Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > હેવી વેઇટ્સની કમજોરી વચ્ચે પણ બજારમાં ચાર દિવસની નરમાઈને બ્રેક, આઇટીમાં વલણ ઢીલું રહ્યું

હેવી વેઇટ્સની કમજોરી વચ્ચે પણ બજારમાં ચાર દિવસની નરમાઈને બ્રેક, આઇટીમાં વલણ ઢીલું રહ્યું

Published : 26 September, 2023 12:24 PM | IST | Mumbai
Anil Patel

લાર્સનના ૧૦,૦૦૦ કરોડના બાયબૅકને લગભગ પાંચ ગણો રિસ્પૉન્સ, શૅર અડધો ટકો ડાઉન ઃ ડેલ્ટા કૉર્પમાં આખી કંપનીની વૅલ્યુ કરતાં ૪ ગણી ટૅક્સ નોટિસ જારી થતાં શૅર કડાકા સાથે ૩૦ માસના તળિયે ઃ રેલિગેરમાં ઓપન ઑફર પ્રાઇસનો વસવસો, એમસીએક્સ નવા નાકે દિવાળીના એક વધુ નિર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવા સપ્તાહની શરૂઆત વિશ્વબજારોએ બહુધા નરમાઈથી કરી છે. એશિયા ખાતે સિંગાપોર, તાઇવાન અને જપાન અડધો-પોણો ટકો જેવા પ્લસ હતાં, સામે હૉન્ગકૉન્ગ ૧.૯ ટકા, થાઇલૅન્ડ પોણા ટકાથી વધુ, ચાઇના અને સાઉથ કોરિયા અડધો ટકો અને ઇન્ડોનેશિયા સાધારણ ઘટ્યાં છે. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં પોણાથી એક ટકો નીચે હતું. બ્રેન્ટ ક્રૂડ ૯૪ ડૉલર નજીક મજબૂત જણાયું છે. ઍલ્યુમિનિયમ, ઝિન્ક અને ટીન વાયદા સવાથી અઢી ટકા તથા કૉપર વાયદો સાધારણ વધીને જોવા મળ્યો છે. 

ઘરઆંગણે બજાર સળંગ ૪ દિવસની નબળાઈ બાદ સોમવારે ૭૩ પૉઇન્ટ જેવા મામૂલી સુધારામાં ૬૬,૦૮૩ ખૂલી છેવટે ૧૪ પૉઇન્ટ વધી ૬૬,૦૨૪ બંધ થયું છે. નિફ્ટી ૧૯,૬૭૪ના આગલા લેવલે ફ્લૅટ રહ્યો છે. સેન્સેક્સ સવાબસ્સો પૉઇન્ટ જેવી પ્લસ-માઇનસ રેન્જમાં ઉપર-નીચે થતો રહ્યો હતો. શૅર આંક નીચામાં ૬૫,૭૬૪ અને ઉપરમાં ૬૬,૨૨૫ વટાવી ગયો હતો. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ સુધર્યાં છે, પરંતુ વધ-ઘટ બહુધા અતિસીમિત હતી. રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક દોઢ ટકો વધ્યો છે. ફાઇનૅન્સ, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી અને મિડ કૅપ બેન્ચમાર્ક અડધા ટકા નજીક પ્લસ હતા. સામે આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સૌથી વધુ પોણો ટકો કટ થયા હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૯૬૮ શૅરની સામે ૧૦૯૪ જાતો માઇનસ થઈ છે.



સોમવારે પ્રાઇમરી માર્કેટમાં એક જ દિવસે કુલ સાત ભરણાં ખુલ્યાં છે, જેમાંથી મેઇન બોર્ડમાં હાઈ પ્રોફાઇલ જેએસડબ્લ્યુ ઇન્ફ્રાનો બેના શૅરદીઠ ૧૧૯ની અપર બેન્ડ સાથે ૨૮૦૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં દોઢ ગણા પ્રતિસાદ સાથે કુલ ૪૫ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને હાલ ૧૮ જેવું બોલાય છે. ચેન્નઈની અપડેટર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૩૦૦ની અપર બેન્ડ સાથે ૬૪૦ કરોડના ઇશ્યુને માત્ર ૬ ટકાનો જ રિસ્પૉન્સ મળ્યો છે, ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ નથી. બે એસએમઈ આઇપીઓ લિસ્ટેડ થયા છે. એમાં અમદાવાદી ચાવડા ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ૬૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટ ખાતે બોલાતા ૬૦ના પ્રીમિયમ સાથે નબળા લિસ્ટિંગમાં ૯૧ ખૂલી ઉપરમાં ૯૨ અને નીચામાં ૮૬ થઈ ૮૬ પર બંધ થતાં અહીં ૩૩ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે શૅરદીઠ ૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૭ના પ્રીમિયમવાળી હૉલમાર્ક ઑપ્ટો મેક્ટ્રોનિક્સ ૬૫ ખૂલી ૬૮.૫૦ બંધ રહેતાં એમાં ૭૧.૨૫ ટકાનું રીટર્ન લિસ્ટિંગમાં મળ્યું છે. 
બજાજ ફાઇનૅન્સ ટ્રિપલ સેન્ચુરી સાથે બન્ને બજારમાં ટૉપ ગેઇનર 


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૪ શૅર સુધર્યા હતા. બજાજ ફાઇનૅન્સ લગભગ આઠ ગણા કામકાજે સાડાચાર ટકા કે ૩૩૨ની તેજીમાં ૭૮૦૫ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. એના લીધે સેન્સેક્સને ૭૮ પૉઇન્ટનો ફાયદો થયો છે. બજાજ ફીનસર્વ બે ટકા, કોટક બૅન્ક ૧.૬ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, અલ્ટ્રાટેક ૦.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો, તાતા કન્ઝ્યુમર અઢી ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૨.૨ ટકા, કોલ ઇન્ડિયા ૧.૭ ટકા, ગ્રાસિમ દોઢ ટકો, જેએસડબ્લ્યુ સ્ટીલ પોણો ટકો અપ હતા. રિલાયન્સ અડધો ટકો ઘટીને ૨૩૪૦ તો જિયો ફાઇ. પોણા ટકાના સુધારે ૨૩૦ નજીક બંધ હતો. 

ઇન્ફોસિસ ૧.૪ ટકા બગડી ૧૪૭૫ના બંધમાં બજારને ૬૭ પૉઇન્ટ નડ્યો છે. મહિન્દ્ર સવા ટકા નજીક, વિપ્રો એક ટકાથી વધુ, ટીસીએસ પોણા ટકા નજીક નરમ હતા. નિફ્ટી ખાતે હિન્દાલ્કો બે ટકા, એસબીઆઇ લાઇફ ૧.૯ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૬ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૪ ટકા, એચડીએફસી લાઇફ એક ટકાથી વધુ, લાટિમ એક ટકા નજીક, એચસીએલ ટેક્નૉ પોણા ટકાથી વધુ ડાઉન થયા છે. વીકલી ધોરણે આઠ ટકાના ધોવાણ બાદ એચડીએફસી બૅન્ક સોમવારે અઢી રૂપિયા જેવા પરચૂરણ સુધારામાં ૧૫૩૧ વટાવી ગઈ હતી. 
અદાણી ગ્રુપ ખાતે અદાણી ગ્રીન એક ટકા નજીક, અદાણી વિલ્મર પોણા ટકાથી વધુ, અદાણી ટ્રાન્સમિશન ૧.૨ ટકા, અદાણી પાવર ૦.૭ ટકા, અદાણી પોર્ટ્સ તથા એનડીટીવી નહીંવત નરમ હતા. અદાણી એન્ટર. ૦.૭ ટકા, એસીસી સવા ટકો, અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો પ્લસ હતા. અદાણી ટોટલ અડધા ટકા નજીક નરમ પડી છે. 
ડેલ્ટા કૉર્પ વૉલ્યુમ સાથે અઢી વર્ષના તળિયે, મહા. સ્કૂટર્સ ઑલટાઇમ હાઈ 


ડેલ્ટા કૉર્પનો શૅર ગઈ કાલે ૨૦ ગણા વૉલ્યુમ સાથે ૧૪૦ની અઢી વર્ષની બૉટમ બનાવી ૧૮.૪ ટકાના કડાકામાં ૧૪૩ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ૧૬,૮૨૨ કરોડ રૂપિયાની ટૅક્સ નોટિસ જારી થયાના અહેવાલમાં આ કસીનો શૅર તૂટ્યો છે. આના પગલે કંપનીનું માર્કેટ કૅપ ગગડીને ૩૮૨૯ કરોડે આવી ગયું છે. સાદી ભાષામાં કહીએ તો આખ્ખેઆખી કંપની ચાર વખત વેચાય તો પણ ટૅક્સ નોટિસની રકમ ભરી શકાય એમ નથી. ડિપાર્ટમેન્ટવાળા કયો માલ ફૂંકીને કામ કરે છે એ જ સમજાતું નથી. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૩.૩ ટકા છે. મ્યુ ફન્ડો પાસે ૧૮ ટકા માલ છે. એકના શૅરની બુકવૅલ્યુ ૭૪ જેવી છે. બાય ધ વે, નઝારા ટેક્નૉ ગઈ કાલે ત્રણ ટકા ઘટી ૮૪૮ બંધ રહી છે. 

સોમવારે પલાશ સિક્યૉરિટીઝ, લક્ષ્મી ઑટોમેટિક લૂમ્સ, વિલિયમસન મેગોર, કોવિલ પટ્ટી, લક્ષ્મી રોલર ફ્લોર મિલ્સ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ હતા. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી પોણાનવ ટકાની તેજીમાં ૮૫ ઉપર બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. આઇઆઇબી ઇન્ફ્રા બમણા વૉલ્યુમે પોણાઆઠ ટકા ઊછળી ૩૨ વટાવી ગયો છે. સ્ટ્રાઇડ ફાર્મા તથા ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ સવાસાત ટકાથી વધુની તેજીમાં બંધ હતા. મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૭૯૯૯ની વિક્રમી સપાટી બતાવી ૬ ટકા કે ૪૫૯ના ઉછાળે ૭૯૯૯ બંધ થયો છે. વિનસ પાઇપ્સ ૪ ગણા વૉલ્યુમે પોણાસોળ ટકા કે ૨૩૫ રૂપિયા તૂટી ૧૨૬૧ હતો. ઈકેઆઇ એનર્જી ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૫૬૦ બંધ આવ્યો છે. બર્ગર પેઇન્ટ્સ ત્રણ ગણા વૉલ્યુમમાં સાડાઆઠ ટકા કપાઈ ૬૧૨ની અંદર ઊતરી ગયો છે. 

શુગર ઉદ્યોગના ૩૬માંથી ૩૦ શૅર વધ્યા, રાવલગાંવ મંદીની સર્કિટમાં 
એમસીએક્સ તરફથી ટીસીએસ દ્વારા બનાવેલા નવા ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર પહેલી ઑક્ટોબરથી માઇગ્રેટ થવાનું નક્કી થયું છે. ભૂતકાળમાં અનેક વાર નિષ્ફળ ગયેલો આ પ્રયોગ આ વેળા સફળ થાય તો ટેક્નૉલૉજીના મામલે ૬૩ મૂન્સ ઉપરનો આધાર પૂરો થશે. જોકે એમસીએક્સ દ્વારા ૬૩ મૂન્સ સાથે ડિસેમ્બરના અંત સુધી ટેક્નૉલૉજીકલ સપોર્ટ મેળવવાના કરાર ચાલુ રહેશે. ગઈ કાલે એમસીએક્સનો શૅર ૧૯૫૦ની વીસેક માસની ટૉપ બનાવી ૬.૭ ટકા વધી ૧૯૦૩ બંધ થયો છે. બાય ધ વે, ૬૩ મૂન્સ ઉપરમાં ૩૦૫ વટાવી એકાદ ટકો વધી ૨૯૭ નજીક બંધ હતો.
રેલિગેર એન્ટરપ્રાઇઝિસમાં ડાબરવાળા બર્મન પરિવાર તરફથી શૅરદીઠ ૨૩૫ના ભાવે ઓપન ઑફર લાવવાની જાહેરાત આવી છે. ઓપન ઑફર પ્રાઇસ ૨૭૨ના આગલા બંધ કરતાં ૧૩ ટકા નીચે હોવાની અસરમાં શૅર પોણાબે ગણા વૉલ્યુમે નીચામાં ૨૫૧ થઈ સાત ટકા ખરડાઈ ૨૫૩ બંધ થયો છે. 

દરમ્યાન સોમવારે એકંદર ઢીલા બજારમાં શુગર શૅર ડિમાન્ડમાં હતા. ઉદ્યોગના ૩૬માંથી ૩૦ શૅર વધ્યા છે. સરશાદીલાલ ૧૨.૯ ટકા, કેએમ શુગર ૧૦ ટકા, ઉત્તમ શુગર સવાસાત ટકા, દાલમિયા શુગર ૭.૧ ટકા, બલરામપુર ચીની તથા ડીસીએમ શ્રીરામ સવાછ ટકા, દ્વારકેશ પોણાછ ટકા, અવધ શુગર સાડાપાંચ ટકા, કેસીપી શુગર પાંચ ટકા, ધામપુર શુગર પોણાપાંચ ટકા મજબૂત હતી. રાવલગાંવ શુગર પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૨૦૧ થઈ છે. મગધ શુગર ૭૪૨ના બેસ્ટ લેવલે જઈ ચાર ટકાની મીઠાશમાં ૭૨૧ હતી. 
બૅન્કિંગમાં મિશ્ર વલણ, કર્ણાટકા બૅન્ક મજબૂત, તાતા ઇન્વે.માં ૧૬૯ની તેજી 

ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની હૂંફમાં ૧૫૪ પૉઇન્ટ વધ્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની પીછેહઠ વચ્ચે નજીવો પ્લસ હતો. બૅન્કિંગના ૩૮માંથી ૧૮ શૅર વધ્યા છે. કર્ણાટકા બૅન્ક સાડાચાર ટકા ઊચકાઈ ૨૫૩ નજીક ગયો છે. બંધન બૅન્ક, કોટક બૅન્ક, આરબીએલ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક એકથી બે ટકા, પીએનબી સાડાત્રણ ટકા અને ઇન્ડિયન બૅન્ક અઢી ટકા મજબૂત હતી. કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, તામિલનાડુ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક પોણોબેથી અઢી ટકા નરમ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૪ શૅરના સથવારે અડધા ટકા નજીક સુધર્યો હતો. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૩૦૨૫ની ટૉપ બનાવી ૧૬૯ રૂપિયા કે ૬ ટકાની તેજીમાં ૨૯૬૩ વટાવી ગયો છે. આનંદ રાઠી વેલ્થ બૂલરન જારી રાખતાં ૧૬૪૧ના શિખરે જઈ પાંચેક ટકા ઊછળી ૧૬૩૧ હતો. પીએનબી ગિલ્ટ તથા પીએનબી હાઉસિંગ ૪-૪ ટકા ડાઉન હતા. 

આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૮ શૅરની નબળાઈમાં પોણો ટકો કટ થયો છે, પણ સોનાટા સૉફ્ટવેર સવાચાર ટકા ઊચકાઈ ૧૦૯૦ અને એક્સેલ્યા પોણાચાર ટકા વધી ૧૫૭૦ હતા. ઇન્ફી, ટીસીએસ, ટેક મહિન્દ્ર, એચસીએલ ટેક્નૉ, લાટિમ, વિપ્રો જેવાં તમામ ફ્રન્ટલાઇન કાઉન્ટર્સ નરમ રહ્યાં છે. રિલાયન્સની ટીવી-૧૮ બે ટકા તથા નેટવર્ક-૧૮ ત્રણ ટકા ગગડી છે. જસ્ટ ડાયલ સવાત્રણ ટકા વધી ૭૩૨ થઈ છે. એમટીએનએલ પાંચ ગણા વૉલ્યુમ સાથે ૩૩ ઉપરની નવી મલ્ટિયર ટૉપ બનાવી ૬ ટકાની આગેકૂચમાં ૩૧ વટાવી ગયો છે. ઑપ્ટિમસ સવાપાંચ ટકાની ખરાબીમાં ૨૯૪ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2023 12:24 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK