કૅન્સર વખતે આર્થિક સુરક્ષા મળે એ માટે તમે જીવનવીમા પૉલિસી લીધી હોય તો પૉલિસી વિશેની બારીકાઈ જાણી લેવી જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પ્રસંગોપાત્ત હું સમીરને મળી. તે કેટલો વ્યસ્ત છે એ જણાવતાં તેણે કહ્યું કે ‘મારે તાત્કાલિક વીમાનું પ્રીમિયમ ભરવાનું છે. ગમે એમ કરીને કાલે જ ભરવાનું છે.’ તેના મિત્ર સોહમે કહ્યું કે ‘તાત્કાલિક? જીવનવીમાના પ્રીમિયમમાં તાત્કાલિક જેવું શું હોય?’ ત્યારે સમીર બોલ્યો કે ‘ના-ના, ગાડીનો વીમો છે. એ તો ફરજિયાત હોય છે, પણ જીવનવીમો... એ તો ઠીક છે હવે, જીવનવીમાનું પ્રીમિયમ તો મારું બે વર્ષથી ભરવાનું બાકી છે, પરંતુ એ કંઈ અર્જન્ટ નથી.’
આ તો જાણે એક સામાન્ય વાત છે. જ્યારે એ ફરજિયાત નથી તો શા માટે મારે બધું કામ છોડીને પ્રીમિયમ ભરવું જોઈએ? આવી પ્રીમિયમ ભરવામાં થતી ચૂક એ બહુ સામાન્યપણે જોવા મળે છે. જો કંઈ આપણા માટે ખરેખર બહુ જ મહત્ત્વનું હોય તો શું આપણે એની ચુકવણી પાછળ ઠેલીએ? જેમ કે આપણા બાળકની સ્કૂલની ફી, આપણા ડોમેસ્ટિક હેલ્પરનો પગાર, આપણું ભાડું અથવા ઈએમઆઇ. જીવનવીમાના પ્રીમિયમની ચુકવણી કરવામાં મોડું થાય તો લેટ ફી અને એક્સ્ટ્રા અન્ડરરાઇટિંગ પ્રોસેસ કરવી પડે છે. આમ છતાં બીજી બધી જવાબદારીઓની સામે આપણે આ પ્રીમિયમ ભરવાનું નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ એ હકીકત છે.
ચાલો આજે પ્રીમિયમની ચુકવણીને પાછળ ઠેલવવાનાં કારણોને સમજીએ.
૧. જીવનશૈલીને જાળવવા માટેની જરૂરિયાતો અગ્રેસર બની જાય છે.
પહેલાંના લેખમાં જણાવ્યા મુજબ મારી જીવનશૈલીને લોકો જુએ છે અને બારીકાઈથી નિરીક્ષણ પણ કરે છે. મારે ગાડી રાખવી પડે છે, મોંઘાં કપડાં, ઉત્તમ શિક્ષણ, સરસ રીતે સજાવેલું ઘર અને બધું જ જે દેખાય છે, સોશ્યલ મીડિયા સમેત બધું જ મારે ઉત્તમ રાખવું પડે છે, પરંતુ વીમાની પૉલિસી સામાન્ય રીતે કોઈ સમક્ષ જાહેર કરાતી નથી, એટલે એ બાબતે મને કોઈ ક્યારેય ‘જજ’ નહીં કરે. વીમાનાં પ્રીમિયમો ભરવા કરતાં જીવનશૈલીને જાળવવાને લગતા ખર્ચાઓ કરવાને પ્રાધાન્ય આપવા પાછળ લોકોનું આ એક મોટામાં મોટું કારણ છે.
૨. માસિક પ્રીમિયમની ચુકવણી
આખા વર્ષ દરમ્યાન એક મોટી રકમની ચુકવણી કરીને એના ફાયદા આવનારાં ઘણાં વર્ષો સુધી દેખાવાનાં ન હોય ત્યારે એ બોજારૂપ લાગે છે. આવતી કાલના નિર્વાહ કરતાં આજે અસ્તિત્વને બચાવવાનો વિચાર પહેલાં કરવો એ સ્વાભાવિક છે. આને કારણે વાર્ષિક પ્રીમિયમને બદલે માસિક પ્રીમિયમ ભરવાનું ચલણ પ્રચલિત થયું છે. હવે ૧૫ વર્ષમાં, ૧૫ વાર મોટી રકમ ભરવાને બદલે ૧૫ X ૧૨ એટલે કે ૧૮૦ વાર નાના હિસ્સામાં પ્રીમિયમ ભરવામાં આવે છે. નોકરી છૂટી જવી, પગારકાપ થવો, નવા ધંધાની શરૂઆત અથવા ધંધો બંધ પડી જવા જેવી ઘટનાઓ દરમ્યાન આવા મોટાં પ્રીમિયમો ભરવાનું અસહ્ય થઈ જાય છે. પરિણામે કાં તો પૉલિસી રદ થઈ જાય છે અથવા પૉલિસીને પરત કરી દેવામાં આવે છે.
૩. ભાવનાત્મક રીતે ખરીદેલી પૉલિસી
જીવનવીમાને સામાન્ય રીતે મોતના ભય હેઠળ ખરીદવામાં આવે છે. થોડા મહિનાઓ કે વર્ષો પછી આ ભયનો પણ બોજ લાગવા માંડે છે. ક્યારેક બીજાં કારણો જેવાં કે પહેલો પગાર, લગ્ન પછી તરત, નવી પ્રોપર્ટીની ખરીદી બાદ, બાળકના જન્મ પછી વગેરે જેવા ભાવનાત્મક પ્રસંગોએ પૉલિસીની ખરીદી કરાય છે, પણ થોડાંક વર્ષો બાદ એ ભાવનાત્મક દબાણ ઓસરવા માડે છે અને પ્રીમિયમ ભરવાનો બોજ લાગે છે. ઘણી વાર બૉસ, કાકા-મામા, સ્કૂલનો મિત્ર, ધંધાનો સપ્લાયર વગેરે જેવા કોઈને ઉપકૃત કરવા માટે અને એ સમયને કે સંબંધને સંભાળવા માટે જ પૉલિસી ખરીદવી પડે છે, પણ પછી એનું પ્રીમિયમ ભરવાનું અઘરું થઈ પડે છે.
અહી જણાવેલાં કારણો હકીકત છે અને આપણે બધા એના સાક્ષી પણ છીએ. જો જીવનવીમો એના યોગ્ય હેતુને સમજીને લેવાયો હોય તો જ એને બોજ સમજવાને બદલે આપણે એને જીવન જરૂરિયાત સમજીએ અને તો જ આવી બધી પરિસ્થિતિઓને આપણે ટાળી શકીએ.
આ પણ વાંચો : ભારતમાં વીમા ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉદય
પહેલી તો એ સ્પષ્ટતા કરી દઉં કે જીવનવીમો એ વળતર મેળવવા માટે કરાતું રોકાણ નથી. આ રોકાણ માટેનું સાધન નથી, પણ આ સુરક્ષા માટેનું સાધન છે. જીવનવીમો બે શક્યતાઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે - વહેલું મૃત્યુ અને લાંબી જિંદગી.
જો ચાઇલ્ડ પ્લાન લીધો હોય તો એનો હેતુ એક ચોક્કસ ઉંમરે બાળકને એ પૈસા ભેટમાં આપવાનો હોય છે, પણ બાળક પૈસા ઉડાવી દેશે એ ભયે માતા-પિતા આમ કરતાં નથી. ખરેખર તો રકમ પ્રાપ્ત થાય એ પહેલાં જ એના ફરીથી રોકાણના અથવા ખર્ચના વિકલ્પો વિચારી રાખવા જોઈએ.
જો બે કરોડ રૂપિયાની હોમ લોનના હેતુ પૂરતો જ તમે સામે ટર્મ પ્લાન લીધો હોય તો તમારે પચીસ લાખ રૂપિયાની આઠ પૉલિસીઓ અથવા પચાસ લાખ રૂપિયાની ચાર પૉલિસીઓ લેવી જોઈએ અને જેમ-જેમ લોન ચૂકતે થતી જાય એમ-એમ પ્રીમિયમનો ભાર પણ ઓછો કરતાં જવું જોઈએ.
જો એક પિતાએ પોતાની કન્યાને જીવનભરની નિયમિત આવક ભેટ કરવાના હેતુસર એન્ડોવમેન્ટ પૉલિસી લીધી હોય તો તેણીને આ પૉલિસીની બારીકાઈ વિશે અવગત કરાવવી જોઈએ અને ભવિષ્યમાં વિવાદો ટાળવા માટે નૉમિનેશન વગેરે પણ યોગ્ય રીતે કરી રાખવું જોઈએ.
જો અમુક વર્ષો પછી જીવતે જીવ મોટી રકમ મેળવવા માટે તમે પૉલિસી લીધી હોય તો એ આવનારી રકમના વપરાશ અથવા રોકાણ માટેનું પ્લાનિંગ એ રકમ મળે એ પહેલાં જ કરી રાખવું જોઈએ.
જો તમે સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન પૉલિસી લીધી હોય તો તમારે પૉલિસી પિરિયડ સમાપ્ત થતાં તરત જ પેન્શન ચાલુ કરવું છે કે પેન્શનને થોડાં વર્ષો સુધી પાછળ ઠેલીને મોટી રકમ લઈને પછી પેન્શન શરૂ કરવું છે એ નક્કી કરવાનું પણ ખૂબ મહત્ત્વનું છે.
કૅન્સર વખતે આર્થિક સુરક્ષા મળે એ માટે તમે જીવનવીમા પૉલિસી લીધી હોય તો પૉલિસી વિશેની બારીકાઈ જાણી લેવી જરૂરી છે.
એક પ્રોડક્ટને એની કિંમતને આધારે નહીં, પણ એના મૂલ્યને આધારે પ્રાધાન્ય આપવું જોઈએ. જ્યાં સુધી આપણને જીવનવીમાના મૂલ્યની સમજણ નહીં આવે ત્યાં સુધી આપણે ઉપર જણાવેલાં ત્રણ કારણો અનુસાર પૉલિસીનાં પ્રીમિયમ ભરવાનું ટાળતા રહીશું. આવો આપણે વધુ શિસ્તબદ્ધ અને સુરક્ષિત બનીએ. જ્યારે ‘કેમ’ એટલે કે હેતુ સમજાશે ત્યારે ‘કેવી રીતે’ એ પણ સરળ બનશે.