BSE લિમિટેડ સતત ૫ાંચમા દિવસે ડાઉન, MCX નવા શિખર ભણી : બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં ભળતી તેજી વચ્ચે શિપિંગ શૅરોમાં નબળાઈ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
BSE લિમિટેડ સતત ૫ાંચમા દિવસે ડાઉન, MCX નવા શિખર ભણી : બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં ભળતી તેજી વચ્ચે શિપિંગ શૅરોમાં નબળાઈ : જૈનિક પાવર કેબલ્સમાં લિસ્ટિંગની સાથે જ ઇન્વેસ્ટર્સની પચીસ ટકા મૂડી સાફ થઈ : કાંદિવલીની ઇનફ્લક્સ હેલ્થટેક શૅરદીઠ ૯૬ની અપર બૅન્ડ સાથે આજે મૂડીબજારમાં ; ટેક મહિન્દ્ર સતત ૧૦મા દિવસે વધીને બંધ બજારમાં ટૉપ ગેઇનર બની : મેટલ ઇન્ડેક્સના તમામ ૧૨ શૅર ડાઉન, બૅન્કિંગના ૪૧માંથી ૯ શૅર સુધર્યા : સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ સપ્તાહમાં ૪૯ ટકા વધી ગયો
સેન્સેક્સ મંગળવારે આગલા બંધથી ૭૩ પૉઇન્ટના સુધારે ૮૧,૮૬૯ ખૂલી છેવટે ૨૧૩ પૉઇન્ટની પીછેહઠમાં ૮૧,૫૮૩ અને નિફ્ટી ૯૩ પૉઇન્ટની નરમાઈમાં ૨૪,૮૫૩ બંધ થયો છે. ખૂલતાની સાથે ઉપરમાં ૮૧,૮૯૦ બતાવી શૅરઆંક તરત માઇનસ ઝોનમાં સરી પડ્યા બાદ આખો દિવસ ઘટાડામાં હતો જેમાં નીચામાં ૮૧,૪૨૭ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના સાધારણ ઘટાડા સામે નિફ્ટી ફાર્મા બે ટકા નજીક, હેલ્થકૅર ઇન્ડેક્સ પોણાબે ટકાથી વધુ, મેટલ ઇન્ડેક્સ સવા ટકો, ઑઇલ-ગૅસ એક ટકા નજીક, એનર્જી બેન્ચમાર્ક પોણો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણા ટકા નજીક ડાઉન હતા. આઇટી સિવાયનાં તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલી ૯૩૮ જાતો સામે ૧૯૪૬ શૅર ઘટ્યા હતા. બજારનું માર્કેટકૅપ ૨.૫૮ લાખ કરોડ રૂપિયા ઘટી ૪૪૭.૯૧ લાખ કરોડ નોંધાયું છે. જૈનિક પાવર કેબલ્સ શૅરદીઠ ૧૧૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૨ ખૂલી ઉપરમાં ૮૬ થયા બાદ ૮૨ પ્લસ બંધ રહેતાં અત્રે લગભગ પચીસ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. ઝોડિઍક જેઆરડી મકનજી બીજા દિવસની ખરાબીમાં પોણાદસ ટકા ગગડી ૫૯ બંધ આવી છે. પ્રિન્સ પાઇપ્સ વૉલ્યુમ સાથે સવાછ ટકા ખરડાઈ ૩૫૯ રહી છે. વિશાલ મેગામાર્ટમાં પ્રમોટર્સ બ્લૉકડીલ મારફત આશરે ૨૦ ટકા કે ૧૦,૪૨૨ કરોડનો માલ વેચ્યો હોવાની ચર્ચા વચ્ચે નીચામાં ૧૧૫ થઈ શાર્પ બાઉન્સબૅકમાં ૧૩૦ નજીક જઈ દોઢ ટકો વધી ૧૨૭ બંધ થયો છે. એશિયા ખાતે મિશ્ર વલણમાં જપાન, સિંગાપોર, તાઇવાન, ઇન્ડોનેશિયા અડધો-પોણો ટકો અપ હતાં. અન્યત્ર નહીંવત્થી સાધારણ ઘટાડો નોંધાયો છે. યુરોપ રનિંગમાં અડધાથી પોણા ટકો નરમ હતું. બિટકૉઇન રનિંગમાં એક ટકો ઘટી ૧,૦૫,૭૬૧ ડૉલર તથા બ્રેન્ટ ક્રૂડ બે ટકા વધી ૭૫ ડૉલર નજીક ચાલતું હતું.
ADVERTISEMENT
અખાતી વૉરને લઈ બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં જબરો ઉછાળો
ઈરાન-ઇઝરાયલ વૉરના પગલે જહાજી નૂરભાડાંનો માપદંડ મનાતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જે ૨૭ મેએ ૧૨૯૬ હતો એ શાર્પ જમ્પ મારી હાલ ૧૯૭૫ વટાવી ગયો છે. મતલબ કે જહાજીભાડાં જબરા વધી ગયાં છે. નિકાસકારો માટે આ માઠા સમાચાર છે. શિપિંગ શૅરોમાં નરમાઈ દેખાવા માંડી છે. ગઈ કાલે શિપિંગ કૉર્પોરેશન સવાઆઠ ટકા, જીઈ શિપિંગ ત્રણ ટકા, ટ્રાન્સવર્લ્ડ સાડાચાર ટકા, શાહી શિપિંગ સાડાછ ટકા ખરડાઈ છે. એસ્સાર શિપિંગ પોણાબે ટકા ડાઉન હતી. આ યુદ્ધના કારણે કેટલીક ડિફેન્સ કંપનીઓની ઑર્ડર બુકમાં વધારો થવાની ગણતરી રખાય છે. એથી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૯ શૅરના સથવારે ૦.૪ ટકા વધ્યો છે. માઝગાવ ડોક સાડાચાર ટકા, ગાર્ડન રિચ સાડાત્રણ ટકા, સિકા ઇન્ટર પ્લાન્ટ સવાછ ટકા, અપોલો માઇક્રો સવાત્રણ ટકા, ઍક્સિસ ડેકસ પાંચ ટકા, ડેટા પેટર્ન્સ દોઢ ટકો, ભારત ડાયનેમિક્સ એક ટકો, સોલર ઇન્ડસ્ટ્રીઝ એક ટકાની નજીક વધ્યા હતા.
આઇટી બેન્ચમાર્ક સુધારાની આગેકૂચમાં ૫૯માંથી ૨૭ શૅરની હૂંફમાં અડધા ટકાથી વધુ પ્લસ થયો છે. હેપ્પીએસ્ટ માઇન્ડ ૭ ગણા કામકાજે ૧૧ ટકાની તેજીમાં ૬૬૮ બંધ આપી અત્રે ટૉપ ગેઇનર હતી. ઇન્વેન્ચર્સ નૉલેજ સૉલ્યુશન ૧૧૧ રૂપિયા કે સાડાછ ટકા વધી છે. તાન્લા પ્લૅટફૉર્મ તરફથી શૅરદીઠ ૮૭૫ રૂપિયાના ભાવે બાયબૅક જાહેર થતાં શૅર સાડાત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૭૦૮ વટાવી છેવટે ૩ ટકા ઊચકાઈ ૬૭૬ બંધ થયો છે. સામે રામકો સિસ્ટમ્સ પાંચ ટકા, સુબેક્સ પાંચ ટકા નજીક, નેલ્કો સાડાત્રણ ટકા, ક્વિક હીલ સાડાત્રણ ટકા, મેગ્લેનિક કલાઉડ પોણાચાર ટકા ગગડી હતી. સ્ટરલાઇટ ટેક્નૉ તેજીની ચાલ આગળ ધપાવતાં સવાતેર ટકા ઊછળી ૧૧૨ વટાવી ગઈ છે. તાતા ટેલિ ચાર ટકા અને HFCL ત્રણ ટકા ખરડાઈ હતી.
મેટલ ઇન્ડેક્સ તમામ ડઝન શૅરની નબળાઈમાં સવા ટકો પિગળ્યો છે. હિન્દુસ્તાન ઝિન્ક જંગી કેપેક્સની જાહેરાતમાં સવાપાંચ ટકા તૂટી ૪૮૬ બંધ રહી છે. જિંદલ સ્ટીલ સવાત્રણ ટકા, NMDC પોણાત્રણ ટકા, જિંદલ સ્ટેનલેસ પોણાબે ટકા, સેઇલ દોઢ ટકો, હિન્દુસ્તાન કૉપર ચારેક ટકા ડૂલ થઈ હતી.
ખોટ કરતી એરિસઇન્ફ્રા આજે ૪૯૯ કરોડનો ઇશ્યુ લાવશે
HDFC બૅન્કની સબસિડિયરી HDB ફાઇનૅન્સ સર્વિસિસનો ૧૨,૫૦૦ કરોડનો મેગા ઇશ્યુ ટૂંકમાં અપેક્ષિત છે જેમાંથી ઑફર ફૉર સેલ પેટે ૧૦ હજાર કરોડ HDFC બૅન્કને મળશે. શૅરની ફેસવૅલ્યુ ૧૦ની છે. ઇશ્યુ પ્રાઇસ અને તારીખ હજી જાહેર થયાં નથી, પરંતુ જાણકારોના મતે પ્રાઇસ બૅન્ડ ૭૫૦થી ૮૦૦ જેવી હશે. ઇશ્યુ ૨૪ જૂન આસપાસ ખૂલશે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયા નથી, પરંતુ સોદાની શરૂઆત ૩૫૦ જેવા પ્રીમિયમથી થવાની વાત ચર્ચાય છે. દરમ્યાન આજે, બુધવારે મુંબઈના કુર્લા (વેસ્ટ) ખાતેની એરિસઇન્ફ્રા સૉલ્યુશન્સ બેના શૅરદીઠ ૨૨૨ રૂપિયાની અપર બૅન્ડમાં ૪૯૯ કરોડથી વધુનો ઇશ્યુ કરવાની છે. કપનીએ વર્ષ ૨૦૨૧-’૨૨થી ૨૦૨૩-’૨૪ના ત્રણ વર્ષમાં સતત ખોટ કરી છે અને ગત વર્ષે પ્રથમ નવ માસના ગાળામાં ૫૫૮ કરોડની આવક પર સાડાછ કરોડ નેટ નફો પ્રથમ વાર બતાવ્યો છે. કંપની સતત ખોટમાં હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા રાખવાની ફરજ પડી છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ઇશ્યુ બાદ ઘટીને ૩૭.૫ ટકા થઈ જશે. આ પણ એક નેગેટિવ ફૅક્ટર છે. કંપનીનું દેવું ૩૨૩ કરોડનું છે. નેટવર્ષ ૫૨નું રીટર્ન નેગેટિવ છે. ગત વર્ષના પ્રથમ નવ માસનાં પરિણામ પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૦૭ જેટલો ઊંચો પીઈ સૂચવે છે. રોકાણ કરવું એ બેશક જોખમી છે. ભરણામાં ફેન્સી જમાવવા હાલ ગ્રે માર્કેટમાં પચીસનું પ્રીમિયમ ચલાવાઈ રહ્યું છે.
દરમ્યાન ઓસવાલ પમ્પ્સનો એકના શૅરદીઠ ૬૧૪ની અપર બૅન્ડવાળો ૧૩૮૭ કરોડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૨૮.૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૬૩ જેવું છે. નવી દિલ્હીની એપ્પલટોન એન્જી.નો ૧૦ના શૅરદીઠ ૧૨૮ના ભાવનો ૪૩૯૬ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે આઠ ગણાથી વધુ છલકાઈ જતાં પ્રીમિયમ વધીને ૬૫ થયું છે. પાટીલ ઑટોમેશનનો ઇશ્યુ બીજા દિવસના અંતે ૨.૩ ગણો તથા સમય પ્રોજેક્ટ સર્વિસિસનો ઇશ્યુ લગભગ બે ગણો ભરાયો છે. જ્યારે અમદાવાદી એટેન પેપર્સ કુલ દોઢ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પાટીલ ઑટોમેશનમાં પ્રીમિયમ વધીને ૨૪ થયું છે. કાંદિવલી (વેસ્ટ)ની ઇનફલક્સ હેલ્થટેક શૅરદીઠ ૯૬ના ભાવથી ૫૮૫૭ લાખનો SME IPO આજે કરવાની છે. પ્રીમિયમ ૪૦ સંભળાય છે.
ટ્રમ્પની ફાર્મા ટૅરિફની ધમકીમાં ફાર્મા શૅરો પટકાયા
સેન્સેક્સ ખાતે વધેલા ૧૦ શૅર અને નિફ્ટી ખાતે વધેલી ૧૨ જાતોમાં ટેક મહિન્દ્ર સતત ૧૦મા દિવસની આગેકૂચમાં ઉપરમાં ૧૭૨૫ થઈ સવા ટકા કરતાં વધુની મજબૂતીમાં ૧૭૧૬ બંધ આપીને બેસ્ટ પર્ફોર્મર બન્યો છે, જ્યારે ઇન્ફોસિસ એક ટકો વધી ૧૬૪૦ના બંધમાં બજારને સર્વાધિક ૫૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. TCS અડધા ટકાથી વધુ તથા HCL ટેક્નૉ ૦.૪ ટકા અપ હતો. આ ૪ આઇટી શૅર બજારને કુલ ૮૬ પૉઇન્ટ ફળ્યા છે. અન્યમાં એશિયન પેઇન્ટ્સ ૦.૯ ટકા, મારુતિ સુઝુકી અડધો ટકો, NTPC અને HDFC લાઇફ અડધા ટકાની નજીક પ્લસ હતી.
ઈરાની હુમલામાં હાઇફા પોર્ટ અડફેટે ચડ્યું હોવાના અહેવાલ અને સબ-સલામત હોવાના અદાણી ગ્રુપના નિવેદન વચ્ચે અદાણી પોર્ટ્સ અડધો ટકો નરમ હતો, પણ અદાણી એન્ટરપ્રાઇઝ સવાબે ટકા બગડી ૨૪૮૮ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ફાર્મા ટૅરિફ ટૂંકમાં લાગુ કરવાની ટ્રમ્પની જાહેરાતથી ફાર્મામાં માનસ ખરડાયું છે. સનફાર્મા સવાબે ટકા ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા અને સિપ્લા દોઢ ટકો ડાઉન હતી. અન્યમાં ઝોમાટોવાળી એટર્નલ બે ટકા નજીક, તાતા મોટર્સ પોણાબે ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૪ ટકા, બજાજ ફીનસર્વ અને નેસ્લે સવા ટકો, ONGC પોણાબે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૭ ટકા, અપોલો હૉસ્પિટલ તથા જિયો ફાઇનૅન્સ દોઢ ટકા, ગ્રાસિમ સવા ટકો, હિન્દાલ્કો ૧.૨ ટકા, તાતા કન્ઝ્યુમર અને તાતા સ્ટીલ એક ટકો માઇનસ થઈ છે.
BSE લિમિટેડ સતત ૫મા દિવસની નરમાઈમાં નીચામાં ૨૬૨૨ બતાવી સવા ટકાના ઘટાડે ૨૬૬૪ બંધ, ઇન્ડિયન એનર્જી એક્સ. પાંખા કામકાજે પોણાબે ટકા ઘટી ૧૮૭ નીચે ગઈ છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨૦માંથી ૧૯ શૅરની ખરાબીમાં ૧.૯ ટકા બગડ્યો છે. અત્રે એકમાત્ર ઍબોટ ઇન્ડિયા અડધો ટકો સુધરી હતી. ગ્રેન્યુઅલ ઇન્ડિયા, લુપિન, નાટકો ફાર્મા, અરબિંદો ફાર્મા, અજંટા ફાર્મા, દિવીઝ લૅબ, ઝાયડ્સ લાઇફ, જીએસકે ફાર્મા, લોરસ લૅબ, એફડીસી, એસ્ટર ડીએમ, માર્કસન્સ, ગુજરાત થેમિસ, સુવેન ફાર્મા, વૉકહાર્ટ જેવી જાતો બેથી ચાર ટકા ગગડી છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૦૫માંથી ૯૫ શૅરની નબળાઈમાં ૮૦૪ પૉઇન્ટ કે ૧.૮ ટકા પટકાયો છે.

