Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટેન્શનનાં કારણો સાથે આવેલું કરેક્શન કેટલું ચાલશે?

ટેન્શનનાં કારણો સાથે આવેલું કરેક્શન કેટલું ચાલશે?

Published : 25 September, 2023 02:45 PM | IST | Mumbai
Jayesh Chitalia

માર્કેટને જેની જરૂર હતી એ કરેક્શન જોવા મળ્યું, નક્કર કારણો સાથે આ કરેક્શન આવ્યું હોવાથી એ વાજબી પણ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુએસ ફેડના સંકેત, ક્રૂડના ભાવ, ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી, રૂપિયાની નબળાઈ, અમેરિકન બૉન્ડ્સના યીલ્ડની વૃ​દ્ધિ અને છેલ્લે કૅનેડાનું કડવું પરિબળ ભળ્યું; અને હા, પ્રૉફિટ-બુકિંગ પણ ખરું; જેથી કરેક્શન કરેક્ટ કહી શકાય. હાલ માર્કેટમાં કંઈક અંશે અનિશ્ચિતતાનું ટેન્શન હોવાથી કરેક્શન છે, પરંતુ પૅનિક નહીં; માત્ર સજાગતા જરૂરી છે

વીતેલા સપ્તાહનો આરંભ ધારણા મુજબ પ્રૉફિટ-બુકિંગને પગલે કરેક્શન સાથે થયો હતો, સેન્સેક્સ ૨૪૧ પૉઇન્ટ અને નિફ્ટી ૫૯ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સ પણ ઘટ્યા હતા. મંગળવારે ગણેશચતુર્થી નિમિત્તે બજાર બંધ હતું. જોકે બુધવારે માર્કેટમાં વિવિધ કારણસર ધબડકો બોલાયો હતો. સેન્સેક્સ ૮૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૩૨ પૉઇન્ટ તૂટીને અનુક્રમે ૬૭ હજાર અને ૨૦ હજારની સપાટીથી નીચે ઊતરી ગયા હતા. સવાબે લાખ રૂપિયા કરોડનું માર્કેટ કૅપ ધોવાયું હતું. અલબત્ત, આ હેવી કરેક્શન માટે એચડીએફસી બૅન્ક, રિલાયન્સ જેવા હેવી વેઇટસ સ્ટૉક્સમાં મોટી વેચવાલી અને માર્કેટમાં ઓવરઑલ પ્રૉફિટ-બુકિંગ કારણભૂત રહ્યાં હતાં. આ સાથે ક્રૂડના વધેલા ભાવ, રૂપિયાની નબળાઈ, વિદેશી રોકાણકારોની વેચવાલી, યુએસ બૉન્ડ્સ યીલ્ડમાં વૃ​દ્ધિ વગેરે પરિબળોની અસર હતી. ગુરુવારે પણ કરેક્શનનો સિલસિલો આગળ વધ્યો હતો, જેને વધુ કારણો પણ મળ્યાં હતાં. કૅનેડાનું વિવાદ પ્રકરણ નેગેટિવ અસર કરી રહ્યું હોવાનું જણાય છે. આ મામલો હજી વીફરી શકે એવા સંકેત છે. અહીં એ નોંધવું રહ્યું કે કૅનેડાના પેન્શન ફન્ડ્સનું ભારતીય માર્કેટમાં નોંધપાત્ર રોકાણ રહ્યું છે. બાકી પ્રૉફિટ-બુકિંગ પણ કારણ હતું. માર્કેટ હજી ઘટી શકે એવી ધારણાએ વેચવાલી ચાલુ રહી હતી. સેન્સેક્સ ૫૭૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૯ પૉઇન્ટના ગાબડા સાથે નીચે ઊતરી ગયા હતા. જોકે આ સંજોગોને સમજીને પૅનિકમાં આવવાની જરૂર નથી, લૉન્ગ ટર્મ રોકાણકારોએ તો સાક્ષી ભાવ રાખવાનો છે, બાકી ટ્રેડર્સ વર્ગ સજાગ રહે. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ ૧૬૦૦ પૉઇન્ટ નીચે ઊતરી જવા સાથે માર્કેટ કૅપમાં સાડાપાંચ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. શુક્રવારે પણ કરેક્શનનો દોર ચાલુ રહ્યો. જોકે એ કયાંક ધીમો પડ્યો હોવાનો અહેસાસ આપી ગયો. સેન્સેક્સ ૨૨૧ પૉઇન્ટ અને નિફ્ટી ૬૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા. આમ આખું સપ્તાહ કરેક્શનનું બની રહ્યું. જોકે હવે આ કરેક્શન કેટલું ચાલશે એનો અંદાજ બાંધવો કઠિન છે, ગ્લોબલ સંજોગો પર વધુ આધાર રહેશે.



ફેડરલ રિઝર્વનો મેસેજ


દરમ્યાન ધારણા અનુસાર ફેડરલ રિઝર્વે આ વખતે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નહીં, પરેતું વરસના અંત સુધીમાં એક રેટ હાઇક આવી શકે એવી તેમ જ ૨૦૨૪માં પણ મૉનિટરી પૉલિસી કડક રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ વલણથી બજારમાં રાહત સાથે સાવચેતી પણ રહેશે એવી ગણતરી છે. બજારના કરેક્શનમાં ફેડનું કારણ પણ ભળ્યું હતું.

સારા-નરસા અહેવાલ


દરમ્યાન સોમવારે એસ ઍન્ડ પી ગ્લોબલ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતના ૨૦૨૪ના જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને ૬.૬ ટકા મુકાયો છે, જે ઑગસ્ટમાં આ અંદાજ ૫.૯ ટકા મુકાયો હતો. આ એપ્રિલથી જૂન ક્વૉર્ટરની પ્રોત્સાહક કામગીરીને ધ્યાનમાં રાખી આ અંદાજ સુધારીને વધારાયો છે. બીજા સારા અહેવાલ મુજબ ડાઇરેક્ટ ટૅકસ કલેક્શનમાં નોંધપાત્ર વૃ​દ્ધિ થઈ છે. બીજી બાજુ નકારાત્મક અહેવાલ મુજબ ગ્લોબલ સ્તરે વધી ગયેલું દેવું છે. યુએસ અને જપાનના ઊંચા ફાળા સાથે ગ્લોબલ ડેબ્ટ ૨૦૨૩ના પ્રથમ બે ક્વૉર્ટરમાં ૩૦૭ લાખ કરોડ ડૉલર સુધી પહોંચી ગયું છે. વ્યાજદરમાં વધારો કરાવા છતાં આ સ્થિતિ નિર્માણ પામી છે. છેલ્લા એક દાયકામાં આ દેવું ૧૦૦ ટ્રિલ્યન ડૉલર વધ્યું છે. બીજી બાજુ એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી)એ મોંઘવારીની ચિંતા સાથે ભારતના ગ્રોથરેટમાં સાધારણ ઘટાડાનો અંદાજ મૂક્યો છે, જે ૬.૪ ટકાને બદલે જસ્ટ ૬.૩ ટકા કરાયો છે. દરમ્યાન હવે કૅનેડાનું ટેન્શન ઉમેરાયું છે.

પીએસયુ બૅન્કોનો પૉઝિટિવ સમય

આપણે અગાઉ બૅન્ક સ્ટૉક્સની વાત કરી એમાં ખાનગી ક્ષેત્રની બૅન્કોની વાત વિશેષ હતી, હવે કેટલીક જાહેર ક્ષેત્રની બૅન્કોના સ્ટૉક્સ પર પણ નજર કરવા જેવી છે. વાસ્તવમાં ખાનગી બૅન્કોની તુલનાએ છેલ્લા વરસમાં જાહેર ક્ષેત્રની બૅન્કોનો ઇન્ડેક્સ બાવન ટકા વૃ​દ્ધિ પામ્યો છે. અમુક વરસ પહેલાં રોકાણકારો-ટ્રેડર્સની નજર કે દોટ મહત્તમ ખાનગી બૅન્કો તરફ જ રહેતી, હવે સમય બદલાયો છે. આંકડા ઘણું સ્પષ્ટ કહે છે. યુકો બૅન્કે વરસમાં ૨૦૦ ટકાથી વધુ અને પંજાબ-સિંધ બૅન્કે ૧૭૫ ટકાથી વધુ વળતર આપ્યું છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્રએ ૧૪૦ ટકા અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૧૨૨ ટકા રિટર્ન આપ્યું છે. આમ માર્કેટમાં પીએસયુ બૅન્કોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મજાની વાત એ છે કે જે બૅન્કોને નબળી માનવામાં આવતી હતી, કેમ કે એ સરકારી બૅન્કો છે; એ બૅન્કોએ ખાનગી બૅન્કોની તુલનાએ બહેતર કામગીરી પેશ કરી હોવાનું નોંધાયું છે.

આ બૅન્કોના સારા દિવસો શા માટે?

જાહેર ક્ષેત્રની બૅન્ક સાથે આમ કેમ થયું એ સવાલ થવો સ્વાભાવિક છે. ખરેખર તો આ પરિવર્તનનો યશ આરબીઆઇને જાય છે, જેણે ઍસેટ ક્વૉલિટી રિવ્યુના આદેશ હેઠળ ૨૦૧૫થી જાહેર ક્ષેત્રની બૅન્કોની બૅડ લોન્સ-બૅલૅન્સશીટ ક્લિયર કરવાનો આદેશ આપ્યો અને એને પગલે આ બૅન્કોની એનપીએ કે બૅડ લોન્સ ૨૦૧૮માં ૧૪.૬ ટકા હતી એ ૨૦૨૨ના અંતે ઘટીને ૫.૫૩ ટકા થઈ ગઈ. આ ઉપરાંત બીજું મહત્ત્વનું પરિબળ આ બૅન્કોના મેગા મર્જરનું પણ ગણી શકાય જે ૨૦૨૦માં આકાર પામ્યું, જયારે મર્જર માર્ગે ૧૦ બૅન્કો ચાર બૅન્કો બની ગઈ જેને લીધે બૅન્કોની ઍસેટ ક્વૉલિટી અને નફાશકિત સુધરી. આ બૅન્કોએ નોંધપાત્ર નફો નોંધાવ્યો. ૨૦૨૨-૨૩માં બૅન્કોએ ૨ લાખ કરોડ રૂપિયાથી વધુ બૅડ લોન્સ રાઇટ-ઑફ કરી હતી. આ સાથે બૅન્કોએ ધિરાણના નિયમો કડકાઈ સાથે વ્યવહારુ પણ બનાવ્યા અને એની કામગીરી સુધરતી રહી. હવે બૅન્કો પરથી એનપીએનું દબાણ લગભગ ચાલ્યું ગયું કહી શકાય અને બૅન્કોને સુધારાની વધુ તક મળી. જોકે બૅન્કો સામે હજી ઇન્ફ્લેશન અને વ્યાજદર પડકારનાં પરિબળ ખરાં. એમ છતાં વર્સ્ટ ઇઝ ઓવર કહી શકાય. બૅન્કોના સ્ટૉક્સ ધરાવતા રોકાણકારો આ વાતને ધ્યાનમાં રાખી પોતાના પોર્ટફોલિયોને જાળવી શકે. આમ પીએસયુ બૅન્કો ધીમે-ધીમે સ્ટેબલ થઈને આગળ વધી રહી છે. એનો ડિપોઝિટ ગ્રોથ વધી રહ્યો છે, પરંતુ સામે ધિરાણ ગ્રોથ અપેક્ષિત પ્રમાણમાં વધતો નથી એ નોંધવું રહ્યું. ઇન-શૉર્ટ, જાહેર ક્ષેત્રની બૅન્કોના દિવસો ફરી ગયા છે અને બહેતર બની રહ્યા છે, આર્થિક વિકાસ સાથે આ ગતિ જળવાઈ રહેવાની આશા રાખી શકાય.

પૅનિકમાં આવવું નહીં

દરમ્યાન દેશમાં ગણપતિ બાપ્પાના આગમન સાથે તહેવારોની પુરબહાર મોસમ બેસી ગઈ છે, આ પછી નવરા​ત્રિ, દિવાળીના તહેવારો કતારમાં જ છે. આ સમય વપરાશ વધવાનો અને ડિમાન્ડ વધવાનો છે. જેને પરિણામે કંપનીઓના વેચાણ અને કામગીરી સુધરવાનો અવકાશ વધે એ સહજ છે. આપણે ગયા વખતે લાંબા ગાળા માટે સિલેક્ટેડ સ્ટૉક્સ જમા કરવાની વાત કરી હતી. એટલે જ કરેક્શનથી ગભરાટની જરૂર નથી, બલકે જેમની પાસે ક્ષમતા છે તેઓ ખરીદીની તક ઉપાડી શકે. ચોક્કસ ગ્લોબલ ઘટનાઓને બાદ કરતાં ભારતીય ઇકૉનૉમીના ફન્ડા બહેતર રહ્યા છે. કરેક્શન પર્ફેક્ટ સ્ટૉક્સ સિલેક્શનને વિપરીત અસર કરશે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2023 02:45 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK