આપણે કટોકટી માટેનું આયોજન કર્યું હોય, યોગ્ય ઇન્શ્યૉરન્સ દ્વારા બરાબર સુરક્ષા કવચ પણ તૈયાર કર્યું હોય એવી રીતે આપણી આર્થિક બાબતોનું સરસ પ્લાનિંગ કર્યું હોય.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉનાળાની રજાઓ શરૂ થવામાં હતી. આજકાલ અલગ-અલગ સ્કૂલ અલગ-અલગ સમયે રજા પાડે છે, જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે બધી જ સ્કૂલમાં એક જ સમયે રજા પડતી. આ વર્ષે સદ્નસીબે, મારી પુત્રીની રજા અને એની એક કઝિનની રજા એકસાથે થઈ ગઈ અને નસીબ બળવાન હોય એમ, અમારા વિદેશમાં રહેતા કઝિન્સ પણ આ જ ગાળામાં ભારત આવવાના હતા.
એટલે અમે એક નાના પારિવારિક વેકેશનનું આયોજન કર્યું. આ ટ્રિપ મધ્ય માર્ચના મહિના માટે આયોજિત થઈ હતી. બહુ ચર્ચાવિચારણા પછી એક સ્થળ પર પસંદગી ઉતારી – નૈનીતાલ અને જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક. આ સમયગાળામાં ત્યાંનું હવામાન ખુશનુમા હોય છે.
અમે પ્રવાસની માર્ગ-નિર્દેશિકા (આઈટિનરી) તૈયાર કરી. ત્યાં રહેવાના વિકલ્પ નક્કી કરીને બધું બુકિંગ કરાવી લીધું. જંગલ સફારીનું પણ પહેલેથી જ બુકિંગ કરાવવું પડે છે, એથી એ પણ કરી લીધું. બધાં રહેવાનાં સ્થળો, પ્રવાસની ટિકિટ વગેરે લગભગ બે મહિના પહેલેથી જ બુક કરી લીધું હતું.
અમે પર્વતીય વિસ્તારમાં જવાનાં હોવાથી સામાન બાંધતાં પહેલાં ત્યાંનાં હવામાન વિશે પણ તપાસી લીધું. અમે બાળકો સાથે પ્રવાસ કરવાનાં હતાં એટલે તેમની સુરક્ષિતતા અમારે માટે મહત્ત્વની હતી એટલે હવામાનની માહિતી અનુસાર અમે સામાન તૈયાર કરી દીધો.
અમારી યાત્રા કોઈ તકલીફ વગર થઈ ગઈ. અમારા ધાર્યા કરતાં હવામાન વધારે ઠંડું હતું. પહેલા દિવસે અમે નૈનીતાલની આજુબાજુના વિસ્તાર જોવાનું ઠરાવ્યું હતું. અમે આનંદથી ફરી રહ્યાં હતાં, એવામાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું અને વરસાદ પડવા માંડ્યો. અમે હજી સમજીએ ત્યાં તો જોરથી બરફના કરા પડવા લાગ્યા. આમે જ્યારે જિમ કૉર્બેટ સફારી માટે જવાનાં હતાં ત્યાં પણ વરસાદ પડ્યો એટલે પ્રવાસીઓ માટે જંગલનો અમુક વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો. આ કારણસર અમને વાઘ જોવા ન મળ્યા.
અમે બધા નિરાશ થઈ ગયા. વરસાદને કારણે આખી ટ્રિપ જાણે બરબાદ થઈ ગઈ હોય એવું લાગ્યું.
આવી જ પરિસ્થિતિમાં તમે ક્યારેય મુકાયા છો જ્યારે તમે ધાર્યું હોય એ પ્રમાણે કંઈ થાય જ નહીં?
આવું તમારી આર્થિક વિષયક બાબતો માટે પણ થઈ શકે.
આ પણ વાંચો : ભારતમાં વીમા ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉદય
આપણાં આયોજન અને એની યોજના
આપણે કટોકટી માટેનું આયોજન કર્યું હોય, યોગ્ય ઇન્શ્યૉરન્સ દ્વારા બરાબર સુરક્ષા કવચ પણ તૈયાર કર્યું હોય એવી રીતે આપણી આર્થિક બાબતોનું સરસ પ્લાનિંગ કર્યું હોય. આપણા ભવિષ્યનાં લક્ષ્યો અને સ્વપ્ન માટે રોકાણ કરીએ, પણ ઘણી વાર એવું થાય કે કેવળ આપણી કામગીરી કે આયોજન જ પૂરતું નથી હોતું. કોઈક અદૃશ્ય શક્તિ ભવિષ્ય નક્કી કરે છે. દા.ત. તમે તમારા બાળકનાં લગ્ન ૨૦૨૦ના મે મહિનામાં આયોજિત કર્યાં હતાં ત્યારે લૉકડાઉન થઈ ગયું હતું. એવી જ રીતે જ્યારે બજારો અસ્થિર હોય ત્યારે રોકેલી મૂડીની કિંમતમાં ઝડપથી
બદલાવ આવ્યો હતો. આ બધા સંજોગો વચ્ચે પણ આપણું નિયમિત રોકાણ બંધ ન કરવું જોઈએ, પરંતુ જે આપણા અંતિમ લક્ષ્ય માટે રોકાણ કરતા હોઈએ એને જ ધ્યાનમાં રાખવું જોઈએ.
પરમાત્મા કહો કે કુદરત યા પ્રકૃતિના આયોજન સામે આપણાં બધાં જ આયોજનો ઊંચાં-નીચાં થઈ શકે છે. આપણને લાગે કે આપણે બધું જ વ્યવસ્થિત રીતે આયોજન કરી લીધું છે, પરંતુ પરમાત્મા સૌથી મોટો આયોજક છે. આવા સંજોગોમાં આપણે પોતાના ભાગનું કર્મ કરતા જ રહેવું જોઈએ. અણધાર્યા સંજોગોની સારી બાજુ પણ હોઈ શકે છે. દા.ત. અમારી ટ્રિપ દરમ્યાન અમે ધારેલી પ્રવૃત્તિઓ અમે બેશક ન કરી શક્યા, પરંતુ મારી પુત્રીને તેનાં કઝિન્સ, કાકા-કાકી સાથે હળવા-મળવાનો સારો મોકો મળી ગયો અને અમે એક પરિવાર તરીકે સારો સમય સાથે વિતાવી શક્યાં. જો અમે ટ્રિપમાં ન ગયાં હોત તો આવો સારો મોકો હાથમાંથી નીકળી જાત. આવા સંગાથ પણ ક્યારેક-ક્યારેક જ થતા હોય છે. આવા આનંદની પણ કદર થવી જોઈએ.
ભગવદ્ગીતાનું આ સૂત્ર તો સૌને યાદ જ હશે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।
મા કર્મફલહેતુર્ભૂર્મા સે સડગોડસ્ત્વકર્મણિ।।
આ એક સનાતન શીખ છે અને જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પેઢી માટે સનાતન સત્ય જ રહેશે.
કશાયની પણ આશા વગર કેવળ તમારાં કર્મ કર્યે જાઓ. બધું જ પરમાત્માએ આયોજન કર્યું છે.
- ફોરમ શાહ