ભારત અને પાકિસ્તાનની મેચને લઇને વિરાટ કોહલીએ આપ્યું મહત્વનું નિવેદન

Published: 14th June, 2019 15:54 IST | માન્ચેસ્ટર

છેલ્લે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. ત્યારે હવે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની હાઇવોલ્ટેજ મેચ માટે તૈયાર થઇ રહી છે. પાકિસ્તાન સામે ભારત 16મી જૂનના રોજ માનચેસ્ટરમાં રમશે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

માન્ચેસ્ટર : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ક્રિકેટ ચાહકો નિરાશ થઇ રહ્યા છે. જેનું મહત્વનું કારણ સતત આવતો વરસાદ છે. વરસાદના કારણે આ વખતે ઇતિહાસમાં પહેલીવાર એક જ વર્લ્ડ કપમાં ચાર મેચ રદ્દ થઇ છે. જેમાં છેલ્લે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. ત્યારે હવે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની હાઇવોલ્ટેજ મેચ માટે તૈયાર થઇ રહી છે. પાકિસ્તાન સામે ભારત 16મી જૂનના રોજ માનચેસ્ટરમાં રમશે. વરસાદના કારણે ન્યુઝીલેન્ડ સામેની મેચ રદ થતા ભારતીય સુકાની વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી. જો કે તેણે પોતાનું પૂરેપૂરું ફોકસ પાકિસ્તાન સામેની આગામી મેચ પર જમાવી દીધુ છે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચને લઇને કહ્યું કે "વર્ષોથી અમારા મુકાબલા પ્રતિસ્પર્ધી રહ્યાં છે. દુનિયાભરમાં લોકોને આ મેચમાં ઘણો રસ હોય છે અને આટલી મોટી મેચનો ભાગ હોવું એ ગર્વની વાત છે. તેમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ." તેણે કહ્યું કે "અમને ખબર છે કે અમારી માનસિક તૈયારી પૂરી છે. મેદાન  પર જઈને રણનીતિનો અમલ કરવાનો છે."

સરહદની આરપાર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોહલીએ કહ્યું કે "મેદાન પર ઉતરતા જ બધુ શાંત થઈ જાય છે. બહારથી માહોલ પહેલી નજરે ડરામણો દેખાય પરંતુ અંદર એવું કઈ હોતું નથી. અમે અમારી રણનીતિનો અમલ કરીશું."

મેચ રદ્દ થવાથી કોહલી નિરાશા
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થતા કોહલીએ નિરાશા વ્યક્ત કરી. ભારતીય કેપ્ટને કહ્યું કે ખેલાડીઓના દ્રષ્ટિકોણ અને પોઈન્ટ ટેબલ જોઈએ તો મેચ ન રમવી નિરાશાજનક છે. પરંતુ જ્યારે રમવા લાયક સ્થિતિ ન હોય તો મેદાન પર ન ઉતરવું જ સારું હોય છે. હાલ કોઈને ઈજા થાય તેવું નથી ઈચ્છતા. અમે અત્યારના સમયમાં સારું ક્રિકેટ રમીએ છીએ. આથી અમને ચિંતા નથી કે અમે પોઈન્ટ ટેબલમાં ક્યાં છીએ. 

આ પણ વાંચો : ભારત સામેની મૅચ પહેલાં અમારે ફીલ્ડિંગ સુધારવી પડશે : સરફરાઝ એહમદ

ધવનના અંગુઠા પર હજુ પ્લાસ્ટર છે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ઈજાગ્રસ્ત શિખર ધવન પર નજર રખાઈ રહી છે. થોડા દિવસો સુધી તેના અંગુઠામાં પ્લાસ્ટર રહેશે. ધવનને અંગુઠામાં ઈજા છે અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની નિગરાણીમાં છે. ટીમે હજુ સુધી તેના વિકલ્પની જાહેરાત નથી કરી કારણ કે ટીમને તેની વાપસીની આશા છે. કેપ્ટને એમ પણ કહ્યું કે ધવન સેમીફાઈનલ પહેલા ઠીક થઈ જશે તેવી આશા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK