બૅન્કનો અંદાજ છે કે વર્તમાન વર્ષના ત્રીજા ક્વૉર્ટરના અંત સુધીમાં બિટકૉઇનનો ભાવ ૧.૩૫ લાખ ડૉલર થઈ જશે અને વર્ષના અંત સુધીમાં એ બે લાખ ડૉલર સુધી પહોંચી જશે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં લેબર ડેટા ધાર્યા કરતાં નબળા આવ્યા હોવાને પગલે હવે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા વધી ગઈ છે. આ પરિબળની અસર તળે ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી આવી હતી. બિટકૉઇન ૧.૧૦ લાખ ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને માર્કેટના કુલ કૅપિટલાઇઝેશનમાં ૨.૩૭ ટકાનો વધારો થઈને આંકડો ૩.૩૯ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમ પણ ૨૬૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટીની આજુબાજુ ચાલી રહ્યો હતો. અન્ય વધેલા કૉઇનમાં એક્સઆરપી ૪.૩૦ ટકા, સોલાના ૨.૦૨ ટકા, ડોઝકૉઇન અને કાર્ડાનો ૬-૬ ટકા સાથે સામેલ હતા.
આ તેજીમાં ઉમેરો કરનારું વધુ એક પરિબળ એટલે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કે બિટકૉઇનના ભાવ વિશે કરેલી આગાહી. આ બૅન્કનો અંદાજ છે કે વર્તમાન વર્ષના ત્રીજા ક્વૉર્ટરના અંત સુધીમાં બિટકૉઇનનો ભાવ ૧.૩૫ લાખ ડૉલર થઈ જશે અને વર્ષના અંત સુધીમાં એ બે લાખ ડૉલર સુધી પહોંચી જશે. બીજી બાજુ, ડોનલ્ડ ટ્રમ્પે વિયેતનામ સાથે વેપાર કરાર કરી લેતાં ક્રિપ્ટો માર્કેટમાં માહોલ સુધર્યો છે.
ADVERTISEMENT
દરમ્યાન, એક્સઆરપી ટોકનની નિર્માતા રિપલે અમેરિકામાં રાષ્ટ્રીય બૅન્કિંગ લાઇસન્સ માટે અરજી કરી છે. એનું લક્ષ્ય અમેરિકામાં નિયમન હેઠળ ક્રિપ્ટોકરન્સી સર્વિસિસ પૂરી પાડવાનું છે.

