Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્વિસ રેફરેન્ડમ પહેલાંનો સર્વે નેગેટિવ રહેતાં સોનામાં પીછેહઠ

સ્વિસ રેફરેન્ડમ પહેલાંનો સર્વે નેગેટિવ રહેતાં સોનામાં પીછેહઠ

21 November, 2014 05:32 AM IST |

સ્વિસ રેફરેન્ડમ પહેલાંનો સર્વે નેગેટિવ રહેતાં સોનામાં પીછેહઠ

 સ્વિસ રેફરેન્ડમ પહેલાંનો સર્વે નેગેટિવ રહેતાં સોનામાં પીછેહઠ



gold and silver



બુલિયન બુલેટિન-મયૂર મહેતા

સ્વિટ્ઝરલૅન્ડની ગોલ્ડ રિઝર્વ વધારવા માટે ૩૦ નવેમ્બરે યોજાનારા રેફરેન્ડમ પહેલાં યોજાયેલા સર્વેમાં નેગેટિવ રિઝલ્ટ મળતાં સોનામાં તેજીની પીછેહઠ જોવા મળી હતી. વળી અમેરિકન ફેડરલ રિઝર્વે નિર્ધારિત સમયે ઇન્ટરેસ્ટ વધારવા ફરી એક વખત કટિબદ્ધતા બતાવતાં ડૉલરની મજબૂતીને પગલે સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વે અનએમ્પ્લૉયમેન્ટ, ઇન્ફ્લેશન અને ગ્રોથ-રેટ વિશે બુલિશ પિક્ચર રજૂ કરતાં સોનાની તેજીને સર્પોટ મળ્યો નહોતો.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે સોનાના ભાવ ફેડરલ રિઝર્વની મિનિટ્સ અગાઉ ઘટવાના ચાલુ થયા હતા અને મિનિટ્સ જાહેર થયા બાદ વધુ ઘટયા હતા. ફેડની મિનિટ્સ અગાઉ કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ ૩.૨૦ ડૉલર ઘટીને ૧૧૯૩.૯૦ ડૉલર સેટલ થયો હતો, પણ ઇલેક્ટ્રૉનિક ટ્રેડિંગમાં ફેડની મિનિટ્સ બાદ વધુ ઘટી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ ૧૧૯૧.૫૦ ડૉલર થયો હતો. સ્પૉટમાં ગોલ્ડના ભાવ ઘટીને ૧૧૮૨.૧૦ ડૉલર થયા હતા, પણ ગઈ કાલે સવારે સોનાનો ભાવ સુધરીને ૧૧૯૪ ડૉલર ખૂલ્યો હતો જે દિવસ દરમ્યાન આ લેવલ આસપાસ અથડાયા કર્યા બાદ છેલ્લે ઘટયો હતો. ચાંદીનો ભાવ ૧૬.૦૪ ડૉલર ખૂલીને ઝડપથી સુધરીને એક તબક્કે ૧૬.૨૨ ડૉલર સુધી વધ્યો હતો. પ્લૅટિનમ પણ ૧૧૮૬.૫૦ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૧૨૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. પૅલેડિયમનો ભાવ ૭૬૨ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૭૬૬ ડૉલર થયો હતો.




સ્વિસ રેફરેન્ડમ


સ્વિટ્ઝરલૅન્ડની ગોલ્ડ રિઝર્વ ૭.૮ ટકાથી વધારીને ૨૦ ટકા કરવા માટે ૩૦ નવેમ્બરે યોજાનારા રેફરેન્ડમ (મતદાન) પૂર્વે થયેલા સર્વેમાં ગોલ્ડ રિઝર્વ વધારવાની તરફેણની ટકાવારી ઘટી રહી છે. ગયા મહિને થયેલા સર્વેમાં ૪૪ ટકા લોકોએ રિઝર્વ વધારવાની તરફેણને સમર્થન આપ્યું હતું, જ્યારે બુધવારે થયેલા સર્વેમાં ૩૮ ટકા લોકોએ જ ગોલ્ડ રિઝર્વ વધારવાની તરફેણ કરી હતી. ૪૭ ટકા લોકો ગોલ્ડ રિઝર્વ વધારવાની વિરુદ્ધમાં હતા, જ્યારે ૧૫ ટકા લોકોએ કોઈ મંતવ્ય આપ્યું નહોતું. સ્વિટ્ઝરલૅન્ડ સરકાર અને સ્વિસ નૅશનલ બૅન્ક બન્ને ગોલ્ડ રિઝર્વ વધારવાની તરફેણમાં નથી, કારણ કે ગોલ્ડ રિઝર્વ વધારવાથી સ્વિસ ફ્રાન્કનું મૂલ્ય ગગડશે અને સ્વિટ્ઝરલૅન્ડની ઇકૉનૉમી નબળી પડશે.



ફેડની મિનિટ્સ


અમેરિકી ફેડરલ રિઝર્વની ઑક્ટોબરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં નિર્ધારિત સમયે જ ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના નર્ણિયની ખાતરી આપવામાં આવી હતી. ક્રૂડ તેલના સતત ઘટતા ભાવને કારણે આવનારા સમયમાં ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી જ સીમિત રહેશે એ બાબતે ફેડના મોટા ભાગના અધિકારીઓ સંમત હતા. આ ઉપરાંત ફેડનું તારણ હતું કે યુરોપ, ચીન અને જપાનના નબળી ઇકૉનૉમી છતાં લેબર માર્કેટ બૅલૅન્સ હોવાથી અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૨૦૧૭ સુધી સામાન્ય રહેશે અને
ગ્રોથ-રેટ પણ બૅલૅન્સ રહેશે. આથી હાલના વર્લ્ડના ઇકૉનૉમિક ડેવલપમેન્ટની અમેરિકાની ઇકૉનૉમીને મર્યાદિત અસર પડશે. ફેડરલ રિઝર્વની નિર્ધારિત સમયે જ ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની ખાતરી એ સોનાની તેજી માટે નેગેટિવ બનશે.

સ્વિસ ગોલ્ડની ઈમ્પોર્ટ ભારતમાં ઑક્ટોબરમાં ૨૮ ટકા વધી


સ્વિટ્ઝરલૅન્ડના ગોલ્ડની ભારતમાં ઈમ્પોર્ટ સતત વધી રહી છે. સ્વિસ કસ્ટમ્સ બ્યુરોના ડેટા અનુસાર ઑક્ટોબરમાં ભારતમાં સ્વિટ્ઝરલૅન્ડના ગોલ્ડની ૭૫.૧ ટનની ઈમ્પોર્ટ થઈ હતી. ઑક્ટોબરમાં ભારતની કુલ ગોલ્ડ ઈમ્પોર્ટ ૧૫૦ ટન થઈ હતી. આમ અડધોઅડધ ગોલ્ડ સ્વિટ્ઝરલૅન્ડથી ઈમ્પોર્ટ થયું હતું. ઑક્ટોબરમાં સ્વિટ્ઝરલૅન્ડે ૧૯૨.૮ ટન ગોલ્ડ એક્સર્પોટ કર્યું હતું. એમાંથી ૭૫.૧ ટન ગોલ્ડ ભારતમાં, ૪૨.૫ ટન ચીનમાં અને ૨૫ ટન હૉન્ગકૉન્ગમાં એક્સર્પોટ થયું હતું. સપ્ટેમ્બરમાં સ્વિટ્ઝરલૅન્ડે ૧૭૧ ટન ગોલ્ડ એક્સર્પોટ કર્યું હતું. એમાંથી ભારતમાં ૫૮.૪ ટન, ચીનમાં ૧૩ ટન અને હૉન્ગકૉન્ગમાં ૨૪ ટનની એક્સર્પોટ થઈ હતી. આમ સ્વિટ્ઝરલૅન્ડની ગોલ્ડ એક્સર્પોટમાં ઑક્ટોબરમાં ૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જે ભારત અને ચીન ખાતે વધેલી ડિમાન્ડને કારણે જોવા મળ્યો હતો.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૪૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૬૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૬,૯૬૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2014 05:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK