Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડનું કારણ મળી જતાં શૅરબજાર ૩૮૮ પૉઇન્ટના ઘટાડામાં બંધ

ક્રૂડનું કારણ મળી જતાં શૅરબજાર ૩૮૮ પૉઇન્ટના ઘટાડામાં બંધ

Published : 12 August, 2026 10:57 AM | IST | Mumbai
Anil Patel

અમેરિકા ખાતે પેટ્રોલિયમની સ્ટ્રૅટેજીક રિઝર્વ ઘટીને ૩૦ કરોડ બૅરલની અંદર આવી ગઈ છે જે ૧૯૮૩ પછીની સૌથી નીચી સપાટી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગ્લૅન્ડ ફાર્મા પરિણામ પાછળ સવાચાર વર્ષના શિખરે ગઈ, KEC ઇન્ટરનૅશનલમાં લગભગ પોણાચાર વર્ષનું તળિયું દેખાયું ઃ બૉશ લિમિટેડ બહેતર રિઝલ્ટમાં ઑલટાઇમ હાઈ બનાવી ૨૦૪૦ રૂપિયાની તેજીમાં બંધ ઃ લુમેક્સ ઑટો ૬૮ ગણા કામકાજમાં લાઇફ ટાઇમ હાઈ થઈને ૨૦ ટકા નજીકના જમ્પમાં બંધ ઃ ચેન્નઈ પેટ્રોલિયમ નવા વિક્રમી ભાવ સાથે ૧૮૬ રૂપિયા ઝળકી, MRPL ૧૧ ટકા મજબૂત ઃ અનાવિલ વાયર મઝેદાર લિસ્ટિ‍‍‍ંગ બાદ ઉપલી સર્કિટ સાથે નવી ટોચે ઃ ફેસિનેટ તેમ જ શામ ફોમનાં SME ભરણાંને પ્રથમ દિવસે નબળો રિસ્પૉન્સ

અમેરિકા ખાતે પેટ્રોલિયમની સ્ટ્રૅટેજીક રિઝર્વ ઘટીને ૩૦ કરોડ બૅરલની અંદર આવી ગઈ છે જે ૧૯૮૩ પછીની સૌથી નીચી સપાટી છે. અેના પગલે ૮૨ ડૉલરવાળું બ્રેન્ટ ક્રૂડ વધીને ૮૮ ડૉલરે પહોંચી ગયું છે. બહુમતી એશિયન બજાર ગઈ કાલે માઇનસ હતાં. સિંગાપોર ૫૭૭૪ના નવા શિખરે જઈ એક ટકો વધી ૫૭૫૪ રહ્યું છે. સાઉથ કોરિયા પોણો ટકો સુધર્યું હતું. જપાન રજામાં હતું. ઇન્ડોનેશિયા દોઢ ટકા ડાઉન તો હૉન્ગકૉન્ગ ૧.૧ ટકા ઘટ્યું છે. થાઇલૅન્ડ પોણો ટકો તથા ચાઇના પોણો ટકો ઢીલું થયું છે. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસમાં દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૩૧ના આગલા બંધ સામે રનિંગમાં ૧૪ પૈસા ઘટી ૯૫.૪૪ હતો. અમેરિકા-ઈરાન વચ્ચે તનાવ પ્રવાહી પરિસ્થિતિમાં છે. હોર્મુઝ ખાડી આજે પણ પૂર્વવત ખુલ્લી થઈ શકી નથી. હાજર સોનું સાધારણ વધી ૪૪૦૮ ડૉલર તો કોમેક્સ ગોલ્ડ સવા ટકો વધી ૪૪૭૦ ડૉલર થયું છે. કોમેક્સ સિલ્વર ૬૬ ડૉલર નજીક પહોંચી છે. 



ઘરઆંગણે ક્લોઝિંગ ઑક્શન સેશન દાખલ થવાની સાથે ૩ અને ૪ ઑગસ્ટે BSE તથા NSE વચ્ચે જે અસાધારણ ભાવફરકની સ્થિતિ સર્જાઈ હતી અેમાં કશી ગરબડ કે મેનિપ્યુલેશન થઈ છે કે કેમ અે મામલે હવે તપાસ કરવાનું સેબીએ નક્કી કર્યું છે. જોઈએ સેબી શું કરી લે છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૨ પૉઇન્ટ નરમ, ૭૫,૫૧૦ નજીક ખૂલી મંગળવારે ૩૮૮ પૉઇન્ટના ઘટાડે ૭૮,૧૫૪ તથા નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ બગડી ૨૪,૪૭૨ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૮,૦૪૮ અને ઉપરમાં ૭૮,૫૧૦ થયો હતો. માર્કેટકૅપ ૧.૪૫ લાખ કરોડ ઘટીને ૪૯૨.૭૨ લાખ કરોડ રહ્યું છે. IT, હેલ્થકૅર, ઑઇલ-ગૅસ તથા એનર્જી જેવા જૂજ અપવાદમાં નજીકા સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. 


નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ ચાર ટકા તો સેન્સેક્સમાં એટર્નલ બે ટકા વધી ટૉપ ગેઇનર બની છે. સેન્સેક્સમાં TCS ૦.૨૫ ટકા તો નિફ્ટીમાં અે ૦.૮ ટકા પ્લસ હતી. ટાઇટન ૫૧૬૮ના બેસ્ટ લેવલે જઈ મામૂલી સુધારામાં ૫૧૧૫ રહી છે. ઇન્ફી અડધો ટકો અપ હતી. નિફ્ટીમાં તાતા કન્ઝ્યુમર ૨.૮ ટકા અને સેન્સેક્સમાં અલ્ટ્રાટેક પોણાત્રણ ટકા બગડી વર્સ્ટ પર્ફોર્મર બની છે. અન્યમાં મેક્સ હેલ્થકૅર ૨.૭ ટકા, નેસ્લે ૨.૩ ટકા, અપોલો હૉસ્પિટલ્સ પોણાબે ટકા, અૅક્સિસ બૅન્ક દોઢ ટકો, ભારતી અૅરટેલ ૧.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ અને પાવરગ્રીડ એક ટકો ઢીલી હતી. HDFC બૅન્ક ૭૨૬ની બે વર્ષની બૉટમ બનાવી ૦.૪ ટકા ઘટી ૭૨૯ થઈ છે. રિલાયન્સ પણ ૦.૪ ટકા ઘટી ૧૩૨૧ હતી. અમેરિકન અદાલત તરફથી ગૌતમ અદાણી તથા સાગર અદાણી સામે ફોજદારી ગુનાનો કેસ ફગાવી દેવાયો છે. ગઈ કાલે અદાણી એન્ટરપ્રાઇઝ ૦.૪ ટકા, અદાણી એનર્જી અડધો ટકો, અદાણી ગ્રીન પોણો ટકો નરમ હતી. NDTV એક ટકો અને અદાણી ટોટલ ૦.૯ ટકા સુધરી છે. ચેન્નઈ પેટ્રોલિયમ ૯ ગણા વૉલ્યુમે ૧૪૪૯ના બેસ્ટ લેવલે જઈ ૧૫ ટકાના જમ્પમાં ૧૪૨૬ તો MTPL સાડાસાત ગણા કામકાજે ૧૧ ટકા ઊછળી ૧૮૧ વટાવી ગઈ છે. MRFની આવક ૯.૬ ટકા વધી છે. નફો સવા ટકો ઘટી ૪૯૫ કરોડ થયો છે. શૅર બે ટકા કે ૨૭૪૧ રૂપિયા ખરડાઈ ૧,૩૧,૧૮૯ બંધ થયો છે. 

ખોટ કરતી શિપરૉકેટ સહિત આજે કુલ ચાર ભરણાં ખૂલશે


આજે, બુધવારે એકસાથે ૪ નવાં ભરણાં ખૂલવાનાં છે. મેઇન બોર્ડમાં સતત ખોટ કરતી, ઇ-કૉમર્સ ટ્રાન્ઝેક્શન માટે ટેક્નૉલૉજી પ્લૅટફૉર્મ પૂરું પાડતી કંપની શિપરૉકેટ ૧૦ના શૅરદીઠ ૯૭ની અપરબેન્ડમાં કુલ ૧૬૧૭ કરોડનો ઇશ્યુ કરશે. અેમાં ઑફર ફૉર સેલ ૭૩૨ કરોડની છે. QIB પોર્શન ૭૫ ટકાનો છે. રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ૨૦૧૧માં સ્થપાયેલી ગુરુગ્રામ ખાતેની આ કંપનીએ ગત વર્ષે ૨૪ ટકા વધારામાં ૨૦૭૭ કરોડની આવક ઉપર ૬ ટકા વધારામાં ૭૯૨૫ લાખની ચોખ્ખી ખોટ કરી છે. દેવું ૨૪૨ કરોડ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૭૨૭ કરોડ વટાવી જશે. ગ્રેમાર્કેટમાં ૧૪થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપર ૨૬ થઈ હાલ ૨૭ છે. બીજી કંપની પંજાબના ફતેહગઢ સાહિબ ખાતેની બિહારીલાલ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૨૮૫ની અપરબેન્ડમાં ૩૦૨ કરોડનો ઇશ્યુ કરવાની છે. અેમાંથી ૨૦૯ કરોડ રૂપિયા બહુધા પ્રમોટર્સ ગર્ગ ફેમિલી લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૧૯૯૫માં સ્થપાયેલી આ કંપની આયર્ન-સ્ટીલ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે છે. અે પ્રિસિશન-એન્જિનિયર્ડ કમ્પોન્ટ્સ બનાવે છે ગત વર્ષ ૬ ટકા વધારામાં ૫૪૬ કરોડની આવક ઉપર ૨૨ ટકા વૃદ્ધિદરથી ૬૪૬૪ લાખ નફો કર્યો છે. દેવું ૧૭૭૯ લાખ છે. બિહારીલાલમાં ગ્રેમાર્કેટ ખાતે ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૪૩ થયા બાદ હાલ ત્યાં જ છે. 

SME સેગમેન્ટમાં વિજયવાડાની પ્રમોદિની મેડીકૅર ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબેન્ડમાં કુલ ૬૯ કરોડનો NSE SME IPO આજે કરશે. માર્કેટ મેકર્સ માટે ૪ કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ૪૬ ટકા જેવો તથા રીટેલ પોર્શન ૩૬.૭ ટકાનો છે. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી આ કંપની ડાયગ્નોસ્ટિક સર્વિસિસ પૂરાં પાડે છે. ગત વર્ષે ૬૫ ટકા વધારામાં ૬૩૩૮ લાખની આવક ઉપર ૫૬ ટકા વધારામાં ૧૭૩૮ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૭૦ ટકા વધી ૧૭૮૫ લાખ થયું છે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ બોલાતું નથી. બીજી કંપની ગાઝિયાબાદની બેકરી પ્રોડક્ટ્સ બનાવીને વેચતી ક્યુઅૅન્ડટી (Q&T) ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૫ના ભાવથી કુલ ૨૬ કરોડનો BSE SME ઇશ્યુ લાવશે. QIB પોર્શન ઝીરો છે. વર્ષ ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૧૭ ટકા વધારામાં ૫૪૭૮ લાખની આવક ઉપર ૯૦ ટકા વૃદ્ધિદરથી ૫૨૦ લાખનો ચોખ્ખો નફો બતાવ્યો છે. દેવું ૧૧૦૫ લાખનું છે. ગ્રેમાર્કેટમાં ૬થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૧૫ થયા પછી હાલ ત્યાં જ છે.

કોલ્ટે પાટીલ ટર્નઅરાઉન્ડ થતાં વૉલ્યુમ સાથે ઝમકમાં 

વોડાફોન આઇડિયાએ જૂન ક્વૉર્ટરમાં સવાત્રણ ટકા વધારામાં ૧૧,૬૮૯ કરોડની આવક ઉપર ૫૧,૯૭૦ કરોડના નફા સામે ૩૭૫૪ કરોડની નેટ લૉસ કરી છે. ગત વર્ષે જૂન ક્વૉર્ટરમાં વન-ટાઇમ ગેઇન ૫૭,૪૯૧ કરોડ હતો અેના લીધે તગડો નફો થયો હતો. આ વેળા વન-ટાઇમ ગેઇન ૧૬૧૧ કરોડ રહ્યો છે. શૅર ગઈ કાલે નજીવો સુધરી ૧૩ નજીક બંધ આવ્યો છે. બૉમ્બે ડાઇંગની ત્રિમાસિક આવક પોણાનવ ટકા વધીને ૪૧૧ કરોડ થઈ છે પણ નફો ૪૮.૭ ટકા ગગડી ૭૧૦ લાખ નોંધાયો છે. શૅર નીચે ૧૧૬ થઈ ૩.૨ ટકા ઘટી ૧૧૬ હતો. બૉશ લિમિટેડની આવક ૨૨ ટકા વધી ૫૮૪૨ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૩૭ ટકા ઘટીને ૭૦૨ કરોડ રહ્યો છે. ભાવ ૪૫,૭૮૫નું શિખર બતાવી ૪.૭ ટકા કે ૨૦૪૦ વધી ૪૫,૨૯૫ બંધ થયો છે. PC જ્વેલર્સની આવક ૨૧ ટકા વધી ૮૭૭ કરોડ તથા નફો ૩૭.૨ ટકા વધી ૨૨૨ કરોડ નોંધાયો છે. શૅર પોણાબે ટકા વધી ૧૦ હતો. એન્ટોની વેસ્ટ હેન્ડલિંગની આવક સાડાપાંચ ટકા ઘટી ૨૬૧ કરોડ થઈ છે. નેટ નફો ૯૫.૫ ટકા ધોવાઈ માત્ર ૮૦ લાખ આવ્યો છે. શૅર નીચામાં ૩૭૯ બતાવી ૭ ટકા તૂટી ૩૮૮ હતો. 

કોલ્ટે પાટીલ ડેવલપર્સની ત્રિમાસિક આવક ૧૦૧૬ ટકા ઊછળી ૯૨૦ કરોડ થતાં કંપની ૧૭ કરોડની નેટ લૉસમાંથી ૧૪૬ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ૨૦ ટકા ઊછળી ૫૫૬ બતાવી ૧૧.૪ ટકા વધી ૫૧૭ થયો છે. લુમેક્સ ઑટો ટેક્નૉલૉજીઝે ૭૩ ટકા જેવા વધારામાં ૧૩૬૪ કરોડની આવક ઉપર ૧૧૨ ટકા વધારામાં ૮૭ કરોડ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. શૅર ૨૦૮૯નું શિખર દેખાડી ૧૯.૮ ટકા ૨૦૮૫ નજીક હતો. ઝી એન્ટરટેઇનમેન્ટની આવક સાડાચાર ટકા વધી ૧૯૦૮ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ ૪૭ ટકા ઘટીને ૭૬ કરોડ રહ્યો છે. માર્જિન પોણાઆઠ ટકા ગગડી સવાપાંચ ટકા થઈ ગયું છે. શૅર ૯૦ની અંદર જઈને ત્રણ ટકા ઘટી ૯૧ હતો. ગ્લૅન્ડ ફાર્માની આવક ૧૯.૬ ટકા વધીને ૧૮૦૦ કરોડ તથા ચોખ્ખો નફો ૪૭ ટકા વધી ૩૧૭ કરોડ થયો છે. ભાવ ૨૯૮૯ની ટૉપ બનાવી પોણાદસ ટકા ઊછળી ૨૯૨૪ થયો છે. દિલીપ બિલ્ડકૉનની આવક સવાનવ ટકા ઘટી ૨૩૭૮ કરોડ થતાં નેટ નફો ૫૦.૭ ટકા ગગડી ૧૧૩ કરોડ થયો છે. શૅર નીચે ૪૧૩ થઈ ૫.૩ ટકા ઘટી ૪૨૦ હતો. KEC ઇન્ટરનૅશનલે ૫૦૨૪ કરોડની ફ્લૅટ આવક ઉપર ૪૧.૭ ટકાના ગાબડામાં ૭૨૬૦ લાખ નફો કર્યો છે. શૅર ૪૫૦ની બૉટમ બતાવી ૫.૨ ટકા ગગડી ૪૫૧ બંધ આવ્યો છે. 

એજસ ટેક્નૉલૉજીઝમાં ૨૪ ટકાનો પ્રોત્સાહક લિસ્ટિંગ ગેઇન 

ગઈ કાલે એજસ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૨થી શરૂ થઈ ત્યાં જ રહેલા પ્રીમિયમ સામે BSEમાં ૧૨૪ ખૂલી ૧૩૧ બંધ થતાં ૨૪.૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે, બુધવારે ખાર્ડી ઇન્ડસ્ટ્રીઝ તેમ જ જીવી ઇલેક્ટ્રિકલ્સનું લિસ્ટિંગ છે. હાલ ખાર્ડી ઇન્ડસ્ટ્રીઝમાં ૧૩નું તથા જીવી ઇલેક્ટ્રિકલ્સમાં ૨૫નું પ્રીમિયમ ચાલે છે. આગલા દિવસે ૨૮ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૩૪૬ બંધ થયેલી અનાવિલ વાયર ગઈ કાલે ૩૬૩ની ટૉપ બતાવી પાંચ ટકા વધી ત્યાં જ રહી છે. 

દરમ્યાન ગઈ કાલે પ્રથમ દિવસે મિલ્કી મિસ્ટ ડેરીનો બેના શૅરદીઠ ૧૪૦ની અપરબેન્ડ સાથે ૧૫૫૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ ૮૪ ટકા, ફેસિનેટ ટેક્સટાઇલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૬ની અપરબેન્ડમાં ૬૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭ ટકા સહિત કુલ પાંચ ટકા અને શામ ફોમનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ત્રણ ટકા સહિત કુલ બે ટકા જ ભરાયો છે. હાલ મિલ્કી મિસ્ટમાં ૨૩ રૂપિયા, ફેસિનેટમાં ઝીરો અને શામ ફોમમાં ઝીરો પ્રીમિયમ છે. તો બીજા દિવસના અંતે ધૂત ટ્રાન્સમિશનનો બેના શૅરદીઠ ૮૭૧ના ભાવનો ૩૦૬૭ કરોડનો ઇશ્યુ ૪ ગણો અને મોલબાયો ડાયગ્નોસ્ટિક્સનો એકના શૅરદીઠ ૮૦૭ના ભાવનો ૯૪૦ કરોડનો ઇશ્યુ ત્રણેક ગણો ભરાયો છે. હાલ ધૂત ટ્રાન્સમિશનમાં ૨૫૩નું અને મોલબાયોમાં ૧૨૯નું પ્રીમિયમ ચાલે છે. 
મેઇન બોર્ડમાં લીપ ઇન્ડિયાનો એકના શૅરદીઠ ૧૫૯ના ભાવનો ૨૪૮૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ ૮.૮ ગણા પ્રતિસાદમાં, ટેકનોક્રાફ્ટ વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૨૧૨ના ભાવનો ૨૫૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૫ ગણા સહિત કુલ ૩૭ ગણા રિસ્પૉન્સમાં ગઈ કાલે પૂરો થયો છે. જ્યારે SME કંપની ઑપ્ટિમાય સિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ના ભાવનો ૧૦૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં સવાબે ગણા સહિત કુલ બે ગણો ભરાઈને પૂરો થયો છે. હાલ લીપ ઇન્ડિયામાં ૧૦, ટેકનોક્રાફ્ટમાં ૨૭ અને ઑપ્ટિમાય સિક્સમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 10:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK