ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ચૅરમૅન બ્રિજેશ પટેલે ગઈ કાલે જણાવ્યું હતું કે આગામી આઇપીએલ સીઝનમાં રમનારી કુલ આઠ ફ્રૅન્ચાઇઝીઓએ પોતાના રિટેન પ્લેયર્સ (જાળવી રાખનારા)નાં નામ ૨૧ જાન્યુઆરી સુધી સુપરત કરવાનાં રહેશે. પ્લેયર્સ રિટેન્શનની યાદી અમારી પાસે ૨૧ જાન્યુઆરી સુધી આવશે અને ટ્રેડિંગ વિન્ડો ચોથી ફેબુઆરીએ બંધ થશે. ફેબ્રુઆરીના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં આઇપીએલની ૧૪મી સીઝન માટેનું મિની ઑક્શન યોજાઈ શકે છે. આઇપીએલની આઠ ટીમ ૮૫ કરોડ રૂપિયા સુધીના પ્લેયર્સ ખરીદી શકશે અને આગામી સીઝન માટે બજેટમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે.
ભારતીય ક્રિકેટ બોર્ડના મતે કોરોનાને લીધે આઇપીએલની આગામી સીઝન વિશે કોઈ પણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં તેઓ એક મહિનો રાહ જોશે. કોવિડને કારણે થનારી પરિસ્થિતિ જોયા બાદ જ આઇપીએલ ક્યાં યોજવી અે માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે.