Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોના મિશ્ર વલણ વચ્ચે ઘરઆંગણે શૅરબજારમાં સાર્વત્રિક અને વ્યાપક ખરાબી

વિશ્વબજારોના મિશ્ર વલણ વચ્ચે ઘરઆંગણે શૅરબજારમાં સાર્વત્રિક અને વ્યાપક ખરાબી

Published : 09 December, 2025 08:56 AM | IST | Mumbai
Anil Patel

EDએ ચાર્જશીટ ફાઇલ કરતાં અનિલ અંબાણીના શૅરમાં ધબડકો : મૂડીઝ દ્વારા ક્રેડિટ રેટિંગ નેગેટિવ જાહેર થતાં ઇન્ડિગો આજે પણ ગગડશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, BSE ખાતે એક શૅર નવી ટોચે તો સામે ૬ જાતોમાં નવાં તળિયાં દેખાયાં : રોકાણકારોના પોણાસાત લાખ કરોડ રૂપિયા સાફ : EDએ ચાર્જશીટ ફાઇલ કરતાં અનિલ અંબાણીના શૅરમાં ધબડકો : મૂડીઝ દ્વારા ક્રેડિટ રેટિંગ નેગેટિવ જાહેર થતાં ઇન્ડિગો આજે પણ ગગડશે : MCX ઑલટાઇમ હાઈ બનાવી નરમ, ડ્રેજિંગ કૉર્પોરેશન ખરાબ બજારમાં ઝળકી : કાયનેસ ટેક્નો ૧૬ મહિનાના તળિયે જઈને ૫૫૯ રૂપિયા ડૂલ, ઓલા ઇલેક્ટ્રિક સતત નવા વર્સ્ટ લેવલે : સ્મૉલ બૅન્કનું લાઇસન્સ ફિનો પેમેન્ટ બૅન્ક માટે અપશુકન પુરવાર થયું

અમેરિકન ફેડની પૉલિસી-મીટિંગનું આઉટકમ ૧૦મીએ છે. ફેડરેટ ૦.૨૫ ટકાનો ઘટાડો લગભગ નક્કી મનાય છે. એશિયન બજારોએ નવા સપ્તાહની શરૂઆત મિશ્ર વલણમાં કરી છે, તાઇવાન તથા સાઉથ કોરિયા સવા ટકા આસપાસ, ઇન્ડોનેશિયા એક ટકા નજીક તથા ચાઇના અડધા ટકાથી વધુ પ્લસમાં બંધ થયું છે. સામે હૉન્ગકૉન્ગ સવા ટકો, થાઇલૅન્ડ એક ટકો અને સિંગાપોર અડધો ટકો નરમ હતા. યુરોપ રનિંગમાં નહીંવત્ વધઘટે અથડાયેલું જણાતું હતું. બિટકૉઇન પોણાબે ટકાના સુધારામાં ૧,૯૨,૧૨૮ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ અડધા ટકાના ઘટાડે ૬૩ ડૉલર ઉપર રહ્યું છે. 
આ માહોલ પ્રમાણે ઘરઆંગણે પણ શૅરબજાર ખરેખર તો સાંકડી વધઘટમાં બંધ થવું જોઈતું હતું, પરંતુ એના બદલે માર્કેટ બગડેલું છે. સેન્સેક્સ સોમવારે આગલા બંધથી ૮૮ પૉઇન્ટ જેવો નરમ, ૮૫,૬૨૫ નજીક ખૂલી છેવટે ૬૧૦ પૉઇન્ટ ખરડાઈ ૮૫,૧૦૩ તથા નિફ્ટી ૨૨૬ પૉઇન્ટની ખરાબીમાં ૨૫,૯૬૦ બંધ થયો છે. માર્કેટ માઇનસમાં ખૂલ્યા પછી તરત ઉપરમાં ૮૫,૭૨૩ થયું હતું અને ત્યાર પછી આખો દિવસ રેડ ઝોનમાં હતું. એમાં શૅરઆંક નીચામાં ૮૪,૮૭૫ દેખાયો હતો. ગઈ કાલની ખરાબીમાં પ્રોવિઝનલ ધોરણે માર્કેટકૅપ પોણાસાત લાખ કરોડ રૂપિયા ધોવાઈ ૪૬૪.૧૯ લાખ કરોડ જોવાયું છે. માર્કેટ બ્રેડ્થ ઘણી ખરડાઈ છે. NSEમાં વધેલા ૫૭૯ શૅર સામે ૨૫૮૦ જાતો ઘટી છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. સેન્સેક્સના ૦.૭ ટકા અને નિફ્ટીના ૦.૯ ટકા જેવા ઘટાડા સામે સ્મૉલકૅપ સવાબે ટકા, મિડકૅપ પોણાબે ટકા, બ્રૉડર માર્કેટ સવા ટકો, રિયલ્ટી સાડાત્રણ ટકા, મેટલ ઇન્ડેક્સ બે ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧૯૧૪ પૉઇન્ટ કે ૨.૮ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૮ ટકા, યુટિલિટીઝ ૨.૧ ટકા, ટેલિકૉમ અઢી ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાત્રણ ટકાથી વધુ, નિફ્ટી ડિફેન્સ સૌથી ઓછો, અડધો ટકો નરમ હતો, બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા ઘટ્યો છે. 
ફેક બૅન્ક ગૅરન્ટીના મામલે ED તરફથી ચાર્જશીટ ફાઇલ થતાં અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૪૭ની ૩ જૂન ૨૦૨૪ પછીની બૉટમ બતાવી ત્યાં જ બંધ થઈ છે. રિલાયન્સ પાવર ૩૫.૧૦ થઈ ૬ ટકાના અંધારપટમાં ૩૫.૪૩ હતી. બજાર બંધ થયા પછી મૂડીઝ તરફથી ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશનનું ક્રેડિટ રેટિંગ નેગેટિવ જાહેર કરાયું છે. મતલબ કે ઇન્ડિગોનો શૅર આજે પણ તૂટશે. ડેક્કન ગોલ્ડ માઇન્સ ૬૦૧ શૅરદીઠ ૧૫૦ શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૮૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં આજે એક્સ-રાઇટ થવાની છે. ભાવ ગઈ કાલે સાડાસાત ટકા તૂટી ૧૦૫ બંધ થયો છે.



ખરાબ બજારમાં સરકારની ડ્રેજિંગ કૉર્પોરેશન ૩૦ ગણા વૉલ્યુમે ૧૦૪૩ના શિખરે જઈને સવાચૌદ ટકા કે ૧૨૫ રૂપિયાની તેજીમાં ૧૦૦૨ બંધ આવી છે. દ્રોણાચાર્ય એરિયલ બમણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૪ વટાવી ગઈ છે. BSE ખાતે ભાવની રીતે ગઈ કાલે ૮૮ શૅર એક વર્ષ કે એથી વધુ સમય ગાળાની રીતે નવી ઊંચી સપાટીએ ગયા છે તો સામે ૫૨૭ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. નાલ્કો તેમ જ હિન્દુસ્તાન કૉપર નવી ટોચે જઈને દોઢ-પોણાબે ટકા ડાઉન થઈ છે. 


લક્ઝરી ટાઇમને લક્ઝુરિયસ રિસ્પૉન્સ, પ્રીમિયમ ઊછળીને ૧૦૪ થયું

ચાલુ સપ્તાહે ૧૩ ભરણાં નક્કી છે. એમાંથી પાંચ સોમવાર ખૂલી ગયાં છે. એમાં મેઇનબોર્ડની અમદાવાદી કોરોના રેમેડીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૬૨ રૂપિયાની અપરબૅન્ડ સાથેનો ૬૫૫ કરોડ પ્લસનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૯૦ ટકા સહિત કુલ ૬૫ ટકા તેમ જ ખોટ કરતી બેન્ગલુરુની વેકફિટ ઇનોવેશન્સનો એકના શૅરદીઠ ૧૯૫ની અપરબૅન્ડ સાથે ૧૨૮૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૨ ટકા સહિત કુલ ૧૬ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં કોરાનામાં પ્રીમિયમ ઘટીને ૨૬૦ તથા વેકફિટમાં ગગડી હાલ પાંચ ચાલે છે. SME સેગમેન્ટમાં ગુજરાતના ગોલ્ડની રિદ્ધિ ડિસ્પ્લેનો શૅરદીઠ ૧૦૦ની અપરબૅન્ડ સાથે કુલ ૨૪૬૮ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૩ ટકા, મુંબઈના અંધેરી-ઈસ્ટની પ્રોડોક્સ સૉલ્યુશન્સનો શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૨૭૬૦ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૩૫ ટકા તથા થાણેની કે. વી. ટૉયઝનો શૅરદીઠ ૨૩૯ રૂપિયાનો ૪૦૧૫ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કુલ ૧.૪ ગણો ભરાયો છે. કે. વી. ટૉયઝમાં ૫૪વાળું પ્રીમિયમ વધીને હાલ ૮૦ રૂપિયા બોલાય છે. રિદ્ધિમાં એક રૂપિયો તથા પ્રોડોક્ટસમાં ઝીરો છે.


ગઈ કાલે નવી દિલ્હીની લક્ઝરી ટાઇમનો ૧૦ના શૅરદીઠ ૮૨ના ભાવનો ૧૮૭૪ લાખનો BSE SME IPO એના આખરી દિવસે રીટેલમાં ૮૫૧ ગણા સહિત કુલ ૬૩૧ ગણા પ્રતિસાદમાં તથા અંબાલાની વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી અબ્રૉડનો ૧૦ના શૅરદીઠ ૫૬ના ભાવનો ૧૦૦૭ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં અઢી ગણા સહિત કુલ દોઢેક ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. લક્ઝરી ટાઇમમાં ૮૦વાળું પ્રીમિયમ ઊછળીને હાલ ૧૦૪ અને વેસ્ટર્ન ઓવરસીઝમાં છેલ્લે ૧૧થી શરૂ થયેલું પ્રીમિયમ ઝીરો રૂપિયા બોલાય છે.

શુક્રવારે જે ૩ SME IPO ખૂલ્યા હતા એમાં બીજા દિવસના અંતે બેન્ગલુરુની મેથડહબ સૉફ્ટવેરનો ૧૦ના શૅરદીઠ ૧૯૪ના ભાવનો ૧૦૩ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૩ ગણો, મુંબઈના ગોરેગામની સ્કેલ સૉસ અત્ એન્કમ્પાસ ડિઝાઇન ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૦૭ના ભાવનો ૪૦૨૧ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૨૨ ટકા અને ગુરુગ્રામની ફ્લાવિંગ્સ સિમ્યુલેટર ટ્રેઇનિંગ સેન્ટરનો ૧૦ના શૅરદીઠ ૧૯૧ના ભાવનો ૫૭૦૫ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૮૪ ટકા ભરાઈ ચૂક્યો છે. હાલ મેથડહબમાં ૨૩ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. 

રાવલકૅરમાં ૪૭ ટકા લિસ્ટિંગ ગેઇન, ઍસ્ટ્રોનનું નબળું લિસ્ટિંગ

ગઈ કાલે પાંચ SME ઇશ્યુનું લિસ્ટિંગ થયું છે જેમાં મુંબઈના મલાડ ખાતેની રાવલકૅર લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૪થી શરૂ થઈને ૮૦ થયા બાદ છેલ્લા ૭૫ના પ્રીમિયમ સામે ૨૦૧ ખૂલી ૧૯૧ બંધ થતાં ૪૬.૯ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મુંબઈના સાયનની સિન્ધિ કૉલોની ખાતેની ક્લિયર સિક્યૉર્ડ સર્વિસિસ શૅરદીઠ ૧૩૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૧થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૩ના પ્રીમિયમ સામે ૧૧૯ ખૂલી ૧૧૩ બંધ થતાં ૧૪.૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. મહારાષ્ટ્રના પનવેલ ખાતેની સ્પેબ એધેસિવ્સ શૅરદીઠ ૫૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૦ ખૂલી ૫૭ બંધ થતાં એમાં દોઢ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના ડિલાઇલ રોડની ઇન્વિકટા ડાયગ્નોસ્ટિક્સ શૅરદીઠ ૮૫ની ઇશ્યુ પ્રાઇસ તથા એક દિવસ માટે બોલાયેલા ૩ રૂપિયાના પ્રીમિયમ બાદ ઝીરો થઈ ગયેલા રેટ સામે ૧૦૦ ખૂલી ૯૭ બંધ રહેતાં ૧૩.૮ લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગુજરાતના ગોંડલ ખાતેની ઍસ્ટ્રોન મલ્ટિગ્રેઇન શૅરદીઠ ૬૩ની ઇશ્યુ પ્રાઇસ તથા એક દિવસ માટે જ ૧૨ રૂપિયા થઈ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૫૦ ખૂલી ૪૮ બંધ આવતાં એમાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.

અમદાવાદની નિયોકેમ બાયો સૉલ્યુશન્સ તથા નવી દિલ્હીની હેલ્લોજી હૉલિડેઝનું લિસ્ટિંગ આજે થવાનું છે. હાલ નિયોકેમમાં ૧૦ રૂપિયા અને હેલ્લોજીમાં ૯ રૂપિયાનું પ્રીમિયમ છે. 

રિલાયન્સની સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સનમાં ૫૮ મહિનાની નીચી સપાટી

ફિનો પેમેન્ટ બૅન્કને રિઝર્વ બૅન્ક તરફથી સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક તરીકે કામકાજ કરવાનું લાઇસન્સ મળ્યુ છે. શૅર ૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૨૫ નજીક ગયા બાદ હેવી પ્રૉફિટ બુકિંગમાં ૨૭૨ થઈ ૧૧.૪ ટકા ગગડી ૨૭૯ બંધ થયો છે. વોડાફોનને AGRનાં લેણાં પેટે રાહત પૅકેજ જારી કરવામાં સરકારને સમય લાગે એવાં એંધાણ વરતાઈ રહ્યાં છે. આથી શૅર નીચામાં ૧૦.૨૨ બતાવી ૪.૭ ટકા બગડી ૧૦.૨૯ બંધ રહ્યો છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની આર્થિક સધ્ધરતા વિશે બ્રોકરેજ હાઉસ દ્વારા શંકા વ્યક્ત થતાં શૅર ૫૨૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૪.૨ ટકા ખરડાઈ ૫૩૦ રહ્યા છે.

નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ વર્કસને ન્યુ મૅન્ગલોર પોર્ટ ઑથોરિટી તરફથી પાંચ વર્ષ માટે ૧૦૬૬ લાખ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે એમાં ભાવ ૩૨૩૦ની સર્વોચ્ચ સપાટી બનાવી અઢી ટકા ઊછળી ૩૧૧૪ બંધ આવ્યો છે. મુંબઈના ગોવંડી-ઈસ્ટ ખાતેની આ કંપની માર્ચ ૨૦૨૧માં ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવથી ૧૦૧૨ લાખનો BSE SME IPO લાવી હતી. IT કંપની લેટેન્ટ વ્યુ ૪૩ ગણા કામકાજે ૫૧૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૦.૬ ટકા ઊછળી ૪૯૮ થઈ છે. તો ડાયનેસ ટેક્નૉલૉજીઝમાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી હાર્ડ હિટિંગ રિપોર્ટ જારી થવાના પગલે ભાવ નીચામાં ૩૭૪૬ થઈ પોણાતેર ટકા કે ૫૫૯ રૂપિયા તૂટી ૩૭૯૯ બંધ થયો છે. શૅર સપ્તાહમાં ૩૦ ટકા અને મહિનામાં ૪૦ ટકા ધોવાયો છે.

ઓલા ઇલેક્ટ્રિક નવા તળિયાની શોધમા ૩૩.૬૫ની ઑલટાઇમ બૉટમ બતાવી ૩.૬ ટકા લથડી ૩૪ બંધ થયો છે. MCX ૧૦,૫૧૫ની સર્વોચ્ચ સપાટી નોંધાવી દોઢ ટકાની નરમાઈમાં ૧૦,૧૮૬ બંધ આવ્યો છે. બજાજ હાઉસિંગ ૯૩ની સૌથી નીચી સપાટી દેખાડી ૧.૯ ટકા ગગડી ૯૪ રહ્યા છે. રિલાયન્સ જેમાં ૩૨.૫ ટકા હોલ્ડિંગ સાથે મુખ્ય પ્રમોટર છે એ સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સન ૪ ગણા કામકાજમાં ૨૦૨ની ૫૮ મહિનાની બૉટમ બનાવી ૮ ટકા તૂટી ૨૦૩ રહી છે. ૨૦૨૪ની પહેલી મેએ શૅર ૮૨૮ની વિક્રમી સપાટીએ હતો. 

સેન્સેક્સમાં ૩, નિફ્ટીમાં માત્ર ૪ શૅર સુધર્યા, બાકી બધું માઇનસ

ઇન્ડિગોની હાલત દિવસે-દિવસે પતલી થઈ રહી છે. શૅર ગઈ ખાલે ભારે વૉલ્યુમ સાથે નીચામાં ૪૮૪૨ થઈ ૮.૩ ટકા કે ૪૪૭ રૂપિયાના કડાકામાં ૪૯૨૩ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ૧૮ ઑગસ્ટના રોજ શૅર ૬૨૨૫ના સર્વોચ્ચ શિખરે હતો. ઇન્ડિગોની હરીફ સ્પાઇસ જેટ ૮ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૩૫.૫૦ થઈ ૪.૫ ટકાની મજબૂતીમાં ૩૨.૫૦ થઈ છે. ડિફેન્સ કંપની ભારત ઇલેક્ટ્રૉનિક્સ બમણા કામકાજે પાંચ ટકા ખરડાઈ ૩૮૬ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની છે. ઝોમાટો ફેમ એટર્નલમાં બ્લૉકડીલ મારફત ૧૫૫૩ કરોડનો માલ વેચાણમાં આવતાં ભાવ નીચામાં ૨૮૪ થઈ અઢી ટકા ગગડી ૨૮૫ રહ્યો છે. હરીફ ​સ્વિગી પણ બે ટકા બગડી ૩૮૬ હતી. તાતાની ટ્રૅન્ટ ૪૦૭૫ની ૧૯ મહિનાની નવી બૉટમ દેખાડી ૨.૪ ટકાની ખરાબીમાં ૪૦૯૧ થઈ છે. અન્યમાં બજાજ ફિનસર્વ પોણાબે ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૧ ટકા, તાતા સ્ટીલ સવાબે ટકા, અદાણી પોર્ટસ બે ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, પાવરગ્રીડ ૧.૭ ટકા, JSW સ્ટીલ ૩.૭ ટકા, શ્રીરામ ફાઇ. ૨.૪ ટકા, નેસ્લે અઢી ટકા, જિયો ફાઇ. ૨.૨ ટકા, મેક્સ હેલ્થકૅર ૧.૬ ટકા, સિપ્લા દોઢ ટકા ડાઉન હતી. અદાણી એન્ટર. સવાબે ટકા ખરડાઈ ૨૨૧૫ બંધ હતો. તાતા મોટર પૅસેન્જર દોઢ ટકા ઘટી ૩૪૮ રહી છે, તાતા મોટર સાધારણ સુધારામાં ૩૬૦ હતી.

સેન્સેક્સના ૩૦માંથી ૩ અને નિફ્ટીના ૫૦માંથી ૪ વધેલા શૅરમાં ટેક મહિન્દ્ર ૧.૪ ટકા સુધરી ૧૫૯૨ બંધમાં બેસ્ટ ગેઇનર બની છે. રિલાયન્સ નહીંવત્, વિપ્રો અડધો ટકા પ્લસ તો HDFC ફ્લૅટ બંધ હતી. TCS નહીંવત્ નરમ હતી. ઇન્ફી ૦.૪ ટકા ઘટી છે. ભારતી ઍરટેલ, લાર્સન, કોટક મહિન્દ્ર બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, NTPC, ટાઇટન, એશિયન પેઇન્ટસ, અપોલો હૉસ્પિટલ્સ, ONGC જેવી જાતો એકથી સવા ટકા આસપાસ નરમ હતી. હીરો મોટોકૉર્પ નીચામાં ૬૧૪૫ થઈ ૩ ટકા કે ૧૮૮ રૂપિયા ઘટી ૬૧૬૩ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2025 08:56 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK