રોકાણકારોનો ડિજિટલ ઍસેટ્સ માર્કેટમાં વિશ્વાસ વધ્યો હોવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિનો દોર આગળ વધ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારોનો ડિજિટલ ઍસેટ્સ માર્કેટમાં વિશ્વાસ વધ્યો હોવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિનો દોર આગળ વધ્યો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ સોમવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૩૫ ટકા (૪૬૩ પૉઇન્ટ) વધીને ૩૪,૯૦૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૪,૪૪૪ ખૂલીને ૩૪,૯૩૪ની ઉપલી અને ૩૪,૦૬૭ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ચેઇનલિન્ક ૬.૬૦ ટકા વધ્યો હતો. ત્યાર બાદ લાઇટકૉઇન, સોલાના, બીએનબી અને બિટકૉઇનનો ક્રમ હતો.
દરમ્યાન, નૅશનલ બૅન્ક ઑફ કઝાખસ્તાને દેશની સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) - ડિજિટલ ટેન્ગેનો અમલ કરવા માટે નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશનની રચના કરી છે. બીજી બાજુ, જપાની સરકાર સ્ટાર્ટઅપ્સ માટે નવી યોજના લઈ આવવાનું વિચારી રહી છે. સ્ટાર્ટઅપ્સ પોતાના રોકાણકારોને સ્ટૉક્સ આપવાને બદલે ક્રિપ્ટોકરન્સી ઇશ્યુ કરી શકે એવી એ યોજના હશે.
અન્ય એક અહેવાલ મુજબ જર્મનીમાં બ્લૉકચેઇન ક્ષેત્રે વર્ષ ૨૦૨૩માં વેન્ચર કૅપિટલ ફન્ડિંગ વર્ષાનુવર્ષ ધોરણે ૩ ટકા વધીને સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.