Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > > > સતત બીજા સત્રમાં શૅરબજાર ઘટીને બંધ થયાં, એનબીએફસી-ઑટો સ્ટૉક્સ પર સેલિંગ પ્રેશર

સતત બીજા સત્રમાં શૅરબજાર ઘટીને બંધ થયાં, એનબીએફસી-ઑટો સ્ટૉક્સ પર સેલિંગ પ્રેશર

21 November, 2023 03:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિફ્ટી-૫૦ સ્થિત ડિવીઝ લૅબ ટૉપ ગેઇનર.૧૪૭ સ્ટૉક્સ ખરીદીની સર્કિટે બંધ.ચોખાના સ્ટૉક્સમાં તેજીનું મોમેન્ટમ

બિઝનેસ માટેની ફાઈલ તસવીર

બિઝનેસ માટેની ફાઈલ તસવીર


નિફ્ટી-૫૦ સ્થિત ડિવીઝ લૅબ ટૉપ ગેઇનર.૧૪૭ સ્ટૉક્સ ખરીદીની સર્કિટે બંધ.ચોખાના સ્ટૉક્સમાં તેજીનું મોમેન્ટમ : ક્રૂડ ૪ મહિનાના તળિયેથી ૪ ટકા સુધરીને ફરી એક વાર ૮૦ ડૉલરને પાર : માત્ર આઇટી ઇન્ડેક્સ નોંધપાત્ર સુધર્યો : બોનસની અટકળો વચ્ચે ન્યુજેન સૉફ્ટવેર ઑલ ટાઇમ હાઈ પર .પ્રતાપ સ્નૅક્સમાં ૫.૪ ટકાની બ્લૉક ડીલની અસરે ૨૦ ટકાનો જમ્પ :આઇપીઓ માર્કેટ જોશમાં,ગ્રે માર્કેટમાં તાતા ટેકનું ૩૫૨ રૂપિયાનું,જ્યારે આઆરઈડીએનું ૭ રૂપિયાનું પ્રીમિયમ.એફઆઇઆઇનું ૬૪૬ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ.

ગઈ કાલે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશન દરમ્યાન માર્કેટમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સંપૂર્ણ સત્ર દરમ્યાન સેન્સેક્સમાં માત્ર ૩૦૦ પૉઇન્ટ્સની વધ-ઘટ નોંધાઈ હતી. સેન્સેક્સ ઑલમોસ્ટ ગયા શુક્રવારના ક્લોઝિંગ લેવલે જ ખૂલીને ઉપરમાં ૬૫,૮૪૪ અને નીચામાં ૬૫,૫૪૭ સુધી ગયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૧૪૦ પૉઇન્ટ્સ ડાઉન થઈને ૬૫,૬૫૫ પર જ્યારે નિફ્ટી ૩૮ પૉઇન્ટ્સ તૂટીને ૧૭,૬૯૪ પર ક્લોઝ થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૦. સ્ટૉક્સ, જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૨૭ સ્ટૉક્સ ઘટ્યા હતા. બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ નામ પૂરતો એક પૉઇન્ટ વધીને ૪૩,૫૮૫ પર બંધ થયો હતો. 
રોકડાના સ્ટૉક્સમાં તેજીનો ટ્રેન્ડ ગઈ કાલે પણ જળવાઈ રહ્યો હતો. નિફ્ટી મિડકૅપ ગઈ કાલે સતત ૧૩મા સેશનમાં, જ્યારે બીએસઈ સ્મૉલકૅપ ગઈ કાલે સતત આઠમા સેશનમાં વધીને બંધ થયા હતા. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૧૧ ટકા અને ૦.૩૯ ટકા અપ હતા. ઉલ્લેખનીય છે કે સ્મૉલકૅપ ઇન્ડેક્સના વધારામાં આઇટી શૅર્સનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ સ્થિત ૧૨૩૭ સ્ક્રિપ્સ વધીને, જ્યારે ૧૨૮૦ સ્ક્રિપ્સ ઘટીને બંધ થઈ હતી. બજારમાં એકંદરે સુસ્તીના માહોલ વચ્ચે ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ, અપાર ઇન્ડસ્ટ્રીઝ, એન્જલ વન, ક્રિસિલ, સોનાટા સૉફ્ટવેર, સુવેન ફાર્મા, નારાયણ હૃદયાલય, કોફોર્જ, એચસીએલ ટેક, આઇશર મોટર્સ, બજાજ ઑટો, ટાઇટન સહિત ૩૫૦ સ્ટૉક્સ ઑલટાઇમ હાઈ લેવલે પહોંચ્યા હતા. નિફ્ટી-૫૦ ખાતે ૨.૬ ટકા (૫૮ રૂપિયા)ના કાપ સાથે અદાણી એન્ટરપ્રાઇઝિસ ટૉપ લૂઝર સાબિત થયો હતો. 


સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં આઇટી અને પીએસયુ બૅન્ક વધ્યા હતા. ઑટો, મેટલ, ઑઇલ-ગૅસ અને એફએમસીજી સ્ટૉક્સ પર સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. નિફ્ટી મેટલ અડધો ટકો ડૂલ થયો હતો. વેલસ્પન કૉર્પ ૨.૨૫ ટકા તૂટ્યો હતો. તાતા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને હિન્દ ઝિન્ક પોણો ટકો ડાઉન થયા હતા. જેએસએલ ૪.૫ ટકાની તેજીમાં મેટલ ઇન્ડેક્સનો ટૉપ ગેઇનર રહ્યો હતો. ત્યાર બાદ એનએમડીસી અને સ્ટીલ ઑથોરિટી ૧ ટકો સુધરીને બંધ થયા હતા. 

ઑટો સ્ટૉક્સ રિવર્સ ગિયરમાં, રેલવે કંપનીઓમાં કરેક્શન
છેલ્લાં કેટલાંક સેશનની સતત તેજી બાદ નિફ્ટી ઑટો ઇન્ડેક્સમાં ગઈ કાલે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી ઑટો પોણો ટકો કટ થયો હતો. આ ઇન્ડેક્સની ૧૫માંથી ૧૧ કંપનીઓ ઘટીને બંધ થઈ હતી. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર બે ટકા ઘટીને ૧૫૫૩ રૂપિયાએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટીવીએસ મોટરમાં ૧.૫ ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. મધરસન સુમી, અશોક લેલૅન્ડ અને તાતા મોટર્સ ૧ ટકાની આસપાસ ઘટ્યા હતા. આઇશર મોટર્સ પોણો ટકો ગબડીને ૩૮૩૭ રૂપિયાએ ક્લોઝ થયો હતો. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે ૬ ટકાનો કડાકો નોંધાયો હતો તેમ જ અપોલો ટાયર્સ ૧.૨૫ ટકા નબળો પડ્યો હતો. સીએટ આશરે પોણા ટકાની નરમાશમાં ૨૦૯૭ રૂપિયાએ બંધ થયો હતો. ઑટો સ્ટૉક્સથી વિપરીત અમુક ઑટો ઍન્સિલિયરી સ્ટૉક્સમાં ગઈ કાલે ખરીદી જોવા મળી હતી. તાલબ્રોસ ઑટોને ૫૮૦ કરોડ રૂપિયાનો નવો ઑર્ડર મળ્યો હોવાની અસરરૂપે કાઉન્ટર ૨૦ ટકાની ખરીદી સર્કિટમાં ૨૮૧ રૂપિયાના ઑલટાઇમ હાઈ પર બંધ થયું હતું. આ ઉપરાંત અન્યઑટો ઍન્સિલિયરી સ્ટૉક્સ જેમ કે રામકૃષ્ણા ફૉર્જિંગ્સ ૭ ટકા, રાણે બ્રેકલાઇનિંગ ૬, ગૅબ્રિયલ ઇન્ડિયા ૨.૫ અને રિકો ઑટો બે ટકા અપ હતા. 
રેલ સ્ટૉક્સમાં ગઈકાલે માયૂસી જોવા મળી હતી. ટિટાગઢ રેલ ૪ ટકા, રેલટેલ ૩ ટકા, ઇરકોન ઇન્ટરનૅશનલ ૨ ટકા, રાઇટ્સ ૨ ટકા, આરવીએનએલ ૧.૫ ટકા, આઇઆરસીટીસી ૧ ટકા અને આઇઆરએફસી ૧ ટકા કટ થયા હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ કાલે ફ્લૅટ ક્લોઝ થયો હતો. જોકે આ સેક્ટરની અમુક કંપનીઓમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. ગ્લેક્સોસ્મિથ ફાર્મા ૩.૩ ટકા સુધર્યો હતો. ડિવીઝ લૅબ્સમાં ૨ ટકાની તેજી નોંધાઈ હતી. એબોટ ઇન્ડિયા, ટૉરન્ટ ફાર્મા, ગ્લેનમાર્ક અને બાયોકૉન ૧.૭૫-૧ ટકાની રેન્જમાં અપ હતા. આ ઉપરાંત અન્ય ફાર્મા સ્ટૉક વિન્ડલાસ બાયોટેક ૪ ટકા સુધર્યો હતો. 


એનબીએફસી બીજા સેશનમાં પ્રેશરમાં, આરઈસી-પીએફસી રેકૉર્ડ સ્તરે
રિઝર્વ બૅન્ક દ્વારા બૅન્કો-ફાઇનૅન્સ કંપનીઓ તરફથી અપાતી કન્ઝ્‍યુમર લોનના કિસ્સામાં રિસ્ક  વેઇટેજ ૧૦૦ ટકાથી વધારીને ૧૨૫ ટકા કરાયા બાદ ગઈ કાલે સતત બીજા સેશનમાં ફાઇનૅન્સ અને એનબીએફસી સ્ટૉક્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આરબીઆઇના આદેશ બાદ બજાજ ફાઇનૅન્સે નવા ઈએમઆઇ કાર્ડ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો હોવાની અસરમાં સ્ટૉક ૨ ટકા (૧૫૨ રૂપિયા) તૂટીને ૭૦૬૭ રૂપિયાએ બંધ થયો હતો. આ ઉપરાંત બજાજ ફિનસર્વ ૧ ટકો ડૂલ થયો હતો. અન્ય એનબીએફસી કંપનીઓ જેમ કે સ્પંદના સ્ફૂર્તિ ૭ ટકા, પીટીસી ઇન્ડિયા ફાઇનૅન્શિયલ ૪ ટકા, સુંદરમ ફાઇનૅન્સ ૩ ટકા, પૂનાવાલા ફિનકૉર્પ ૨ ટકા, એસબીએફસી ફાઇનૅન્સ ૦.૭૫ ટકા, મુથૂટ  ફાઇનૅન્સ ૦.૭૫ ટકા અને મણ્ણપુરમ ફાઇનૅન્સ ૦.૫ ટકા ડાઉન થયા હતા. આરબીએલ બૅન્ક સતત બીજા સેશનમાં ઘટ્યો હતો. આ સ્ટૉકમાં ૨.૪ ટકાનું કરેક્શન નોંધાયું હતું, જ્યારે બંધન બૅન્ક ૧.૫ ટકા કટ થયો હતો. 

પ્રાઇવેટ દિગ્ગજ બૅન્કો જેમ કે આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એચડીએફસી બૅન્ક ફ્લૅટ ક્લોઝ થયા હતા. જ્યારે સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક અને બૅન્ક ઑફ બરોડા પરચૂરણ સુધારામાં બંધ થયા હતા. પીએસયુ ઇન્ડેક્સમાં ગઈ કાલે સતત ૧૩મા સેશનમાં તેજી જોવા મળી હતી. પીએફસી અને આરઈસી જેવા પીએસયુ સ્ટૉક્સ ૨.૫-૨ ટકાની આસપાસ સુધરીને અત્યાર સુધીના સર્વોચ્ચતમ સ્તરે બંધ થયા હતા. અમુક પસંદગીની રિયલ્ટી સેક્ટરની કંપનીઓમાં ગઈ  કાલે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. કોલ્તે પાટીલ ૧૧ ટકા, અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સ ૫ ટકા અને પ્રેસ્ટિજ એસ્ટેટ્સમાં ૨ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો. 

આઇટી સ્ટૉક્સમાં તેજી, પીએલઆઇ સ્કીમને મંજૂરી બાદ આઇટીઆઇમાં ૭ ટકાનો જમ્પ
ગઈ કાલે સેક્ટરલ ઇન્ડાઇસિસમાં આઇટી ઇન્ડેક્સ સૌથી અધિક ૦.૬૦ ટકા સુધર્યો હતો. આ ઇન્ડેક્સની ૧૦ માંથી ૯ કંપનીઓ વધીને બંધ રહી હતી. એલઍન્ડટી ટેક ૧.૭ ટકાના સુધારા સાથે નિફ્ટી આઇટી ઇન્ડેક્સનો ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. વિપ્રો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એમ્ફેસિસ અને એચસીએલ ટેક ૧ ટકાની આસપાસ વધ્યા હતા. લેટેન્ટ વ્યુ ઍનૅલિટિક્સ ૯ ટકાના જમ્પમાં ૪૫૦ રૂપિયાએ બંધ થયો હતો. સાયન્ટ અને કૅપિટ ટેક ૬ ટકાની આસપાસ સુધર્યા હતા. ટીસીએસ અડધા ટકાની મજબૂતાઈમાં ૩૫૨૦ રૂપિયાએ બંધ થયો હતો. ઇન્ફોસિસ ૧૪૩૭ રૂપિયાએ ફ્લૅટ બંધ થયો હતો.  

સરકાર દ્વારા આઇટી હાર્ડવેર પીએલઆઇ સ્કીમને મંજૂરી મળી છે. સ્કીમ હેઠળ ૨૭ કંપનીઓને કુલ મળીને ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની છૂટ મળશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓ જેમ કે આઇટીઆઇ ૭ ટકા, ઑપ્ટિમસ ઇન્ફ્રાકૉમ ૪.૫ ટકા, નેટવેબ ટેક્નૉલૉજીઝ ૧.૨૫ ટકા, જ્યારે સિરમા એસજીએસ ટેક અડધો ટકો વધીને બંધ થયા હતા. નન્યુજેન સૉફ્ટવેર ટેક્નૉલૉજીઝ ૨૭ નવેમ્બરની મીટિંગમાં બોનસ શૅર્સ ઇશ્યુ વિશે જાહેરાત કરશે એવા ન્યુઝને પરિણામે કાઉન્ટર પાંચ ટકાની તેજીની સર્કિટે ૬૨ રૂપિયાના જમ્પમાં ૧૩૦૪ રૂપિયાએ ઑલ ટાઇમ હાઈ પર ક્લોઝ થયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમા ન્યુજેન સૉફ્ટવેરના સ્ટૉકના ભાવમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. રીટેલ રોકાણકારો માટે ગઈ કાલે બીએસઈએ ઇન્વેસ્ટર રિસ્ક રિડક્શન ઍક્સેસ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું હતું. જોકે બીએસઈ લિમિટેડનો સ્ટૉક ૧૩૫ રૂપિયા (૫.૬ ટકા) તૂટીને ૨૨૭૬ રૂપિયાએ બંધ થયો હતો. સીડીએસએલ પણ ૨ ટકા કટ થયો હતો. એમસીએક્સ ૮ રૂપિયા સુધરીને ૨૮૭૮ રૂપિયાએ બંધ થયો હતો. ૬૩ મૂન્સ ટેક પાંચ ટકાની તેજીની સર્કિટે ૩૬૫ રૂપિયાના એક વર્ષના શિખરે ક્લોઝ થયો હતો. 

આઇઆરઈડીએનો આઇપીઓ આજથી ખૂલશે, નાયકા ૧૧ મહિનાની ટોચે બંધ
સરકારી મિનીરત્ન કંપની આઇઆરઈડીએનો આઇપીઓ આજથી ખૂલશે. રિન્યુએબલ એનર્જીના પ્રમોશન અને ડેવલપમેન્ટ માટે સરકારી પહલમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી આ એનબીએફસી કંપની ન્યુ ઍન્ડ રિન્યુએબલ એનર્જી તેમ જ સ્માર્ટ મીટર જેવા પ્રોજેક્ટના ફાઇનૅન્સિંગ, પ્રમોશન અને ડેવલપમેન્ટનું કામ કરે છે. આ કંપનીનો આઇપીઓ ૨૩ નવેમ્બરે બંધ થશે. આઇપીઓની પ્રાઇસ બૅન્ડ ૩૦-૩૨ રૂપિયા છે. લૉટ સાઇઝ ૪૬૦ શૅર્સની છે. આઇપીઓની ઇશ્યુ સાઇઝ ૨૧૫૦ કરોડ રૂપિયા છે, જેમાં ૮૬૦ કરોડ રૂપિયાના ઓએફએસનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૯ નવેમ્બરે આ કંપનીને મિનીરત્નથી નવરત્ન કરવા માટે મીટિંગનું આયોજન થવાનું છે. ગ્રે માર્કેટમાં આઇઆરઈડીએનું ૭ રૂપિયાનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. મતલબ કે સ્ટૉક ૩૯ રૂપિયાની આસપાસ લિસ્ટ થવાની અટકળો છે. આ ઉપરાંત તાતા ટેકના આઇપીઓનું પ્રીમિયમ અત્યાર સુધીના હાઇએસ્ટ લેવલે એટલે કે ૩૫૨ રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યું છે.

તાજેતરની ન્યુ લિસ્ટેડ કંપની આસ્ક ઑટોમોટિવમાં ગઈ કાલે ૩ ટકાની ખુવારી નોંધાઈ હતી. છેલ્લાં અમુક સેશનથી સતત સુધારાની ચાલ બતાવતા પ્રોટીન ઈ-ગવર્નન્સ ટેકના કાઉન્ટરમાં ૧ ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. મામા અર્થ એટલે કે હોનાસા કન્ઝ્‍યુમરનું કાઉન્ટર ગઈ કાલે ૫.૫ ટકાના જમ્પમાં ૩૫૦ રૂપિયાએ બંધ થયું હતું. ઈએસએએફ સ્મૉલ ફાઇનૅન્સ સવા ટકો અપ રહ્યો હતો. નાયકા ૩ ટકા સુધરીને ૧૭૩ રૂપિયાએ ૧૧ મહિનાની ટોચે બંધ થયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK