્ટ્રૅક્શન્સ પ્રાઇસ ઘટી હતી. મન્થ્લી બેઇઝ પર પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ૦.૨ ટકા વધ્યું હતું જે નવ મહિના પછી પ્રથમ વખત વધ્યું હતું. જુલાઈમાં ૦.૨ ટકા ઘટ્યું હતું. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે ઘટ્યો હતો જે ગયા સપ્તાહે છ મહિનાની ઊંચી સપાટીએ ૧૦૫ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. બુધવારે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશન ડેટા જાહેર થવાના છે જે વધીને આવવાની ધારણાને પગલે ડૉલરમાં પ્રૉફિટ બુકિંગ આવતાં ઇન્ડેક્સ ઘટ્યો હતો. જુલાઈ મહિનાનું ઇન્ફ્લેશન દસ મહિના પછી પ્રથમ વખત વધીને ૩.૨ ટકા રહ્યું હતું જે જૂનમાં ત્રણ ટકા હતું. ઑગસ્ટ મહિનામાં સાઇક્લોનની અસરે ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ વધ્યા હોવાથી અમેરિકન ઇન્ફ્લેશન ૩.૪ ટકાથી ૩.૬ ટકા આવવાની ધારણા છે. જો ઇન્ફ્લેશન વધીને આવશે તો ફેડને ફરજિયાત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ફરીથી શરૂઆત કરવી પડશે જે મોટે ભાગે નવેમ્બર મીટિંગમાં જોવા મળી શકે છે. જપાનની સેન્ટ્રલ બૅન્કના ગવર્નર કાજુઓ ઉડાએ લાંબા સમય પછી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત લાવવાનો સંકેત આપ્યો હતો. વર્લ્ડની તમામ સેન્ટ્રલ બૅન્કો ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવા માટે ૨૦૨૧ના એન્ડથી ઇન્ટરેસ્ટ રેટ વધારી રહી છે અને દરેક સેન્ટ્રલ બૅન્કે આઠથી દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા ત્યારે બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી હતી અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો કોઈ સંકેત આપ્યો નહોતો જેને કારણે જૅપનીઝ યેન ડૉલર સામે મલ્ટિ યર લો લેવલે ટ્રેડ કરી રહ્યો હતો, પણ લાંબા સમય પછી જૅપનીઝ બૅન્કના ગવર્નરે અલ્ટ્રા લો મૉનિટરી પૉલિસીનો એન્ડ લાવવાનો સંકેત આપતાં ડૉલર સામે યેન સુધરીને ૧૪૬ના લેવલે પહોંચ્યો હતો. ચાલુ સપ્તાહે અમેરિકન ઇન્ફ્લેશન, રીટેલ સેલ્સ, કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ડેટા અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ પ્રાઇસ ડેટા જાહેર થશે તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ પણ ચાલુ સપ્તાહે યોજાશે. ચીનના ઑગસ્ટ મહિનાના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ડેટા, રીટેલ સેલ્સ, અનએમ્પ્લૉયમેન્ટ ડેટા, કાર સેલ્સ, લોન ગ્રોથ અને ફિક્સ્ડ્ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. ભારત અને બ્રાઝિલના ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશન ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ ગુરુવારે યોજાશે, જેમાં ઇન્ટરેસ્ટ રેટમાં સતત દસમી વખત વધારો થશે કે કેમ એ વિશે ભારે અનિશ્ચિતતા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈ ૨૦૨૨થી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી અને નેગેટિવ ૦.૫ ટકાથી વધારીને હાલ ઇન્ટરેસ્ટ રેટ ૩.૭૫ ટકાએ પહોંચાડયો છે. યુરો એરિયાનું ઇન્ફ્લેશન પ્રિલિમિનરી એસ્ટીમેટમાં ઑગસ્ટમાં ૫.૩ ટકા રહ્યું હતું જે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી અઢી ગણા કરતાં પણ વધારે છે. હાલ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરે એના ચાન્સ ૩૫ ટકા છે, કારણ કે ઇકૉનૉમિક સ્લોડાઉનનો ભય છે. ફેડ ૧૯-૨૦ સપ્ટેમ્બરે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારે એના ચાન્સ બહુ ઓછા છે, પણ બારકલેના ઍનલિસ્ટની દલીલ છે કે જો બુધવારે જાહેર થનારું અમેરિકન હેડલાઇન ઇન્ફ્લેશન વધીને ૩.૭ ટકા આવે અને કોર ઇન્ફ્લેશન ૪.૩ ટકા આવશે તો ફેડ સપ્ટેમ્બર મીટિંગમાં પણ પચીસ બેસિસ પૉઇન્ટ વધારી શકે છે. આમ ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને આગામી સપ્તાહે ફેડની મીટિંગ પરથી ડૉલરની તેજી-મંદી નક્કી થશે અને એના પરથી સોનાની દિશા નક્કી થશે.