આ વર્ષના નાણાકીય બજેટમાં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળની ચુકવણી તથા વિદેશી ટૂર પ્રોગ્રામ પૅકેજો પર ટૅક્સ કલેક્શન ઍટ સોર્સ (TCS)ની સિસ્ટમમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેસિડન્ટ્સ દરેક નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) દરમ્યાન ૨,૫૦,૦૦૦ અમેરિકન ડૉલર (લગભગ ૨.૧૨ કરોડ રૂપિયા) કોઈ પણ બૅન્કિંગ ટ્રાન્ઝૅક્શન દ્વારા લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશમાં મોકલી શકે છે. આ વર્ષના નાણાકીય બજેટમાં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળની ચુકવણી તથા વિદેશી ટૂર પ્રોગ્રામ પૅકેજો પર ટૅક્સ કલેક્શન ઍટ સોર્સ (TCS)ની સિસ્ટમમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ચુકવણીઓને પણ LRS હેઠળ લાવવામાં આવશે. આ બધા બદલાવ પહેલી જુલાઈથી અમલમાં આવવાના હતા. આ બાબતે અસંખ્ય ટિપ્પણીઓ અને સૂચનો પ્રાપ્ત થયાં હતાં અને સુધારેલા TCS દરોના અમલીકરણ માટે અને LRSમાં ક્રેડિટ કાર્ડની ચુકવણીનો સમાવેશ કરવા માટે પહેલી ઑક્ટોબર ૨૦૨૩ સુધી વધુ સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા ફેરફારોની વિગતો નીચે પ્રમાણે છે.
ધારો કે તમે ફૉરેન ટ્રાવેલનું ૧૦ લાખ રૂપિયાનું પૅકેજ ખરીદ્યું, તો એની પર ૨૦ ટકાના દરે એટલે કે ૨ લાખ રૂપિયા TCS ઉઘરાવવામાં આવશે. હવે વિદેશમાં તમે તમારા પરિવાર માટે બંજી જમ્પિંગ માટે ૩ લાખ રૂપિયા અને જંગલ સફારી માટે ૪ લાખ રૂપિયાનો ખર્ચ કરો છો. વૉટર સ્પોર્ટ્સ માટે ૨ લાખ રૂપિયા ખર્ચો છો. આ બધી ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા કરી છે. આ કિસ્સામાં બંજી જમ્પિંગ અને જંગલ સફારી પર કોઈ TCSનો ચાર્જ લાગશે નહીં, કેમ કે આ બન્નેની કુલ રકમ ૭ લાખ રૂપિયાથી વધુની નથી, પરંતુ વૉટર સ્પોર્ટ્સની રકમ પર ૨૦ ટકાના દરે ૪૦,૦૦૦ રૂપિયાનો TCS ઉઘરાવવામાં આવશે.
ADVERTISEMENT
તો શું વિદેશી ચલણમાં થતા બધા ખર્ચ પર વધારાનો ૨૦ ટકા ખર્ચ થશે? શું TCS એ તમારા માટે વધારાનો ખર્ચ થશે?
TCSએ TDSથી જુદું છે. પગાર, વ્યાવસાયિક ફી વગેરે જેવા કોઈ પણ આવકના સ્રોત પરથી જે કર કાપવામાં આવે છે એ TDS છે, જ્યારે TCS કોઈ પણ માલ/સેવાના વેચાણ વખતે વેચાણકર્તા દ્વારા કાપવામાં આવે છે. જોકે એ ખરીદનાર માટે વધારાની કિંમત નથી. આમાં ફક્ત તાત્પૂરતા વધારાના પૈસા આપણી પાસેથી બહાર જાય છે. આ વધારાની રકમને ઇન્કમ ટૅક્સની લાયાબિલિટી સામે સરભર કરી શકાય છે. જો વર્ષ દરમ્યાન કોઈ કર ચૂકવવાપાત્ર ન હોય તો તમે તમારું ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરો ત્યારે એના રીફન્ડ માટેનો દાવો કરી શકાય છે.
જો TCS એ વધારાનો ખર્ચો નથી તો પછી આ બદલાવની શું અસર થશે?
તમારે તમારાં નાણાંના પ્રવાહને વધુ સારી રીતે સંચાલિત કરવો પડશે. જો તમારે વિદેશી ચલણમાં ૧૦ લાખ રૂપિયા ખર્ચવા હોય તો તમારે એ ખર્ચ કરવા માટે ૧૨ લાખ રૂપિયાની તૈયારી રાખવી પડશે.
જો તમે તમારા આંતરરાષ્ટ્રીય બુકિંગને રદ કરો છો તો TCS પરત કરવામાં આવશે નહીં. જોકે તમારા આઇટીઆર ફાઇલ કરતી વખતે એનો દાવો કરી શકાશે.
તમારી આવક કરપાત્ર મર્યાદાથી નીચે હોવાને કારણે જો તમે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરતા હો તો પણ તમારે હવે TCSના રીફન્ડનો દાવો કરવા માટે રિટર્ન ફાઇલ કરવું જ પડશે.
ચુકવણીનો પ્રકાર |
ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૩ અગાઉનો દર |
પહેલી ઑક્ટોબર ૨૦૨૩થી લાગુ નવો દર |
LRS હેઠળ લોન દ્વારા કરેલા શિક્ષણ માટેનો ખર્ચ |
૭ લાખ રૂપિયા સુધી કંઈ નહીં ૭ લાખ રૂપિયાથી ઉપર માટે ૦.૫ ટકા |
૭ લાખ રૂપિયા સુધી કંઈ નહીં ૭ લાખ રૂપિયાથી ઉપર માટે ૦.૫ ટકા |
LRS હેઠળ તબીબી ઇલાજ/શિક્ષણ માટે (લોન વગર) |
૭ લાખ રૂપિયા સુધી કંઈ નહીં ૭ લાખ રૂપિયાથી ઉપર માટે ૫ ટકા |
૭ લાખ રૂપિયા સુધી કંઈ નહીં ૭ લાખ રૂપિયાથી ઉપર માટે ૫ ટકા |
LRS હેઠળ બીજા કોઈ હેતુ માટે |
૭ લાખ રૂપિયા સુધી કંઈ નહીં ૭ લાખ રૂપિયાથી ઉપર માટે ૫ ટકા |
૭ લાખ રૂપિયા સુધી કંઈ નહીં ૭ લાખ રૂપિયાથી ઉપર માટે ૨૦ ટકા |
વિદેશમાં ટૂર પ્રોગ્રામ પૅકેજ માટે |
૫ ટકા (કોઈ મર્યાદા વગર) |
૭ લાખ રૂપિયા સુધી ૫ ટકા, ત્યાર બાદ ૨૦ ટકા |

