ટૅરિફ-પ્રકરણની અસર સ્પેસિફિક સેક્ટર્સ પર : મોદીની ચીન મુલાકાત પર બજારની નજર
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગયા સપ્તાહમાં બજારમાં માત્ર ટ્રમ્પના ટૅરિફ-પ્રકરણને કારણે કરેક્શનનું રાજ રહ્યું, આગામી દિવસોમાં પણ કરેક્શનનું ચલણ રહે એવું સમજીને ચાલવું જોઈશે. બજારની નજર ટ્રમ્પ પર જ રહેશે. જોકે હોશિયાર-સ્માર્ટ ઇન્વેસ્ટર્સ આ કરેક્શનનો લાભ લેશે. તમારી જો લૉન્ગ ટર્મ રોકાણની તૈયારી હોય તો સારા સ્ટૉક્સ જમા કરો, અન્યથા ટૅરિફ-પ્રકરણ શાંત પડે એની રાહ જુઓ
હવે એક વાત સ્પષ્ટ સમજીને ચાલવું જોઈશે કે શૅરબજાર અત્યારે ટ્રમ્પનાં નિવેદનો પર ચાલશે, આ નિવેદનોને આધારે બજાર ઘટશે અને વધશે પણ. આ બધું ટૂંકા ગાળામાં થયા કરશે, પરંતુ આ મુદ્દો ટ્રેડર વર્ગ માટે વધુ છે, લાંબા ગાળાના રોકાણકારોએ આ નિવેદનોથી વિચલિત થવાની જરૂર નથી. તેઓ પોતાના સ્ટૉક્સનાં ફન્ડામેન્ટલ્સ આધારિત સ્ટૉક્સ જાળવી રાખે અથવા આવા સ્ટૉક્સ કરેક્શન દરમ્યાનના ગાળામાં ખરીદતા રહે એમાં શાણપણ રહેશે. ઇન શૉર્ટ, અમેરિકાના પ્રેસિડન્ટ હાલ ભારત સરકાર, અર્થતંત્ર, વેપાર-ઉદ્યોગો, માર્કેટ્સ માટે બહુ મોટા અને મહત્ત્વના સબક આપી રહ્યા છે. એની ક્યાંક પીડા થઈ શકે, પણ આ પીડાના ઉપાય નીકળશે એ આ તમામ અસરગ્રસ્ત વર્ગ માટે આશીર્વાદ રૂપ બની શકશે. અલબત્ત, આ દિશામાં દેશ સાથે તમામ વેપાર-ઉદ્યોગ સહિત દરેક વર્ગે સહયોગ-ટેકો આપવો જોઈશે. ભારત સામે આ પડકાર તકમાં ફેરવવા જેવો છે. વિવિધ અગ્રણી ઉદ્યોગપતિઓએ ટ્રમ્પના રવૈયાની સામે નારાજગી બતાવી છે અને ભારત સરકારની નીતિને બિરદાવી છે.
ADVERTISEMENT
ટ્રમ્પ ભલે ભારત વિરુદ્ધ આડેધડ નિવેદનો કરતા રહે, ભારતીય શૅરબજારનો લાંબા ગાળાનો ટ્રેન્ડ તેજીતરફી રહેવાની શક્યતા ઊંચી છે. ટ્રમ્પનાં તોફાની નકારાત્મક નિવેદનોના સમયમાં ભારતીય શૅરબજારમાં પાંચ કંપનીઓ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી હતી અને તેમણે રોકાણકારો પાસેથી આશરે અઢી લાખ કરોડ રૂપિયા બિડ્સમાં મેળવ્યા હતા. આ ઉપરાંત હજી પણ IPOની કતાર તો છે જ. આ સાથે સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)ના IPO પણ આવતા જાય છે જે માર્કેટના મૂડને પ્રદર્શિત કરે છે. બાય ધ વે, ટૅરિફ-પ્રકરણ સ્ટૉક માર્કેટને બહુ અસર કરે એવી શક્યતા ઓછી છે. હા, સેન્ટિમેન્ટ પર અસર રહેવાને લીધે માર્કેટનું જોર ઢીલું પડી શકે. બાકી ઇકૉનૉમી એકંદરે મજબૂત છે.
મૉર્ગન સ્ટૅનલીના બે ભિન્ન મત
આ સંજોગોમાં ગ્લોબલ બ્રોકરેજ સંસ્થા મૉર્ગન સ્ટૅનલીએ ભારતીય સ્ટૉક માર્કેટ માટે ઊંચા આશાવાદની જાહેરાત સાથે ૨૦૨૬ના મધ્ય ભાગ સુધીમાં બુલિશ ટ્રેન્ડમાં સેન્સેક્સ એક લાખના લેવલે પહોંચવાની આગાહી વ્યક્ત કરી છે. આ વૈશ્વિક કંપનીએ આ માટેનાં ટ્રિગરરૂપ કારણો પણ આપ્યાં છે. મૉર્ગન સ્ટૅનલી ઇન્ડિયાએ શૅરબજાર વધવા માટે મજબૂત પરિબળો હાજર હોવાનો દાવો કરતાં કહ્યુ છે કે ભારતીય માર્કેટમાં નવી ઊંચાઈ માટે તૈયાર રહો. તેમણે આગામી દાયકાઓમાં ભારત ગ્લોબલ ક્ષેત્રે પોતાનું સ્થાન મજબૂત બનાવશે એવી આશા દર્શાવી હતી. આ માટે વસ્તીવૃદ્ધિ, મૅક્રો સ્ટેબિલિટી, અસરકારક પૉલિસી, બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાહસિકોનો વધતો જતો વર્ગ અને સામાજિક માળખામાં થતા સુધારા જેવાં ફન્ડામેન્ટલ્સને કારણભૂત ગણાવ્યાં છે.
જોકે મૉર્ગન સ્ટૅનલીએ ભારતના અમેરિકા સાથેના વેપાર-કરારની વાત પણ કરી છે, જેમાં સારી ડીલ્સની અસરે ક્યાંક બુલિશ ટ્રિગર બનવાની આશા પણ દર્શાવી છે, જ્યારે કે હાલ આ મામલે વિવાદો ચાલી રહ્યા છે. તેમણે મૂડીખર્ચ વધવાની, લોન-બુકનું કદ વધવાની, ચીન સાથે પણ વેપાર સુધરવાની ધારણા વ્યક્ત કરી છે.
આ આશાવાદમાં ક્રૂડના ભાવ નીચે જવાની અને ખાનગી મૂડીરોકાણ વધવાની અને રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો કરે એવી અપેક્ષા પણ સામેલ છે. જોકે મૉર્ગન સ્ટૅનલી ક્યાંક એની આગાહીમાં ઢીલી પડતી હોય એમ કહે છે કે સેન્સેક્સ એક લાખ થવાની શક્યતા ૩૦ ટકાની છે અથવા એ ૮૯,૦૦૦ના લેવલ સુધી પહોંચી શકે એમ પણ બને. માર્કેટમાં મંદીનો તબક્કો રહ્યો તો સેન્સેક્સ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૭૦,૦૦૦ થવાની ૨૦ ટકા સંભાવના છે એમ પણ એણે સ્પષ્ટ કર્યું છે. એમાં ક્રૂડના ઊંચા ભાવ, રિઝર્વ બૅન્કની કડક નાણાનીતિ વગેરે જેવાં પરિબળો કામ કરશે. મૉર્ગનના મતે સેન્સેક્સ એકાદ વર્ષમાં ૧૦-૧૧,૦૦૦ પૉઇન્ટ નીચે જવાની શક્યતા છે અને સંજોગો બુલિશ બન્યા તો સેન્સેક્સ ૧૫-૨૦,૦૦૦ પૉઇન્ટ ઉપર પણ જઈ શકે. આમ મૉર્ગન સ્ટૅનલીએ બે જુદા-જુદા તબક્કાના મત પ્રગટ કરીને એવો ઇશારો કર્યો છે કે ગ્લોબલ લેવલે કુછ ભી હો સકતા હૈ. અર્થાત્ અનિશ્ચિતતા હજી ઊભી જ ગણાય. જોકે સૌથી મોટું પરિબળ ટ્રમ્પ નામના તરંગી પ્રેસિડન્ટનું છે.
ટ્રમ્પનાં સ્ટેટમેન્ટ સેન્ટિમેન્ટ બગાડતાં રહ્યાં
ગયા સપ્તાહનાં ટ્રમ્પનાં સ્ટેટમેન્ટે બજાર વધુ બગાડ્યું હતું અને બુધવારે રિઝર્વ બૅન્કની રેટકટ વિનાની પૉલિસી-જાહેરાતને પગલે માર્કેટમાં કરેક્શન આગળ વધ્યું હતું. ગુરુવારે માર્કેટમાં અપેક્ષિત કરેક્શન ચાલુ રહ્યું, કેમ કે ટ્રમ્પે નવાં આક્રમણ કર્યાં. ભારત પરની ટૅરિફ ડબલ કરી દેવાની અને વધુ આકરાં પગલાં ભરવાની જાહેરાત પણ કરી. એની ભારતના નાના-મધ્યમ એકમો પર અસર થયા વિના રહી શકે નહીં. ક્રાઇસિસ નહીં તોય ચોક્કસ ગંભીર અસર ટૂંકા ગાળા માટે પડશે ખરી. એને પરિણામે માર્કેટનો કરન્ટ ટ્રેન્ડ ખરડાશે, અટવાશે અને રોકાણકારોમાં કન્ફ્યુઝન ઊભાં થશે એ નક્કી છે. શૅરબજારનાં સેન્ટિમેન્ટ પર ટ્રમ્પની ડબલ ટૅરિફની અસર પડી હતી, ખાસ કરીને ટેક્સટાઇલ્સ, લેધર, જેમ-જ્વેલરીની નિકાસ પર વધુ અસર થવાની શક્યતા છે. અત્યારના અંદાજ મુજબ ભારતની અમેરિકા ખાતે થતી પચાસેક ટકા નિકાસને અસર થશે. આની અસર સ્ટૉક માર્કેટ પર ટૂંક સમય માટે થશે, લાંબી નહીં એવું નિષ્ણાતો માને છે. જેના સમર્થનમાં સેન્સેક્સ ગુરુવારે ૬૦૦ પૉઇન્ટના કરેક્શન બાદ ૮૦,૦૦૦ નીચે ઊતરીને પાછો ફરી રિકવરી સાથે ૮૦,૦૦૦ ઉપર બંધ થયો હતો. આ રિકવરીના સંકેત સમજવા જેવા ગણાય. જોકે શુક્રવારે ટ્રમ્પનાં આક્રમક નિવેદનોની અસરે બજાર ફરી ભારે તૂટ્યું હતું. આમ હાલ તો બજાર માટે ટ્રમ્પ નામનું પરિબળ જ વધુ અસર કરી રહ્યું છે. આમાં બજારની ચરબી ક્યાંક ઊતરી રહી હોવાનું પણ ગણાય છે જે એની તંદુરસ્તી માટે સારી બાબત બનશે.
નાણાનીતિના સંકેત
આ વખતની નીતિમાં ભલે રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કોઈ કાપ ન મૂક્યો, પરંતુ આગામી વર્ષનું આઉટલુક સારું દર્શાવ્યું છે. અગાઉ એણે અનિશ્ચિતતાના માહોલને લીધે ગ્રોથરેટ જાળવી રાખ્યો હતો, જ્યારે કે આ નીતિમાં એણે વર્ષ ૨૦૨૭ માટે ગ્રોથ રેટ વધારીને ૬.૬ ટકા દર્શાવ્યો છે જે ૨૦૨૬ના ૬.૫ ટકા કરતા ઊંચો છે. મોંઘવારીદરનો અંદાજ પણ નીચો મુકાયો છે. રિઝર્વ બૅન્ક હાલ ઊંચી પ્રવાહિતા ઉપલબ્ધ રાખવા માગે છે, જેથી આર્થિક વિકાસને વેગ માટે ટેકો મળી શકે. દરમ્યાન માર્કેટની નજર મોદીની ચીનની મુલાકાત પર પણ રહેશે. ટ્રમ્પ જે કામ બૂમાબૂમ કરીને રહ્યા છે એની સામે મોદી ધીરજ અને કુનેહથી કામ કરી રહ્યા છે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
SEBIએ નૅશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX)ને ઇક્વિટી ટ્રેડિંગ શરૂ કરાવવા મંજૂરી આપી છે.
અદાણી ગ્રુપ પણ હવે સાઇબર સિક્યૉરિટી ક્ષેત્રે ઝંપલાવી રહ્યું છે. એ માટે એણે અદાણી સાઇબર સિક્યૉરિટી નામની કંપની સ્થાપી છે.
તાતા કૅપિટલે ૧૭ હજાર કરોડ રૂપિયાના IPO માટેની તૈયારી આરંભી દીધી છે.
ટ્રમ્પની ભારત સાથે વાટાઘાટ કરવાની પણ ના : વેઇટ ઍન્ડ વૉચ
એક અહેવાલ મુજબ ટ્રમ્પે જ્યાં સુધી ટૅરિફનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી ભારત સાથે વેપાર-વાટાઘાટ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. બીજી બાજુ અમેરિકન ટીમ આ મહિનાના અંતમાં ભારત આવી રહી છે. ભારતે ટ્રમ્પની ધમકીઓનો કોઈ પ્રતિભાવ ન આપતાં અને રશિયા સાથે વેપાર ચાલુ રાખતાં તેમ જ કૃષિ અને ડેરી સેક્ટરના વિષયમાં અમેરિકા સામે નમતું નહીં ઝૂકતાં ટ્રમ્પનો અહંકાર ચરમસીમાએ પહોંચ્યો છે અને ભારત પર દબાણ વધારવા તેમણે આ અલ્ટિમેટમ આપ્યું છે. આ મામલો સ્પષ્ટ થયા બાદ બજાર સામેથી અનિશ્ચિતતાનાં વાદળો દૂર થઈ શકે.


